સ્વતંત્રતાદિવસ : ભારતની આઝાદીની એ લડાઈ, જેને હવે ભણશે અમેરિકન બાળકો

    • લેેખક, ટીમ બીબીસી હિન્દી
    • પદ, નવી દિલ્હી

ભારતની આઝાદીની લડતનો એક ભાગ રહેલી ગદર પાર્ટીનો ઇતિહાસ હવે અમેરિકાનાં બાળકો ભણશે.

પાર્ટીનાં 105 વર્ષ પૂરાં થયાં બાદ ઓરેગૉન રાજ્યમાં આયોજિત કરવામાં આવેલા એક સમારંભમાં આની ઘોષણા કરવામાં આવી હતી.

અસ્ટોરિયા શહેરમાં આયોજિત એક કાર્યક્રમમાં સરકારી અધિકારીઓએ જણાવ્યું કે ગદર પાર્ટીનો ઇતિહાસ હવે શાળાઓમાં ભણાવવામાં આવશે.

કાર્યક્રમનું આયોજન ગદર મેમોરિયલ ફાઉંડેશન ઑફ અસ્ટોરિયાએ કર્યું હતું.

શું હતી ગદર પાર્ટી?

ગદર પાર્ટી, સામ્રાજ્યવાદની વિરુદ્ધ સશસ્ત્ર લડતની જાહેરાત કરનાર અને ભારતની સંપૂર્ણ આઝાદીની માંગણી કરનારી રાજકીય પાર્ટી હતી. જે કૅનેડા અને અમેરિકામાં આવી વસેલા ભારતીયોએ વર્ષ 1913માં બનાવી હતી.

એના સ્થાપક અધ્યક્ષ સરદાર સોહન સિંહ ભાકના હતા. પાર્ટીનું મુખ્ય મથક સાન ફ્રાન્સિસ્કોમાં હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પાર્ટી પાછળ લાલા હરદયાલનું મગજ હતું, જેમની ઇંગ્લૅન્ડની ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાંથી સ્વતંત્રતા ચળવળ સાથે જોડાયેલી પ્રવૃતિઓ ચલાવવાના આરોપસર હકાલપટ્ટી કરવામાં આવી હતી.

ત્યારબાદ તેઓ અમેરિકા ગયા હતા. એમણે, ત્યાં રહેતા ભારતીયોને એકઠા કરીને ગદર પાર્ટીની સ્થાપના કરી હતી.

પાર્ટીનાં મોટા ભાગના સભ્યો પંજાબનાં પૂર્વ સૈનિક અને ખેડૂતો હતા જેઓ ઉમદા જીવનની શોધમાં અમેરિકા આવ્યા હતા.

શું હતી સમગ્ર ઘટના?

ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે પાર્ટીએ હિંદી અને ઉર્દૂમાં 'હિંદુસ્તાન ગદર' નામનું સમાચાર પત્ર પણ કાઢ્યું હતું. તેઓ આને વિદેશમાં રહેતા ભારતીયોને મોકલતા હતા.

વર્ષ 1914માં 376 ભારતીઓ દુષ્કાળ અને બ્રિટનનાં શાસનથી કંટાળીને રોજગારની શોધમાં કોમાગાટા મારૂ જહાજ મારફતે કૅનેડા જઈ રહ્યા હતા.

જહાજને ગદર પાર્ટી સાથે જોડાયેલા ગુરદીત સિંહે ભાડે લીધું હતું. એ સમયે કેનેડામાં બહારથી આવતા ભારતીયો માટે કાયદા કડક બનાવવામાં આવી રહ્યા હતા. આ કાયદા અંગ્રેજોનાં કહેવાથી કડક બનાવવામાં હતા.

કોમાગાટા મારૂમાં સવાર 376 ભારતીય મુસાફરોમાંથી માત્ર 24 ને જ, કૅનેડા સરકારે વૅનકુંવરમાં ઊતરવાની મંજૂરી આપી હતી.

ભારતમાં ગદર આંદોલન

ગદર પાર્ટીનાં દબાણ છતાંય જહાજને પાછું ભારત મોકલી દેવામાં આવ્યું. લગભગ છ મહિના દરિયામાં રખડ્યા બાદ આ જહાજ કોલકતા પહોંચ્યું.

કોલકતા પહોંચ્યા બાદ જહાજમાં સવાર લોકોને પંજાબ પાછા ફરવા જણાવવામાં આવ્યું પણ આ લોકોએ એની ના પાડી દીધી.

29 સપ્ટેમ્બર 1914ના રોજ બાબા ગુરદીત સિંહ અને અન્ય નેતાઓની ધરપકડ કરવા માટે જહાજ પર પોલીસ મોકલવામાં આવી. જહાજ પર સવાર લોકોએ આનો વિરોધ કર્યો.

પ્રથમ વિશ્વ યુધ્ધમાં અટવાયેલી અને ગદર પાર્ટીની યોજનાઓથી પરેશાન અંગ્રેજ સરકારે યાત્રીઓ પર ગોળીબાર કર્યો જેમાં 18 યાત્રીઓ માર્યાં ગયા હતા.

આ ઘટના બાદ ભારતમાં ગદર આંદોલનની શરૂઆત થઈ. પાર્ટીનો હેતુ બ્રિટિશ શાસન વિરુદ્ધ ચળવળ કરી એમની હત્યાનો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો