અમેરિકાની ચૂંટણીની ભારત પર કેવી અસર થશે? ચીન અને રશિયાની ચૂંટણી પર કેમ નજર છે?

જ્યારે પણ અમેરિકાના લોકો તેમના રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે ત્યારે દુનિયાભરની નજર તેમના પર મંડાયેલી હોય છે.

અમેરિકી વિદેશનીતિ અને વ્હાઇટ હાઉસના નિર્ણયોથી દુનિયાભરના અલગ-અલગ દેશો પર તેનો પ્રભાવ પડે છે.

એટલા માટે જ્યારે 28મી જૂને જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી ડિબેટ થઈ ત્યારે નિશ્ચિતપણે તેમાં દુનિયાભરમાં અમેરિકા પ્રભાવની ભૂમિકા જોવા મળી. પરંતુ આ ચૂંટણીની અસર યુક્રેન, ઇઝરાયલ અને ગાઝા પર જ થશે એવું માનવું ભૂલભરેલું છે.

બીબીસીના વિદેશ મામલાના આઠ સંવાદદાતાઓએ જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થનારી આ ચૂંટણીને લઈને દુનિયાભરમાં કેવી ચર્ચા છે તેનો ચિતાર મેળવવાનો પ્રયત્ન કર્યો.

ભારતને પરિણામોથી કોઈ મોટા બદલાવની આશા?

સમીરા હુસૈન, દિલ્હી સંવાદદાતા

અમેરિકાની નજરમાં ભારતની ભૂમિકા મહત્ત્વની છે. કારણ કે અમેરિકા ભારતને પોતાના ભૂરાજકીય સહયોગી તરીકે અને ચીનના વિકલ્પ અને સમકક્ષ તરીકે જુએ છે.

ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થાવાળો દેશ પણ છે. ભારતે 2030 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે.

હાલમાં જ લોકસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી ત્રીજીવાર ભારતના વડા પ્રધાન બન્યા છે.

જોકે, સ્થાનિક સ્તરે લોકશાહીને ખતમ કરવા અને અર્થવ્યવસ્થાને લઈને ખોટી જાણકારી આપવાના આરોપોને લઈને સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો છે. પરંતુ આ બધી બાબતોની ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ ખાસ અસર જોવા મળી નથી.

વૈશ્વિક દૃષ્ટિકોણથી પણ જોવામાં આવે તો અમેરિકી ચૂંટણીની ભારત પર વધુ અસર થવાની સંભાવના દેખાતી નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બંને ઉમેદવારો ટ્રમ્પ અને બાઇડને તેમની પ્રાથમિકતા વિશે સ્પષ્ટીકરણ આપી દીધું છે.

જો બાઇડન રાષ્ટ્રપતિ બને તો ભારત અને અમેરિકા વચ્ચે જેવા સંબંધો હાલમાં છે તેવા જ સંબંધો રહેવાની આશા છે.

તેનો મતલબ એ છે કે બંને દેશો વચ્ચેના કારોબારી સંબંધો યથાવત્ જ રહેશે.

ગત વર્ષે તેમના અધિકૃત અમેરિકી પ્રવાસ દરમિયાન વડા પ્રધાન મોદીનું રેડ કાર્પેટ વેલકમ થયું હતું.

મોદીને અમેરિકી કૉંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરવાની તક મળી હતી.

જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાય તો પણ ભારત અને અમેરિકાના સંબધોમાં કોઈ મોટો બદલાવ જોવા નહીં મળે.

જોકે, એવી સંભાવના છે કે બંને દેશો વચ્ચે વાતચીતના સ્તરે નાનામોટા ફેરફારો જોવા મળી શકે છે.

ટ્રમ્પ હાલમાં જ મોદીનાં વખાણ કરી ચૂક્યાં છે. વર્ષ 2020માં ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી સાથે ગુજરાતપ્રવાસ કરી ચૂક્યા છે જ્યાં હજારો લોકોએ તેમનું સ્વાગત કર્યુ હતું.

એવામાં એમ કહી શકાય કે અમેરિકી ચૂંટણીનાં પરિણામો જે પણ આવે, ભારત માટે પરિસ્થિતિઓમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.

રશિયા કોને રાષ્ટ્રપતિપદે જોવા ઇચ્છે છે?

સ્ટીવ રૉઝનબર્ગ, ઍડિટર, બીબીસી રશિયન સેવા, મૉસ્કો

જો કોઈ વ્યક્તિ પોતાને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જગ્યાએ રાખે અને વિચારે કે તે અમેરિકાના રાષ્ટ્રપતિપદે કોને જોવા ઇચ્છશે?

એ સ્પષ્ટ છે કે એ વ્યક્તિ એવા માણસને તો બિલકુલ રાષ્ટ્રપતિપદે નહીં ઇચ્છે કે જેણે પુતિનને હત્યારા કહ્યા હોય અને યુક્રેનનો સાથ આપવાની કસમ ખાધી હોય. અહીં વાત જૉ બાઇડનની થઈ રહી છે.

ટ્રમ્પે તો યુક્રેનને આપવામાં આવી રહેલી મદદની પણ ટીકા કરી હતી.

ટ્રમ્પનું કહેવું હતું કે નાટોનો સદસ્ય દેશ યુક્રેન ડીફેન્સ સંબંધિત ખર્ચની જોગવાઈને માનતો નથી. રશિયાને એ દેશ સાથે જે પણ કરવું હોય તેનો તેને અધિકાર છે.

જોકે, કાયમ દુનિયાને ચોંકાવનારા પુતિન ઑન રેકૉર્ડ એવું કહી ચૂકેલા છે કે તેઓ વ્હાઇટ હાઉસમાં બાઇડનને જોવા વધારે પસંદ કરશે. કારણ કે બાઇડનના નિર્ણયો વિશે અનુમાન લગાવવું વધુ સરળ હોય છે. જોકે, મોટા ભાગના લોકો પુતિને બાઇડન પર આપેલા આ નિવેદનને કટાક્ષ જ ગણે છે.

નાટો અને યુક્રેનને શંકાની નજરે જોનારા ટ્રમ્પ પાસેથી રશિયા એમ પણ કંઈ ખાસ અપેક્ષા રાખી શકે તેમ નથી. આનું કારણ એ છે કે તેનાથી રશિયાનું ભાગ્યે જ ભલું થશે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ રશિયાને નિરાશા જ હાથ લાગી હતી.

2016માં એક રશિયન અધિકારીએ બીબીસી રશિયન સેવાના સંપાદક સ્ટીવ રૉઝનબર્ગ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે સિગરેટ અને શૅમ્પેઇનની બૉટલ સાથે ટ્રમ્પની જીતની ઉજવણી કરી હતી. પરંતુ તેમની ઉજવણીની આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. રશિયન અધિકારીઓએ રશિયા-યુએસ સંબંધોમાં સુધારાની આશા વ્યક્ત કરી હતી. જોકે, આ દિશામાં કંઈ નોંધપાત્ર થઈ શક્યું ન હતું.

એવી અટકળો છે કે ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં રશિયાને નિરાશ નહીં કરે. જોકે, અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં કોઈ પણ જીતે, પરંતુ ચૂંટણી પછી રશિયા રાજકીય અસ્થિરતા અને ધ્રુવીકરણના સંકેતો પર બારીક નજર રાખીને તેનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે.

અમેરિકા અને ચીન વચ્ચે તકરાર અટકશે કે વધશે?

લૌરા બિકર, બેઇજિંગ, ચીન સંવાદદાતા

બાઇડન હોય કે ટ્રમ્પ, બંનેનું ચીન પ્રત્યેનું વલણ સખત જ છે. ચીનને લઈને બંનેની આર્થિક નીતિઓ એકસમાન છે. બંનેની નીતિઓમાં સસ્તાં ચીની ઉત્પાદનો પર ટેક્સ વધારવાની વાત સામેલ છે. પરંતુ ચીનના ક્ષેત્રીય પ્રભાવનો સામનો કરવાની રીત જોઈએ તો બંનેની રીત અલગ છે.

બાઇડને ચીનના પ્રભાવક્ષેત્રમાં પોતાના સંબંધોને મજબૂત કર્યા છે. તેમને એવી આશા છે કે એક સંયુક્ત ફ્રન્ટ ઝડપથી આગળ વધી રહેલા ચીનને આકરો સંદેશ આપશે. જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પ તેમની ‘બેસ્ટ ડીલ’ પૉલિસીને અપનાવી રહ્યા હતા.

તેમણે વધુ પૈસા વસૂલવા માટે દક્ષિણ કોરિયાથી અમેરિકી સૈનિકોને હઠાવવાની ધમકી આપી હતી. બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જો કોઈ સૌથી મોટું નીતિગત અંતર હોય તો એ તાઇવાને લઈને તેમનું વલણ છે.

અનેક વાર બાઇડને શી જિનપિંગની તાઇવાનને ચીનમાં ભેળવી દેવાની કોશિશોને લઈને તાઈવાનનો સાથ આપવાનું વચન આપ્યું છે.

બાઇડને કહ્યું હતું કે જો જરૂર પડી તો અમે તેના માટે બળપ્રયોગ પણ કરીશું. પરંતુ જો આ મુદ્દે ટ્રમ્પનું વલણ જોઈએ તો તેમણે તાઇવાન પર અમેરિકી વ્યવસાયોને નબળાં પાડવાનો આરોપ લગાવ્યો છે. તેમણે તાઇવાનને અમેરિકી સહાયતા આપનાર બિલનો વિરોધ કર્યો છે. જેના કારણે એ સવાલ યથાવત્ છે કે શું તેઓ જરૂર પડ્યે તાઇવાનની સહાયતા માટે રાજી થશે?

ચીન અનુસાર, ટ્રમ્પ ચીની ક્ષેત્રમાં અમેરિકાના સહયોગીઓને વધુ નબળાં કે વિભાજિત કરી શકે છે. પરંતુ તેમના નિર્ણયોથી ટ્રેડ વૉરનો ખતરો પણ પેદા થઈ શકે છે.

જોકે, બાઇડન બીજીવાર રાષ્ટ્રપતિ બનશે તોપણ ચીન વધારે ખુશ નહીં થાય.

ચીનના દૃષ્ટિકોણથી જોઈએ તો બાઇડન બીજી વખત જીતશે તો તેમના કારણે એક નવું જ કૉલ્ડ વૉર શરૂ થઈ શકે છે.

પરિણામો યુક્રેન માટે અતિશય મહત્ત્વનાં

ગૉર્ડેન કોરેરા, ડીફેન્સ સંવાદદતા, કીવ

અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીની સૌથી વધુ અસર જો કોઈ એક દેશ પર થશે તો એ યુક્રેન છે.

દરેક લોકો જાણે છે કે યુક્રેનના યુદ્ધમાં પૈસૈ અને હથિયારોની અમેરિકા તરફથી મળતી મદદ કેટલી જરૂરી અને મહત્ત્વની છે.

જોકે, કેટલાક લોકોનું એ પણ માનવું છે કે તેમાં કશું ઓછું પડશે તો યુરોપ તરફથી મદદ મળશે. પરંતુ યુક્રેનમાં મોટા ભાગના લોકોનો રસ અમેરિકન ચૂંટણીમાં જોવા મળી રહ્યો નથી. એક યુક્રેની નાગરિકે તેનું કારણ દર્શાવતાં કહ્યું હતું કે નવેમ્બર મહિનાને હજુ ઘણી વાર છે. યુક્રેનના લોકોને મોટી ચિંતા રશિયાના ગ્લાઇડ બૉમ્બ હુમલાને લઈને છે. ત્યાંના લોકોને એ વાતની પણ ચિંતા છે કે શું યુક્રેનની સેના રશિયાની આગળ વધતી સેનાને રોકી શકશે કે નહીં?

યુક્રેનના લોકો એ જાણે છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં યુક્રેનના સંદર્ભમાં કેવી વાતો થઈ રહી છે.

યુક્રેનના લોકો અને વિશેષજ્ઞો બંને એ વાત જાણે છે કે ટ્રમ્પ આ યુદ્ધને ખતમ કરવાના પક્ષધર છે અને યુક્રેનને આપવામાં આવી રહેલી સહાયતા ઓછી કરવાના પક્ષમાં છે.

કેટલાક લોકોને એ વાતનો પણ ડર છે કે ટ્રમ્પ એ યુક્રેનને એવા સોદા માટે પણ મજબૂર કરી શકે છે જે દેશના લોકોને પસંદ ન આવે.

વિશેષજ્ઞોનું માનવું છે કે ટ્રમ્પ જીતે કે બાઇડન, યુક્રેન માટે એ જ વાત મહત્ત્વની છે કે નવા ચૂંટાનાર રાષ્ટ્રપતિ યુદ્ધમાં ફસાયેલા આ દેશ માટે શું નિર્ણય કરે છે?

જો બાઇડન જીતશે તો પણ યુક્રેનની તકલીફો ઓછી થવાની નથી.

યુક્રેનનું આ ચૂંટણીમાં ઘણુંબધું દાવ પર લાગેલું છે પરંતુ આ ચૂંટણીમાં તેની ભૂમિકા માત્ર એક દર્શકની છે. જોકે, યુક્રેનના લોકોએ અનિશ્ચિતતાઓ સાથે જીવતા શીખી લીધું છે.

બ્રિટન માટે પણ ચિંતા ઓછી નથી

જૅમ્સ લૅન્ડલ, ડિપ્લોમૅટિક સંવાદદાતા

બ્રિટિશ સરકાર અમેરિકન ચૂંટણીને થોડી આશંકાની નજરે જોઈ રહી છે. અમુક અંશે અમેરિકાના સંભવિત નિર્ણયોને લઈને બ્રિટનમાં ગભરાટ છે જેની અસર બ્રિટન પર જોવા મળશે.

શું ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પરત ફરવાથી યુક્રેન માટે અમેરિકી સૈન્યસમર્થન નબળું પડશે અને શું અમેરિકા વ્લાદિમીર પુતિનની નજીક આવશે? શું તેઓ નાટો લશ્કરી જોડાણને લઈને યુરોપ સાથે બીજી લડાઈ શરૂ કરશે? શું તેઓ ચીન સાથે વેપાર યુદ્ધ છેડશે?

જો રાષ્ટ્રપતિ બાઇડનને બીજી ટર્મ મળે તો તેઓ શું અમેરિકામાં અલગતાવાદ અને સંરક્ષણવાદ વધારશે? શું તેઓ આગામી ચાર વર્ષ સુધી આ ભૂમિકા માટે શારીરિક રીતે તૈયાર છે?

અમેરિકી ચૂંટણી અને બંને ઉમેદવારો સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો છે જેનાથી બ્રિટન ચિંતિત છે.

બ્રિટનમાં એવી આશંકા છે કે પાંચમી નવેમ્બરના રોજ ખૂબ નજીકનાં ચૂંટણી પરિણામો આવી શકે છે. આ પરિણામોને ઘણા અમેરિકન મતદારો કાયદેસર રીતે સ્વીકારશે નહીં. આવી પરિસ્થિતિમાં જાન્યુઆરી 2021માં વોશિંગ્ટનમાં થયેલી હિંસા કરતાં પણ વધુ ખરાબ હિંસા થઈ શકે છે.

અમેરિકન લોકશાહીની કટોકટી એ અમેરિકાના વૈશ્વિક નેતૃત્ત્વવાળા દબદબાને નુકસાન પહોંચાડી શકે છે અને વિશ્વભરમાં નિરંકુશતાને પ્રોત્સાહન આપી શકે છે.

આ બધી શક્યતાઓને કારણે બ્રિટનમાં બંને મુખ્ય પક્ષોના રાજકારણીઓને ચિંતા થઈ શકે છે. કારણ કે બ્રિટનમાં પણ ચોથી જુલાઈએ વડા પ્રધાનની ચૂંટણી છે.

શું તેઓ લોકતાંત્રિક મૂલ્યોનું સમર્થન કરનારી વ્યક્તિને ચૂંટશે કે તેમના પરંપરાગત સહયોગીની નજીક રહેશે?

શું તેમણે કોઈ મોટા મુદ્દા પર અમેરિકા અને યુરોપ વચ્ચે પસંદગી કરવી પડશે? અમેરિકી ચૂંટણીએ ઝડપથી અનિશ્ચિત થતી દુનિયામાં બ્રિટન માટે વધુ અનિશ્ચિતતા પેદા કરી દીધી છે.

ટ્રમ્પને મળી રહ્યો છે યહૂદીઓનો ભરપૂર સાથ

યોલાન્દે નેલ, મિડલ ઇસ્ટ સંવાદદાતા

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની સૌથી વધુ અસર મધ્યપૂર્વના ખાડીદેશોમાં થશે એ નક્કી છે. જેના કારણે આ દેશોમાં રાષ્ટ્રપતિચૂંટણીને લોકો બારીક નજરે જોઈ રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઇડને 7 ઑક્ટોબરે થયેલા હુમલા પછી ઇઝરાયલનું મજબૂતીથી સમર્થન કર્યું છે.

સશસ્ત્ર સંઘર્ષના કઠોર ટીકાકાર હોવા છતાં અને મોટી સંખ્યામાં પેલેસ્ટાઇનના નાગરિકોનાં મૃત્યુ પછી પણ બાઇડને ઇઝરાયલને સૈન્ય હથિયારો આપવાનું શરૂ રાખ્યું હતું. જોકે, તેમ છતાં પણ સર્વેક્ષણોમાં એ સતત સામે આવતું રહ્યું છે કે મોટા ભાગના યહૂદી લોકો બાઇડનની સરખામણીમાં ટ્રમ્પને ઇઝરાયલ માટે વધુ સારા ગણે છે.

મોટા ભાગના ઇઝરાયલી લોકો બાઇડનની યુદ્ધ સંબંધી નીતિઓ સાથે સહમત નથી પરંતુ પેલેસ્ટિનિયનો અનુસાર, બાઇડને તેમની તકલીફોને નજરઅંદાજ કરી છે.

ઇઝરાયલના લોકો એ વાત યાદ કરે છે કે ટ્રમ્પે કઈ રીતે જેરૂસલેમને અધિકૃત રીતે માન્યતા આપી હતી અને આરબ દેશો સાથે કૂટનીતિક સંબંધોની શરૂઆત કરાવી હતી.

ટ્રમ્પે ગાઝામાં યુદ્ધનું સમર્થન કર્યું છે પણ આ સાથે જ ઇઝરાયલને જલદી જ યુદ્ધમાંથી બહાર નીકળવાની અપીલ કરી છે. તેમના અનુસાર, તેના કારણે ઇઝરાયલની છબીને નુકસાન થઈ રહ્યું છે.

જ્યારે બીજી તરફ પેલેસ્ટિનિયન નાગરિકોને બાઇડનના બીજા કાર્યકાળથી થોડી આશા છે. પેલેસ્ટિનિયન લોકો અનુસાર, ટ્રમ્પના આવવાથી તેમની મુશ્કેલી વધશે.

ટ્રમ્પે એલાન કર્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ પેલેસ્ટિનિયનોને અપાતી આર્થિક સહાય બંધ કરી દેશે.

ભવિષ્યની દૃષ્ટિએ જોઈએ તો પણ બાઇડન બે દેશના ફૉર્મ્યૂલાનું સમર્થન કરે છે. આ જ શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય ફૉર્મ્યૂલા પણ છે. પણ એ હાંસલ કેવી રીતે થશે તેને લઈને તેમણે કોઈ નક્કર યોજના રજૂ કરી નથી. જ્યારે ટ્રમ્પ એક દેશ તરીકે સ્વતંત્ર પેલેસ્ટાઇનની રચના પર સવાલ ઉઠાવતા રહ્યા છે.

સામાન્ય રીતે એ અનુમાન લગાવી શકીએ કે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ એ વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પનું પુનરાગમન ઇચ્છશે.

મૅક્સિકોના લોકોને હજુ ખૂંચે છે ટ્રમ્પનાં ઉશ્કેરણીજનક નિવેદનો

વિલ ગ્રાન્ટ, મૅક્સિકો સંવાદદાતા

મૅક્સિકોના લોકોએ હાલમાં જ ઇતિહાસ રચતા પહેલીવાર કોઈ મહિલાને રાષ્ટ્રપતિની ખુરશી પર બેસાડ્યાં છે.

ક્લાઉડિયા શીનબામને દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યાં છે.

તેમના નજીકના સહયોગી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૈન્યુઅલ લોપેઝ ઑબ્રેડોરે ડૉનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન અભૂતપૂર્વ ભાગીદારી કરી હતી.

બાઇડન સાથે મૅક્સિકોના સંબંધો છાશવારે તણાવપૂર્ણ રહ્યા છે. પરંતુ બંને પાડોશી દેશોએ ઇમિગ્રેશન અને સરહદ પાર વેપાર જેવાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સતત કામ કર્યું છે.

એકવાર સત્તામાં આવ્યા બાદ શીનબામ પર પણ એ સાબિત કરવાનું દબાણ છે કે તેઓ માત્ર પહેલાંની સરકારનાં ઉત્તરાધિકારી નથી, પણ તેઓ અમેરિકા સાથેના સંબંધોને વધુ ઉંચાઈએ લઈ જઈ શકે છે.

શીનબામ પાસે બાઇડન કે ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન અમેરિકા સાથેના સંબંધો માટે પૂર્વવર્તી સરકારોથી હઠીને કંઈક અલગ વિચારવાનો વિકલ્પ છે.

ચૂંટણી દરમિયાન ક્લાઉડિયા શીનબામે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે તેઓ વ્હાઇટ હાઉસમાં કોઈપણ વ્યક્તિ ચૂંટાય તેને લઈને બેફિકર છે.

તેમણે કહ્યું, “હું મૅક્સિકોના નાગરિકો માટે લડીશ.”

જોકે, મૅક્સિકોના નાગરિક ટ્રમ્પને ઉદાસ થઈને યાદ કરે છે. કારણ કે 2016માં ટ્રમ્પે તેમના ચૂંટણીપ્રચારની શરૂઆત કરતી વખતે મૅક્સિકોના પ્રવાસીઓ માટે, “ડ્રગ ડીલર, અપરાધી અને બળાત્કારી” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. એ વાત અનેક લોકોને આજે પણ પરેશાન કરે છે.

કૅનેડા માટે અબજો રૂપિયાનો વેપાર દાવ પર

જેસિકા મર્ફી, બીબીસી ન્યૂઝ, ટૉરન્ટો

અમેરિકાના ઉત્તરી પાડોશી દેશ કૅનેડાને ડૉનાલ્ડ ટ્રમ્પના બીજી વખત રાષ્ટ્રપતિ બનવા અંગે કેટલીક ચિંતાઓ છે. ટ્રમ્પ કૅનેડામાં ક્યારેય પ્રખ્યાત નથી રહ્યા.

આ વર્ષની શરૂઆતમાં એક સર્વે દરમિયાન એવું પણ બહાર આવ્યું હતું કે ટ્રમ્પના આગામી ચાર વર્ષ દરમિયાન અમેરિકન લોકશાહી ટકી શકશે નહીં.

ટ્રમ્પ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ અમેરિકા અને કૅનેડાના સંબંધો પર ઘણું દબાણ જોવા મળ્યું હતું.

જોકે, નૉર્થ અમેરિકન ટ્રૅડ અગ્રીમૅન્ટ સહિતના કેટલાક મુદ્દા કૅનેડાની તરફેણમાં હતા.

નવેમ્બરમાં અમેરિકી ચૂંટણીઓ ઝડપથી નજીક આવી રહી છે, ત્યારે કૅનેડાના રાજકીય અને વેપારી વર્ગોના લોકો પહેલેથી જ વધુ વ્યાપારિક ઊથલપાથલ માટે તૈયારી કરી રહ્યા છે.

બંને દેશો ખાસ કરીને આર્થિક રીતે કેટલા નજીકથી જોડાયેલા છે તે કહેવું મુશ્કેલ છે. વર્ષ 2023માં બંને દેશો વચ્ચે દરરોજ લગભગ 2.6 બિલિયન ડૉલરનો વેપાર થયો હતો.

આથી વેપાર કરારોની યોજનાબદ્ધ ઔપચારિક સમીક્ષા અને આયાતિત વસ્તુઓ પર દુનિયાભરમાં ટૅક્સ લગાવવા સંબંધિત ટ્રમ્પનું અભિયાન- આ બંને વસ્તુઓ કૅનેડા માટે ચિંતાનું કારણ બન્યા છે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ "ટીમ કૅનેડા" પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેના હેઠળ કૅનેડાનાં મૂલ્યોને ખાનગી અને સાર્વજનિક રૂપે પ્રોત્સાહન આપવાના હેતુથી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજકારણીઓ, રાજદૂતો અને વ્યાવસાયિક લીડર્સને મોકલવામાં આવે છે.

આવી જ એક યોજના ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન સફળ રહી હતી. ટ્રુડોએ કહ્યું કે તેમનો દેશ અમેરિકી ચૂંટણીનાં પરિણામનો સામનો કરવા માટે તૈયાર રહેશે.