પુતિન અને કિમ જોંગ ઉનની 'મિત્રતા'ને ચીન કેમ કાબુમાં રાખવા માગે છે?

    • લેેખક, લૉરા બિકર
    • પદ, ચીન સંવાદદાતા, બીબીસી ન્યુઝ

સવારે ત્રણ વાગ્યે ઍરપૉર્ટ પર ઉષ્માભર્યું આલિંગન, ઘોડા પર સવાર સૈનિકો દ્વારા ગાર્ડ ઑફ ઑનર અને પાટનગર પ્યોંગયાંગના મધ્યમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની મોટી તસવીરો એકસાથે જોવા મળી.

લાગતું હતું કે આ બધું પશ્ચિમના દેશોને હેરાન કરવા માટે કરવામાં આવ્યું હતું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2000માં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતા. આટલા લાંબા સમય બાદ આ યાત્રા બંને દેશો માટે એક તક સમાન હતી જેથી તેઓ વિશ્વની સમક્ષ પોતાની 'મિત્રતા'નો મોટા ઉપાડે દેખાડો કરી શકે.

પરંતુ આ માત્ર દેખાડો કરવા પૂરતી વાત નહોતી. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને જાહેરાત કરી છે કે તેઓ યુક્રેન યુદ્ધમાં રશિયાને સંપૂર્ણ સમર્થન આપે છે.

આ બેઠક અને તેમાં કરાયેલી જાહેરાતમાં દક્ષિણ કોરિયા, અમેરિકા અને યુરોપિયન યુનિયનને મોટું જોખમ દેખાઈ રહ્યું છે.

જોકે, હકીકત એ છે કે બંને નેતાઓને લાગે છે કે તેમને એકબીજાની જરૂર છે. પુતિનને યુદ્ધ ચાલુ રાખવા માટે દારૂગોળાની જરૂર છે અને ઉત્તર કોરિયાને પૈસાની જરૂર છે.

પરંતુ ઉત્તર કોરિયા પાસે આ સંરક્ષણ ક્ષેત્રમાં પોતાની શક્તિ નથી.

પુતિન અને કિમ જોંગ ઉન ચીનની મદદથી મિત્રતા કરી રહ્યા છે અને એટલા માટે બંને નેતાઓ ચીનને નારાજ કરવા માંગતા નથી. કારણકે બંને દેશો પર લાદવામાં આવેલાં પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે વેપાર અને પ્રભાવ જાળવવા માટે ચીન એક મહત્ત્વનો સ્ત્રોત છે.

પુતિન ભલે કિમ જોંગ ઉન સાથેની ગાઢ મિત્રતાના વખાણ કરતા હોય પરંતુ તેમને એ ખબર હોવી જોઈએ કે આ મિત્રતાને એક મર્યાદા નડે છે. આ મર્યાદા અન્ય કોઈની નહીં પરંતુ ખુદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની છે.

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

ચીનની નજર

કેટલાક એ પ્રકારના સંકેતો મળી રહ્યા છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના આ બંને સાથીઓના નજીક આવવાથી બહુ ખુશ નથી.

મે મહિનામાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ પુતિનને મળ્યા હતા. રિપોર્ટ અનુસાર આ બેઠક બાદ પુતિનને વિંનતી કરવામાં આવી હતી કે તેઓ બેઠક બાદ સીધા ઉત્તર કોરિયા ન જાય.

એવું અનુમાન છે કે પુતિનના પ્રવાસમાં ઉત્તર કોરિયાને સામેલ કરવાનો વિચાર ચીનના અધિકારીઓને પસંદ આવ્યો નથી.

અમેરિકા અને યુરોપ લાંબા સમથી ચીનના રાષ્ટ્રપતિને દબાણ કરી રહ્યા છે કે તેઓ રશિયાનું સર્મથન કરવાનું બંધ કરે અને સાથે રશિયાને એ ચીજવસ્તુઓ ન આપે જે યુક્રેન યુદ્ધને વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

શી જિનપિંગ આ ચેતવણીઓને અવગણી શકે નહીં. જે રીતે વિશ્વને ચીનની ચીજવસ્તુઓની જરૂર છે તેવી રીતે ચીનની પણ જરૂરિયાત છે કે તે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહે, દેશમાં વિદેશી પ્રવાસીઓ આવતા રહે અને રોકાણ આવતું રહે.

આ જ કારણ છે કે ચીન હવે યુરોપના કેટલાક દેશો તેમજ થાઈલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાથી આવતા લોકોને વિઝા ફ્રી ટ્રાવેલ ઑફર કરી રહ્યું છે. એટલું જ નહીં ફરી એકવાર વિદેશી પ્રાણી સંગ્રહાલયમાં પાંડા મોકલવામાં આવી રહ્યાં છે.

ચીનના મહત્વાકાંક્ષી નેતા શી જિનપિંગ માટે ધારણાઓ મહત્ત્વની છે કારણ કે તેઓ એક મોટી વૈશ્વિક ભૂમિકા ભજવવા માંગે છે તેમની સ્પર્ધા સીધી અમેરિકા સાથે છે.

એક વાત તો નક્કી છે કે તેઓ પોતાની જાતને એવી વ્યક્તિ તરીકે નથી જોતા જેમનો બહિષ્કાર કરવામાં આવે. તેઓ પશ્ચિમી દેશોના નવા દબાણનો સામનો પણ કરવા માંગતા નથી.

આ દબાણો છતાં ચીને રશિયા સાથે પોતાના સંબંધોને સાચવી રાખ્યા છે. જો કે શી જિનપિંગે હજુ સુધી યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરી નથી, પરંતુ તેમણે આ યુદ્ધમાં રશિયાને કોઈ મોટી સૈન્ય સહાય પણ મોકલી નથી.

મે મહિનામાં રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિએ ખૂબ જ સાવચેતીભર્યું નિવેદન આપ્યું હતું. બીજી તરફ પુતિન તેમના વખાણ કરતા જોવા મળ્યા હતા.

કિમ જોંગ ઉનના પરમાણુ હથિયારો વધારવાના પ્રયાસોનું ચીન સમર્થન કરતું આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના પ્રતિબંધોને અટકાવવા માટે ચીને વાંરવાર પ્રયાસ કર્યો છે. જો કે, શી જિનપિંગ કિમ જોંગ ઉનના આ વલણના પ્રશંસક રહ્યા નથી.

ઉત્તર કોરિયા વારંવાર શસ્ત્રોનું પરીક્ષણ કરે છે. આ જ કારણ છે કે જાપાન અને દક્ષિણ કોરિયા અમેરિકા સાથેનો પોતાનો કડવો ઇતિહાસ ભૂલીને એકબીજાની નજીક આવી ગયાં છે.

જ્યારે પણ ઘર્ષણ વધે છે ત્યારે પ્રશાંત મહાસાગરમાં વધુ અમેરિકન યુદ્ધ જહાજો દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં ચીનને 'ઇસ્ટ એશિયન નાટો'ની રચવાની શક્યતાઓથી ડર લાગવા માંડે છે.

શું રશિયા તેના નિર્ણય પર પુનર્વિચાર કરશે?

ચીનની નારાજગી રશિયાને ઉત્તર કોરિયાને વધુ ટૅકનૉલૉજી વેચવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા દબાણ કરી શકે છે. અમેરિકા માટે પણ આ એક મોટી ચિંતા છે.

એનકે ન્યૂઝના ડાયરેક્ટર આન્દ્રેઈ લાંકોવ આ અંગે શંકા છે. તેઓ કહે છે કે, "હું અપેક્ષા રાખતો નથી કે રશિયા ઉત્તર કોરિયાને મોટા પ્રમાણમાં સૈન્ય તકનીક પ્રદાન કરશે."

તેઓ માને છે કે રશિયાને કંઈ ખાસ નથી મળી રહ્યું અને જો તેને કંઇક મળ્યું પણ હોય તો પણ આમ કરવાથી ભવિષ્યમાં તેના માટે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

જોકે, ઉત્તર કોરિયાનું તોપખાનું યુક્રેન યુદ્ધમાં પુતિન માટે મુખ્ય તાકત પુરવાર થઈ શકે છે. પરંતુ તેના બદલે મિસાઇલ તકનીકનો ઉપયોગ કરવો કોઈ મોટી વાત નથી.

પુતિનને ખ્યાલ હશે કે ચીનને નારાજ કરવું ફાયદાકારક નથી કારણ કે તે રશિયા પાસેથી તેલ અને ગૅસની ખરીદી કરે છે. આટલું જ નહીં પશ્ચિમી પ્રતિબંધો વચ્ચે પણ ચીને રશિયાનો હાથ પકડી રાખ્યો છે.

ઉત્તર કોરિયાને ચીનની વધુ જરૂર છે. આ એકમાત્ર એવો દેશ છે જેની કિમ જોંગ ઉન વારંવાર મુલાકાત લેતા હોય છે. ઉત્તર કોરિયાનું લગભગ અડધું તેલ રશિયામાંથી આવે છે પરંતુ તેનો ઓછામાં ઓછો 80 ટકા વેપાર ચીન સાથે છે.

ચીન અને ઉત્તર કોરિયાના સંબંધો પર ટિપ્પણી કરતા એક વિશ્લેષકનું કહેવું છે કે તે તેલના દીવા જેવું છે જે સતત બળી રહ્યું છે.

જો કે પુતિન અને કિમ જોંગ ભલે મિત્રતા તરીકે દેખાવ કરવાનો પ્રયાસ કરે પરંતુ બંને દેશો માટે ચીન વધુ મહત્ત્વનું છે.

બંને ચીનને ગુમાવવા નથી ઇચ્છતા

'સામ્રાજ્યવાદી પશ્ચિમ' સામે તેમની જાહેર લડાઈ હોવા છતાં યુદ્ધના દૃષ્ટિકોણથી આ ભાગીદારી કરવામાં આવી છે. આ હજી મજબૂત થઈ શકે છે પરંતુ હાલમાં એવું લાગે છે કે દરેક પક્ષ પોતાના નફા-નુકસાનને જોઈ રહ્યો છે પછી ભલે તેઓ તેમની ભાગીદારીને જોડાણના સ્તરે કેમ ન લઈ જાય.

રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચેની 'કોમ્પ્રીહેન્સિવ સ્ટ્રેટજિક પાર્ટનરશિપ' સમજૂતી એ કોઈ ગૅરંટી નથી કે કિમ જોંગ ઉન દારૂગોળાનો સપ્લાય ચાલુ રાખી શકશે કારણ કે કિમને પણ તેની જરૂર છે.

તેની પાછળનું કારણ છે દક્ષિણ કોરિયા, જે સામે જ બેઠું છે અને તેને તેનાથી બચાવવા માટે હથિયારોની જરૂર છે.

વિશ્લેષકો એવું પણ માને છે કે રશિયા અને ઉત્તર કોરિયા અલગ-અલગ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. ઉત્તર કોરિયાની સિસ્ટમની ગુણવત્તા બહુ સારી નથી અને તે જૂની પણ થઈ રહી છે.

વધુ મહત્ત્વની વાત એ છે કે રશિયા અને ઉત્તર કોરિયાએ દાયકાઓ સુધી પોતાના સંબંધોને પ્રાથમિકતા આપી નહોતી.

પશ્ચિમ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો હતા ત્યારે પુતિને ઉત્તર કોરિયા પર બે વખત પ્રતિબંધો લાદ્યા હતા. આટલું જ નહીં ઉત્તર કોરિયાને પરમાણુ કાર્યક્રમને છોડી દેવા માટે મનાવવામાં રશિયાએ અમેરિકા, ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનનો સાથ પણ આપ્યો હતો.

2018માં જ્યારે કિમ જોંગ રાજદ્વારી સમિટ માટે બહાર નીકળ્યા ત્યારે તેઓ રાષ્ટ્રપતિ પુતિનને માત્ર એક જ વખત મળ્યા હતા.

તે સમયે કિમના ચહેરા પરનું સ્મિત, ઉષ્માભર્યું આલિંગન અને રશિયા સાથે મિત્રતાનો દેખાડો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ માટે હતો.