અમેરિકામાં 'ગેરકાયદે ઘૂસેલા' પાંચ લાખ લોકોને નાગરિકત્વ મળશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મંગવારે નવી નીતિની જાહેરાત કરી છે જેમાં અમેરિકન નાગિરકો સાથે લગ્ન કર્યાં હોય એવા હજારોની સંખ્યામાં 'ગેરકાયદે ઘૂસેલા' લોકોને નાગિરકત્વ આપવામાં આવશે.

વ્હાઇટ હાઉસ પ્રમાણે નવી નીતિથી પાંચ લાખ લોકોને લાભ થશે.

જો અમેરિકન નાગરિક સાથે લગ્ન થયાં હોય તો દેશના નાગરિક માટેનો માર્ગ મોકળો થઈ જાય છે.

અમેરિકાના કાયદા પ્રમાણે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનાર વ્યક્તિ જો અમેરિકન નાગિરક સાથે લગ્ન કરે તો પણ કાયમી નાગરિકત્વ મેળવવા માટેની પ્રક્રિયા પૂરી કરવાની હોય છે.

પ્રક્રિયા પ્રમાણે વ્યક્તિએ પોતાના દેશ પાછા જઈને નાગરિકત્વ માટે અરજી કરવાની હોય છે.

છેલ્લાં દસ વર્ષથી અમેરિકામાં રહેતા લોકો નવી નીતિનો લાભ લઈ શકશે. નાગિરક બની ગયા બાદ તેઓ કાયદેસર રીતે કામ કરી શકશે.

આ વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે અને માઇગ્રેશનનો મુદ્દો જો બાઇડન માટે માથાના દુખાવો બની ગયો છે. હાલના દિવસોમાં આ બીજી વખત જો બાઇડને અમેરિકન બૉર્ડર પર રેકૉર્ડ સંખ્યામાં આવતાં માઇગ્રન્ટને અટકાવવા માટે એક્ઝિક્યુટિવ આદેશ બહાર પાડ્યો છે.

મંગળવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં બાઇડને કહ્યું કે નવી નીતિ અમેરિકન ઇમિગ્રેશન સિસ્ટમ શરણાર્થીઓ, યુગલો અને દરેક અમેરિકન માટે ‘વધુ પારદર્શી’ બનાવશે.

બાઇડન પ્રશાસનનું માનવું છે કે નવા એક્ઝિક્યુટિવ આદેશથી 21 વર્ષથી નાના એવા 50 હજાર યુવાઓને ફાયદો થશે જેમનાં માતા-પિતાએ અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યાં છે.

પ્રેસ-કૉન્ફરન્સ સંબોધતી વખતે જો બાઇડને કહ્યું કે, ''મેં આજે જે નિર્ણય લીધો છે તે આ વર્ષે ઉનાળાના અંત લાગુ થઈ જશે.''

''હું આજે જે કંઈ પણ કરી રહ્યો છું તેનો અમેરિકાના મોટા ભાગના લોકો સમર્થન આપી રહ્યા છે. પછી ભલે સામેની ટીમ (રિપબ્લિકન) કંઈ પણ કહેતી હોય.''

વ્હાઇટ હાઉસે આ સમાચાર એવા સમયે આપ્યો છે જ્યારે અમેરિકા ડીએસીએની 12મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. આટલાં વર્ષોમાં ડીએસીએ પાંચ લાખ 30 હજાર માઇગ્રન્ટસને ડિપોર્ટ થતા બચાવ્યા છે. અમેરિકામાં આવ્યાં ત્યારે આ બધાં બાળકો હતાં અને આજે આ જૂથનાં બાળકો ‘ડ્રિમર્સ’ તરીકે ઓળખાય છે.

કોણ લાભ લઈ શકે છે?

સોમવારે બાઇડન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે અમેરિકન નાગરિકોના જીવનસાથી, જેઓ હાલ અનિયમિત ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવે છે અને છેલ્લાં દસ વર્ષથી અમેરિકા રહે છે તેઓ નવી નીતિનો લાભ લઈ શકે છે.

અમેરિકન નાગિરક સાથે લગ્ન 17 જૂન 2024 પહેલાં થયેલાં હોવાં જોઈએ.

નીતિનો લાભ લેવા માટે યોગ્યતા ધરાવનાર વ્યક્તિને કાયમી નાગરિકત્વની અરજી કરવા માટે ત્રણ વર્ષનો સમય આપવામાં આવશે. સાથેસાથે ત્રણ વર્ષ માટે વર્ક પરમિટ પણ આપવામાં આવશે.

વ્હાઇટ હાઉસ અનુસાર નવી નીતિ માટે જે યોગ્યતા ધરાવનાર લોકો સરેરાશ 23 વર્ષથી અમેરિકામાં વસવાટ કરી રહ્યા છે આમાંથી મોટા ભાગના લોકોનો જન્મ મૅક્સિકોમાં થયો છે એવું અનુમાન છે.

આ લોકોને અમેરિકન શબ્દપ્રયોગ પ્રમાણે "ઇન-પ્લેસ પેરોલ" આપવામાં આવશે અને જ્યાં સુધી તેમનું સ્ટેટસ નહીં બદલાય ત્યાં સુધી અમેરિકામાં રહેવાની છૂટ આપવામાં આવશે.

કડક ઇમિગ્રેશન નિયંત્રણ માટેની વકાલાત કરતી સંસ્થા નંબર્સ યુએસએ પ્રમાણે નવી નીતિ અયોગ્ય છે.

સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેમ્સ માસાએ એક નિવદેનમાં કહ્યું કે, ''અમેરિકાના ઇતિહાસની સૌથી ખરાબ બૉર્ડર ક્રાઇસિસને અટકાવવાની જગ્યાએ રાષ્ટ્રપતિ જો બાઇડને તેમની મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો છે. તેમણે બિનલોકશાહી પ્રક્રિયાનો ઉપયોગ કરીને, મતદારો અને ચૂંટાયેલા સભ્યોને કોરણે મૂકીને એવો સંદેશો આપ્યો છે કે જે કોઈ પણ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરશે તેમને સાર્વત્રિક માફી આપવામાં આવશે.''

ઓહિયોની કેસ વેસ્ટર્ન યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇમિગ્રેશન વકીલ તરીકે કામ કરતા ઍલેક્સ કુઈક બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, ''નવી નીતિથી માત્ર નાના સમૂહને લાભ થવાનો છે પરંતુ તેનાથી એવા માઇગ્રન્ટસ્ માટે નવા દરવાજા ખૂલશે જેઓ વર્ષો સુધી યોગ્યતા ધરાવતાં હોવા છતાં અમેરિકન નાગિરકત્વ મેળવવા માટે વિવિધ પ્રકારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે.''

જટિલ સ્થિતિ

જે નવી નીતિ જાહેર થઈ એ જૂન મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડને જે વ્યાપક ઇમિગ્રેશન ઑર્ડર કર્યો હતો તેનાથી તદ્દન વિપરીત છે.

જૂન મહિનામાં જે ઑર્ડર થયો હતો તેમાં અધિકારીઓને અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશતાં લોકોને તેમના આશ્રય-દાવાઓની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના ઝડપથી હાંકી કાઢવાની સત્તા આપવામાં આવી હતી.

બે અઠવાડિયાંના ગળામાં બે જુદા-જુદા ઑર્ડર સૂચવે છે કે આ મુદ્દે જો બાઇડન એકદમ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે. તેમના માટે આ એક જટિલ સમસ્યા બની ગઈ છે.

બીબીસી સાથે વાત કરતા રિપબ્લિકન રણનીતિકાર ડૉગ હેય કહે છે કે, ''બાઇડન કાયમ મુશકેલ સ્થિતિમાં હોય છે. તેઓ કંઈ પણ કરે તેમની ટીકા જ થવાની છે. આ તેનો ઉત્તમ દાખલો છે.''

''લેટિન અમેરિકન મૂળના મતદારો બાઇડનથી બહુ ખુશ નથી અને એટલા માટે તેઓ એવાં પગલાં લઈ રહ્યા છે જેથી આ મતદારો તેમની તરફ આકર્ષાય. પણ આ પગલાંથી તેમના બીજા મતદારો પર અસર પડશે. આવા નિર્ણયોના નિયમ પ્રમાણે કાયમ મિશ્ર પ્રતિસાદ આવતો હોય છે.''

બીબીસીએ આ મુદ્દે બાઇડન કૅમ્પેઇનનો તેમનો મત લેવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈ જવાબ આવ્યો નથી.

પાંચ જૂનના રોજ જાહેર કરવામાં આવેલા આશ્રય સંબંધી પ્રતિબંધોની ઇમિગ્રેશન ઍક્ટિવિસ્ટો અને જો બાઇડનનાં સહયોગી દળોએ ટીકા કરી હતી. આ મામલે અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન કાયદાકીય લડત પણ ચલાવી રહી છે.

જો બાઇડન રાષ્ટ્રપતિ બન્યા તેના શરૂઆતના દિવસોમાં અમેરિકા–મૅક્સિકો બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા, જે એક રેકૉર્ડ હતો. હાલમાં ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશવા માગતા લોકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે પરંતુ આ મુદ્દે સમગ્ર અમેરિકામાં એક પ્રકારનો રોષ છે.

મે ગેલપના મતદાનમાં જાણવા મળ્યું છે કે 18 ટકા અમેરિકન મતદારો માટે ઇમિગ્રેશન સૌથી મોટો મુદ્દો છે. એપ્રિલમાં આ ટકાવારી 27 હતી. સતત ત્રણ મહિનાથી આ મુદ્દો ટોચ પર છે.

આ વર્ષે અલગઅલગ મતદાનમાં વારંવાર સામે આવ્યું છે કે ઘણા મતદારો ઇમિગ્રેશન અને સરહદના મુદ્દે બાઇડન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ વિશ્વાસ મૂકે છે.