You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૃદય ડાબી નહીં પણ જમણી બાજુ, લીવર, ફેફસાં, પેટ બધું આડુંઅવળું- આવું કેવી રીતે થયું?
- લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
- પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લા, કોલકાતા
કોલકાતાની બે હૉસ્પિટલમાં તાજેતરમાં જ હૃદયની બે સર્જરી કરવામાં આવી હતી. ડૉક્ટરોએ તેને ‘અત્યંત દુર્લભ’ ગણાવી છે. આ બે દર્દીઓ પૈકીનાં એક બાંગ્લાદેશી મહિલા છે અને બીજા ભારતીય પુરુષ છે.
માનવ શરીરમાં હૃદય સામાન્ય રીતે છાતીમાં ડાબી બાજુ હોય છે, પરંતુ આ બંને દર્દીઓનું હૃદય જમણી તરફ હતું.
બાંગ્લાદેશી મહિલાનું હૃદય જ નહીં, પરંતુ શરીરનાં બીજાં મહત્ત્વનાં અંગો – લીવર, ફેફસાં, બરોળ, પેટ – બધું ઊંધું છે. ડૉક્ટરો કહે છે કે 40 લાખ લોકોમાં આવો એકાદ દર્દી હોય છે.
છાતીમાં જમણી બાજુ હૃદય હોવાનો કિસ્સો ગત સદીમાં શરદિંદુ બંદોપાધ્યાય દ્વારા લખવામાં આવેલી વ્યોમકેશ બક્ષીની કહાણીની યાદ અપાવે છે.
‘ધ ટેલ ઑફ ધ થૉર્ન’ નામની વાર્તામાં એક વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ વ્યક્તિ તેનું હૃદય જમણી બાજુ હોવાને કારણે બચી ગઈ હતી અને બાદમાં તેના દોસ્તને હત્યાના આરોપસર પકડવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશી મહિલાનું ગુપ્તાંગ ઊલટું હોવાનું કારણ તેમની જન્મદાત્રીની ગર્ભાવસ્થાની સ્થિતિ છે, કોઈ બીમારી નથી.
જે ભારતીય દર્દીની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી અને પેસમેકર લગાવવામાં આવ્યું હતું તેનું હૃદય જન્મના સમયે નહીં, પરંતુ મોટો થયો તેમ ક્ષય રોગને કારણે તેની સામાન્ય સ્થિતિથી છાતીની જમણી બાજુ ખસી ગયું હતું.
આ ઑપરેશનમાં સામેલ ડૉક્ટર્સનો દાવો છે કે દુનિયામાં આવું પેસમેકર ઇમ્પ્લાન્ટેશન ઑપરેશન અગાઉ ક્યારેય થયું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બન્ને દર્દીઓ લાંબા સમય સુધી ખબર ન હતી કે તેમનું હૃદય કે શરીરનાં અન્ય અંગો વિપરીત સ્થિતિમાં છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
દર્દીને છાતીમાં જમણી બાજુ થતી હતી પીડા
બાંગ્લાદેશનાં સતખીરાના મહિલા મોનારાની દાસને થોડાં વર્ષો પહેલાં છાતીમાં જમણી બાજુ દુખાવો થવા લાગ્યો હતો. પરિવારનું માનવું હતું કે દુખાવો જમણી બાજુ થતો હોવાથી તેનું કારણ એસિડિટી અથવા હાર્ટબર્ન હશે.
ઑપરેશન પછી મોનારાની દાસ હાલ તેમનાં દીકરી સાથે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં રહે છે.
બીબીસી સાથે વાત કરતાં મોનારાનીએ કહ્યું હતું, “છાતીમાં જમણી બાજુ દુખાવો શરૂ થયાના થોડા દિવસો પછી મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. હાર્ટઍટેક આવી ગયો હતો. તેના નિદાન દરમિયાન બાંગ્લાદેશના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે મારું હૃદય છાતીમાં જમણી બાજુ પર છે.”
મોનારાનીનાં પુત્રી વિષ્ણુપ્રિયા દાસે જણાવ્યું હતું કે માત્ર હૃદય જ નહીં, શરીરનાં બીજાં અંગો પણ ઊલટાં છે તેની તેમને ત્યાં સુધી ખબર ન હતી.
વિષ્ણુપ્રિયા દાસે કહ્યું હતું, “હું મારાં માતાને કલ્યાણીના સ્થાનિક ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. તેમણે અમને કોલકાતાની મણિપાલ હૉસ્પિટલ બ્રોડવેમાં બાયપાસ ઑપરેશન માટે ડૉ. સિદ્ધાર્થ મુખરજી પાસે જવાની સલાહ આપી હતી.”
આ હૉસ્પિટલ અગાઉ આમરી હૉસ્પિટલ, સોલ્ટ લેક તરીકે ઓળખાતી હતી. હાલમાં જ તેનું નામ બદલવામાં આવ્યું છે.
મણિપાલ હૉસ્પિટલ બ્રોડવેએ જણાવ્યું હતું કે ગયા મહિનાની 24 તારીખે હૉસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીની શારીરિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમનું હૃદય જ નહીં, પરંતુ અન્ય અવયવો પણ ઊંઘા છે.
ડૉક્ટરોના કહેવા મુજબ, હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજુ હોય તેને ડેક્સ્ટ્રોકાર્ડિયા કહેવામાં આવે છે. બાંગ્લાદેશી મહિલાના કિસ્સામાં તમામ અવયવોની ઊંધી સ્થિતિને ડેક્સ્ટ્રોકાર્ડિયા વિથ સાઈટ્સ ઈનવર્ટિસ કહેવામાં આવે છે.
વિષ્ણુપ્રિયા દાસે કહ્યું હતું, “અવયવ જમણે હોય કે ડાબે, તેમને કોઈ દુખાવો થતો ન હતો. હૃદય જમણી બાજુ હોવાની વાત સાંભળીને મને થોડું આશ્ચર્ય થયું હતું, પરંતુ ડૉક્ટરોએ કહ્યું હતું કે ચિંતા કરવા જેવું નથી. બાયપાસ સર્જરી કરવામાં આવશે તો તમારાં માતા ઠીક થઈ જશે.”
સાષ્ટાંગ પ્રણામ કરતી વખતે બેભાન થઈ ગયો દર્દી
તાજેતરમાં જ હૃદયનું દુર્લભ ઑપરેશન કરાવનાર એક અન્ય દર્દી પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના રહેવાસી રેઝાઉલ કરીમ છે. તેમની છાતીમાં જમણી બાજુઓ તેમના હૃદયમાં પેસમેકર લગાવવામાં આવ્યું છે. એ પેસમેકર પણ સામાન્ય કરતાં ખૂબ જ અલગ રીતે કામ કરશે.
કરીમનું ઑપરેશન મેડિકા સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશી મહિલા દર્દીના કિસ્સામાં ગર્ભાવસ્થા દરમિયાન તેમનાં અંગોની સ્થિતિ તેમનાં જન્મદાત્રીની માફક દુર્લભ હતી. કરીમના કિસ્સામાં સ્થિતિ અલગ છે.
ડૉક્ટરોના કહેવા મુજબ, કરીમ મોટા થતા હતા ત્યારે ક્ષયરોગને કારણે તેમનું હૃદય ડાબી બાજુથી જમણી તરફ ખસી ગયું હતું.
કરીમે બીબીસીને કહ્યું હતું, “હું નાનપણથી જ બહુ રમતો હતો. ઘણી વખત શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને ઉધરસ આવતી હતી. એ પછી લગભગ 25 વર્ષ સુધી હું ભાગદોડ કરતો રહ્યો. હું સ્થાનિક ડૉક્ટરોને મળતો હતો અને તેમણે આપેલી દવા નિયમિત રીતે લીધી હતી.”
“થોડાં વર્ષો પહેલાં બહુ નબળાઈનો અનુભવ થવા લાગ્યો હતો. એક ડગલું પણ ચાલી નહીં શકાય, એવું લાગતું હતું. એ સ્થિતિ જોઈને મારી દીકરી મને પ્લેન દ્વારા વેલ્લોર લઈ ગઈ હતી. બધી સારવાર ત્યાં થઈ હતી. તેઓ એ જાણવા ઇચ્છતા હતા કે હું જે દવાઓ લઈ રહ્યો હતો તે ક્ષયરોગની દવા જ છે કે કેમ. સ્થાનિક ડૉક્ટરે મને તે દવા શા માટે આપી હતી?”
વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ડૉક્ટરે કરીમને છ મહિના પછી ફરી આવવા જણાવ્યું હતું.
રેઝાઉલ કરીમે કહ્યું હતું, “મારી હાલત પહેલેથી જ એવી હતી કે નમાઝ અદા કરતી વખતે મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને સજદા કર્યા પછી હું ઊભો થઈ શકતો ન હતો. બંદગી કરતી વખતે હું બે-ત્રણ વખત બેભાન થઈ ગયો હતો. અન્ય લોકો મને ઘરે મૂકી ગયા હતા.”
કરીમનાં દીકરી મોનાલિસા યાસ્મિને કહ્યું હતું, “મારા પિતાનું હૃદય જમણી બાજુએ છે અને તેમના પર આવું દુર્લભ ઑપરેશન કરવું પડશે, તે ડૉક્ટરોએ પહેલાં જણાવ્યું ન હતું. ઑપરેશન લગભગ ત્રણ કલાક ચાલ્યું હતું. મારા પિતાને બધી ખબર પછી પડી હતી.”
ડૉક્ટરો માટે મુશ્કેલ પડકાર
બાંગ્લાદેશ અને ભારતના બંને દર્દીની હૃદયની તકલીફનું મુશ્કેલ ઑપરેશન બંને ડૉક્ટરો માટે પડકારજનક હતું.
મોનારાની દાસનું ઑપરેશન મણિપાલ હૉસ્પિટલ બ્રોડવેના ડૉ. સિદ્ધાર્થ મુખરજીએ અને રેઝાઉલ કરીમનું ઑપરેશન મેડિકા સુપર સ્પેશિયાલિટીના ડૉ. દિલીપકુમારે કર્યું હતું. કરીમના હૃદયમાં પેસમેકર બેસાડવામાં આવ્યું હતું.
ડૉ. મુખરજીએ કહ્યું હતું, “ડેક્સ્ટ્રોકાર્ડિયાથી પીડિત દર્દીનું ઑપરેશન કરવું મુશ્કેલ હોય છે, કારણ કે તેમની છાતીની જમણી બાજુએ તે કરવાનું હોય છે. આવી સ્થિતિમાં અમારે એ ઑપરેશન કરવું પડ્યું હતું, જે કંઈક અંશે નવી સ્થિતિ છે, પરંતુ અમારી આખી ટીમે પડકાર સ્વીકારી લીધો હતો.”
“એન્જિયોપ્લાસ્ટી હોત તો સમસ્યા ઓછી હોત. એ સ્થિતિમાં અમારે માત્ર કેથેટર દાખલ કરવાનું હોત, પરંતુ આ બાયપાસ સર્જરી છે. અમારે તમામ જાણીતી પદ્ધતિઓ બદલવી પડી હતી.”
બીજી તરફ રેઝાઉલ કરીમના હૃદયમાં પેસમેકર બેસાડવામાં આવ્યું હતું. ડૉ. દિલીપકુમારે એ બાબતે કહ્યું હતું, “પેસમેકર ઉપકરણ સામાન્ય રીતે ડાબી બાજુના હૃદય માટે બનાવવામાં આવતા હોય છે. અમે આ દર્દીમાં કન્ડક્શન સિસ્ટમ પેસિંગ (સીએસપી) પદ્ધતિના ઉપયોગનો નિર્ણય કર્યો હતો. જમણી બાજુ હૃદય ધરાવતી વ્યક્તિના શરીરમાં પેસમેકર બેસાડવા માટે સીએસપી પદ્ધતિનો ઉપયોગ વિશ્વમાં ક્યાંય કરવામાં આવ્યો નથી.”
ડૉક્ટરના કહેવા મુજબ, સીએસપી થોડી જટિલ પ્રક્રિયા છે, પરંતુ સાદા શબ્દોમાં કહીએ તો તે હૃદયના સામાન્ય કામકાજના લયને પેસમેકર મારફત જાળવી રાખવાનો પ્રયાસ કરતી હોય છે.
દર્દીઓની તબિયત હવે સારી હોવાનું બંને ડૉક્ટર્સે જણાવ્યું હતું. તેમની તબિયત કેટલી બહેતર થઈ છે તેની તપાસ થોડા દિવસ પછી કરવામાં આવશે.
વિજ્ઞાનીઓ એક સદી પહેલાંથી જાણતા હતા
વિજ્ઞાનીઓએ સદીઓ પહેલાં શોધી કાઢ્યું હતું કે માનવ શરીરમાં હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજુ પર હોઈ શકે છે.
જોકે, આવી અદભુત ઘટના બંગાળી ભાષી સામાન્ય લોકો સમક્ષ ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીના કથાકાર શરદિન્દુ બંદોપાધ્યાયે તેમની નવલકથા ‘શજારૂર કાંતા’માં સૌપ્રથમ વખત રજૂ કરી હતી.
આ વાર્તાની શરૂઆત ફાગુરામ નામના ભિખારીના ‘મોત’થી થાય છે. તેના હૃદયમાં છ ઈંચ લાંબું હાડકું પાછળથી ઘૂસી ગયું હોવાનું તેમાં કહેવામાં આવે છે.
પ્રબલ ગુપ્તાએ તેના મિત્ર દેવાશિષ ભટ્ટની હત્યાનો પ્રયાસ કર્યો હતો. તે હૃદયમાં છરો મારીને ત્રણ લોકોની હત્યા કરનાર ચોથી વ્યક્તિ હતી, પરંતુ આ વખતે તે નિષ્ફળ રહી હતી, કારણ કે દેવાશિષની છાતીમાં હૃદય જમણી બાજુએ હતું અને તે પ્રબલ જાણતો ન હતો. તેથી દેવાશિષ બચી ગયો હતો.
બાદમાં પ્રબલ ગુપ્તા, હત્યારાને પકડવા માટે ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષીએ બિછાવેલી જાળમાં સપડાઈ ગયો હતો.
આ વાર્તા શરદિન્દુ બેનરજીએ ગત સદીમાં લખી હતી, પરંતુ તેનાં લગભગ 300 વર્ષ પહેલાં વિજ્ઞાનીઓ જાણતા હતા કે માનવ શરીરમાં હૃદય જમણી બાજુ પર પણ હોઈ શકે છે.
માર્કો સેવેરિનોએ સૌપ્રથમ 1643માં ડેક્સ્ટ્રોકાર્ડિયાની ઓળખ કરી હતી. લગભગ એક સદી પછી મેથ્યુ બેઈલીએ અવયવોની સંપૂર્ણપણે અવળી પરિસ્થિતિ બાબતે સમજાવ્યું હતું અને તેને સાઇટ્સ ઇનવર્સિસ નામ આપ્યું હતું.
હૃદય સહિત પેટના આંતરિક અવયવો અવળી બાજુએ હોય તો તે સ્થિતિને ડેક્સ્ટ્રોકાર્ડિયા વિથ સાઇટ્સ ઇનવર્ટિસ કહેવામાં આવે છે. બાંગ્લાદેશી મોનારાની દાસના કિસ્સામાં આવું હતું.
શરીરની રચનામાં સાઇટ્સ ઇનવર્ટિસ એક દુર્લભ ઘટના છે. તે પ્રત્યેક એક લાખમાંથી એક વ્યક્તિમાં જોવા મળતી હોય છે.
અલબત્ત, ડૉક્ટરોનું કહેવું છે કે મોનારાની દાસનું હૃદય અને અન્ય અંગો વિપરીત દિશામાં હોવાં જેવો કિસ્સો પ્રત્યેક 40 લાખમાંથી એક કેસમાં જોવા મળે છે.
હૃદય છાતીમાં જમણી બાજુએ હોય તેવા કિસ્સા વિરલ નથી. વિશ્વભરમાં ગર્ભધારણ કરતી 12,000 મહિલા પૈકીના લગભગ એક મહિલાનું હૃદય ડાબીને બદલે જમણી બાજુ પર હોય છે.