ટ્રમ્પ પર હુમલો : એક ચોંકાવનારી ઘટના જે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને એક નવું રૂપ આપશે

    • લેેખક, સારા સ્મિથ
    • પદ, ઉત્તર અમેરિકા સંપાદક, બીબીસી

લોહીથી લથપથ ચહેરા સાથે હવામાં મુઠ્ઠી દેખાડતા ડોનાલ્ડ ટ્રમ્પને સીક્રેટ સર્વિસના લોકો જ્યારે સ્ટેજ પરથી નીચે ઉતારી રહ્યા હતા તેની તસવીરો માત્ર ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના જ નથી, પરંતુ નવેમ્બરમાં થનારી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીની દિશા પણ બદલી શકે છે.

શનિવારે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં જે સમયે ટ્રમ્પ એક રેલીને સંબોધી રહ્યા હતા તે સમયે ગોળીબાર થયો. આ રેલી દરમિયાન ઘણી વખત ગોળીબારનો અવાજ સંભાળવા મળ્યો હતો.

ગોળીબારના અવાજ પછી અમેરિકાની સીક્રેટ સર્વિસના એજન્ટો ટ્રમ્પને એક સુરક્ષા ઘેરામાં લઈને નીચે ઉતારીને ગાડી સુધી લઈ ગયા.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતની મુઠ્ઠી ઊંચી કરીને સમર્થકોનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. આ ઘટના સ્થળ પરથી નીકળતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે જમણા કાન પર એક હાથ રાખ્યો હતો, જ્યાંથી લોહી નીકળી રહ્યું હતું.

ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગને અડીને નીકળી ગઈ હતી.

રાજકીય હિંસાની આ ચોંકાવનારી ઘટનાની અસર ચૂંટણી અભિયાન પર ચોક્કસપણે થશે. અમેરિકાની સીક્રેટ સર્વિસના એજન્ટોએ હુમલાખોરને ઘટના સ્થળ પર જ ગોળી મારીને મારી નાખ્યો હતો.

અમેરિકાની લૉ ઍન્ફોર્સમેન્ટના સુત્રોએ બીબીસીના અમેરિકન સહયોગી સીબીએ ન્યૂઝને જણાવ્યું કે તેઓ આ હુમલાને હત્યા કરવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યા છે.

'ટ્રમ્પ પર રાજકીય હુમલાઓ બંધ'

ડોનાલ્ડ ટ્રમ્પના દીકરા એરિક ટ્રમ્પે તરત જ લોહીથી લથપથ હવામાં મુઠ્ઠી દેખાડતા ટ્રમ્પની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું, “તેઓ એ યોદ્ધા છે જેની અમેરિકાને જરૂર છે.”

રાષ્ટ્રપતિ જો બાઇડને ગોળીબારની ઘટના પછી તરત જ ટીવી પર કહ્યું કે અમેરિકામાં આ પ્રકારની રાજકીય હિંસા માટે કોઈ જગ્યા નથી. તેમણે પોતાના હરિફ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચિંતા વ્યક્ત કરી હતી.

બાઇડનના ચૂંટણી અભિયાન સંભાળતી ટીમે દરેક પ્રકારના રાજકીય નિવેદનો રોકી દીધા છે અને ટીવી પર પોતાની જાહેરાત હઠાવવાનું પણ કામ કરી રહી છે. કારણ કે ટીમનું માનવું છે કે આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવો અયોગ્ય છે અને જે કંઈ ઘટના બની છે તેની નિંદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

અલગ-અલગ રાજકીય દળોના અને વિભિન્ન વિચારધારાવાળા નેતાઓ એકસાથે કહી રહ્યા છે કે લોકતંત્રમાં હિંસાને કોઈ સ્થાન નથી.

બાઇડન પર ઉશ્કેરણીજનક નિવદેનો આપવાનો આરોપ

પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જૉર્જ ડબ્લ્યૂ બુશ, બિલ ક્લિન્ટન અને જિમી કાર્ટરે આ હિંસાની નિંદા કરી હતી અને કહ્યું કે તેઓ રાહત અનુભવી રહ્યા છે કે ટ્રમ્પને કોઈ ગંભીર ઇજા નથી થઈ.

જોકે, ટ્રમ્પના કેટલાક સહયોગીઓ અને સમર્થકો આ ઘટના માટે રાષ્ટ્રપતિ બાઇડનને દોષી ઠેરવી રહ્યા છે.

એક રિપબ્લિકન કૉંગ્રેસ સભ્યએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર એક પોસ્ટ કરીને રાષ્ટ્રપતિ બાઇડન પર “હત્યા માટે ઉશ્કેરવાનો” આરોપ લગાવ્યો છે.

સેનેટર જે .ડી. વેન્સને ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ પદની યાદીમાં સામેલ સંભવિત તરીકે ગણવામાં આવે છે. તેમણે કહ્યું કે બાઇડનના ચૂંટણી અભિયાનના નિવેદનો જ આ ઘટના પાછળનું કારણ છે.

બીજા રિપબ્લિકન નેતાઓ પણ આ પ્રકારની વાતો કરી રહ્યા છે. વિરોધીઓ તેમની આ વાતોની ચોક્કસપણ નિંદા કરશે. આ ઉપરાંત અમેરિકાની રાજનીતિમાં આ ખતરનાક સમય દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદનો ગણવામાં આવશે.

આપણે અત્યારે જ જોઈ શકીએ છીએ કે યુદ્ધની રેખાઓ ખેંચાઈ ગઈ છે, જે એક અત્યંત ચોંકાવનારી ઘટના પર એક ભયાનક લડાઇ છેડવામાં આવી શકે છે અને આ લડાઇ બંને પાર્ટીના ચૂંટણી અભિયાનને નવું જ રૂપ અને દિશા આપશે.

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં સ્થાનિક સમય પ્રમાણે શનિવારે સાંજે પાંચ વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ જ રેલીમાં ટ્રમ્પ પર હુમલો થયો હતો.

ટ્રમ્પ પર હુમલો કેવી રીતે થયો?

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલ્વેનિયાના બટલરમાં એક રેલીને સંબોધન કરી રહ્યા હતા. એ સમયે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમના પર એક બંદૂકધારીએ ગોળી ચલાવી હતી.

આ ઘટનામાં ટ્રમ્પને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ રેલીમાં આવેલા એક શખસનું મોત થયું અને બે લોકો ઘાયલ થયા છે. તો સીક્રેટ સર્વિસના અધિકારીઓએ હુમલાખોરને ગોળી મારી ત્યાં જ મારી નાખ્યો હતો.

જાણીએ કે એ સમયે શું શું થયું

  • સાંજે 5 વાગ્યે: ટ્રમ્પ રેલીને સંબોધન કરવાના હતા.
  • સાંજે 6 વાગ્યા 3 મિનિટ: ટ્રમ્પ લી હેઝલવૂડના ગીત 'ગૉડ બ્લેસ ધ યુએસએ'ની સાથે સ્ટેજ પર પહોંચ્યા.
  • સાંજે 6 વાગ્યા 11 મિનિટ: ટ્રમ્પનું ભાષણ શરૂ થયું ત્યારબાદ ગોળી છૂટી.
  • સાંજે 6 વાગ્યા 12 મિનિટ: ગોળી છૂટતા સીક્રેટ સર્વિસના એજન્ટોએ પૂર્વ રાષ્ટ્રપતિને ઘેરી લીધા અને તેમને સુરક્ષિત રીતે મંચ પરથી ઉતાર્યા. આ દરમિયાન ટ્રમ્પના કાન અને આસપાસ લોહી જોવાં મળ્યું હતું.
  • સાંજે 6 વાગ્યા 14 મિનિટ: ટ્રમ્પનો કાફલો ઘટનાસ્થળેથી રવાના થઈ ગયો.
  • સાંજે 6 વાગ્યા 42 મિનિટ: સીક્રેટ સર્વિસે એક નિવેદન જારી કરીને કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને ઘટનાની વિસ્તૃત તપાસ કરાઈ રહી છે.
  • સાંજે 7 વાગ્યા 3 મિનિટ: ટ્રમ્પના ચૂંટણી અભિયાનના પ્રતિનિધિએ માહિતી આપી કે ટ્રમ્પ સુરક્ષિત છે.
  • સાંજે 7 વાગ્યા 45 મિનિટ: કાયદાકીય એજન્સીએ એ પુષ્ટિ કરી કે સંદિગ્ધ વ્યક્તિ અને રેલીમાં આવેલી એક વ્યક્તિનું મોત થયું છે.
  • સાંજે 8 વાગ્યા 13 મિનિટ: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાની નિંદા કરી.
  • સાંજે 8 વાગ્યા 42 મિનિટ: ટ્રમ્પે ઘટના પર પહેલું નિવેદન જાહેર કર્યું. તેમણે કહ્યું કે ગોળી તેમના જમણા કાનના ઉપરના ભાગે લાગી હતી.
  • રાતે 9 વાગ્યા 33 મિનિટ: અમેરિકન જાસૂસી એજન્સી એફબીઆઈએ જણાવ્યું કે તે આ આખા મામલાની તપાસનું નેતૃત્વ કરશે.