અમેરિકાની ચૂંટણી : બાઇડન અને ટ્રમ્પની ઉંમર અને માનસિક ફિટનેસ ચકાસી શકે તે કૉગ્નિટિવ ટેસ્ટ શું છે

    • લેેખક, એના ફાગુયે અને ક્રિસ્ટલ હેસ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉમેદવારોની વય અને મેન્ટલ ફિટનેસ એટલે કે માનસિક સ્વાસ્થ્ય મહત્ત્વનો મુદ્દો બની રહ્યું છે.

રાષ્ટ્રપ્રમુખપદના બન્ને ઉમેદવાર જો બાઇડન અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને આ મુદ્દે ઘેરાતા જણાય છે. બાઇડનની વય 81 વર્ષની છે, જ્યારે ટ્રમ્પની 78 વર્ષની છે.

ગયા મહિને ટ્રમ્પ અને બાઇડનની પહેલી જાહેર ડિબેટ બાદ આ મુદ્દાએ અચાનક જોર પકડ્યું હતું. બાઇડન અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ વયના રાષ્ટ્રપ્રમુખ છે. ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવશે તો તેઓ અમેરિકાના ઇતિહાસમાં બીજા સૌથી વધુ વયના રાષ્ટ્રપ્રમુખ બનશે.

એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રમુખ બાઇડને કૉગ્નિટિવ ટેસ્ટ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું, "હું તો રોજ કોગ્નિટિવ ટેસ્ટ આપું છું." બાઇડનના જણાવ્યા મુજબ, તેમના ડૉક્ટરોએ કહ્યું છે કે તેની કોઈ જરૂર નથી.

બીજી તરફ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે કૉગ્નિટિવ ટેસ્ટ આપી દીધો છે. તેમણે બે ટેસ્ટ પૂર્ણ કર્યા હતા. એક તેઓ પ્રમુખ હતા ત્યારે અને બીજી તાજેતરમાં પૂર્ણ થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું, "મારા બન્ને ટેસ્ટ સફળ થયા છે."

તેથી એ જાણવું જરૂરી છે કે આ કૉગ્નિટિવ ટેસ્ટ આખરે શું છે અને તેના પાસ કરવાનું કેટલું મુશ્કેલ હોઈ શકે?

શું હોય છે કૉગ્નિટિવ ટેસ્ટ

કૉગ્નિટિવ ટેસ્ટમાં અનેક અલગ-અલગ ટેસ્ટ્સ તથા પરીક્ષણનો સમાવેશ થાય છે. તેના આધારે એ જાણવામાં આવે છે કે વ્યક્તિનું દિમાગ કેટલી સારી રીતે કામ કરી રહ્યું છે.

ક્લીવલેન્ડ ક્લીનિકના જણાવ્યા મુજબ, "આ ટેસ્ટમાં ખાસ પ્રકારની કોઈ બીમારીની ખબર પડતી નથી, પરંતુ તે કોઈ બીમારીના ઇલાજ માટે જરૂરી ટેસ્ટ કરવાનો સંકેત જરૂર આપે છે."

કોઈ વ્યક્તિને સ્મૃતિ, પર્સનાલિટી ચેન્જ અથવા વ્યક્તિત્વમાં ફેરફાર, સંતુલન, પોતાની વાત વારંવાર કહેવામાં, પોતાના અતીતના કેટલાક હિસ્સાને ભૂલવામાં કે માહિતી સમજવામાં મુશ્કેલી થઈ રહી હોય તો તેના માટે કૉગ્નિટિવ ટેસ્ટ જરૂરી હોઈ શકે છે.

સેનફોર્ડ મેડિસિનના જણાવ્યા મુજબ, આ માટે મોટાભાગે ઉપયોગમાં લેવાતા પરીક્ષણો પૈકીનું એક મોન્ટ્રિયલ કૉગ્નિટિવ એસેસમેન્ટ છે. તે શંકાસ્પદ ખામીવાળા લોકોમાં કૉગ્નિટિવ સ્કિલ એટલે કે સંજ્ઞાનાત્મક કૌશલ્યનું આકલન કરવાની સૌથી ઝડપી રીત છે.

તે એસેસમેન્ટ ટેસ્ટમાં યાદશક્તિ, ધ્યાન, વસ્તુઓના નામ આપવાની ક્ષમતાની સાથે મૌખિક અને લેખિત આદેશોનું પાલન કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવે છે. આ પરીક્ષણ ઑનલાઇન પણ ઉપલબ્ધ છે.

કોઈ વ્યક્તિને માનસિક સમસ્યા ન હોય તો તેના માટે આ ટેસ્ટ આસાન હોઈ શકે છે, પરંતુ માનસિક સમસ્યાવાળા લોકો માટે આ ટેસ્ટ બહુ મુશ્કેલ હોઈ શકે છે.

આ ટેસ્ટના નિર્માતા કૅનેડાના ન્યૂરોલૉજિસ્ટ ઝિએદ નસ્રેડિને બીબીસીને કહ્યું હતું, "બાઇડન અમેરિકાના નાગરિકને ખાતરી કરાવવા ઇચ્છતા હોય તો અને તેમને કોઈ સમસ્યા હોય તો પણ આ બન્ને સ્થિતિમાં પ્રસ્તુત ટેસ્ટ તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, એવું હું માનું છું."

કેવી રીતે કરવામાં આવે છે કૉગ્નિટિવ ટેસ્ટ

કૉગ્નિટિવ ટેસ્ટમાં ડૉક્ટર દર્દીને શીખવા અને યાદશક્તિ સંબંધી અનેક પ્રકારના સવાલ પૂછે છે, પરંતુ દીર્ઘકાલીન ક્લીનિકલ મૂલ્યાંકનમાં કૉગ્નિટિવ ટેસ્ટની સાથે શારીરિક અને ન્યૂરોલૉજિકલ પરીક્ષણ અને દર્દીનો સંપૂર્ણ ઇતિહાસ પણ સામેલ હોય છે.

કેલિફૉર્નિયા યુનિવર્સિટીના ડેવિસ અલ્ઝાઇમર રોગ સંશોધન કેન્દ્ર સાથે જોડાયેલા ઍસોસિએટ ડિરેક્ટર ડેન મુંગાસે કહ્યું હતું, "દીર્ઘકાલીન ક્લીનિકલ પરીક્ષણ બાઇડન અને ટ્રમ્પ બન્નેના દિમાગના કામ કરવાની ક્ષમતાની સાચી છબી પ્રસ્તુત કરી શકે છે."

જોકે, ડૉક્ટર મોટાભાગે આ પરીક્ષણની શરૂઆત મોકા (MoCa) જેવા ટેસ્ટથી કરતા હોય છે. કોઈનો સ્કોર અપેક્ષાથી ઓછો હોય તો બીજા ગહન પરીક્ષણ શરૂ કરવામાં આવે છે.

એ ગહન પરીક્ષણોમાં ભાષા પરીક્ષણ, કામ કરવાની ક્ષમતા સાથે સ્થિરતાથી જોવાની ક્ષમતાનું આકલન કરવામાં આવે છે. દાખલા તરીકે, ડૉક્ટર દર્દીને કોઈ વાર્તા વાંચવાનું કહી શકે અને પછી તેની યાદશક્તિ ચકાસવા વાર્તાનો કેટલોક હિસ્સો યાદ કરવાનું કહી શકે.

એ સિવાય દર્દીઓને શબ્દોની યાદી યાદ કરવાનું, તસવીરમાં દેખાતી ચીજોના નામ જણાવવાનું અથવા કોઈ ખાસ અક્ષરથી શરૂ થતી વસ્તુઓના નામ જણાવવાનું કહેવામાં આવે છે.

મગજના કામ કરવાની ક્ષમતામાં ઘટાડાનાં લક્ષણો જાણવા માટે ડૉ. મુંગાસ દર્દીને સવાલ પૂછવા ઉપરાંત દર્દી સાથે સમય પસાર કરતા લોકો સાથે વાત કરવાનું સૂચન પણ કરે છે.

ડૉ. મુંગાસના કહેવા મુજબ, "કોઈ વ્યક્તિની ક્ષમતામાં સમય સાથે ફેરફાર થયો છે કે કેમ, તે જાણવું જરૂરી છે. એક વખતનું મૂલ્યાંકન ખોટું પણ હોઈ શકે છે. તમારે એ સમજવું પડે કે વ્યક્તિએ શરૂઆત ક્યાંથી કરી હતી અથવા તે પહેલાં કેવી હતી. અગાઉની સરખામણીએ ઘટાડો જોવા મળે તો તે એક ખરાબ સંકેત છે."

અલબત, ડૉ. મુંગાસ એમ પણ જણાવે છે કે કૉગ્નિટિવ ટેસ્ટ જ સર્વસ્વ નથી. કોઈ વ્યક્તિ સારી પ્રમુખ બની શકશે કે નહીં, તે એક કૉગ્નિટિવ ટેસ્ટને આધારે નક્કી કરી શકાય નહીં. મેં મારી સમગ્ર કારકિર્દી દરમિયાન માત્ર લોકોની જ કૉગ્નિટિવ ટેસ્ટ કરી છે.

બાઇડન અને ટ્રમ્પ આ ઉંમરે કૉગ્નિટિવ ટેસ્ટ પાસ કરી શકે?

અમેરિકન એકૅડેમી ઑફ ન્યૂરોલૉજી 65 વર્ષથી વધુ વયના લોકોની કૉગ્નિટિવ ટેસ્ટ કરવાની સલાહ ડૉક્ટરોને આપે છે.

ઝિએદ નસ્રેડિને બીબીસીને કહ્યું હતું, "આ સલાહ આપવાનું કારણ એ છે કે વધતી વયની સાથે શારીરિક અક્ષમતા પણ વધી જાય છે." ઝિએદે ચેતવણી આપતાં કહ્યું હતું, "75 વર્ષની વય પછી 25 ટકા દર્દીઓમાં કોઈને કોઈ પ્રકારનો સંજ્ઞાનાત્મક વિકાર હોય જ છે."

ઝિએદના જણાવ્યા મુજબ, તેઓ બાઇડનને ક્યારેય મળ્યા નથી કે તેમનો ઇલાજ પણ કર્યો નથી. લોકોમાં સંજ્ઞાનાત્મક વિકાર હોય અને ઘણીવાર તેઓ તેના વિશે જાણતા ન હોય એ બહુ સામાન્ય વાત છે.

બાઇડનમાં ગયા વર્ષે કેટલાક ફેરફાર જોવા મળ્યા હોવાનું જણાવતાં ઝિએદે ઉમેર્યું હતું, "જાહેર સ્થળોએ બાઇડન ધીમે ધીમે ચાલે છે અને તેમનાં ભાષણ પણ ધીમાં થઈ ગયાં છે. તેમનો અવાજ બહુ ધીમો થઈ ગયો છે અને હવે તેઓ કેટલાક શબ્દો ગણગણતા હોય તેમ બોલે છે."

ઝિએદના કહેવા મુજબ, બાઇડનની વયના અનેક લોકો પાસે આટલું કામ હોતું નથી અને આ ઉંમરમાં કોઈ વ્યક્તિ માટે સામાન્ય કામ કરવાનું પણ મુશ્કેલ હોય છે.

ઝિએદે એમ પણ જણાવ્યુ હતું કે તેમણે બાઇડનમાં આ ફેરફાર અગાઉનાં વર્ષોમાં નહીં, પરંતુ માત્ર ગયા વર્ષે જ જોયો છે.

બાઇડનને અલ્ઝાઇમર થયો હોય તો શું થશે?

અમેરિકન બંધારણના 25મા સુધારામાં રાષ્ટ્રપ્રમુખના મૃત્યુ અથવા પોતાના અધિકાર તથા ફરજ બજાવવામાં અસમર્થતાની પરિસ્થિતિમાં ઉત્તરાધિકારની પ્રક્રિયા બાબતે જણાવવામાં આવ્યું છે.

જોકે, રાષ્ટ્રપ્રમુખ પદ પરથી હટવા ઇચ્છતા હોય કે તેમનું અવસાન થયું હોય કે પછી તેમણે રાજીનામું આપ્યું હોય તો જ આ જોગવાઈનો અમલ કરવામાં આવે છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જોન એફ. કેનેડીના મૃત્યુ પછી આ સુધારાને બહાલી આપવામાં આવ્યો છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આ બાબતે ફરી ચર્ચા શરૂ થઈ છે.

અમેરિકાના સંસદસભ્યોએ ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન આ સુધારાને બદલવા માટે એક કાયદો બનાવવા વિચાર્યું હતું. તેની પાછળનો હેતુ નિષ્ણાતોની એક એવી પેનલ બનાવવાનો હતો, જે રાષ્ટ્રપ્રમુખ બનવા માટેના માપદંડ તૈયાર કરી શકે.

અમેરિકાના કેપિટલ હિલ હુલ્લડ પછી ડેમોક્રેટ સંસદસભ્યોએ 2021માં ગૃહમાં એક પ્રસ્તાવ મંજૂર પણ કર્યો હતો. તેમાં ટ્રમ્પને રાષ્ટ્રપ્રમુખપદ પરથી હટાવવા માટે 25મો બંધારણીય સુધારો અમલી બનાવવા તત્કાલીન વાઈસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને જણાવવામાં આવ્યું હતું.

અલબત, ત્યારે આ દિશામાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, પરંતુ બાઇડન અને ટ્રમ્પની પહેલી જાહેર ડીબેટ બાદ રિપબ્લિકન પાર્ટીના કેટલાક સભ્યોએ આ સુધારાનો અમલ કરવા બાઇડન કેબિનેટને અપીલ કરી છે.