You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘હું મૃત્યુની રાહ જોતો હતો’, ઇઝરાયલી સૈન્યની જીપ પર બંધાયેલા ઘાયલ પેલેસ્ટાઇનવાસીઓએ બીબીસીને જણાવી આપવીતી
- લેેખક, લ્યુસી વિલિયમસન
- પદ, મધ્ય-પૂર્વના સંવાદદાતા
ઇઝરાયલી સેનાએ કબજે કરેલા વેસ્ટ બૅન્કમાં ગત અઠવાડિયે કરેલી સૈન્ય કાર્યવાહી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા બે વધુ પેલેસ્ટાઇનિયન યુવાનોએ બીબીસી સમક્ષ પોતાની વાત રજૂ કરી છે.
તેમણે બીબીસીને કહ્યું હતું કે, “ઇઝરાયલી સુરક્ષાદળોએ તેમને સૈન્યની જીપની બૉનેટ પર ચઢવા માટે બળજબરી કરી હતી અને એ બાદ એમને હંકારી ગયાં હતાં. ઘણીવાર અંતરિયાળ વિસ્તારોમાં બૉનેટ પર ચડાવીને અતિશય ગતિથી જીપ ચલાવવામાં આવી હતી.”
થોડા દિવસ પહેલાં 23 વર્ષીય મુજાહિદ અબાદી બાલસને બૉનેટ પર ઇઝરાયલી સેનાએ બેસાડ્યા હોય એવાં દૃશ્યોવાળો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ગત શનિવાર 29 જૂને, જેનિન પ્રાંતના છેડે આવેલા જબારિયતમાં ચાલેલા એક ઓપરેશન દરમિયાન ઇઝરાયલી સેના આ જ પ્રકારની ટ્રીટમેન્ટ અન્ય બે વ્યક્તિઓને આપી હોવાનો દાવો થયો હતો.
બીબીસીએ આ બંને યુવકો સાથે વાત કરી હતી.
25 વર્ષીય સમીર ડબાયા હાલમાં જેનિનની હૉસ્પિટલમાં દાખલ છે. તેમના કહેવા પ્રમાણે ઇઝરાયલી સૈન્યે તેમને ‘જબારિયત ઑપરેશન’ દરમિયાન પીઠમાં ગોળી મારી હતી. તેમનું લોહી વહી રહ્યું હતું અને જ્યાં સુધી તેમને તપાસવા માટે સૈનિકો ન આવ્યા ત્યાં સુધી તેઓ મોંભર પડ્યા રહ્યા હતા. કલાકો વીતી ગઈ હતી.
સૈનિકોએ તેમને જોયા અને બેઠા કર્યા તો તેમને ખ્યાલ આવ્યો કે તેઓ જીવે છે. પછી તેમને ઉઠાવીને લઈ જવામાં તો આવ્યા પણ તેમને જીપના બૉનેટ પર ફેંકવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“તેમણે મારું પૅન્ટ ઉતારી દીધું હતું. હું કારને મજબૂતીથી પકડવાની કોશિશ કરી રહ્યો હતો પરંતુ એક સૈનિકે મને મોં પર મુક્કો માર્યો અને એમ ન કરવા કહ્યું. ત્યારબાદ તેમણે ડ્રાઇવિંગ કરવાનું શરૂ કર્યું. હું તો જાણે કે મૃત્યુની રાહ જોઈ રહ્યો હતો.”
સમીરે અમને એ વીડિયો ફૂટેજ પણ દેખાડ્યું કે જેમાં તેઓ અર્ધનગ્ન અવસ્થામાં દેખાઈ રહ્યા હતા અને તેમને ઝડપથી ચાલતી જીપ સાથે બાંધવામાં આવ્યા હતા. તેમના પર નં.1 નિશાન કરવામાં આવ્યું હતું.
તેમનું લૉકેશન પણ જ્યાં ઑપરેશન કરવામાં આવ્યું હતું એ જ દર્શાવતું હતું. પરંતુ રેકૉર્ડિંગ પર સ્પષ્ટપણે કોઈ સમય કે તારીખ દેખાતી ન હતી.
અન્ય એક પેલેસ્ટાઇનિયન નાગરિક હેશમ ઇસલેઇટે પણ બીબીસીને કહ્યું હતું કે તેમને જબારિયતના ઑપરેશન દરમિયાન બે વખત ગોળી મારવામાં આવી હતી, તથી તેમને પર એ જ જીપ ઉપર નં.1 નું નિશાન લગાવીને ધકેલવામાં આવ્યા હતા.
'અમારા કપડાં પણ ઊતરાવી નાખ્યા'
તેમણે ત્યારે કેવી રીતે ‘બધી બાજુએથી ગોળીબાર’ થતો હતો એ પણ વર્ણવ્યું. તેમણે ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તેમને પગમાં ગોળી મારવામા આવી હતી. ત્યારબાદ આર્મી યુનિટમાંથી એક વ્યક્તિ એમને લેવા માટે આવી હતી.
હેશમ કહે છે, “તેમણે અમને ઊભા થઈ જવાનો આદેશ આપ્યો અને અમારાં કપડાં ઉતારી નાખ્યાં. અમારા પગ ખુલ્લા હતા અને શરીર ઊઘાડું. મેં જીપનો ટેકો લઈને ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ હું ન થઈ શક્યો. જીપ ખૂબ ગરમ હતી. હું તેમને કહી રહ્યો હતો કે ખૂબ ગરમ છે અને હું ઊભો નહીં થઈ શકું. પણ તેઓ માન્યા નહીં અને મને ઊભા થવાનું કહેતા રહ્યા. તેમણે મને કહ્યું કે જો હું જીવતો રહેવા માંગતો હોઉં તો મારે ઊભા થવું પડશે.”
અમે આ આરોપો વિશે ઇઝરાયલી આર્મીને પૂછ્યું તો તેણે કહ્યું કે આ કેસ હજુ ‘અંડર રિવ્યૂ’ છે.
મુજાહિદ અબાદી બાલસના ઑરિજનલ વીડિયો વિશે પૂછતાં ઇઝરાયલી આર્મીએ જવાબ આપ્યો હતો કે, “તેને જીપ સાથે એટલે બાંધવામાં આવ્યો હતો કે તેણે ‘ઑર્ડર અને પ્રોસિજરનો ભંગ’ કર્યો હતો અને તેના કેસની તપાસ હજુ ચાલુ હતી.”
તેમણે લેખિત જવાબમાં કહ્યું હતું કે, “વીડિયોમાં અધિકારીઓ જેવું વર્તન કરી રહ્યા છે તેવાં મૂલ્યો આઈડીએફનાં નથી.”
હૉસ્પિટલના બિછાનેથી વાત કરતાં મુજાહિદે બીબીસીને કહ્યું હતું કે તેમને આ અનુભવ પછી બચી જવાશે તેવી કોઈ આશા નહોતી. તેઓ કહે છે, “જ્યારે મને જીપ પર રાખવામાં આવ્યો ત્યારે જ હું અંતિમ પ્રાર્થનાઓ કરવા લાગ્યો હતો.”
તેમણે બીબીસીને બીજો વીડિયો પણ બતાવ્યો હતો, જે ત્યાંથી થોડા અંતરે જ રેકૉર્ડ કરાયેલો હતો. આ વીડિયો એ વાતની સાહેદી આપે છે કે તેમને ઇઝરાયલી સૈનિકો દ્વારા જીપ પર ફેંકવામાં આવ્યા હતા.
'અમને હવામાં ઝુલાવીને જીપ પર ફેંક્યા'
"એકવાર તેમણે એ ચેક કર્યું હતું કે મારી પાસે કંઈ(હથિયાર) છે કે નહીં. તેઓ જીપમાંથી નીચે ઊતર્યા અને મને ચહેરા, માથા અને જ્યાં મને વાગ્યું હતું એવી જગ્યાએ મારવાનું શરૂ કર્યું."
તેમણે કહ્યું, "સૈનિકોએ મને મારા કાંડા અને પગની ઘૂંટીએથી પકડીને ઉપાડ્યો અને મને હવામાં ઉછાળતાં પહેલાં આમતેમ ઝુલાવ્યો"
હેશમ કહે છે કે, “હું જમીન પર પડ્યો. પછી મને ફરી ઉઠાવવામાં આવ્યો અને જીપ પર ફેંકવામાં આવ્યો. ફરીથી ઝૂલાવવામાં આવ્યો હતો અને તેને નજીકના ઘરમાં લઈ જવામાં આવ્યો હતો.”
સેનાએ જણાવ્યું હતું કે તે વૉન્ટેડ શકમંદોની ધરપકડ કરવા માટે ગયા સપ્તાહના અંતે જબરિયાતમાં હતી અને તે ઑપરેશન દરમિયાન "આતંકવાદીઓએ સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. તેમણે આ ગોળીબારનો જવાબ આપ્યો હતો".
હેશમે કહ્યું કે, “તે દિવસે તેઓ મુજાહિદ સાથે એ મકાનમાં હતા જે તેમના પાડોશી અને મિત્ર મજદ અલ-આઝમીનું હતું. તેની પણ ઑપરેશન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને તે ઇઝરાયલની કસ્ટડીમાં છે.”
ત્રણેય લોકો કહે છે કે તેઓ નિઃશસ્ત્ર હતા. તમામને ઓળખ અંગેની તપાસ પછી સૈન્ય દ્વારા ઝડપથી મુક્ત કરવામાં આવ્યા હતા.
'આ યુદ્ધ અટકવાનું નથી'
ઇઝરાયલનું માનવાધિકાર જૂથ સેલેમ એ આવા કેસોને ટ્રેક કરી રહ્યું છે.
જૂથના પ્રવક્તા શાઈ પાર્નેસે જણાવ્યું હતું કે 7 ઑક્ટોબરના હમાસના હુમલાથી ઇઝરાયલી સૈનિકો અને વસાહતીઓ દ્વારા પશ્ચિમ કાંઠે પેલેસ્ટાઇનિયનો વિરુદ્ધની હિંસા રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
શાઈ કહે છે કે, "તે વધુ કટ્ટરપંથી છે અને અતિશય ક્રૂર છે. 7 ઑક્ટોબરથી લઇને આજ સુધી 500થી વધુ પેલેસ્ટાઇનિયનો આ રીતે માર્યા ગયા છે. તેમાંથી 100થી વધુ તો સગીર છે. હજુ પણ દરરોજ પેલેસ્ટાઇનિયન શહેરો પર આક્રમણ થઈ રહ્યાં છે."
7 ઑક્ટોબરના હમાસના હુમલા પછી જેનિન એ ઇઝરાયલી હુમલાઓનું ખાસ લક્ષ્ય છે, ત્યાં 120થી વધુ પેલેસ્ટાઇનિયન નાગરિકો અને લડવૈયાઓ, ઇઝરાયલી સૈનિકો દ્વારા માર્યા ગયા હતા.
સશસ્ત્ર માણસો હજુ પણ જેનિન કૅમ્પ પર પેટ્રૉલિંગ કરે છે, જ્યાં હમાસ અને ઇસ્લામિક જેહાદ દ્વારા સમર્થિત લડવૈયાઓ સ્થિત છે. શહેરના રહેવાસીઓનું કહેવું છે કે અહીં યુદ્ધની પરિસ્થિતિમાં સુધારાના કોઈ સંકેત નથી.
એક રહેવાસી કહે છે, “શું સૈન્યના જવાનોને એ વાતનો ખ્યાલ નથી કે પ્રતિકાર એ એવો વિચાર છે કે જે હૃદયમાં સ્થાપિત થયેલો હોય છે? આ અટકવાનું નથી. જો એક વ્યક્તિનં મૃત્યુ થશે તો બીજા પાંચ લોકો તેની જગ્યા લેશે."
આ અઠવાડિયે જ ઇઝરાયલી ઓપરેશન દરમિયાન, કૅમ્પની આસપાસના રસ્તાઓમાં ઊંડે દટાયેલા બૉમ્બથી બે યુનિટ પર હુમલો થયો હતો. તેમાં એક સૈનિક માર્યો ગયો અને અન્ય 16 લોકો ઘાયલ થયા.
આ યુદ્ધ ગાઝાના યુદ્ધના ઘણા સમય પહેલાં જ શરૂ થયું હતું. પરંતુ ત્યારબાદ રણનીતિ અને વલણ ઉદ્ભવેલી પરિસ્થિતિઓના પગલે બદલાઈ રહ્યાં છે. વેસ્ટ બૅન્કના વિસ્તારમાં પણ ઇઝરાયલી સૈનિકો કઈ રીતે વર્તન કરી રહ્યા છે તેની તપાસ થઈ રહી છે.
આ ગાઝા માટે પણ અલગ પ્રદેશ છે, પણ સામે દુશ્મનો તો સમાન છે, ચારેકોર પ્રસરેલા યુદ્ધમાં તેઓ પણ એકબીજા સામે બાથ ભીડી રહ્યા છે.