You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોળ વર્ષનો 'સુપરસ્ટાર ફૂટબૉલર' જેણે સ્પેનને યૂરોકપ ફાઇનલમાં પહોંચાડ્યું
- લેેખક, ગેરી રૉઝ
- પદ, બીબીસી સ્પોર્ટ, મ્યુનિક
યુરોપીય દેશોની ફૂટબૉલ ટુર્નામેન્ટ યુરો-24 હવે અંતિમ તબક્કામાં છે. તેની પહેલી સેમિફાઇનલ સ્પેન અને ફ્રાન્સ વચ્ચે ભારતીય સમયાનુસાર આજે રમાઈ હતી.
ઘણીવાર યુરોપીય ચૅમ્પિયનશિપમાં એવો ગોલ થાય છે કે જે સમયની કસોટી પર ખરો ઊતરે છે. તેને દાયકાઓ સુધી યાદ કરવામાં આવે છે. વારંવાર તેના વીડિયો શેર થાય છે અને તેની ખૂબીઓનાં વખાણ થતા હોય છે.
યુરો 1988માં માર્કો વૅન બાસ્ટેનની ઍન્ગલ્ડ વૉલી આવા જ અવિસ્મરણીય ગોલમાંથી એક હતો. ત્યારપછી યુરો 1996માં પૉલ ગેસકૉઇનની ગોલપોસ્ટ તરફથી એક સફળ દોડ અને એ જ ટુર્નામેન્ટમાં કારેલ પોબોર્સ્કીનો હળવેકથી ચિપના સહારે કરવામાં આવેલો ગોલ પણ ક્યારેય ભૂલાય નહીં એવા ગોલમાં સામેલ છે.
યુરો 2024ની સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે સ્પેનના ખેલાડી લમીન યમાલનો ઇતિહાસ રચનારો ગોલ પણ આ સૂચિમાં જોડી શકાય તેમ છે.
ભારતીય સમયાનુસાર બુધવારે મ્યુનિચમાં રમાયેલ 2024ની પહેલી સેમિફાઇનલમાં જ્યારે સ્પેન ફ્રાન્સથી 1-0થી પાછળ હતું ત્યારે યમાલે બૉક્સની બહારથી ગોલપૉસ્ટના ટૉપ કૉર્નરથી એક શાનદાર ગોલ કરી દીધો. આ ગોલે યમાલનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખી દીધું છે.
16 વર્ષ અને 362 દિવસની ઉંમરમાં તેઓ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સ્કોર કરનારા સૌથી ઓછી ઉંમરના ખેેેેેલાડી બની ગયા છે.
પરંતુ તેનાથી પણ મોટી ઉપલબ્ધિ કદાચ એ હતી કે જે પણ વ્યક્તિએ આ ગોલ જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇંગ્લૅન્ડના પૂર્વ સ્ટ્રાઇકર ગેરી લિનેકરે બીબીસીને જણાવ્યું કે, "એક સુપરસ્ટાર આવી ગયો છે. આ માત્ર આ મૅચની જ નહીં પરંતુ સમગ્ર ટુર્નામેન્ટની સૌથી યાદગાર પળ છે."
ઇંગ્લૅન્ડના અન્ય પૂર્વ સ્ટાર એલન શેરરે કહ્યું, "એક અદ્ભુત ગોલ. આખી ટુર્નામેન્ટ દરમિયાન અમે એ વાતની ચર્ચા કરી રહ્યા હતા કે યમાલ કેટલી નાની ઉંમરના છે. અને આ ઉંમરે આવો ગોલ કરવો- માન્યામાં નથી આવતું."
‘એક જિનિયસ કિક’
એ જબરદસ્ત ગોલને જોઈને એલિયાંજ ઍરિનામાં હાજર દર્શકો અને દુનિયાભરમાં ટીવી પર તેને લાઇવ જોઈ રહેલા પ્રશંસકો હતપ્રભ રહી ગયા.
જ્યારે ગોલ થયો ત્યારે સ્પીડને કારણે તેની ખૂબીઓ નજરમાં ન આવી પરંતુ જ્યારે આ ગોલને સ્લો-મોશનમાં જોવામાં આવ્યો ત્યારે સમજાયું આ તો ક્યારેક જ થનારો, ‘દાયકાઓમાં એક’ એવો ગોલ છે.
યમાલની ટીમ એક અગત્યની ટુર્નામેન્ટમાં 1-0થી પાછળ હતી અને તમામ ખેલાડીઓ દબાવમાં હતા. અને આ દબાવ વચ્ચે યમાલે જાણે કે મૅચની દિશા જ પલટી નાખી.
આ હેવીવેઇટ મુકાબલાની તૈયારીના કોઈપણ તબક્કે યમાલમાં કોઈ ડર કે દબાવ દેખાતો ન હતો.
સેમિફાઇનલ શરૂ થવાની કેટલીક કલાકો પહેલાં જ તેઓ મેદાન પર તેમના સાથી ખેલાડીઓ સાથે મજાક કરી રહ્યા હતા અને હસી રહ્યા હતા. તેમના પ્રદર્શનમાં પણ તેમનો આ આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો.
સ્પેનના ફૂટબૉલ કોચ બૉસ લુઇસ ડી લા ફુએંતેએ યમાલના ગોલ વિશે કહ્યું કે, "આપણે એક જીનિયસ ગોલ જોયો છે. હવે આપણી જવાબદારી છે કે આપણે તેનો ખ્યાલ રાખીએ. હું ઇચ્છીશ કે તેઓ આ રીતે જ વિનમ્ર રહે અને પોતાના પગ જમીન પર રાખે. બસ...તેઓ સતત શીખતા રહે."
તેમણે કહ્યું કે, "જો હું ઇમાનદારીથી કહું તો યમાલ તેમની ઉંમરથી વધુ અનુભવી ખેલાડી દેખાય છે. હું તો બસ એ જ વાતની ઉજવણી કરી રહ્યો છું કે તેઓ અમારી ટીમમાં છે."
"અમને યમાલ પર ભરોસો છે. અમને આશા છે કે આવનારાં વર્ષોમાં તેમની રમતનો આનંદ લઈ શકીશું."
યમાલ બસ જીતવા માંગે છે...
યમાલ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે પરંતુ પોતાના ક્લબ બાર્સેલોનામાં તેમણે પહેલાં જ રેકૉર્ડ બુકમાં સ્થાન મેળવી લીધું છે.
તેઓ સ્પેનિશ ટીમના સૌથી ઓછી ઉંમરના ખેલાડી છે અને ગોલ સ્કોરર બની ગયા છે. એ પહેલાં તેઓ સ્પેનની લા લીગામાં સૌથી ઓછી ઉંમરના સ્કોરર બની ગયા હતા.
યમાલ 13 જુલાઈએ યુરો 2024ના ફાઇનલના એક દિવસ પહેલાં જ 17 વર્ષના થઈ જશે.
તેમની વિચારસરણીની ઝલક આપતાં તેઓ કહે છે કે તેઓ પોતાનો જન્મદિવસ મનાવવાને બદલે માત્ર ‘જીત, જીત, જીત અને જીત’ પર જ ધ્યાન આપશે.
ફાઇનલમાં સ્પેનનો મુકાબલો ઇંગ્લૅન્ડ અને નેધરલૅન્ડ વચ્ચે થનારી બીજી સેમીફાઇનલના વિજેતા સાથે થશે.
પરંતુ સામે જે પણ ટીમ હોય, એ ટીમને માત્ર એક જ સલાહ આપવામાં આવી રહી છે કે એ આ ખેલાડીને છંછેડે નહીં. કારણ કે ફ્રાન્સની સામેની મૅચ પહેલાં તેમના મિડફીલ્ડર એડ્રિયા રાબિયોએ કહ્યું હતું કે યમાલે અત્યાર સુધીમાં જેવું પ્રદર્શન કર્યું છે તેને ધ્યાનમાં રાખતાં આપણે વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
મૅચ પછી યમાલે ટીવી કૅમેરા સામે જોઈને મોટા અવાજે કહ્યું, "હવે બોલો, બોલો હવે."
ઇંગ્લૅન્ડના પૂર્વ ડિફેન્ડર રિયો ફર્ડિનેન્ટ કહે છે, "એવું લાગી રહ્યું હતું કે જાણે યમાલે રાબિયોને જોયા અને કહ્યું કે હું તમને દેખાડીશ."
"આ એક બાળકનો અદ્ભુત ગોલ હતો."
યમાલ મૅચ પછી સવારે પોસ્ટ મૅચ પ્રેસ કોન્ફરન્સમાં પણ પહોંચ્યા હતા.
ત્યાં પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે ‘હવે બોલો’ વાળું નિવેદન કોના માટે હતું?
યમાલનો જવાબ હતો કે, "જેના માટે આ નિવેદન હતું એ જાણે છે કે આ તેના માટે હતું."
"પોતાની રાષ્ટ્રીય ટીમ માટે ગોલ કરવો અને તેને ફાઇનલમાં પહોંચાડવી એ એક સ્વપ્ન પૂર્ણ થયા સમાન છે."
યમાને પ્રેસ કૉન્ફરન્સનો સામનો પણ એ રીતે જ આત્મવિશ્વાસથી કર્યો હતો કે જાણે તેઓ મેદાન પર ફૂટબૉલ રમી રહ્યા હોય.
હવે તેમનું ફોકસ ફાઇનલ પર છે.
ફાઇનલમાં કોણ આવશે એ અંગે પૂછતાં યમાલે કહ્યું હતું કે, "મને ફેર પડતો નથી કે સામે કોણ આવે. જ્યારે તમે ફાઇનલમાં હોવ છો ત્યારે તમારે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું હોય છે. સામે જે પણ હોય, અમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું."
મેસ્સી સાથેનો ફોટો વાઇરલ
2007માં લિયોનેલ મેસ્સીએ બાર્સેલોનામાં તેમના ડ્રેસિંગ રૂમમાં એક ચેરિટી કૅલેન્ડર માટે ફોટોશૂટ કરાવ્યું હતું અને એ સમયે તેમના હાથમાં તેઓ એક બાળક હતું. તેઓ બાળકને રમાડી રહ્યા હોય તેવો ફોટો હતો.
ત્યારે મેસ્સી 20 વર્ષના હતા. એ સમયે તેમનું પણ ફૂટબૉલની દુનિયામાં નામ થઈ રહ્યું હતું અને તેઓ પણ મહાનતમ ખેલાડી બનવાના રસ્તે હતા.
બીબીસી સંવાદદાતા જ્યૉર્જ વ્રેઇટે આપેલી માહિતી અનુસાર, "કોઈને એ વાતનો ખ્યાલ ન હતો કે મેસ્સી જે બાળકને રમાડી રહ્યા છે એ પણ આગળ જતાં આટલો મોટો ફૂટબૉલર બનશે, અને એ પણ માત્ર સોળ વર્ષની ઉંમરે."
મેસ્સીના હાથમાં જે બાળક હતું એ જ લમીન યમાલ છે જેમણે યુરો 2024ની સેમિફાઇનલમાં ગોલ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે.
યમાલના પિતાએ ગત અઠવાડિયે મૅચ બાદ આ તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો હતો અને લખ્યું હતું કે, "ધી બિગિનિંગ ઑફ ટુ લીજેન્ડ્સ." ત્યારબાદ આ તસવીર વાઇરલ થઈ રહી છે.
આ તસવીર જૉઆન મોનફૉર્ટ દ્વારા ખેંચવામાં આવી હતી. તેઓ ઍસોસિયેટેડ પ્રેસના ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે.
તેઓ કહે છે, "યુનિસેફે માતારો શહેરમાં એક લોટરીનું આયોજન કર્યું હતું. આ શહેરમાં જ લમીનનો પરિવાર રહેતો હતો. આ ફોટોશૂટ લોટરીને કારણે થયું હતું.”
"લમીનના પરિવારે આ લોટરીની સ્પર્ધા જીતી લીધી હતી અને તેમને બાર્સેલોનાના ખેલાડી સાથે તસવીર ખેંચાવવાની તક મળી હતી."
ફોટોગ્રાફરે કહ્યું હતું કે, "આ અસાઇનમેન્ટ સહેલું ન હતું. મેસ્સી અંતર્મુખી અને શરમાળ પ્રકૃતિના હતા."
"તેઓ એક રૂમમાંથી બહાર આવ્યા અને ઓચિંતા જ બીજા રૂમમાં એક પ્લાસ્ટિક ટબમાં મૂકવામાં આવેલા બાળક સાથે તેમનો ભેટો થયો. તેઓ એ પણ જાણતા ન હતા કે કઈ રીતે બાળકને ઊંચકવું."