You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકામાં ક્રિકેટ લોકપ્રિય ન હોવા છતાં ત્યાં ટી20 વર્લ્ડ કપનું આયોજન કેમ થયું?
- લેેખક, જહાન્વી મૂળે
- પદ, બીબીસી મરાઠી
તમે જ્યારે ક્રિકેટ વિશે વિચારો તો અમેરિકા કે અમેરિકાની ક્રિકેટ ટીમ યાદ નહીં આવે. કારણ કે ત્યાં બાસ્કેટ બૉલ, રગ્બી, ફૂટબૉલ અને બેઝબૉલ જેવી રમતો લોકપ્રિયતાના શિખરે છે. આમ છતાં, ક્રિકેટનાં ટી20 વર્લ્ડ કપની કેટલીક મૅચોનું આયોજન અમેરિકામાં જ કરવામાં આવી રહ્યું છે. આવું કેમ અને કેવી રીતે થયું?
ન્યૂયૉર્કસ્થિત આર્થિક વિશ્લેષક ઉત્કર્ષે કહ્યું, “અમેરિકામાં કેટલાક લોકો જાણે છે કે ક્રિકેટ નામની કોઈ રમત છે. જોકે, તેઓ આ રમત વિશે બસ આ જ વાત જાણે છે. હું મારા કેટલાક પાડોશીઓ સાથે વાત કરી રહ્યો હતો અને પાડોશીઓ વિચારે છે કે બધા જ ક્રિકેટ મૅચો સફેદ ડ્રેસમાં પાંચ દિવસો માટે રમાય છે.”
ઉત્કર્ષ અમને પોતાની ઓફિસ પાસે ટી20 વર્લ્ડ કપની એક જાહેરાત વિશે જણાવે છે. તેઓ ખુશ છે કે વિશ્વ કપની કેટલીક મૅચોનું આયોજન તેમના દેશમાં થઈ રહ્યું છે. તેમને પોતાની પ્રિય રમતને જોવા માટે વિચિત્ર સમયે ઉઠવું નહીં પડે.
ઉત્કર્ષ એકલાં જ અમેરિકામાં રહેતા ક્રિકેટપ્રેમી નથી. અમેરિકામાં રહેતા લાખો ભારતીયો સહિત દક્ષિણ એશિયાના દેશોના લોકો તથા કૅરેબિયન મૂળના લાખો લોકો આ ટૂર્નામેન્ટની રાહ જોઈ રહ્યાં છે.
આઈસીસીએ જ્યારે 2021માં જાહેરાત કરી કે 2024માં અમેરિકા અને વૅસ્ટઇન્ડિઝ ટી20 વર્લ્ડ કપની મેજબાની કરશે ત્યારે કેટલાક લોકો આશ્ચર્યચકિત હતા. કારણ કે અમેરિકા પાસે સ્થાનિક સ્તરે ક્રિકેટની સુવિધાઓ નથી. અમેરિકા પાસે પ્રથમ શ્રેણીની મજબૂત ટીમ પણ નથી. ક્રિકેટની વાત કરીએ તો બીજા ઘણા દેશોની સરખામણીએ અમેરિકાની પહોંચ આ રમતમાં ખૂબ જ ઓછી છે.
અહીં મુખ્ય સવાલ એ છે કે અમેરિકામાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા યુએસએ ક્રિકેટે વર્લ્ડ કપને પોતાના દેશમાં આયોજિત કરવા માટેનું આવેદન કેમ કર્યુ અને આઈસીસીએ તેમના દાવાને કેવી રીતે સ્વીકાર્યો?
આઈસીસીએ પોતાના આ નિર્ણય પાછળ કોઈ કારણ આપ્યું નથી. જોકે, આ નિર્ણય પાછળ તેમના ત્રણ ઉદ્દેશ્ય હશે – ક્રિકેટની રમતને નવા દેશોમાં લઈ જવી, ક્રિકેટ માટે નવું બજાર શોધવું અને ક્રિકેટની રમતને ઑલિમ્પિક્સમાં સામેલ કરવી.
આઈસીસીનો એક ઉદ્દેશ્ય પૂરો થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિકેટ, ઑલિમ્પિક અને માર્કેટિંગ
આંતરરાષ્ટ્રીય ઑલમ્પિક સમિતિએ ઑક્ટોબરે 2023માં મુંબઈમાં યોજાયેલી એક બેઠકમાં ટી-20 ક્રિકેટને લૉસ એન્જેલેસ 2028માં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો.
આયોજકોએ ક્રિકેટને ઑલિમ્પિકમાં સામેલ કરવા માટે જે કારણો દર્શાવ્યા છે, તે અમેરિકામાં આ રમતના વિકાસની આશા અને ક્ષમતાને દર્શાવે છે.
આઈઓસીએ આ વિશે વાત કરી હતી કે કેવી રીતે ટી20 ક્રિકેટનું તાબડતોબ સ્વરૂપ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. યુવાનો આ રમતને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
લૉસ ઍન્જલસ ઑલિમ્પિક અને પેરા-ઑલિમ્પિક રમતોના નિદેશક નિકોલો કૈમ્પ્રિયાનીએ કહ્યું કે વસ્તીની ગણતરીએ દુનિયાના બે અબજ 50 કરોડ લોકો આ રમતને જુએ છે.
તેમણે વિરાટ કોહલીનું ઉદાહરણ આપ્યુ અને સોશિયલ મીડિયા પર તેમના વિશાળ ફેનબેઝનો ઉલ્લેખ કર્યો. કૈમ્પ્રિયાનીએ કહ્યું, “વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર 340 મિલિયન ફૉલોઅર્સની સાથે વિશ્વમાં ત્રીજા નંબરના સૌથી વધુ ફૉલોઅર્સ ધરાવતા ખેલાડી છે. આ સંખ્યા લે બ્રૉન, ટૉમ બ્રૈડી અને ટાઇગર વૂડ્સના કુલ ફોલોઅર્સની સંખ્યા કરતાં પણ વધારે છે.”
“લૉસ ઍન્જલસ 2028, આઈઓસી અને ક્રિકેટ ચાહકો બધાનો ફાયદો છે. કારણ કે, પરંપરાગત ક્રિકેટ રમતા દેશો ઉપરાંત ક્રિકેટને એક આંતરરાષ્ટ્રીય મંચ મળશે.”
અમેરિકામાં રમતો સાથે જોડાયેલા લોકોને અમે જણાવ્યું કે આ રમતના વહીવટકર્તાઓ, કૉર્પોરેટ કંપનીઓ અને કેટલીક મીડિયા કંપનીઓ ક્રિકેટને એક જાહેરાતના એક સારા મોકા તરીકે જુએ છે.
એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમેરિકામાં ભારતીય અને દક્ષિણ એશિયાના લોકો મોટી સંખ્યામાં રહે છે.
અમેરિકાની 2020-21 વસ્તી ગણતરી અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 44 લાખથી વધારે છે.
અમેરિકામાં જેમ-જેમ એશિયન મૂળના લોકોની સંખ્યા વધી છે તેમ-તેમ ક્રિકેટમાં પણ રૂચી વધી છે. આ વાતે ઑલિમ્પિક ગેમ્સના આયોજકોનું ધ્યાન ખેંચ્યું હતું.
આઈસીસીએ પણ ક્રિકેટને લૉસ ઍન્જલસ 2028 ઑલિમ્પિક્સમાં સામેલ કરવા માટે ઘણાં પગલાં લીધાં હતાં.
આઈસીસીએ ઘણા દેશોને ઍસોસિએટ સભ્યપદ આપ્યું અને અમેરિકામાં ક્રિકેટ મૅચોની સંખ્યા પણ વધારી દીધી હતી. કેટલાક નિષ્ણાતો માને છે કે અમેરિકામાં ટી-20 વર્લ્ડ કપનું આયોજન પણ આ પ્રક્રિયાનો જ ભાગ છે.
એ વાતનો ઇનકાર કરી શકાય નહીં કે આઈસીસી અમેરિકાને ક્રિકેટના નવા બજાર તરીકે જુએ છે.
વૅસ્ટઇન્ડિઝ ક્રિકેટ અને યુએસએ ક્રિકેટની ભૂમિકા
કેટલાક લોકોને યાદ હશે કે એક સમયે ક્રિકેટની દુનિયામાં દબદબો રાખનારી વૅસ્ટઇન્ડિઝની ટીમ છેલ્લા એક દાયકાથી ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. કૅરેબિયન ક્રિકેટના ઘણા ચાહકોને આશા છે કે જો અમેરિકામાં ક્રિકેટની લોકપ્રિયતા વધશે તો વૅસ્ટઇન્ડિઝના ખેલાડીઓને અમેરિકાના ક્રિકેટથી ફાયદો થશે.
આઈસીસીને જ્યારે ટી-20 વિશ્વ કપની મેજબાની માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, ત્યારે પરાગ મરાઠે યુએસએ ક્રિકેટમાં એક સ્વતંત્ર નિદેશક તરીકે કામ કરી રહ્યા હતા. આ સમયે આઈસીસીના પૂર્વ સીઓઓ ઇયાન હિગિન્સ યુએસએ ક્રિકેટના સીઈઓ હતા.
અમેરિકામાં ટી-20 વિશ્વ કપનાં આયોજનમાં આ બંને વ્યક્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
જોકે, વિશ્વ કપની મેજબાની કરવાથી જ દેશમાં ક્રિકેટનો વ્યાપ વધશે તેની કોઈ ગૅરંટી નથી. તે માટે લાંબો સમય લાગશે.
અમેરિકામાં નવા પડકારો
ક્રિકેટની રમત અમેરિકામાં ત્યારે આવી જ્યારે તે દેશ બ્રિટનનો ગુલામ હતો.
જોકે, ક્રિકેટનો વ્યાપ બ્રિટનના બીજા ગુલામ દેશો જેવા કે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા જેટલો અમેરિકામાં ન થયો.
ઇતિહાસકારો પ્રમાણે આ પાછળનું એક કારણ છે કે અમેરિકામાં આ (ક્રિકેટ) રમતને ભદ્ર લોકોની રમત ગણાતી હતી અને અમેરિકામાં ગૃહયુદ્ધ દરમિયાન બેઝબૉલની લોકપ્રિયતા વધી હતી.
એ સમયે ક્રિકેટને પાંચ દિવસની રમત ગણવામાં આવતી હતી અને આ રમત અમેરિકામાં ટકી ન શકી.
જોકે, છેલ્લા બે દાયકાઓમાં ટી-20 ક્રિકેટની શરૂઆત પછી આ રમતને અમેરિકામાં પણ સ્થાપિત કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. જોકે, કેટલીક સમસ્યાઓ હતી.
આઈસીસીએ વર્ષ 2017માં જ અમેરિકા ક્રિકેટ સામે કાર્યવાહી કરી હતી. તે સમયે યુએસએસીએ તે સમયે અમેરિકામાં ક્રિકેટની ગવર્નિગ બૉડી હતી.
જોકે, આઈસીસીએ વહીવટીતંત્રમાં અનિયમિતતાને કારણે આ સંસ્થાને બરખાસ્ત કરી દીધી હતી. ત્યારબાદ અન્ય એક સંસ્થા યુએસએ ક્રિકેટની સ્થાપના કરવામાં આવી હતી.
જોકે, વર્ષ 2021 આવતા આ સંગઠનની અંદર ફરીથી વિવાદ શરૂ થયો હતો. પરાગ મરાઠે અને ઇયાન હિગિન્સ બંનેએ પછી રાજીનામું આપ્યું હતું.
આઈપીએલ અને બેઝબૉલ લીગની જેમ જ અમેરિકામાં પણ મેજર લીગ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, તેમાં પણ વિવાદ થયા હતા.
વહીવટીતંત્રની સમસ્યા ઉપરાંત પણ તકલીફો છે. અમેરિકામાં ક્રિકેટ માટે જરૂરી ઢાંચાની સુવિધાઓ નથી. અબૂ ધાબી, દુબઈ અને શારજાહમાં પણ ક્રિકેટનાં સ્ટેડિયમ છે પણ અમેરિકામાં નથી.
ફ્લોરિટામાં સૅન્ટ્રલ બ્રોવાર્ડ પાર્ક અને ટેક્સાસમાં ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમનો ઉપયોગ ટી-20 વિશ્વ કપની મૅચોના આયોજન માટે કરવામાં આવશે. નાસાઉ કાઉન્ટીએ પણ મૉડ્યૂલર સ્ટેડિયમો સાથે પ્રયોગ કર્યો હતો.
જોકે, બધી જ સુવિધાઓ છતાં પણ સૌથી મોટો પડકાર છે સ્થાનીય લોકોમાં ક્રિકેટ પ્રત્યે ઉત્સુકતા પેદા કરવી.
ન્યૂયૉર્ક સ્થિત એક સામાજિક કાર્યકર ક્રુશિકાએ કહ્યું, “દક્ષિણ એશિયા મૂળના લોકો સિવાય મારા જીવનમાં ક્રિકેટ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. હું તેમને ક્રિકેટ વિશે સમજાવવા માટે બેઝબૉલનો ઉપયોગ કરું છું. આ રીતે કદાચ અમેરિકામાં ક્રિકેટનો વ્યાપ વધારવામાં મદદ મળશે.”
“જોકે, હું ચોકક્સ પણે આ વાત કહીં ન શકું. કારણ કે જ્યારે રમતની વાત આવે તો અમેરિકામાં ઑલિમ્પિકને બાદ કરતા ખેલપ્રેમીઓ રાષ્ટ્રને બદલે પોતાનાં રાજ્યમાં રમાતી રમતોને વધારે મહત્ત્વ આપે છે.”
અમેરિકાની ક્રિકેટ ટીમમાં હાલમાં દક્ષિણ એશિયા અને કેરેબિયન મૂળનાં ખેલાડીઓની સાથે-સાથે અપ્રવાસીઓની સંખ્યા વધારે છે.
જોકે, અમેરિકામાં ક્રિકેટના પ્રશંસકોને આશા છે કે ટી-20 વિશ્વ કપ અને ચાર વર્ષ પછી ઑલમ્પિક દેશમાં ક્રિકેટની તસવીર બદલી નાખશે.