ભારતીય મહિલા બૅડમિન્ટન ટીમે યંગ બ્રિગેડના બળે રચ્યો ઇતિહાસ, ‘દિલેર’ અનમોલની રસપ્રદ કહાણી

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, રમતગમત પત્રકાર, બીબીસી હિન્દી માટે

ભારતે બૅડમિન્ટન એશિયા ટીમ ચૅમ્પિયનશિપમાં મહિલા વર્ગનો ખિતાબ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતની આ સફળતામાં યુવાન ખેલાડીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. આ યુવાન ખેલાડીઓમાં 17 વર્ષીય અનમોલ ખરબે જબરદસ્ત પ્રશંસાપાત્ર પર્ફૉર્મન્સ કરી બતાવ્યું છે.

પ્રથમ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી રહેલાં અનમોલ ખરબ મલેશિયાના શાહ આલમ સ્ટેડિયમમાં જ્યારે થાઇલૅન્ડ વિરુદ્ધ ફાઇનલમાં ઊતર્યાં, ત્યારે ગેમ બબ્બેની બરાબરી પર હતી અને ખિતાબ જિતાડવાનો મદાર યુવાન ખેલાડીઓના પ્રદર્શન પર હતો. જોકે, ખરબ જ્યારે પોતાના કરતાં ઘણી ઊંચી રૅન્કિંગવાળાં ખેલાડી પોર્નપિચા વિરુદ્ધ મેદાને ઊતર્યાં ત્યારે તેમના મોં પર તણાવને સ્થાને સ્મિત પથરાયેલું હતું.

અનમોલે ફરી એક વાર બધાની આશા પર ખરા ઊતરીને 21-14, 21-9થી વિજય મેળવીને તિરંગો ફરકાવી દીધો.

ભારતીય બૅડમિન્ટનની વાત કરીએ તો પુરુષ ટીમ વર્ષ 2020 અને 2016માં કાંસ્ય પદક મેળવી શકી હતી, પરંતુ ભારતીય મહિલા ટીમે પોતાનું ખાતું જ સ્વર્ણ ચંદ્રક સાથે ખોલ્યું છે.

અનમોલ માટે આ ચૅમ્પિયનશિપમાં આ કોઈ નવી જવાબદારી નહોતી. તેઓ આ જ પ્રકારની જવાબદારી ચીન વિરુદ્ધ અને સેમિફાઇનલમાં જાપાન વિરુદ્ધ ભજવી ચૂક્યાં છે. તેમણે સેમિફાઇનલમાં જાપાન વિરુદ્ધ નિર્ણાયક મુકાબલામાં વિશ્વમાં 29મી રૅન્કિંગવાળાં નાત્સુકી નિદેરાને 21-14, 21-18થી હરાવ્યાં હતાં.

ભારતીય જીતમાં વિશ્વ ચૅમ્પિયન પીવી સિંધુએ સિંગલ્સ અને ત્રિશા જૌલી તેમજ ગાયત્રી ગોપીનાથની જોડીએ પોતાના મુકાબલા જીતીને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અસ્મિતા ચાલિહાને સિંગલ્સ અને પ્રિયા તેમજ શ્રુતિ મિશ્રાની જોડીને ડબલ્સમાં હારનો સામનો કરવો પડ્યો.

અનમોલ ચીન વિરુદ્ધ આવ્યાં સમાચારોમાં

અનમોલ ખરબને આ ચૅમ્પિયનશિપ દરમિયાન ખરેખર તેઓ સમાચારોમાં ચીન વિરુદ્ધના મુકાબલામાં મળી. ભારત બબ્બેની બરાબરી પર હતો અને મુકાબલાનો આખો મદાર અંતિમ સિંગલ્સ મુકાબલા પર હતો. ભારતે અનમોલ ખરબ પર વિશ્વાસ કર્યો, કારણ કે તેઓ ઠંડા મગજ સાથે રમે છે અને પોતાના પર તણાવને હાવી નથી થવા દેતાં.

અનમોલે ભારતીય કોચો દ્વારા તેમની પાસેથી રખાયેલી આશા પર ખરા ઊતરતાં ચીનનાં વૂ લુયો યૂને 22-20, 14-21, 21-18થી હરાવીને પોતાની ટીમને આગળ વધારી દીધી. આ હરિયાણવી ખેલાડી વિશે કહેવાય છે કે તેઓ પણ સાયના નેહવાલની માફક મજબૂત ઇરાદાવાળાં છે.

મા રાજબાલા પાસેથી મળ્યા હિંમતના ગુણ

ભારતીય કોચ પુલેલા ગોપીચંદે અનમોલના નિર્ભીક અંદાજની પ્રશંસા કરી હતી. પિતા દેવેન્દ્ર ખરબ જણાવે છે કે અનમોલમાં આ દિલેરીના ગુણ પોતાની મા પાસેથી મળ્યા છે. રાજબાલા હરિયાણા સ્તરનાં દોડવીર રહ્યાં છે અને તેઓ ઘડામાં પાણી ભરીને માથે ઊંચકીને લાવતાં.

ફરીદાબાદનાં રહેવાસી અનમોલ બૅડમિન્ટનની તાલીમ નોએડામાં મેળવતાં હતાં, તેથી મા દરરોજ કિલોમીટર ગાડી ડ્રાઇવ કરીને લાવતાં. તેઓ દીકરી માટે ગાડીમાં લસ્સી, છાશ વગેરે રાખતાં.

અનમોલની એ પણ ખૂબી છે કે તેમનું પૂરું ફોકસ બૅડમિન્ટનની રમત પર રહ્યું છે.

એવું કહેવાય છે કે દિવાળીના દિવસેય તેમણે પોતાના કોચને કહેલું કે સાંજે પૂજા અને ફટાકડા ફોડાય છે. તેથી સવારે ટ્રેનિંગ રાખી શકાય છે. આ પ્રકારે રક્ષાબંધન વિશે તેઓ કહેતાં કે તેઓ પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે, તેથી તેણે રાખડી બાંધવાની કોઈ જરૂર નથી.

મા રાજબાલાએ અનમોલની ફિટનેસ માટે તેને બૉક્સર જયભગવાનના ભાઈ ગોદરાસરની એકૅડૅમીમાં તાલીમ અપાવી છે. આમાં ખેલાડીઓને કમાન્ડો ટ્રેનિંગ અપાય છે. તેથી તેઓ દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠી જતાં.

અસ્મિતાનું પણ રહ્યું મહત્ત્વપૂર્ણ યોગદાન

યુવાન શટલર અસ્મિતા ચાલિહા ભલે ફાઇનલમાં હારી ગયાં, પરંતુ તેમણે જાપાન વિરુદ્ધ સેમિફાઇનલમાં પૂર્વ વિશ્વ ચૅમ્પિયન નાઓમી ઓકુહારાને હરાવીને ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

તેમણે બૅક કોર્ટથી સારું પ્રદર્શન કર્યું અને કૉર્નરો પર ખૂલીને સ્મૅશ માર્યા. ઓકુહારા સામેની મૅચમાં તેમણે તેમને સંઘર્ષ કરવા સુધ્ધાંની તક ન આપી.

ચાલિહાના આ પ્રદર્શન પર ગોપીચંદનું કહેવું હતું કે, "મેં આની પહેલાં તેને આનાથી સારું પ્રદર્શન કરતાં ક્યારેય નથી જોઈ. તેણે પોતાની રમત અનુશાસિત કરવાની જરૂર છે અને એ એક શ્રેષ્ઠ ખેલાડી છે."

તેઓ કહે છે કે, "ચાલિહાના મુકાબલામાં સતત તેને પાછળ બેસીને મેં ગાઇડ કરી, આ તેનું પણ પરિણામ છે. મને એનું આ પ્રદર્શન જોઈને ખૂબ ખુશી થઈ છે."

પરંતુ ચાલિહાને શાનદાર પ્રદર્શન છતાં ફાઇનલમાં થાઇલૅન્ડનાં ખેલાડી સામે હારનો સામનો સામનો કરવો પડ્યો.

ગાયત્રી અને ત્રિશા જૌલીએ પણ કર્યું શાનદાર પ્રદર્શન

ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જૌલીની જોડી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે.

આ જોડીએ ફાઇનલમાં ત્રણ ગેમ સુધી સંઘર્ષ કરીને જોંગકોલફાન અને રવિંદાને 21-16, 18-21, 21-16થી હરાવ્યાં. આ પહેલાં સેમિફાઇનલમાં આ જોડીએ વિશ્વની નંબર છ જોડી નામી મત્સુયામા અને ચિહારૂ સામે જીત મેળવી હતી.

ખરેખર ગાયત્રી અને ત્રિશાની જોડી આ ચૅમ્પિનશિપમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરતી જણાઈ.

આ જીતની ખાસ વાત હતી કે આ ભારતીય જોડી આ પહેલાં બે વખત જાપાની જોડી સામે હારી ગઈ હતી.

ગાયત્રી અને ત્રિશા હાલ 23મા રૅન્ક પર છે.

તેઓ ગત સિઝનમાં ઈજાને કારણે રમી શક્યાં નહોતાં, પરંતુ હવે તેમની સામે ટૉપ-16માં જગ્યા બનાવીને પેરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેવાની પાત્રતા હાંસલ કરવાની તક છે.

સિંધુ માટે સિઝન અગાઉ સારી તક રહી

પીવી સિંધુ ઈજા બાદ લગભગ ચાર મહિના પછી બૅડમિન્ટનમાં પાછાં ફર્યાં છે, તેમના માટે આગામી સિઝન શરૂ થાય એ પહેલાં પોતાની તૈયારીઓ ચકાસવાની આ સારી તક હતી.

એ ફાઇનલમાં સુપનેદા કેટથોંગને હરાવીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદારન કરવાની સાથે સિઝન પહેલાં પોતાનું મનોબળ વધારવામાં સફળ રહ્યાં છે.

સિંધુ આમ તો હાલ 11મી રૅન્કિંગ પર છે, પરંતુ પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેવા માટે તેમણે સિઝનની શરૂઆતમાં સારું પ્રદર્શન કરવું પડશે.

આ ચૅમ્પિયનશિપમાં ભલે મોટા ભાગના પ્રમુખ દેશઓ પોતાના ટૉપ ખેલાડીઓને ન ઉતારીને યુવાનોને તક આપી.

સિંધુએ આમાં જીત હાંસલ કરીને પોતાનું મનોબળ વધાર્યું છે, પરંતુ પોતાની રમતમાં સુધારો લાવવા માટે તેમણે વધુ મહેનત કરવી પડશે.