You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વર્લ્ડકપ ફાઇનલ IND vs AUS : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર સર્જાયેલા અભૂતપૂર્વ રેકર્ડ્સ, જે અજોડ છે
- લેેખક, તુષાર ત્રિવેદી
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન ડે વર્લ્ડકપની ફાઇનલ મૅચ 19 નવેમ્બરે રમાઈ રહી છે, આ સ્ટેડિયમ અગાઉ પણ ક્રિકેટજગતના ઐતિહાસિક મુકાબલાનું સાક્ષી રહ્યું છે.
સૌની નજર 2023ના વન વર્લ્ડકપમાં અજેય રહેલી ભારતીય ટીમ અને પાંચ વખત વર્લ્ડકપ વિજેતા રહેલા ઑસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલા પર છે. આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીની વનડેની 50 સદી અને મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શન ઉલ્લેખનીય રહ્યાં છે.
મોટેરા સ્ટેડિયમના નામે પણ ઓળખાતા આ સ્ટેડિયમ અને રેકર્ડનો પ્રારંભથી જ નાતો રહ્યો છે. આ મેદાન પર જેટલા રેકર્ડ સર્જાયા છે તેટલા કદાચ વિશ્વના કોઈ મેદાન પર નહીં બન્યા હોય.
1983ના ફેબ્રુઆરીમાં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘે અમદાવાદથી થોડા કિલોમીટર દૂર (એ વખતે દૂર, હાલ અમદાવાદ શહેરમાં જ) આવેલા મોટેરા ગામ પાસે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના પોતાના આગવા સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો.
બરાબર નવ મહિના બાદ એટલે કે નવેમ્બરમાં આ મેદાન પર ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી હતી.
ભારતમાં કોઈ સ્ટેડિયમ માત્ર નવ મહિનામાં તૈયાર થઈ જાય તેવી તો એ જમાનામાં એટલે કે આજથી 37 વર્ષ અગાઉ કલ્પના થઈ શકતી ન હતી. આમ મોટેરા સ્ટેડિયમ વિક્રમજનક સમયમાં તૈયાર થઈ ગયું.
બસ, મોટેરામાં પર નોંધાયેલા સંખ્યાબંધ રેકર્ડની યાદીમાં આ પહેલો રેકર્ડ બન્યો.
જે સ્ટેડિયમ બનતાની સાથે જ રેકર્ડ સર્જી શકતું હોય તે આગળ જતાં કેવા કેવા યાદગાર સિમાચિહ્નો રજૂ કરશે તેની 1983માં તો કલ્પના ન હતી પરંતુ આજે 2023માં ફરીથી આ સ્ટેડિયમમાં ઇતિહાસ સર્જાય એવી આશા ભારતીય ક્રિકેટચાહકોને રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્ટેડિયમમાં રેકર્ડ સંખ્યામાં પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતાનો છે.
સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, મોટેરા ખાતે એક લાખ દસ હજાર પ્રેક્ષકોને સમાવી શકાય છે. આમ મેલબોર્નના ઐતિહાસિક સ્ટેડિયમ કરતાં પણ વધારે પ્રેક્ષકો આ સ્ટેડિયમમાં એક સાથે બેસીને મૅચ નિહાળી શકે છે.
હવે મેદાન પર બનેલા કેટલાક યાદગાર રેકર્ડની વાત કરીએ.
ગાવસ્કરે 10 હજાર રન આ સ્ટેડિયમ પર પૂરા કર્યા
1983માં આ મેદાન પર પહેલી વાર ટેસ્ટ મૅચ રમાઈ તે વખતે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો રેકર્ડ ઇંગ્લૅન્ડના જ્યોફ બોયકોટના નામે હતો. બોયકોટે 8114 રન નોંધાવ્યા હતા.
નવેમ્બર 1983માં સુનીલ ગાવસ્કરે મોટેરા ખાતે 90 રન નોંધાવ્યા તે સાથે તેણે બોયકોટનો રેકર્ડ તોડી નાખ્યો હતો. આમ આ મેદાન પર સુનીલ ગાવસ્કરે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ રનનો રેકર્ડ નોંધાવ્યો હતો.
સુનીલ ગાવસ્કર માટે આ મેદાન શુકનવંતુ પુરવાર થયું હતું. 1987માં પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં ટેસ્ટ મેચ રમતી હતી, ત્યારે ગાવસ્કરે તેમની કારકિર્દીના દસ હજાર રન પૂરા કર્યા હતા.
ટેસ્ટ ક્રિકેટમાં 10,000 રન પૂરા કરનાર સુનીલ ગાવસ્કર પ્રથમ બૅટ્સમૅન અને તેનું સાક્ષી મોટેરા સ્ટેડિયમ બન્યું હતું.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકર્ડ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકર્ડ તો અહીં નોંધાયો પરંતુ સાથે સાથે સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકર્ડ પણ મોટેરામાં જ સર્જાયો હતો.
1994ના ફેબ્રુઆરીમાં કપિલદેવે શ્રીલંકાના હસન તિલકરત્નેની વિકેટ ઝડપી તે તેમની કારકિર્દીની 432મી વિકેટ હતી. એ વખતે ન્યૂઝીલૅન્ડના રિચાર્ડ હેડલીએ 431 વિકેટ ઝડપી હતી.
આમ કપિલ દેવના નામે ટેસ્ટ ઇતિહાસમાં સૌથી વધુ વિકેટનો રેકર્ડ લખાઈ ગયો અને એ પણ મોટેરાના મેદાન પર જ.
સચીન તેંડુલકરની યાદગાર સદી
સચીન તેંડુલકરે ક્રિકેટ ઇતિહાસમાં 100 ઇન્ટરનેશનલ સદી ફટકારી છે અને કદાચ વિશ્વનું કોઈ મેદાન બાકી નહીં હોય, જ્યાં તેમણે સદી ફટકારી ન હોય, પણ તેમની સૌથી યાદગાર સદી મોટેરામાં નોંધાઈ છે.
1999માં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ દરમિયાન સચીન તેંડુલકરે તેમની કારકિર્દીની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી. એ વખતે તેણે 217 રન ફટકાર્યા હતા.
મોહમ્મદ અઝહરુદ્દીનનો અનોખો રેકર્ડ
મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે 99 ટેસ્ટ રમ્યા હતા, પરંતુ તે એક એવો અનોખો રેકર્ડ રચી ચૂક્યા હતો, જે આજેય ઘણા ઓછા ખેલાડીના નામે છે.
1996ના નવેમ્બરમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ તે સાથે અઝહર એવા પ્રથમ ક્રિકેટર બન્યા હતા, જે તમામ દેશ સામે પોતાના દેશમાં અને એ દેશના મેદાન પર ટેસ્ટ રમ્યા હોય.
એ વખતે નવ દેશો ટેસ્ટ ક્રિકેટ રમતા હતા અને અઝહર આ તમામ આઠ હરીફ સામે ભારતીય ધરતી પર અને વિદેશમાં જે તે દેશની ધરતી પર ટેસ્ટ રમ્યા હતા.
આમ કરનારા તેઓ પ્રથમ ક્રિકેટર હતા અને એ રેકર્ડ તેમણે મોટેરામાં રમીને નોંધાવ્યો હતો. આ એક અનોખા પ્રકારનો વર્લ્ડ રેકર્ડ હતો.
1987માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચ દરમિયાન શિવલાલ યાદવે પાકિસ્તાનના સલીમ મલિકને આઉટ કર્યા તો સાથે તેમણે ટેસ્ટ મૅચમાં 100 વિકેટ પૂરી કરી હતી.
ભારત પહેલીવાર લંચ પહેલાં ઑલઆઉટ
2008ના એપ્રિલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ જેના પ્રથમ દિવસે લંચ પહેલા તો ભારત 76 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ટીમ પહેલા દિવસે લંચ પહેલાં આઉટ થઈ ગઈ હતી. ફરીથી ગ્રાઉન્ડ મોટેરાનું હતું.
2009ના એપ્રિલમાં રાહુલ દ્રવિડે આ મેદાન પર જ શ્રીલંકા સામેની ટેસ્ટમાં 177 રન ફટકારીને તેમની કારકિર્દીના 11000 રન પૂરા કર્યા હતા.
2010ના નવેમ્બરમાં ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ દરમિયાન ભારતે 15 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે હરભજનસિંઘે આવીને સદી ફટકારી હતી.
હરભજનની કારકિર્દીની આ પ્રથમ સદી હતી. તે પછીની ટેસ્ટમાં પણ તેમણે સદી ફટકારી હતી.
2012માં ઇંગ્લૅન્ડ સામે રમતાં ચેતેશ્વર પૂજારાએ તેમની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેમણે આ મેદાન પર 206 રન ફટકાર્યા હતા.
1996ના વર્લ્ડ કપની સૌ પ્રથમ મૅચ આ મેદાન પર રમાઈ હતી. એ મૅચમાં ન્યૂઝીલૅન્ડે ઇંગ્લૅન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો