You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોહમ્મદ શમી, સિરાઝ અને બુમરાહ એ ભારતના સૌથી શ્રેષ્ઠ પેસ ઍટેક છે?
- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, કોલકાતાથી
મોહમ્મદ શમી : ત્રણ મૅચ, 14 વિકેટ, બે મૅચોમાં 5-5 વિકેટ. વનડે વિશ્વકપના ઇતિહાસમાં 45 વિકેટો સાથે ઝહીર ખાનની 44 વિકેટોનો રૅકોર્ડ તોડ્યો.
જસપ્રીત બુમરાહ : 7 મૅચ, 15 વિકેટ અને દરેક મૅચમાં રન આપવાની સરેરાશ માત્ર 3.72.
મોહમ્મદ સિરાઝ : 7 મૅચોમાં 9 વિકેટ.
વિશ્વકપ 2023માં પોતાના તરખાટને સતત વધારી રહેલી ભારતની આ ફાસ્ટ બૉલિંગ ત્રિપુટી છે, તેમના પ્રભાવક પર્ફૉર્મન્સને ન માત્ર વર્તમાન ખેલાડીઓ પણ પૂર્વ મહાન ખેલાડીઓ પણ વખાણી રહ્યાં છે.
હવે રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધીના સૌથી સફળ રહેલા મોહમ્મદ શમીને માત્ર 3 મૅચ રમવાની જ તક મળી છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે મોહમ્મદ શમી બોલિંગ કરવા ત્રીજા નંબરે આવે છે એટલે કે પહેલા ચેન્જ તરીકે.
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન નાસિર હુસૈને બીબીસીને કહ્યું, “ક્રિઝ પર એ બૅટ્સમૅન વિશે વિચારો જે અત્યાર સુધી બુમરાહની બુલેટ બૉલિંગનો સામનો કરી રહ્યો હતો અને બીજી બાજુથી સિરાઝની રફ્તાર. પછી શમીનો સામનો કરવાનો વારો આવે.”
તેમણે કહ્યું, “કપ્તાન તરીકે જો મારી પાસે આ વિકલ્પ હોય તો હું કોઈ પણ શાનદાર બેટિંગ લાઇનઅપને માનસિક રીતે દબાણમાં રાખીશ અને ભારતની અત્યાર સુધીના વિજયમાં આ સૌથી મોટું યોગદાન છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું આ ભારતનો શ્રેષ્ઠ પેસ ઍટેક છે?
ગત એક વર્ષથી એ દલીલ તેજ થઈ ગઈ છે કે શું પોતાની મજબૂત બેટિંગ માટે ઐતિહાસિકરૂપે જાણીતી ભારતીય ટીમ હવે બૉલિંગના દમ પર મૅચ જીતી રહી છે.
ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જે રીતે શમી, બુમરાહ અને સિરાઝની ત્રિપૂટીએ શ્રીલંકાની ઇનિંગને ધ્વસ્ત કરી એનાથી એ દલીલ તેજ થઈ ગઈ છે કે આ પેસ બૉલિંગ ઍટેક અત્યાર સુધીની સૌથી ટોચની છે.
એટલે કે જો માત્ર આ વિશ્વકપની વાત કરીએ તો આ ત્રણેયે મળીને 7 મૅચોમાં 38 વિકેટ લેતા ભારતની સેમિફાઇનલમાં ઍન્ટ્રી પાક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.
ઇંગ્લૅન્ડના પૂર્વ કપ્તાન માઇકલ ઍથરટન માને છે કે, “મને નથી લાગતું કે ભારતનો પેસ ઍટેક આ ત્રિપુટી કરતાં બહેતર હોય. કમસેકમ મેં તો એવું નથી જોયું.”
તેમણે વધુમાં કહ્યું, “મારી કારકિર્દી દરમિયાન જવાગલ શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદ સારા બૉલર હતા અને ઝહીર ખાન પણ ચોક્કસ એકદમ લાજવાબ હતા. પરંતુ હાલ શમી, બુમરાહ અને સિરાઝ એક સાથે ઘણા શાનદાર બૉલિંગ કરી રહ્યા છે અને બે સારા સ્પિનર્સના બૅકઅપથી ભારતની ઓલરાઉન્ડ બૉલિંગ મૅચ વિનર સાબિત થઈ રહી છે.”
બૅટ્સમૅનની દુવિધા
વિપક્ષના બૅટ્સમૅનને આ ત્રિપુટી તરફથી બે મોરચે મુશ્કેલી આવી રહી છે.
પહેલી એ કે ત્રણેય 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બૉલિંગ કરી રહ્યા છે અને બીજું કે ફ્લેટ વિકેટ પર તેમને બંને બાજુએ સ્વિંગ મળી રહ્યો છે. ઐતિહાસિકરીતે ભારતની બૉલિંગ આ મામલે જાણીતી નહોતી, પરંતુ હવે સામે પક્ષે ડર છે.
પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને મહાન ફાસ્ટ બૉલરમાંથી એક વસીમ અકરમે એક ટીવી ચેનલમાં શોમાં વાત કરતા કહ્યું કે ભારતની બૉલિંગ લાજવાબ લાગી રહી છે.
તેમણે કહ્યું, “તેમની સફળતાનું રહસ્ય એ જ છે કે તેમણે બૉલિંગની ગતિ અને સ્વિંગ પર પકડ બનાવી લીધી છે.”
‘સ્વિંગ’ના સુલતાન કહેવાતા અકરમે જણાવ્યું, “પાકિસ્તાનમાં ગત કેટલાક દિવસોથી દલીલ ચાલી રહી છે કે ભારતીય બૉલરો સિવાય અન્ય બૉલરો સ્વિંગ કેમ નથી કરી શકતા? પાકિસ્તાનમાં કેટલાકે બૉલ સાથે છેડછાડના આરોપ લગાવ્યા છે. હું આ દલીલને પાયાવિહોણી ગણું છું. એવું કેમ ન હોઈ શકે કે બૉલરોએ પોતાની રમત માટે મહેનત કરી અને સમય સાથે વધુ બહેતર થયા. મને લાગે છે કે તેમના વખાણ થવા જોઈએ.”
એ જ ચર્ચામાં ભાગ લેતા પૂર્વ પાકિસ્તાની કપ્તાન મિસ્બાહ-ઉલ-હકે પણ વાત કહી. તેમણે કહ્યું, “ત્રણેય બૉલરે પોતાનાં કાંડાં અને સીમ બૉલિંગ પર પોતાની પકડ મેળવવામાં મહારત હાંસલ કરી લીધી છે. તેઓ જ્યારે બૉલ છોડે છે, ત્યારે તે એકદમ સ્લો મોશનમાં જતી દેખાય છે પણ ઘણી ઘાતક હોય છે.”
પહેલાં કરતાં હવે અલગ શૈલી
એવું કહેવું ખોટું રહેશે કે ભારતમાં પહેલાં ટોપ ક્લાસ બૉલરો નહોતા. પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં કપિલદેવ જબરજસ્ત સ્વિંગ કરતા હતા. ઝહીર ખાન, શ્રીનાથ અને વેંકટેશ પ્રસાદની વાત આપણે કરી ચૂક્યા છીએ.
ઇરફાન પઠાણ, અજીત અગરકર, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, શ્રીસંત, આશિષ નહેરા અને ઉમેશ યાદવ સિવાય પણ ટીમમાં સારા બોલરો રહ્યાં છે.
જોકે, ભારતીય ટીમમાં સ્પિનર્સની બોલબાલા રહી અને મીડિયમ પેસરો પણ રહ્યા પરંતુ હાલ આ ઊલટું છે. કેમકે પ્રમુખ ભૂમિકા ફાસ્ટ બૉલરો નિભાવી રહ્યા છે, ખાસ કરીને બુમરાહ, શમી અને સિરાઝ.
સાથે જ હવે ભારતીય ફાસ્ટ બૉલરો ડિફેન્સિવ નથી દેખાતા એટલે કે વિપક્ષી ટીમને રન બનાવતી રોકવી પહેલું લક્ષ્ય નથી પણ પ્રાથમિકતા વિકેટો લેવાની છે. એ પણ જલદીથી જલદી.
વરિષ્ઠ ક્રિકેટ વિશ્લેષક આનંદ વાસુ માને છે, “ભલે આ ત્રણ ભારતીય પીચો પર રમતા રમતા મોટા થયા છે પરંતુ હવે તેઓ માત્ર પીચના ભરોસે નથી રહેતા.”
તેમણે કહ્યું, “અત્યાર સુધી આ ત્રણેય ભારતીય ફાસ્ટ બૉલરો સફળ એટલા માટે રહ્યા કેમકે તેઓ બૉલને સ્ટમ્પ્સ પર યોગ્ય જગ્યામાં જ ફેંકી રહ્યા છે. જેથી બૅટ્સમૅનો એ બૉલ્સને શરીરની નજીક રમવા મજબૂર થઈ જાય છે. એટલે આઉટ થવાનું જોખમ વધી થઈ રહ્યું છે અને તેઓ વિકેટ ગુમાવી પણ રહ્યા છે.”