You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોહમ્મદ શમી : ક્યારેક આપઘાત કરવાનું વિચારનાર ખેલાડી ભારતનો સૌથી સફળ બૉલર કઈ રીતે બની ગયો?
- લેેખક, ઓમકાર દાનકે
- પદ, બીબીસી સંવાદદાતા
મહોમ્મદ શમી... આ એ નામ છે જેમની બૉલિંગે ક્રિકેટ વર્લ્ડકપમાં જાણે કે ધાક જમાવી છે.
આ વર્લ્ડકપની શરૂઆતની ચાર મૅચોમાં તેઓ મેદાનથી બહાર હતા. જોકે બાદમાં રમાયેલી મૅચમાં શમીએ શાનદાર બૉલિંગ કરી છે.
તેમણે મેદાન પર આવતાં જ એવી બૉલિંગ શરૂ કરી કે વિરોધી ટીમો જોતી જ રહી ગઈ.
ટીમ ઇન્ડિયાની તાકાત અત્યાર સુધી બેટિંગ હતી અને અચાનક જ બૉલિંગ પણ તેનું મજબૂત પાસું બની ગઈ.
શમી હાલમાં વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ લેનારા બૉલર બની ગયા છે.
વિશ્વકપ 2023ની સેમિફાઈનલ મૅચ વાનખેડેના મેદાન પર ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચે રમાઈ હતી અને તેમાં શમીએ સાત વિકેટ ખેરવીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ઉત્તર પ્રદેશમાં નાનકડા ગામમાં જન્મેલા ફાસ્ટ બૉલરની કારકિર્દીમાં ઘણા ઉતારચઢાવ આવ્યા છે. એથી લયમાં રહેવાનું મહત્ત્વ તેઓ સારી રીતે સમજે છે.
બૉલરનો દીકરો બૉલર
નેતાનો દીકરો નેતા. ડૉક્ટરનો દીકરો ડૉક્ટર. ઉદ્યોગપતિનો દીકરો ઉદ્યોગપતિ બને એવાં ઘણાં ઉદાહરણો છે. મોહમ્મદ શમીના પિતા પણ એક બૉલર રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુપીનું સાહસપુર મોહમ્મદ શમીના ગામ તરીકે હવે ઓળખાય છે. જ્યારે એ પહેલાં તે સુગર ફૅકટરીનું ગામ તરીકે ઓળખાતું હતું.
તૌસિફ અહમદ એક ફાસ્ટ બૉલર રહી ચૂક્યા છે અને સાહસપુરના ક્રિકેટજગત જાણીતું નામ રહ્યા છે. બધાએ વિચાર્યું હતું કે તેઓ સિનિયર લેવલે ક્રિકેટ રમશે પણ તૌસિફ ન કરી શક્યા. તેમણે કેટલાંક કારણસર ક્રિકેટ છોડી દીધું.
મોહમ્મદ શમી તૌસિફના પુત્ર છે. તેમણે દીકરામાં રહેલી પ્રતિભા તરત જ પારખી લીધી હતી. શમીને માત્ર 16 વર્ષની વયે તાલીમ માટે કોલકાતા મોકલી દેવાયા હતા.
એક વિકેટ, એક પ્લેટ બિરયાની
મોહમ્મદ શમીએ કોલકાતા નજીક 'ડેલહાઉસી ક્લબ'થી શરૂઆત કરી. એ સમયના બંગાળ ક્રિકેટ અધિકારી દેવવ્રત દાસ તેમની બૉલિંગથી ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે શમી સાથે વાર્ષિક 75 હજારનો કરાર કર્યો અને તેમને ક્લબમાં લઈ લીધા.
માત્ર દાસ એકલા જ શમીના ક્રિકેટ ક્લબના અધિકારી જ નહોતા. તેઓ કોલકાતામાં શમીના ગાર્ડિયન એટલે કે એક રીતે વાલી જ હતા. શમી તેમના જ ઘરે રહેતા હતા. જ્યારે પણ મૅચમાં વિકેટ જોઈતી હોય ત્યારે તેઓ બૂમ પાડતા કે એક વિકેટ, એક પ્લેટ બિરયાની. શમી તેમને ક્યારેય નિરાશ નહોતા કરતા.
દાસની સલાહ પર શમીએ પ્રખ્યાત મોહન બાગાન ક્લબમાં સભ્ય બનવાનું નક્કી કર્યું. આ ક્લબમાં તેમણે સૌરવ ગાંગુલીને પ્રભાવિત કર્યાં.
ગાંગુલીની સલાહ પર શમી બંગાળની રણજી ટીમમાં સામેલ કરાયા. પછી તેઓ નેશનલ ટીમ માટે પસંદ કરાયા.
વિશ્વકપમાં કઈ રીતે કર્યું પદાર્પણ?
મોહમ્મદ શમીએ 2013માં પાકિસ્તાન સામે વનડેમાં પદાર્પણ કર્યું. તેમણે એ જ વર્ષે નવેમ્બરમાં કોલકાતામાં પ્રથમ ટેસ્ટમેચ રમી.
સચીન તેડુંલકરની કારકીર્દિની એ અંતિમ સિરીઝ હતી. સિરીઝમાં શમી પહેલી મૅચ રમી રહ્યા હતા. તેમણે પહેલી ટેસ્ટમાં 9 વિકેટો લીધી હતી.
શમીએ પહેલો વિશ્વકપ 2015માં રમ્યો હતો. તેમાં તેમણે ટુર્નામેન્ટમાં 17 વિકેટો લીધી હતી. ભારતને સેમિફાઇનલમાં પહોંચાડવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા રહી હતી.
ઘાતકી વ્યૂહરચના
2015ના વિશ્વકપ પછી શમીની કારકિર્દીએ વળાંક લીધો. તેઓ ઇજાના લીધે 18 મહિના ક્રિકેટથી દૂર રહ્યા.
ઇજાની સાથે સાથે શમીના અંગત જીવનમાં પણ સમસ્યાનો ડુંગર તૂટી પડ્યો.
શમીનાં પત્ની હસી જહાને તેમની સામે અત્યાચારના આરોપો લગાવ્યા. આ કેસમાં સ્થાનિક કોર્ટે તેમની સામે અરેસ્ટ વૉરંટ ઇસ્યૂ કર્યો હતો. આ દરમિયાન અંગત જીવનમાં પહેલાંથી જ મુશ્કેલીનો સામનો કરનારા શમી અકસ્માતમાં ઘાયલ પણ થયા.
વર્તમાન કપ્તાન અને ટીમસાથી રોહિત શર્મા સાથે ઇન્સ્ટાગ્રામ પર શમીએ લખ્યું હતું કે, “આ સમગ્ર સમયગાળા દરમિયાન આત્મહત્યાના વિચારો તેમને ઘણી વાર આવ્યા હતા.”
મોહમ્મદ શમીએ વધુમાં લખ્યું હતું, “મારા જીવનની અંગત બાબતોને મીડિયામાં પ્રસારી દેવાઈ. જો મને મારા પરિવારનો ટેકો ન હોત તો મેં આત્મહત્યા કરી લીધી હોત.”
મોહમ્મદ શમી 2.0
મોહમ્મદ શમી જેઓ તેમના જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને પરિવારે ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી. શમીએ આ સલાહ અનુસરી.
શમીએ ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે વજન ઘટાડ્યું અને 2019 વિશ્વકપમાં જે ઇંગ્લેન્ડમાં યોજાયો તેમાં શમીમાં હકારાત્મક બદલાવ આવ્યો, તે સૌએ જોયો.
ગયા વિશ્વકપમાં શમીને માત્ર 4 મૅચમાં જ રમવાની તક મળી. તેમણે આ 4 મૅચમાં 14 વિકેટો લીધી. તેમાં અફઘાનિસ્તાન સામેની હૅટટ્રિક પણ સામેલ છે.
ચેતન શર્મા (1987) પછી શમી એવા બીજા બૉલર છે જેમણે વનડે વિશ્વકપમાં હેટટ્રિક લીધી હોય.
શમી ટેસ્ટ ક્રિકેટમાં પણ ખૂબ અસરકારક છે અને વનડેમાં પણ. ફાસ્ટ બૉલર ઇશાંત શર્મા અને મોહમ્મદ શમી- જસપ્રિત બુમરાહએ ટેસ્ટ ક્રિકેટમાં પ્રભુત્ત્વ જમાવ્યું છે. આ ત્રિપૂટી હાલ ઘણી મજબૂત છે અને આધિપત્યમાં છે.
ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય કપ્તાન શમીના પરફૉર્મન્સ વિશે વાત કરતા જણાવે છે કે શમી કાં તો નવા બૉલથી વિકેટ લે છે અથવા તો જામી ગયેલી જોડીને તોડી નાખે છે. આ વાત તેમણે કેટલીય વખત પુરવાર કરી બતાવી છે.
શમીનો વિશ્વકપ
મોહમ્મદ શમીએ વિશ્વકપ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં 2 મૅચ રમી હતી. એમાં મોહાલીમાં તેમણે 5 વિકેટો લીધી હતી.
આટલા પ્રભાવક પરફૉર્મન્સ છતાં શમીને વિશ્વકપની અંતિમ ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું. ભારતની ચોથી મૅચમાં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થઈ જતા શમીને તક મળી ગઈ.
શમીએ ન્યૂઝીલેન્ડના વિલ યંગ સામે તેમનો વિશ્વકપનો પહેલો બૉલ ફેંક્યો અને બતાવી દીધું કે હવે આ વિશ્વકપ તો તેમનો જ છે. તેઓ ધર્મશાલા, લખનૌ અને મુંબઈ મૅચમાં રમ્યા. ધર્મશાલામાં શમીએ ન્યૂઝીલૅન્ડને મોટો સ્કોર કરવાથી રોકીને પ્રભાવક પ્રદર્શન કર્યું હતું.
229 રનના સ્કોરને બચાવતી વખતે લખનૌમાં શમીએ લાજબાવ બૉલિંગ કરી હતી.
શમી દરેક મૅચમાં પ્રભાવક પ્રદર્શન કરી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇંગ્લૅન્ડ તમામ સામે. આથી તે વિશ્વકપ ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય બૉલરોમાંથી એક બની ગયા છે.
લય મેળવવો ક્રિકેટમાં જ નહીં પણ અંગત જીવનમાં પણ મહત્ત્વનું છે. એ મળી જાય પછી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાય છે. મહોમ્મદ શમીએ આ કરી બતાવ્યું છે.