ટ્રમ્પની ભારતયાત્રા : ભારતને અમેરિકાના 'રોમિયો' હેલિકૉપ્ટરની જરૂર કેમ?

    • લેેખક, વિશાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ તા. 24-25 ફેબ્રુઆરીએ ભારતયાત્રા પર આવે, તે પહેલાં મોટી ડિફેન્સ ડિલ મંજૂરીની જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકારની સુરક્ષા અંગેની કૅબિનેટ કમિટીએ અમેરિકામાં નિર્મિત MH-60 રોમિયો મલ્ટીરોલ હેલિકૉપ્ટર ખરીદવાના નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારી છે.

ભારતીય નૌકાદળ માટે ખરીદવામાં આવનાર 24 હેલિકૉપ્ટર પાછળ 2.4 અબજ ડૉલર ખર્ચાશે.

ભારત અને અમેરિકા વચ્ચે કોઈ મોટી વેપારસંધિ થાય તેવી શક્યતા નહિવત્ છે, પરંતુ આ ડિફેન્સ ડિલ નિશ્ચિત જણાય છે, કારણ કે તેની ઉપર અમેરિકાએ પણ મંજૂરીની મહોર મારી છે.

સબમરીન માટે ઘાતક 'રોમિયો'

લૉકહિડ માર્ટિન દ્વારા નિર્મિત ' MH-60 રોમિયો સી હૉક' હેલિકૉપ્ટરને ઍન્ટિ-સબમરીન અભિયાનો માટે નિપૂણ માનવામાં આવે છે.

ચોથી પેઢીના આ હેલિકૉપ્ટર્સને સૌથી ઍડવાન્સ નૌકાદળ હેલિકૉપ્ટર માનવામાં આવે છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા કેટલાક દશક દરમિયાન ભારતીય નૌકાદળનું આધુનિકરણ નથી થઈ શક્યું.

તેનું એક કારણ એ પણ છે કે નૌકાદળ જહાજ એક દેશ પાસેથી ખરીદે છે, તો હેલિકૉપ્ટર અન્ય કોઈ દેશ પાસેથી. આથી ઘણી વખત એવું થાય છે કે નૌકાદળને જહાજ તો મળી રહે છે, પરંતુ હેલિકૉપ્ટર્સની ડિલિવરી નથી મળતી.

આથી, ભારતને MH-60Rની તાતી જરૂર છે.

MH-60Rની વિશેષતા

લૉકહિડ માર્ટિનની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, આ હેલિકૉપ્ટર મલ્ટી-રોલ હેલિકૉપ્ટર છે.

જે દિવસ દરમિયાન ગમે ત્યારે તથા દરેક મોસમમાં ઉડવા સક્ષમ છે, પરંતુ તેની બે ખાસિયત તેને અજોડ બનાવે છે :

પહેલી, પાણીમાં છૂપાયેલી સબમરીન પર પ્રહાર કરવાની ક્ષમતા તથા બીજી, હવામાંથી જમીન ઉપર પ્રહાર કરવાની ક્ષમતા.

આ હેલિકૉપ્ટર માર્ક-54 ઍન્ટિ-સબમરીન ટૉર્પીડોથી સજ્જ હોય છે, જે પાણીમાં છૂપાયેલી સબમરીનને નિશાન બનાવે છે.

જ્યારે હેલફાર ઍર-ટૂ-સરફેસ મિસાઇલ જમીન તથા જહાજને નિશાન બનાવી શકે છે. આમ દુશ્મન દરિયાની સપાટીની ઉપર હોય કે નીચે, તેને નિશાન બનાવી શકે છે.

સેવાનિવૃત્ત Seaking

રશિયા અને ફ્રાન્સ સહિત અનેક રાષ્ટ્રોએ નૌકાદળની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશેષ હેલિકૉપ્ટરોનું નિર્માણ કર્યું છે. જોકે અમેરિકાના હેલિકૉપ્ટર્સને સૌથી ઉન્નત માનવામાં આવે છે.

જેનું એક કારણ અમેરિકામાં શિપ-બેઝ્ડ હેલિકૉપ્ટર્સ વિક્સાવવાની પરંપરા પણ જવાબદાર છે.

MH-60R ખૂબ જ કૉમ્પેક્ટ હોય છે, જેથી જહાજ ઉપર ઓછી જગ્યા રોકે છે. તેની કૉકપીટ પણ આધુનિક છે. ફ્યુઅલ ટૅન્ક, સેટેલાઇટ ઇનપુટ્સ સહિત તમામ બાબતો ઇન્ટર-કનેક્ટેડ છે.

હુમલો કરવા ઉપરાંત સૈનિકોની હેરફેર કરવા માટે તે સક્ષમ છે. આથી તે ભારતીય નૌકાદળ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વર્ષ 2003માં ભારતે બ્રિટન પાસેથી Sea King Mk.42B હેલિકૉપ્ટર્સ ખરીદ્યાં હતા અને તેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે તે સેવાનિવૃત્ત થવાની અણિ પર છે.

અમેરિકા પાસેથી ખરીદી કેમ?

ભારત અમેરિકા પાસેથી જ શા માટે હેલિકૉપ્ટર ખરીદી રહ્યું છે, તેનો જવાબ વિદેશનીતિના જાણકાર પ્રણય કોટસ્થાને આપે છે. તેઓ કહે છે :

"પોતાના વ્યૂહાત્મક ભાગીદાર સાથે જ ડિફેન્સ ડિલ કરવામાં આવે તે ઇચ્છનીય છે. કારણ કે બંને દેશના હિત-અહિત એકબીજા સાથે સંકળાયેલા હોય છે."

"ભારતનો આ નિર્ણય વ્યૂહાત્મક રણનીતિનું ઉદાહરણ છે. ભારત અને અમેરિકા ચીનનો પ્રભાવ અટકાવવા માગે છે. આ ડિલથી બંને દેશના હિત સધાશે."

પ્રણય ઉમેરે છે કે વ્યૂહાત્મક ભાગીદાર હોવાને કારણે મોટાભાગે એક દેશ બીજા દેશને ડિફેન્સ ડિલ કે સપ્લાયનો ઇન્કાર નથી કરતો. જોકે, કોઈપણ સંરક્ષણ ડિલ માટે કયા દેશ સાથે કરાર થઈ રહ્યો છે તથા કઈ કંપની હથિયાર વેચી રહી છે, જેવા પરિબળ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કોઈપણ હથિયાર માટે જે-તે સશસ્ત્રદળ માગ મૂકે છે. જેના આધારે સરકાર તેને ખરીદવાનું ટૅન્ડર બહાર પાડે છે. દુનિયાભરની કંપનીઓ તેના માટે બોલી લગાવી શકે છે.

ત્યારબાદ સરકારને યોગ્ય લાગે તેની સાથે ડિલ નક્કી થાય છે.

હિંદ મહાસાગર પર ડ્રેગનની નજર

હિંદ મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ વધી રહ્યું છે, જે ભારત માટે ચેતવણીરૂપ છે. વર્ષ 2003માં ચીનના તત્કાલીન રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓએ 'મલાકા ડિલેમા' શબ્દ આપ્યો હતો, જેનો સંદર્ભ દરિયાઈમાર્ગ સાથે છે.

આ શબ્દ જે રસ્તે ખાડી દેશોના 80 ટકા ક્રૂડઑઈલ તથા ગૅસનો વેપાર થાય છે, તેની સાથે છે.

મલેશિયા તથા ઇન્ડોનેશિયા વચ્ચેનો આ સૌથી સાંકડો દરિયાઈ રૂટ છે અને ચીન તેની ઉપર કબજો જમાવવા માગે છે.

એશિયન દેશો ઉપર ધાક જમાવવા તથા વિશ્વમાં અમેરિકાના હરીફ તરીકે ખુદને પ્રસ્થાપિત કરવા માટે ચીન દ્વારા હિંદ મહાસાગરમાં તેની સબમરીન્સને તહેનાત કરવામાં આવી રહી છે.

આવા સંજોગોમાં ચીનની વધતી જતી શક્તિને પહોંચી વળવા માટે ભારતને MH-60R જેવા સાધનોની જરૂર છે.

અમેરિકાને આ ડિલ દ્વારા ચીન સામે પોતાનું હિત સધાતું દેખાઈ રહ્યું છે. આ સિવાય અમેરિકાને એ પણ લાભ છે કે જો કોઈ અમેરિકન હથિયાર ભારતની સરહદ પાસે તહેનાત હોય તો જરૂર પડ્યે અમેરિકા પણ તેનો ઉપયોગ કરી શકે છે.

પ્રણયનું કહેવું છે કે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ પ્રવર્તમાન છે ત્યારે ભારત પાસે ખુદને સામરિક રીતે મજબૂત કરવાની તક છે.

ભારતની જરૂર

ઑગસ્ટ-2018માં હથિયારોની ખરીદીને લગતી સમિતિએ નૌકાદળની જરૂરિયાતને સ્વીકારી હતી અને MH-60Rની ખરીદીની ઉપર મંજૂરીની મહોર મારી હતી.

નવેમ્બર-2018માં આ અંગે અમેરિકાને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો, જેમાં ભારતે પોતાની 'કસ્ટમાઇઝેશન'ને લગતી માગણીઓ પણ મૂકી હતી.

એપ્રિલ-2019માં અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત સાથેના સંભવિત કરારને મંજૂરી આપી હતી. ભારતની કૅબિનેટ કમિટી ઑન સિક્યૉરિટીએ તેની ઉપર મંજૂરીની મહોર મારી દીધી હોવાના અહેવાલ છે.

ટ્રમ્પની ભારતયાત્રા દરમિયાન આ કરાર ઉપર સહીસિક્કા કરવામાં આવશે, તેવી સંભાવના છે. આ ડિલ ટૅન્ડરના આધારે નહીં, પરંતુ બે સરકાર વચ્ચે થઈ રહી છે.

મતલબ કે ભારત લૉકહીડ માર્ટિન પાસેથી નહીં, પરંતુ અમેરિકાની સરકાર પાસેથી MH-60R હેલિકૉપ્ટર ખરીદી રહી છે.

ભારતની તૈયારી કેટલી?

આ પ્રકારના અત્યાધુનિક હથિયાર બનાવવામાં ભારત હજુ અમેરિકા જેવા દેશો કરતાં 40-50 વર્ષ પાછળ છે.

ભારતને ઍન્ટિ-સબમરીન ક્ષમતા હાંસલ કરવામાં હજુ 10 વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે.

આ દરમિયાન જો ચીન સાથે સંબંધ કથળે અને ભારતને અત્યાધુનિક હથિયારોની જરૂર પડે તો? એ શક્યતાને જોતા ભારત અન્ય દેશો પાસેથી હથિયારો ખરીદી રહ્યું છે.

કરાર ઉપર સહીસિક્કા થતાં પાંચ વર્ષમાં તમામ 24 હેલિકૉપ્ટરની ડિલિવરી ભારતને મળી જશે. જોકે, હેલિકૉપ્ટર્સની પહેલી ખેપ વર્ષ 2022માં મળી રહે તેવી શક્યતા છે.

જો, ભારતે અમેરિકાના નૌકાદળ માટે બનાવવામાં આવતાં હેલિકૉપ્ટર્સ ખરીદ્યાં હોત, તો ડિલિવરી થોડી વહેલી મળી રહી હોત, પરંતુ કસ્ટમાઇઝેશનને કારણે ડિલિવરી થોડી મોડી થશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો