You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્વામીના માસિક અને કૂતરીવાળા નિવેદન પર મહિલાઓએ શું કહ્યું?
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી સંવાદદાતા
ભુજના સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીના 'માસિકધર્મ દરમિયાન રસોઈ કરનારાં સ્ત્રી કૂતરી બનશે' નિવેદન સામે મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
સોશિયલ મીડિયા પર મહિલાઓ જ નહીં, પુરુષો પણ આ નિવેદનને વખોડી રહ્યાં છે.
હાલમાં જ ગુજરાતના ભુજ શહેરમાં સ્થિત સ્વામીનારાયણ મંદિરના કૃષ્ણ સ્વરૂપ સ્વામીનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાઇરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહી રહ્યા છે, "જો તમે એવી મહિલાના હાથનું બનાવેલું ભોજન ખાઓ જે માસિકધર્મમાં છે, તો તમે બીજા જનમ તમે બળદ બનશો."
"જો કોઈ મહિલા માસિકધર્મ દરમિયાન રસોઈ કરે, તો આવનારા જનમમાં તે કૂતરી બનશે. તમને જે લાગે તે ભલે લાગે, પરંતુ આ નિયમ શાસ્ત્રોમાં લખેલા છે."
સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંલગ્ન સંસ્થાના નિવેદન પ્રમાણે કૃષ્ણ સ્વરૂપનો આ વીડિયો આશરે એક વર્ષ જૂનો છે, જે સહજાનંદ ગર્લ્સ કૉલેજ ઇન્સ્ટિટ્યૂટની ઘટના પછી વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાઓનું કહેવું છે કે માસિક વિશે સામાન્ય પણે વાત થવી જોઈએ. તો કેટલીક મહિલાઓએ કૃષ્ણ સ્વરૂપ સ્વામીને જવાબ આપતા માસિક દરમિયાન તેઓ કેટલા બધા કામ કરે છે, એ અંગે પોસ્ટ કરી છે.
#IamKutri
#IamKutri હેઠળ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન પ્રીતિ દાસે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યાં છે:
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દર મહિને મારું માસિક પૂરા સાત દિવસ ચાલે છે, કારણ કે મને યુટરસ ફાઇબ્રૉઇડની તકલીફ છે. ત્યારે હું પોતાના બાળક સાથે રમું છું, રસોઈ કરું છું, પતિ સાથે લડું છું, ગાડી ચલાવું છે અને કેટલાક કલાકો સુધી ઊભી રહીને વિદ્યાર્થીઓને ભણાવું છું."
"ગયા મહિને જ્યારે હું માસિકમાં હતી, ત્યારે મેં મારાં માતાના મૃતદેહને કાંધ આપી હતી અને મારા પિતા અને નાની બહેન સાથે સ્મશાનનું બધું કામ કર્યું હતું.""આ બધું કરું છું તો શું હું કૂતરી છું? તો ભગવાન મને દરેક જન્મમાં કૂતરી બનાવે."
મહિલા મંચ સાથે જોડાયેલાં પ્રીતિ દાસે બી.બી.સી. ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે "અમે માસિકધર્મ વિશે ખુલીને સામાન્યપણે વાતચીત થાય, તે માટે જેટલાં પ્રયત્નો કરીએ છીએ."
"સ્વામીએ જે નિવેદન આપ્યું, તેનાથી અમારા પ્રયત્નોને આઘાત લાગે છે. આ પ્રકારના નિવેદન પિતૃસત્તાક વિચારસરણીને આગળ ધપાવે છે એટલું જ નથી, પરંતુ માસિકધર્મ અંગે સ્વચ્છતા અને સ્વાસ્થ્યને લઈને જે વાત થવી જોઈએ તેને પણ ધક્કો લાગે છે."
દાસે કહ્યું,"માસિકધર્મ એક પ્રાકૃતિક વસ્તુ છે. જે વિચારસણી છે કે માસિકધર્મ એ ગંદું છે, મહિલાઓએ એ સમયે રસોઈ ન કરવી જોઈએ કે રસોડામાં ન જવું જોઈએ અથવા બીજી વસ્તુઓ ન કરવી જોઈએ. આ પ્રકારની વાતો બંધ થવી જોઈએ. આ બાબતે જાગરૂકતાની જરૂર છે."
'મહિલા મંચ' તથા અખબાર 'અમદાવાદ મિરર' મળીને આ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે.
ત્યારે પ્રૉફેસર ફાલ્ગુની વસાવડા ઓઝાએ બી.બી.સી. ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું, "આ નિવેદન બહુજ નિરાશાજનક છે. મહિલાઓને એકદમ અમાનવીય સ્તરે લાવી દેવા જેવું છે."
"એક તરફ જ્યારે મહિલા સશક્તિકરણ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો જમાનો છે, ત્યારે માસિક અંગે આ પ્રકારના નિવેદન સાંભળીને ગુસ્સો આવે છે."
પ્રૉ. ફાલ્ગુની કહે છે,"ધાર્મિક ગુરુઓના મોટી સંખ્યામાં અનુયાયી હોય છે, જેમના પર ગુરુની વાતોની સીધી અસર થાય છે. તેમને જવાબદારી પૂર્વક નિવેદન આપવા જોઈએ."
#IamKutri અનેક મહિલાઓ અને પુરુષો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે, જેમાં તેઓ માસિકધર્મ વિશે ખુલીને વાત કરી રહ્યાં છે.
શેફાલી પાંડેએ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ કહી રહ્યાં છે કે "હું મારું કમ્પ્યૂટર ચલાવું છું, હું ક્લાયન્ટ્સ સાથે બેઠક કરું છું અને ક્યારેક હું સફેદ કપડાં પણ પહેરું છું."
"હું બધું કામ કરું છું જ્યારે હું માસિકમાં હોઉં છું, ક્યારેક તો હું દૂધ પણ ગરમ કરવા જાઉં છું. માસિકચક્રનો દિવસ વર્ષના અન્ય કોઈ પણ દિવસ જેવો જ હોય છે, કારણ કે હું કૂતરી છું."
ત્યારે એક પુરુષે વીડિયોમાં કહ્યું કે તેમનાં માતા આટલા વર્ષો સુધી રસોઈ કરતાં રહ્યાં અને તેમને તો ક્યારેય ખબર પણ ન પડી.
'હું કૂતરી તરીકે ફરી જન્મ લેવા બદલ ખુશ છું'
સ્વામીના નિવેદન સામે સોશિયલ મીડિયા યૂઝર્સે #TheKutriLife નામનો નવો હૅશટૅગ શરુ કર્યો છે.
શ્વાનની તસવીર પોસ્ટ કરીને મહિલાઓ આ બાબત વિશે ટિપ્પણી કરી રહ્યાં છે.
મમતા જસવાલ નામના એક ફેસબુક યૂઝરે શ્વાનની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે, "આ ગિન્ની છે. તે ગયા જનમમાં મહિલા હતી. તે માસિકમાં હતી, ત્યારે પોતાના પતિ માટે રાંધતી હતી."
"એક વખત તેણે પોતાના પતિને જ રાંધી નાખ્યો અને ખાઈ ગઈ. હવે તે ગિન્ની બનીને જનમી છે અને તેનું જીવન માણે છે."
ટ્વિટર પર પણ માસિકધર્મ વિશે સ્વામીના નિવેદન પર મહિલાઓ નારાજી જાહેર કરી રહ્યાં છે.
નમિતા રાકેશ નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે ''હું કૂતરી તરીકે ફરી જન્મ લેવા બદલ ખુશ છું. આ 21મી સદી છે? આવી વિચારસરણી અને તેને માનનારાઓને શરમ આવવી જોઈએ."
કેટલાંક મહિલાઓ સ્વામીના નિવેદનની ટીકા કરી રહ્યા છે તો કેટલાક રમૂજ ભરેલી સલાહ પણ આપે છે.
@intellectroll નામના ટ્વિટર યૂઝરે લખ્યું કે "મહિલા કરતાં ગાય તરીકે જન્મવું સારું છે, રસોઈ કરવાની નહીં, મફત ખાવાનું અને કૂતરી થવાની કોઈ ધમકી પણ નહીં."
શિવાની બઝાઝ નામનાં એક ટ્વિટર યૂઝરે લખ્યું છે, "એ લોકોએ અમને એ દિવસોમાં મદદ માટે મફત રસોઈયો આપવો જોઈએ. મૅગી બનાવવા માટે પણ કૂતરી બનવું પડશે."
શું કહ્યું હતું સ્વામીએ?
વીડિયોમાં કૃષ્ણ સ્વરૂપ સ્વામી કહી રહ્યા છે , "જો તમે એવી મહિલાના હાથનું ખાવાનું ખાઓ જે માસિકધર્મમાં છે, તો તમે બીજા જનમ તમ બળદ બનશો અને જો કોઈ મહિલા માસિકધર્મ દરમિયાન રસોઈ કરે તો આવનારા જનમમાં તે કૂતરી બનશે. તમને જે લાગે તે ભલે લાગે, પરંતુ આ નિયમ શાસ્ત્રોમાં લખેલા છે."
આ એજ મંદિર છે જ્યાં પરિસરમાં શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટની કેટલીક વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી કે પીરિયડ્સની તપાસ પાટે હૉસ્ટેલ પ્રશાસને જબરદસ્તી અંડરવિયર ઉતરાવ્યા હતા.
એ સિવાય સ્વામીના સમર્થનમાં ભુજમાં સ્વામીનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા લોકોની રેલી પણ નીકળી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો