નરેન્દ્ર મોદી ભારતના ક્યા-ક્યા મહેમાનોને ગુજરાત લઈ આવ્યા?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના પ્રમુખ તરીકે આ તેમની પહેલી ભારતયાત્રા હશે.

બે દિવસની મુલાકાત દરમિયાન ટ્રમ્પ દિલ્હી અને અમદાવાદ જશે. તેમના સ્વાગત માટે ગુજરાતમાં જોરદાર તૈયારી ચાલી રહી છે. અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા ભવ્ય 'હાઉડી, મોદી' કાર્યક્રમની માફક જ અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટનું આયોજન થઈ રહ્યું છે.

ટ્રમ્પના સ્વાગતની તૈયારી વચ્ચે વિરોધ પક્ષોથી માંડીને સોશિયલ મીડિયા સુધીના સ્તરે એ ચર્ચા ચાલી રહી છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને હંમેશા ગુજરાત જ શા માટે લઈ જાય છે?

નરેન્દ્ર મોદીએ 2014ની 16, મેએ વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ દેશના વડા ભારતની મુલાકાતે આવી ચૂક્યા છે. તેમાં એક દેશના અલગ-અલગ સમયે રાષ્ટ્રાધ્યક્ષ બનેલા જુદા-જુદા વડાઓનો પણ સમાવેશ થાય છે.

નરેન્દ્ર મોદી દરેક રાષ્ટ્રાધ્યક્ષને ગુજરાત કે તેમના સંસદીય મતવિસ્તાર બનારસ લઈ ગયા નથી એ જગજાહેર છે, પણ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, જાપાનના વડા પ્રધાન શિંજો આબે અને ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂ જેવા દિગ્ગજ નેતાઓને તેમણે ગુજરાત અને બનારસની સહેલ કરાવી છે.

નરેન્દ્ર મોદીના ગૃહ-રાજ્ય ગુજરાત અને સંસદીય મતવિસ્તાર વારાણસીની મુલાકાત ક્યા-ક્યા રાષ્ટ્રાધ્યક્ષે લીધી હતી એ જાણી લઈએ.

1. શી જિનપિંગ

પદઃ ચીનના રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 17થી 19 સપ્ટેમ્બર, 2014

વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત દર્શન કરાવવાની શરૂઆત શી જિનપિંગની મુલાકાત સાથે થઈ હતી. જિનપિંગ તેમનાં પત્ની પેંગ લિયુઆન સાથે 2014ની 17 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચ્યાં હતાં.

મોદી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં જિનપિંગે ચરખો ચલાવ્યો હતો.

એ પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે ત્રણ કરાર પર સહીસિક્કા થયા હતા.

છી જિનપિંગના સ્વાગતમાં સાબરમતીના કિનારે પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યાં મોદીએ જિનપિંગને હિંચકે પણ ઝૂલાવ્યા હતા.

એ પછી જિનપિંગ દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે કેટલાક વધુ કરારો પર સહીસિક્કા કર્યા હતા.

2. ડોનાલ્ડ રબીન્દ્રનાથ રામોતાર

પદઃ ગુયાનાના તત્કાલીન રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 7થી 12 જાન્યુઆરી, 2015

2015ની આઠમી અને નવમી જાન્યુઆરીએ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. તેમાં ડોનલ્ડ રબીન્દ્રનાથ રામોતાર મુખ્ય મહેમાન હતા.

ભારતીય મૂળના જે લોકો ગુયાનામાં રહે છે. તેમનાં નામ પણ ભારતીય નામો સાથે મળતાં આવે છે. એ કારણે રબીન્દ્રનાથને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.

3. શેરિંગ તોબગે

પદઃ ભૂતાનના તત્કાલીન વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 10થી 18 જાન્યુઆરી, 2015

અમદાવાદમાં 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' યોજવામાં આવી ત્યારે શેરિંબ તોબગે અમદાવાદ આવ્યા હતા. સમિટના ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે એ પ્રવચન પણ આપ્યું હતું. એ પછી તેમની અને નરેન્દ્ર મોદી વચ્ચે તમામ મુદ્દે મંત્રણા થઈ હતી.

સાબરમતી આશ્રમની મુલાકાત બાદ દિલ્હી પહોંચેલા તોબગે ત્યાંથી નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી જવા રવાના થયા હતા. એ પછી તેમણે બિહારસ્થિત બોધ ગયાની મુલાકાત પણ લીધી હતી.

4. ફિલિપ જેસિંટો ન્યૂસી

પદઃ મોઝામ્બિકના રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 4થી 8 ગસ્ટ, 2015

મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેસિંટોનો ભારત સાથે જૂનો સંબંધ છે. તેમણે અમદાવાદસ્થિત ભારતીય પ્રબંધન સંસ્થાન (આઈઆઈએમ)માંથી મૅનેજમૅન્ટની ડિગ્રી મેળવી છે.

મુલાકાત દરમિયાન તેઓ તેમના કેટલાક સહાધ્યાયીઓને પણ મળ્યા હતા.

દિલ્હીથી ગુજરાત આવ્યા બાદ ફિલિપ આણંદસ્થિત કૃષિ યુનિવર્સિટી, દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી અને સાબરમતી આશ્રમ ગયા હતા.

5. શિંજો આબે

પદઃ જાપાનના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 11થી 13 ડિસેમ્બર, 2015

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે અનેક વખત જાપાનની મુલાકાતે ગયા હતા. શિંજો આબે સાથે તેમને જૂનો સંબંધ હોવાનું માનવામાં આવે છે. આ વખતે નરેન્દ્ર મોદી તેમના યજમાન બન્યા હતા.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુલાકાત સાથે આબેની ભારત યાત્રા શરૂ થઈ હતી. પછી મોદી તેમને વારાણસી લઈ ગયા હતા, જ્યાં દશાશ્વમેઘ ઘાટ પર બન્નેએ પરંપરાગત આરતીમાં ભાગ લીધો હતો.

આબેની આ મુલાકાત દરમિયાન ભારત-જાપાન વચ્ચે બુલેટ ટ્રેન, અસૈન્ય પરમાણુ ઊર્જા, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનૉલૉજી, શિક્ષણ અને અર્થતંત્ર સંબંધે અનેક કરાર થયા હતા.

6. કેપી શર્મા ઓલી

પદઃ નેપાળના તત્કાલીન અને વર્તમાન વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 19થી 24 ફેબ્રુઆરી, 2016

કેટલાક મહિનાઓથી ભારત-નેપાળ વચ્ચેનો સંબંધ કપરા તબક્કામાં હતો, ત્યારે કેપી શર્મા ઓલી ભારતની મુલાકાતે આવ્યા હતા. ઓલીએ દિલ્હી પછી ઉત્તરાખંડના ટિહરી પાવર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.

એ પછી ઓલી ગુજરાતના ભુજની મુલાકાતે ગયા હતા. 2001ના ધરતીકંપ પછી ભુજને નવેસરથી વસાવવામાં આવ્યું હતું. જોકે, ઓલીની આ ગુજરાત મુલાકાત વખતે વડા પ્રધાન મોદી તેમની સાથે ન હતા.

7. એન્ટોનિયો કોસ્ટા

પદઃ પોર્ટુગલના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 7થી 13 જાન્યુઆરી, 2017

2017માં યોજાયેલી આઠમી 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ' નરેન્દ્ર મોદીએ એન્ટોનિયો કોસ્ટાને આમંત્રણ આપ્યું હતું. એ આમંત્રણ સ્વીકારીને કોસ્ટાએ ગુજરાતના આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

એ પ્રવાસ દરમિયાન કોસ્ટા 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં મુખ્ય મહેમાન પણ બન્યા હતા. એ કાર્યક્રમનું આયોજન બૅંગ્લોરમાં કરવામાં આવ્યું હતું. બન્ને કાર્યક્રમોનું ઉદ્ઘાટન કોસ્ટાએ વડા પ્રધાન મોદી સાથે મળીને કર્યું હતું.

બેંગલુરુ અને ગુજરાતની મુલાકાત બાદ કોસ્ટા ગોવા જવા રવાના થયા હતા.

કોસ્ટાના પિતાનું મોટાભાગનું જીવન ગોવામાં પસાર થયું હતું. તેઓ તેમના પૈતૃક નિવાસસ્થાને પણ ગયા હતા.

8. અલેકઝેન્ડર વુકિક

પદઃ સર્બિયાના તત્કાલીન વડાપ્રધાન અને વર્તમાન રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 9થી 12 જાન્યુઆરી, 2017

આઠમી 'વાઇબ્રન્ટ ગુજરાત સમીટ' માટે વડા પ્રધાન મોદીએ અલેકઝેન્ડર વુકિકને પણ આમંત્રણ આપ્યું હતું. એ કાર્યક્રમમાં મોદી અને વુકિકની બેઠકની શરૂઆત 'નમસ્તે' સાથે થઈ હતી.

સમિટના ઉદઘાટન બાદ વુકિક મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈમાં તેઓ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન અને અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા.

9. વિદ્યાદેવી ભંડારી

પદઃ નેપાળનાં રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 17થી 21 એપ્રિલ, 2017

વિદ્યાદેવીની પાંચ દિવસની ભારત મુલાકાતની શરૂઆત દિલ્હીથી થઈ હતી. દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યાં હતાં.

એ પછી વિદ્યાદેવીએ ગુજરાતના રાજકોટ, સોમનાથ અને દ્વારકાની મુલાકાત લીધી હતી. સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશની તેમણે પૂજા પણ કરી હતી. જોકે, એ પ્રવાસ દરમિયાન મોદી તેમની સાથે ન હતા.

10. શિંજો આબે

પદઃ જાપાનના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 13-14 સપ્ટેમ્બર, 2017

વારાણસી બાદ શિંજો આબે આ વખતે ગુજરાતના પ્રવાસે ગયા હતા. દિલ્હી પહોંચવાને બદલે તેઓ સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ઍરપૉર્ટ પર ખુદ વડા પ્રધાન મોદીએ તેમને આવકાર્યા હતા.

બન્નેએ ઍરપૉર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ-શો કર્યો હતો, જે નરેન્દ્ર મોદીનો કોઈ વિદેશી નેતા સાથેનો પહેલો રોડ-શો હતો.

એ યાત્રા દરમિયાન આબેએ સાબરમતી આશ્રમ, સિદી સૈયદની જાળી, ગાંધીનગરસ્થિત મહાત્મા ગાંધીને સમર્પિત મ્યુઝિયમ દાંડી કુટિરની મુલાકાત લીધી હતી.

એ ઉપરાંત આબેએ નરેન્દ્ર મોદી સાથે મળીને મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

11. બિન્જામિન નેતન્યાહૂ

પદઃ ઝરાયલના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 14થી 19 જાન્યુઆરી, 2018

દિલ્હીમાં આગમન અને આગ્રામાં તાજ મહેલને નિહાળ્યા બાદ નેતન્યાહૂ અમદાવાદ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂ સાથે ઍરપૉર્ટથી સાબરમતી આશ્રમ સુધી 14 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો.

મોદી એ પછી નેતન્યાહૂને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં નેતન્યાહૂએ તેમનાં પત્ની સાથે ચરખો ચલાવ્યો હતો. એ પ્રસંગે મોદી અને નેતન્યાહૂએ સાથે મળીને પતંગ પણ ચગાવી હતી.

અનેક કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ મોદી નેતન્યાહૂને વરદાદસ્થિત 'આઇક્રિએટ સેન્ટર' પર લઈ ગયા હતા. નેતન્યાહૂની એ મુલાકાત દરમિયાન ભારત-ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ, કૃષિ અને અંતરિક્ષ વિજ્ઞાન સહિતના કુલ નવ કરાર પર સહીસિક્કા થયા હતા.

12. જસ્ટિન ટ્રૂડો

પદઃ કૅનેડાના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 17થી 24 ફેબ્રુઆરી, 2018

જસ્ટિન ટ્રૂડોની ભારત મુલાકાતની શરૂઆત દિલ્હીથી થઈ હતી. એ પછી તેઓ આગ્રા, અમદાવાદ, મુંબઈ અને અમૃતસર ગયા હતા. જોકે, ટ્રૂડોના આ પ્રવાસને કૅનેડાના મીડિયામાં મળેલા 'ફિક્કા આવકાર'નો આક્ષેપ સમાચારોમાં ચમક્યો હતો.

ટ્રૂડો તેમના પરિવાર સાથે ગુજરાત પહોંચ્યા હતા, જ્યાં તેમણે અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યાં હતાં. પછી સાબરમતી આશ્રમ ગયા હતા. ત્યાં ટ્રૂડો અને તેમનાં પત્નીએ ચરખો ચલાવ્યો હતો.

સોશિયલ મીડિયા ઉપર એ ચર્ચા ચાલી હતી કે કૅનેડાના વડા પ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન ભારતીય વડા પ્રધાન તેમની સાથે શા માટે જોવા મળ્યા ન હતા?

13. ઈમેન્યૂઅલ મેંક્રોં

પદઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 9થી 12 માર્ચ, 2018

આ મુલાકાત દરમિયાન મેંક્રોં દિલ્હીથી માંડીને આગ્રા, વારાણસી અને મિર્ઝાપુર જેવી અનેક જગ્યાએ ગયા હતા. તેમની વારાણસી મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી તેમની સાથે હતા.

વારાણસી પહોંચેલા મેંક્રોનું શંખનાદ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મોદી સાથે નૌકાવિહાર કર્યો હતો. મોદી તેમને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હસ્તકલા સંકુલમાં પણ લઈ ગયા હતા. એ પ્રસંગે મેંક્રોં સમક્ષ તમામ ભારતીય વ્યંજન પીરસવામાં આવ્યાં હતાં.

14. ડૉ. ફ્રેન્ક વોલ્ટર સ્ટાઈનમાયર

પદઃ જર્મનીના રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 22થી 25 માર્ચ, 2018

જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટરને પણ નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તારની સહેલ કરાવી હતી. દિલ્હીથી સીધા વારાણસી પહોંચેલા ફ્રેન્કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

એ પછી અસ્સી ઘાટ પહોંચેલા ફ્રેન્કે નૌકાવિહાર કર્યો હતો અને વડા પ્રધાન મોદી સાથે દશાશ્વમેઘ ઘાટ પરની ગંગા આરતી નિહાળી હતી. ત્યાર બાદ બાકીના કાર્યક્રમો માટે તેઓ દિલ્હી પાછા ફર્યા હતા.

15. ડેની એન્ટોઈન રોલેન

પદઃ સેશેલ્શના રાષ્ટ્રપતિ

પ્રવાસ સમયઃ 22થી 27 જૂન, 2018

ડેનીની એ ભારતયાત્રાનો પ્રારંભ ગુજરાતથી થયો હતો, પણ ગુજરાતમાં વડા પ્રધાન મોદી તેમની સાથે ન હતા. ગુજરાતમાં એક દિવસ પસાર કર્યા બાદ દિલ્હીમાં બન્નેની મુલાકાત થઈ હતી.

ગુજરાતની મુલાકાત દરમિયાન ડેની અમદાવાદસ્થિત ગાંધી આશ્રમ ગયા હતા, જ્યાં તેમણે તેમનાં પત્ની સાથે ચરખો ચલાવ્યો હતો. એ પછી તેઓ આઈ.આઈ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટ) કૅમ્પસ ગયા હતા, જ્યાં તેઓ આઈઆઈએમના ડિરેક્ટર અને તેમના જૂના દોસ્ત ઈરોલ ડિસોઝાને મળ્યા હતા.

એ પ્રવાસના પછીના દિવસોમાં તેઓ ગોવા અને ઉત્તરાખંડ પણ ગયા હતા.

16 પ્રવિંદ કુમાર જગન્નાથ

પદઃ મૉરેશિયસના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 20થી 28 જાન્યુઆરી, 2019

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમાં પ્રવાસી ભારતીય દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે મૉરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમારને આમંત્રણ આપ્યું હતું. એ કાર્યક્રમ વારાણસીમાં જ યોજવામાં આવ્યો હતો. એ સમયે કુંભમેળો પણ ચાલતો હતો.

પ્રવિંદને આમંત્રણ આપવાનું એક કારણ, તેમના પૂર્વજો ભારતીય હતા, એ પણ હતું. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં તેમણે તેમનાં પત્ની સાથે પૂજા કરી હતી. પછી દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો.

પ્રવાસી ભારતીય દિવસના કાર્યક્રમમાં આપેલા ભાષણમાં પ્રવિંદે ઘણી વાતો ભોજપુરીમાં કહી હતી.

17. મહિંદા રાજપક્ષે

પદઃ શ્રીલંકાના વડાપ્રધાન

પ્રવાસ સમયઃ 7થી 11 ફેબ્રુઆરી, 2020

રાજપક્ષેની એ યાત્રાની શરૂઆત દિલ્હીથી થઈ હતી. 9 ફેબ્રુઆરીએ વારાણસી પહોંચીને તેમણે કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી.

પછી કાળભૈરવના મંદિરે દર્શન કરવા ગયા હતા.

એ પ્રસંગે રાજપક્ષેએ નરેન્દ્ર મોદીના 'નમાની ગંગે' પ્રોજેક્ટના ખૂબ વખાણ કર્યાં હતાં. વારાણસી તેઓ બોધગયા જવા રવાના થયા હતા.

અલબત, વારાણસીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી રાજપક્ષેની સાથે ન હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો