You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનના કોરોના વાઇરસની અસર ગુજરાતના જીરા પર કેવી રીતે પડી રહી છે?
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસની માર ગુજરાતના જીરાની નિકાસ પર પણ પડી રહી છે.
કોરોના વાઇરસને કારણે ચીનમાં અત્યાર સુધી એક હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ભારત સહિત 20થી વધારે દેશોમાં કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે.
કોરોના વાઇરસની અસર માત્ર લોકોના સ્વાસ્થ્ય પર નહીં પરંતુ વેપાર પર પણ પડી રહી છે.
મહેસાણાનું ઊંઝાનું જીરું ભારતના જ નહીં પરંતુ વિદેશના લોકોના ભાણામાં પણ સ્વાદ ઉમેરે છે. જોકે, હવે કોરોના વાઇરસના કારણે ગુજરાતના મસાલાના નિકાસકર્તાઓ ચિંતામાં મુકાયા છે.
ભારતમાં જીરાનું સૌથી વધારે ઉત્પાદન ગુજરાતમાં થાય છે અને ચીન ભારતમાંથી જીરાની આયાત કરતા મોટા દેશોમાંનો એક છે.
કોરોના વાઇરસને કારણે ચીનનાં બજારો બંધ થયાં હોવાને કારણે ગુજરાતના ઊંઝાના જીરાના ભાવ ગગડી રહ્યા છે.
અમદાવાદમાં વીજી ફૂડ્સના નિદેશક કીર્તન પટેલ કહે છે, "ચીન એ દેશોમાં આવે છે કે જ્યાં ભારતમાંથી સૌથી વધારે જીરાની નિકાસ થાય છે."
પણ કોરોના વાઇરસને કારણે ચીનમાં બજારો બંધ થતાં જીરાની નિકાસ પ્રભાવિત થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનનાં બજાર બંધ
ફૅડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસેઝ ઍન્ડ સ્ટેકહોલ્ડર્સના પ્રમુખ મિતેશ પટેલે કહ્યું, "ભારતના જીરાનું સૌથી મોટું ખરીદદાર ચીન છે. 25 જાન્યુઆરીથી કોરોના વાઇરસને કારણે ચીનમાં બૅન્કિંગ સિસ્ટમ, પોર્ટ, કસ્ટમ, ક્લિયરન્સ, પરિવહન સિસ્ટમ બંધ કરવામાં આવી છે. ટપાલ તંત્ર પણ કોરોના વાઇરસને કારણે ખોરવાઈ ગયું છે."
તેઓ કહે છે, "ગુજરાતના કેટલાક નિકાસકર્તાઓનો માલ અત્યારે અટકેલો છે. ત્યાં માલ લઈને ગયેલા કાર્ગો શિપ અટકેલાં છે. હાલ ચીન તરફથી નવી ખરીદી નથી થઈ રહી."
ત્યારે કીર્તન પટેલ કહે છે, "કોરોના વાઇરસને કારણે ચીનમાંથી જે ડિમાન્ડ હતી, એ અત્યારે હાલ શૂન્ય થઈ છે. અમે રેગ્યુલર ગ્રાહકો સાથે અને અન્ય નવા સંભાવિત ગ્રાહકોને સંપર્ક કરીએ છીએ તો તેઓ કહે છે કે અત્યારે અમે કોઈ ગેરંટી નહીં આપી શકીએ કે અમે ક્યારે માલ મંગાવી શકીશું."
નિષ્ણાતો પ્રમાણે ભારતમાંથી દર વર્ષે એક લાખ 70 હજાર ટન જેટલું જીરું વિદેશમાં નિકાસ કરવામાં આવે છે જેમાંથી 35-40 હજાર ટન જેટલું જીરું ચીન ખરીદે છે.
મિતેશ પટેલ કહે છે, "ચીનમાં ભારતની જેમ જીરાની વપરાશ ઘરેલુ રીતે નથી કરવામાં આવતી જેમ ભારતમાં કરવામાં આવે છે. ત્યાં ચીનમાં સીફૂડ ઇન્ડસ્ટ્રી, સ્ટ્રીટ ફૂડમાં જીરુંનો વપરાશ થાય છે. કોરોના વાઇરસને લીધે આ ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ છે."
તેઓ ઉમેરે છે, "અત્યારે સ્ટ્રીટ ફૂડ માર્કેટ્સ, સીફૂડની બજારો બંધ થઈ ગયાં છે, રસ્તા પર વેચાતું સીફૂડ બંધ થઈ ગયું છે એટલે ત્યાં જીરાની ખપતમાં ધરખમ ઘટાડો થયો છે. જેની અસર જીરાની બજાર પર દેખાઈ રહી છે. "
સારો વરસાદ, પાક તથા કોરોના વાઇરસ
નિષ્ણાતોનું કહેવું છે કે જીરાનો ભાવ છેલ્લાં પાંચ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
હાજર બજારમાં જીરાનો ભાવ 150 રૂપિયા પ્રતિ કિલોથી ઘટીને 130 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે.
ત્યારે NCDEX એટલે રાષ્ટ્રીય કૉમોડિટી ઍન્ડ ડૅરિવેટિવ્સ ઇન્ડેક્સ (એનસીડીએક્સ) પ્રમાણે જીરાનો ભાવ દોઢ મહિનાની અંદર 16,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી ઘટીને 14,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી ગગડી ગયો છે.
ઊંઝા કૉમોડિટી એસોસિએશનના વડા વિજય જોશીએ બીબીસી સંવાદદાતા બ્રિજલ શાહને કહ્યું, "જીરુંનું બજાર બે-અઢી મહિનાથી નીચું આવી ગયું છે. પહેલાં તો ચાઇનીઝ ન્યૂયરને કારણે માર્કેટ બંધ હતું, પછી કોરોના વાઇરસના સમાચાર આવ્યા એટલે માર્કેટ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી."
મિતેશ પટેલ કહે છે કે "જીરામાં પ્રતિ કિલો 20 રૂપિયા જેટલો ઘટાડો થઈ ગયો છે. 2013-14માં જીરાનો ભાવ બહુ નીચો આવ્યો હતો. "
સારો વરસાદ પડતાં આ વખતે જીરાનો પાક સારો થવાની શક્યતાને જોતાં જીરાના ભાવમાં હજુ ઘટાડો થવાની શક્યતા છે.
ત્યારે અમદાવાદના કીર્તન પટેલ કહે છે," ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં જે નવો પાક આવશે એ સારો રહેવાની શક્યતા છે. હવામાન સારું રહ્યું છે અને વાવેતર પણ સારું રહ્યું એટલે પાક સારો થશે."
મિતેશ પટેલનું કહેવું છે, "પાક સારો થવાને કારણે બજાર હજુ વધારે નીચું જાય તેવું પણ માનવામાં આવે છે. બીજી તરફ ચીનમાંથી માગ ઘટવાને કારણે વધારે દબાણ આવી રહ્યું છે."
ગુજરાત જીરાના ઉત્પાદનમાં સૌથી આગળ
ભારત દુનિયામાં જીરાનું સૌથી મોટું ઉત્પાદક છે, તેમાંથી લગભગ 80 ટકા જીરાની ખપત ભારતમાં જ થાય છે.
ગુજરાત અને રાજસ્થાનમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, જેમાં ગુજરાતનો ફાળો સૌથી વધારે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણામાં ખેડૂતોઓએ જીરાની ખેતીનો લાભ લીધો છે.
ઓછા પાણી અને ઓછી મહેનતે તૈયાર થતા જીરાના પાકને ખાસ પ્રકારના હવામાનની જરૂર હોય છે જે ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળતું હોય છે.
90 દિવસમાં તૈયાર થઈ જતો જીરાનો પાક ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થાય છે.
કીર્તન પટેલનું કહેવું છે કે "તુર્કી અને ઇજિપ્તનું જીરું દુનિયાના કેટલાક દેશોમાં નિકાસ કરવામાં આવતું પરંતુ તેની સરખામણીમાં ભારતના જીરાનો ભાવ ઓછો હોવાને કારણે દુનિયામાં કેટલાક દેશો ભારતનું જીરું મગાવવાનું પસંદ કરતા થયા છે."
"ભારત સારા ભાવે જીરું પૂરૂં પાડી શકે છે એટલે છેલ્લાં બે વર્ષમાં તેની પાસે જીરાનાં ગ્રાહક વધ્યાં છે."
ભારતમાંથી જીરાની નિકાસનો મોટા ભાગ ચીન તરફ જાય છે.
નિષ્ણાતો જણાવે છે કે ભારતથી ચીન જતું જીરું સીફૂડ ઇન્ડસ્ટ્રી, ફૂડ ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે ત્યારે જીરાનું તેલ અને પાવડર કેટલીક દવાઓમાં પણ વપરાય છે.
રાષ્ટ્રીય હૉર્ટિકલ્ચર બોર્ડ પ્રમાણે 2017-18માં ભારતમાં કુલ 687.19 હજાર ટન જીરાનું ઉત્પાદન થયું હતું જેમાંથી 55.95 ટકા ગુજરાતમાં પેદા થયું હતું.
ભારતમાં 2017-18માં 143,670 ટન જીરાની નિકાસ કરવામાં આવી હતી અને 2018-19માં 180,300 ટન જેટલી જીરાની નિકાસ કરવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો