કેવડિયાના આદિવાસીઓની માગ, 'Donald Trump તેમના મિત્ર મોદી સાથે અમારી સમસ્યા અંગે ચર્ચા કરે'

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાહ માત્ર ભારત અને ગુજરાત સરકારનું તંત્ર જ નહીં, પરંતુ કેવડિયાના આદિવાસી પણ જોઈ રહ્યા છે.

અમદાવાદમાં સરકારી તંત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમનની જોરદાર તૈયારીમાં લાગેલું છે, ત્યારે કેવડિયાના આદિવાસીઓ ટ્રમ્પને સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ આપવા માગે છે.

ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવશે, ત્યારે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં આવેલાં 14 ગામોના અનેક લોકો હાલમાં કેવડિયામાં ધરણાં પર બેઠા છે.

આ 14 ગામોના આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કેવડિયા વિસ્તારની મુલાકાત લેવાનું આમંત્રણ આપવા માગે છે.

અહીંના આદિવાસીઓ ઇચ્છે છે કે 'ભારત પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાની ઓફર કરી ચૂકેલા ટ્રમ્પ આદિવાસીઓની સમસ્યાના ઉકેલ માટે સરકાર અને આદિવાસીઓ વચ્ચે મધ્યસ્થી કરે.'

ટ્રમ્પને આમંત્રણ

કેવડિયાના આદિવાસીઓ ટૂંક સમયમાં આ અંગેનું આવેદન નર્મદાના જિલ્લા કલેક્ટરને સોંપશે.

આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ્લ વસાવા બી.બી.સી. ગુજરાતીને જણાવ્યું, "આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ અનેક વખત સરકારી વિભાગના વિવિધ વડાઓને તેમની સમસ્યા વિશે જણાવ્યું, વડા પ્રધાનના કાર્યાલયને પણ પત્રો લખ્યા, પરંતુ તેમની સમસ્યાનું હજુ કોઈ નિરાકરણ થયું નથી."

તેઓ આગળ કહે છે, "અમે નક્કી કર્યું છે કે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવે, ત્યારે તેઓ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવાની સાથે-સાથે અમારી પણ મુલાકાત લે અને અમારી સમસ્યાના સમાધાન માટે તેમના મિત્ર અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરે."

આદિવાસી સમાજના આગેવાનોને આશા છે કે તેમની આ વાત અમેરિકન રાષ્ટ્રપતિ સુધી પહોંચશે અને કદાચ તેમની સમસ્યાનું સમાધાન થાય.

આવેદનપત્રમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંબોધીને કહેવામાં આવ્યું છે, "આદિવાસી સમાજના લોકો આ વિસ્તારમાં પ્રથમ તો સરદાર સરોવર ડેમના બાંધકામને કારણે વિસ્થાપિત થયા હતા અને હવે તેમના અધિકારો છીનવીને સરકારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું નિર્માણ કર્યું છે."

"તેમની જમીનો છીનવી લેવાઈ છે અને અદિવાસીઓ દરરોજ પોલીસ ખાતા તેમજ સરકારી અધિકારીઓ સાથે સંઘર્ષમાં આવી રહ્યા છે."

સ્ટૅચ્યૂ ઑફ યુનિટીના કારણે આદિવાસીનો વિનાશ, પર્યાવરણને નુકસાન અને આદિવાસીઓના બંધારણીય અધિકારોનું હનન અને વિકાસના નામે દેશની સરકારો દ્વારા આદિવાસીઓની જમીનો છીનવવા જેવી કેટલીક કથિત બાબતોનો ઉલ્લેખ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.

આવેદનમાં ટ્રમ્પને આ અંગે ભારત સરકાર અને આદિવાસીઓ વચ્ચેના કથિત ગંભીર પ્રશ્નોના ઉકેલ માટે મધ્યસ્થી કરવાની વિનંતી કરવામાં આવી છે.

કેમ ટ્રમ્પની મધ્યસ્થી ઇચ્છે છે આદિવાસીઓ?

આદિવાસી નેતાઓનું કહેવું છે કે 'ભારત સરકાર રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રવાસ ઉપર મોટો ખર્ચ કરી રહી છે, જો આટલો ખર્ચ તેમના વિકાસ અંગેની યોજનાઓ ઉપર કરે તો કદાચ તેમને આ રીતે ધરણાં પર ન બેસવું પડે.'

પ્રફુલ્લ વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "ભારતીય બંધારણ પ્રમાણે કેવડિયાનો વિસ્તાર શિડ્યૂલ પાંચમાં ગણવામાં આવે છે."

"જેનો અર્થ છે કે અહીંની ગ્રામ્ય પંચાયતની પરવાનગી વગર અહીં કોઈ મોટા પ્રૉજેક્ટ ન થઈ શકે. પરંતુ હજુ સુધી એક પણ વખત કોઈ સરકારી અધિકારીએ અમારી સાથે ચર્ચા નથી કરી."

"એટલા માટે જ અમે ઇચ્છીએ છીએ કે સરકાર અમારી વાત નથી સાંભળતી ત્યારે તેમના ખાસ મહેમાનને અમે અમારી વાત સમજાવવાનો પ્રયાસ કરીએ."

શું સમસ્યા છે કેવડિયાના આદિવાસીઓની?

નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોનું માનવું છે કે સરકાર તેમના બંધારણીય અધિકાર ઉપર તરાપ મારી રહી છે.

કેવડિયાના ભૂતપૂર્વ સરપંચ નરેન્દ્ર તડવીએ બીબીસી ગુજરાતીને કહ્યું, "જ્યારે સરકાર 'શિડ્યૂલ પાંચ'નો અમલ ન કરીને અમારી જમીનો સંપાદિત કરી રહી છે, ત્યારે અમારા બંધારણીય હક્કો છીનવાઈ રહ્યા છે,"

વસાવા આગળ કહે છે કે "આવી રીતે ગ્રામસભાઓના અધિકારો રદ કરીને સરકાર ગાંધીનગરમાં બેઠેલા અમલદાર દ્વારા આ આદિવાસી વિસ્તારને કંટ્રોલ કરવા માંગે છે, જે અમે નહીં થવા દઇએ."

આ સમાજના લોકો 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી એરિયા ડૅવલપમેન્ટ ઍૅન્ડ ટૂરિઝમ ગર્વનન્સ ઍક્ટ'નો વિરોધ કરી રહ્યા છે.

તેમનું માનવું છે કે આ કાયદા પ્રમાણે સરકારે તેમની જમીનો લઈ લેવા માટે વિવિધ પ્રવાસન સ્કીમો લાવીને તેમના અધિકારો પર તરાપ મારી છે.

આ વિશે વાત કરતા આદિવાસી નેતા લખનભાઇએ જણાવ્યું કે "પ્રકૃતિનું જતન કરવું હોય તો આદિવાસી સમાજનું જતન કરવું પડે અને આ સરકાર તેમાં નિષ્ફળ ગઈ છે, માટે આદિવાસી સમાજના લોકોની માગણી છે કે આ બંધારણ વિરોધી કાયદાઓ પાછા લેવા જોઈએ અને સરકારે આદિવાસી પ્રતિનિધિઓ સાથે બેસીને તેમની વાત સાંભળીને પછી વિકાસની વાત કરવી જોઈએ. "

ટ્રમ્પની ગુજરાત મુલાકાત?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તારીખ 24મીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે.

તેઓ ગાંધીઆશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે.

આ માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે સરકારી તંત્ર સજ્જ છે અને વિશાળ સ્તરે તૈયારીમાં લાગેલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો