You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા કેમ વધી રહી છે?
- લેેખક, પ્રભાકર મણિ તિવારી
- પદ, કોલકાતાથી બીબીસી ગુજરાતી માટે
મદરેસાનું નામ લેતાંની સાથે જ, લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે શિક્ષણ લેતા હોય એવી સ્કૂલની તસવીર દિમાગમાં ઉભરે છે, પરંતુ પશ્ચિમ બંગાળની મદરેસાઓમાં આ દૃશ્ય બદલાઈ રહ્યું છે. રાજ્યની મદરેસાઓમાં બિનમુસ્લિમ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એટલું જ નહીં, તેમની સંખ્યા પણ સતત વધી રહી છે.
રાજ્યમાં સોમવારથી શરૂ થયેલી મદરેસા બોર્ડની પરીક્ષામાં આ વર્ષે નવો રેકર્ડ સર્જાયો છે.
આ પરીક્ષા આપી રહેલા 70,000 વિદ્યાર્થીઓ પૈકીના લગભગ 18 ટકા હિંદુ છે. મદરેસા બોર્ડની આ પરીક્ષા દસમા ધોરણની પરીક્ષાની સમકક્ષ હોય છે.
2019ના વર્ષમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ પૈકીના 12.77 ટકા જ હતી. રાજ્યમાં સરકારી સહાયતા મેળવતી 6,000થી વધુ મદરેસા છે.
પશ્ચિમ બંગાળ મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અબુ તાહેર કમરુદ્દીન કહે છે, "પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લાં કેટલાંક વર્ષથી બેથી ત્રણ ટકાના દરે સતત વધી રહી છે."
"રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલી મદરેસાઓમાં હવે દસમા ધોરણ સુધી બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઍડમિશન લઈ રહ્યા છે."
કમરુદ્દીનના જણાવ્યા મુજબ, "બાંકુડા, પુરુલિયા અને બીરભૂમ જિલ્લાઓમાંની ચાર સૌથી મોટી મદરેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રમાણ મુસ્લિમ વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે છે."
"મદરેસાઓમાં સેકન્ડરી બોર્ડના પાઠ્યક્રમ અનુસાર અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ મદરેસામાં ઍડમિશન લઈ રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કમરુદ્દીન કહે છે, "દેશ જ નહીં, સમગ્ર વિશ્વના સંદર્ભમાં આ વિશિષ્ટ ઘટના છે. અહીંની મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓ માત્ર ભણતા જ નથી, તેઓ મુસ્લિમ વિદ્યાર્થીઓની સરખામણીએ બહેતર માર્ક્સ પણ મેળવી રહ્યા છે."
બર્ધવાન જિલ્લાની એક મદરેસામાં અભ્યાસ કરતાં 14 વર્ષીય સેન કહે છે, "મદરેસામાં અમારી સાથે ધર્મના આધારે ભેદભાવ કરવામાં આવતો નથી."
પશ્ચિમ બંગાળમાં સેકન્ડરી બોર્ડ હેઠળ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિદ્યાર્થીઓ અને (ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં) તેમના વાલીઓ આ મદરેસાઓને મહત્ત્વ આપી રહ્યા છે.
પશ્ચિમ બંગાળની મદરેસાઓની વિશિષ્ટતાઓ બાબતે અગાઉ પણ અનેક અભ્યાસ થઈ ચૂક્યા છે. એક વિશિષ્ટતા મદરેસાઓમાં છોકરીઓનું ઍડમિશન પણ સામેલ છે.
કેટલીક મદરેસામાં હિંદુ વિદ્યાર્થીઓ વધુ
મદરેસા બોર્ડની પરીક્ષામાં ગત વર્ષે સામેલ થયેલા કુલ વિદ્યાર્થીઓમાં છોકરીઓનું પ્રમાણ લગભગ 60 ટકા હતું.
પૂર્વ બર્ધવાન જિલ્લાના કેતુરગ્રામસ્થિત અગરડાંગા હાઈ મદરેસાની ત્રણ હિંદુ વિદ્યાર્થિની - સાથી મોદક, અર્પિતા સાહા અને પારિયા સાહાએ મદરેસા બોર્ડની ગત વર્ષની પરીક્ષામાં 90 ટકાથી વધુ માર્ક્સ મેળવ્યા હતા.
એ મદરેસામાં અભ્યાસ કરતા 751 વિદ્યાર્થીઓમાં લગભગ 45 ટકા હિંદુ છે. બોર્ડની પરીક્ષામાં આ વર્ષે સામેલ થયેલા 68 માંથી 23 હિંદુ વિદ્યાર્થીઓ છે.
અગરડાંગા મદરેસાના પ્રભારી શિક્ષક મોહમ્મદ અનીસુર રહેમાન કહે છે, "1925માં સ્થાપના થઈ ત્યારથી જ હિંદુ વિદ્યાર્થીઓ આ મદરેસાનો અભિન્ન હિસ્સો બની રહ્યા છે. આ વિસ્તારમાં બીજી કોઈ સ્કૂલ ન હોવાને કારણે હિંદુઓએ મદરેસામાં અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું."
"અહીં પઠન-પાઠનના સત્રને ધ્યાનમાં લઈને તેમજ પછી વધુ ત્રણ શાળાઓ શરૂ થવા છતાં આ મદરેસામાં હિંદુ સમુદાયનાં બાળકો જ વધુ અભ્યાસ કરવા આવે છે."
આ જિલ્લાના ઓરગ્રામ ચતુષ્પલ્લી હાઈ મદરેસામાં અભ્યાસ કરતા 1320 વિદ્યાર્થીઓમાં 65 ટકા હિંદુ છે.
આ મદરેસામાં વિદ્યાર્થિનીઓ (720)ની સંખ્યા વિદ્યાર્થીઓ (600)ના પ્રમાણમાં 20 ટકા વધુ છે.
હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાનું કારણ શું?
સવાલ એ છે કે આખરે આ મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓની સંખ્યા શા માટે વધી રહી છે? આ સવાલનો જવાબ છે-અહીં અભ્યાસનું બહેતર સ્તર તથા માહોલ.
વ્યવસાયે ખેડૂત રમેશ માઝીની બે દીકરીઓ ચતુષ્પલ્લી મદરેસામાં અભ્યાસ કરે છે.
માઝી કહે છે, "આ વિસ્તારમાં અનેક સરકારી સ્કૂલો છે, પણ મદરેસામાં અભ્યાસનું સ્તર તથા સુવિધાઓ બહેતર હોવાને કારણે મેં મારી બન્ને દીકરીઓને તેમાં અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું હતું."
આવું જ એક ઉદાહરણ કોલકાતા નજીકના ઉત્તર 24 પરગણા જિલ્લાના વ્યવસાયે ખેડૂત સોમેન મંડલના મોટા દીકરાનું છે.
સોમેન મંડલનો દીકરો પહેલાં સ્થાનિક સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો, પણ સોમેનના બીજા દીકરાને એ સ્કૂલમાં પ્રવેશ ન મળવાથી તેમણે તેનું ઍડમિશન નજીકની મદરેસામાં કરાવ્યું હતું.
સોમેનને એ મદરેસાનો માહોલ એટલો ગમી ગયો કે તેમણે તેમના મોટા દીકરાનું ઍડમિશન પણ મદરેસામાં કરાવ્યું હતું.
સોમેન મંડલ કહે છે, "સરકારી સ્કૂલમાં સંબંધિત વિષયના શિક્ષક ન હતા. ભૂગોળના શિક્ષક ગણિત ભણાવતા હતા, જ્યારે વિજ્ઞાનના શિક્ષક ઇતિહાસ. સ્કૂલમાં શિસ્તભર્યું વાતાવરણ ન હતું."
"બીજી તરફ મદરેસામાં અભ્યાસ ઉપરાંત શિસ્તનું સ્તર પણ બહેતર હતું. એ કારણસર મેં મારા મોટા દીકરાનું ઍડમિશન પણ મદરેસામાં કરાવ્યું હતું."
શિક્ષણનું સ્તર પહેલાં કરતાં સારું
મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અબુ તાહેર કમરુદ્દીન પણ સોમેન મંડલની વાતને ટેકો આપે છે.
તેઓ કહે છે, "મદરેસાઓમાં શિક્ષણનું સ્તર પહેલાંની સરખામણીએ ઘણું સુધર્યું છે. વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ પણ આપવામાં આવી રહી છે. તેથી ખાસ કરીને બીરભૂમ, પૂર્વ બર્ધવાન અને બાંકુડા જિલ્લાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનું આ મદરેસાઓ પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે."
અબુ તાહેર કમરુદ્દીનના જણાવ્યા મુજબ, રાજ્યની મદરેસાઓમાં બિન-મુસ્લિમ શિક્ષકોનું પ્રમાણ 29 ટકાથી વધુ છે.
મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની વધતી સંખ્યા બાબતે બીબીસીએ શિક્ષણ વિભાગના એક અધિકારી સાથે વાત કરી હતી.
એ અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું, "મદરેસાઓમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓનું પ્રમાણ વધવાનાં બે મુખ્ય કારણ છે. એક, નિયમિત સ્કૂલોમાંની મર્યાદિત બેઠકો અને બીજું, મદરેસાઓને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી મળેલી સ્વીકૃતિ."
"વળી ઘણી સ્કૂલો ડોનેશન માગતી હોય છે. એ કારણસર પણ ગરીબ વિદ્યાર્થીઓ મદરેસામાં ભણવાનું પસંદ કરતા હોય છે."
જડ પરંપરાઓને ખતમ કરવાનો દાવો
ઉત્તર 24 પરગણા જિલ્લાની એક મદરેસામાં અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવતા અમિતાભ મંડલ કહે છે, "સામાન્ય સ્કૂલોમાં બેઠકો ઓછી છે. એ ઉપરાંત ફી ઓછી હોવાને કારણે પણ વિદ્યાર્થીઓ મદરેસા ભણી આકર્ષાઈ રહ્યા છે."
"બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓને અરબી ભાષામાં થતી મુશ્કેલીને પણ રાજ્ય સરકારે હઠાવી દીધી છે. અરબી ભાષાના 100 માર્ક્સના પ્રશ્નપત્રમાં બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓ 65 માર્ક્સના સવાલોના જવાબ બીજી ભાષામાં લખી શકે છે."
મદરેસા શિક્ષણ બોર્ડના અધ્યક્ષ અબુ તાહેર કમરુદ્દીન કહે છે, "અમે મદરેસાઓને પણ સામાન્ય સ્કૂલો જેવી બનાવી દીધી છે. અહીં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે ભણે છે."
"અમે જડ પરંપરાને ખતમ કરી નાખી છે. સરકારે મદરેસાના વિદ્યાર્થીઓ માટે સ્કૉલરશિપ પણ શરૂ કરી છે. આ મદરેસાના ઘણા વિદ્યાર્થીઓ આગળ જઈને એન્જિનિયરિંગ અને મેડિકલ કૉલેજોમાં ઍડમિશન લઈ રહ્યા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો