ગુજરાતમાં અનામત માટે થઈ રહેલાં આંદોલનોથી રૂપાણી સરકારને કેટલું નુકસાન?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં છેલ્લા છ મહિનાથી શરૂ થયેલાં અલગઅલગ જ્ઞાતિનાં આંદોલનોને કારણે ગુજરાતની રૂપાણી સરકાર વારેવારે વિવાદમાં આવતી રહે છે.

ઓબીસી અને આદિવાસીઓના આંદોલન પછી સરકાર ઝૂકી જતા હવે બિનઅનામતના આંદોલનનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે અને દિવસેને દિવસે આંદોલનો વધારે બળવત્તર બની રહ્યાં છે.

અગાઉ બિનસચિવાલયની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ આંદોલન છેડ્યું હતું અને સરકારને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી.

તો હવે અનામત અને બિનઅનામત વર્ગના આંદોલનોથી રૂપાણી સરકાર સામે ફરી સંકટ તોળાઈ રહ્યું છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે આ આંદોલનોથી આવનારી ચૂંટણીમાં ભાજપ સરકારને નુકસાન પણ થઈ શકે છે.

'ભાજપની વોટબૅન્ક ધીમેધીમે તૂટવા લાગી'

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું, "દેશમાં થયેલાં તમામ સરકાર ઉથલાવે તેવાં આંદોલનોની શરૂઆત વિદ્યાર્થીઆંદોલનોથી જ થઈ છે."

"ગુજરાતમાં બદલાતી અર્થવ્યવસસ્થાને કારણે 1985 પછી છેક 30 વર્ષે ગુજરાતે ભાજપની પરંપરાગત વોટબૅન્ક ગણાતા પટેલ સમાજને ભાજપની સામે ઊભો રહેતો દેખાડ્યો છે."

"આ આંદોલનના કારણે શહેરી વિસ્તારોમાં ભલે ભાજપ પોતાની વિધાનસભાની બેઠકો સાચવી શક્યો હોય, પણ ગ્રામ્ય વિસ્તારોમાં એની અસર સ્પષ્ટપણે દેખાઈ છે. કારણ કે 2015માં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપના નબળા દેખાવ પછી તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું."

"ત્યારબાદ ભાજપે બનાવેલી વોટબૅન્કની સોશિયલ એન્જિનિયરિંગ સિસ્ટમ ધીમેધીમે તૂટવા લાગી અને તેનું પરિણામ 2017ની ચૂંટણીમાં જોવા મળ્યું હતું."

ઘનશ્યામ શાહે વધુમાં કહ્યું, "2017ની ચૂંટણીમાં સૌથી પહેલું એ દેખાયું કે પટેલ ધારાસભ્યોની સંખ્યા ઘટી, કારણ કે પટેલ આંદોલનથી નારાજ થયેલો ફર્સ્ટ ટાઇમ વોટર ભાજપથી વિમુખ થયો."

"અલબત્ત, એ પછી 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના મજબૂત ઓબીસી નેતાઓને ફરીથી એક યા બીજા પ્રકારે લાલચ આપી ભાજપમાં આયાત કરવાના શરૂ કર્યા."

તેઓ માને છે, "આ આયાતી નેતાઓ સેફોલૉજીના નિયમ પ્રમાણે પોતાની સાથે જે વોટબૅન્ક લઈને આવ્યા હતા તે અને ભાજપની જે પરંપરાગત વોટબૅન્ક હતી તેનો સરવાળો ભાજપની લોકસભાની સીટમાં ક્યાંય નડ્યો નહીં."

"પરંતુ જે પ્રકારે લોકસભાની ચૂંટણી પત્યા પછી પરીક્ષાઓનાં કૌભાંડો બહાર આવ્યાં. એના કારણે મોટો વિદ્યાર્થી વર્ગ નારાજ થયો છે અને વિદ્યાર્થીઓ નારાજ થાય ત્યારે સરકાર માટે મોટો ખતરો ઊભો થાય છે."

આંદોલનને લાંબા સમય સુધી દબાવવું મુશ્કેલ

ઘનશ્યામ શાહ કહે છે, "1974માં વિદ્યાર્થી આંદોલનને દબાવવાનો પ્રયાસ થયો અને એ આંદોલન સ્પ્રિંગની જેમ ઊછળ્યું હતું. અધૂરામાં પૂરું 1974ના આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ હતી."

"આ તાકાત લોકોએ અવગણી. જેના પરિણામો આંદોલન વધારે ઉગ્ર બન્યું અને જ્ઞાતિવાર તમામ સમીકરણો ઊલટાં થઈ ગયાં હતાં. ત્યારબાદ માધવસિંહ સોલંકીની સરકાર આવી. આ સરકારમાં ફરી એક વાર અનામત આંદોલન થયું."

"એ પણ વિદ્યાર્થીઓનું જ આંદોલન હતું. વિદ્યાર્થી આંદોલનને થોડો સમય દબાવી શકાય પરંતુ લાંબો સમય દબાવવું મુશ્કેલ હોય છે."

ઘનશ્યામ શાહ કૉંગ્રેસના પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીનો કાર્યકાળ અને ખામ થિયરીને યાદ કરે છે.

તેઓ કહે છે, "એ સમયે પણ માધવસિંહ સોલંકીએ 'ખામ' (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરીનો ઉપયોગ કરીને સોશિયલ એન્જિનિયરિંગથી મોટી વોટબૅન્ક બનાવી હતી. સૌથી વધુ સીટો સાથે સરકાર બનાવવાનો રેકર્ડ સર્જ્યો હતો જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી."

"પરંતુ 1985ના આંદોલનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહોતા, તેમાં મહિલાઓ પણ જોડાઈ હતી. તે સમયે મહિલાઓએ થાળી વગાડીને વિરોધ કરવાનો એક નવો પ્રયોગ કર્યો હતો, જે ઘણો અસરકારક રહ્યો હતો."

વધુમાં ઉમેરે છે, "માધવસિંહના સોશિયલ એન્જિનિયરિંગ વોટબૅન્કવાળી ખામ થિયરીને તોડવા માટે ભાજપ 'ફાક' (પટેલ હરિજન આદિવાસી ક્ષત્રિય) થિયરી લઈને આવ્યું હતું."

"જેની મદદથી ભાજપ આ અભેદ્ય કિલ્લો તોડીને લાંબા સમય સુધી સત્તા પર બેઠો છે, પરંતુ વિદ્યાર્થીઓની તાકાત અલગ હોય છે. એને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી."

'સરકારની નીતિઓના કારણે અસંતોષ'

તો આવું જ કંઈક જાણીતા સેફોલોજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાન પણ માને છે.

એમનું કહેવું છે કે "ખામની જેમ જ નરેન્દ્ર મોદીએ પોતાની એક અલગ વોટબૅન્ક બનાવી હતી. 2004માં જ્યારે નરેન્દ્ર મોદી સામે એમના જ પક્ષના ધારાસભ્યોએ બળવો કર્યો ત્યારે એમણે જોયું કે ગુજરાતમાં અડધાથી વધારે વોટબૅન્ક ઓબીસીએ બનાવી હતી."

"આ વોટબૅન્કને મજબૂત બનાવવા માટે એમણે ભાજપની જૂની 'ફાક' થિયરીને છોડીને 'ફોક' થિયરી (જેમાં પટેલ હરિજન ઓબીસી આદિવાસી અને ક્ષત્રિય) અપનાવી. જેના કારણે ગુજરાત ભાજપનો અભૈદ્ય કિલ્લો બની ગયો હતો."

"2017માં બધા ધમપછાડા કર્યા છતાં ભાજપના સોશિયલ એન્જિનિયરિંગ બનાવ્યા પછીની વોટબૅન્ક પણ તૂટવા માંડી ત્યારે કૉંગ્રેસના નેતાઓને સાથે લઈ આવ્યા અને પૉપ્યુલરિસ્ટિક મેજરના નામે જાતભાતના કાયદા બનાવ્યા."

"જેનાથી ભાજપ સાથે થયેલા વર્ગો ઓબીસી, આદિવાસી, હરિજન અને ક્ષત્રિય વોટરથી નારાજ થયા એટલું જ નહીં ભાજપની અંદર પણ સરકારની જાતભાતની નીતિઓના કારણે મોટા પાયે અસંતોષ પણ ઊભો થવા માડ્યો."

ડૉ. એમ. આઈ. ખાન કહે છે, "આ વર્ષના અંતમાં આવનારી મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લાપંચાયત, તાલુકાપંચાયત અને ગ્રામપંચાયતોની ચૂંટણીમાં જીતવું અધરું છે, કારણ કે આ ચૂંટણી એમના માટે મુખ્ય મંત્રીપદ ટકાવી રાખવાનો આખરી વિકલ્પ છે."

મહિલાઓની સક્રિય ભૂમિકા સરકાર માટે ચિંતાજનક

ઘનશ્યામ શાહે કહે છે, "2015માં પણ પટેલ આંદોલનમાં મહિલાઓ બહાર આવી હતી અને 2015ની મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લાપંચાયત, ગ્રામપંચાયત અને તાલુકાપંચાયતમાંથી માત્ર શહેરી વિસ્તારોની જ સીટો ભાજપના હાથમાં રહી હતી."

"જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં કૉંગ્રેસે બાજી મારી હતી."

"અલબત્ત, એ પછી ભાજપે 2019ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના સંખ્યાબંધ દિગ્ગજ નેતાઓને કૉંગ્રેસમાંથી પોતાની તરફ ખેંચી લીધા. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં જરૂર પડ્યે હોર્સ ટ્રૅડિંગ કરીને લઈ આવ્યા હતા."

"જેના કારણે દિગ્ગજ નેતાઓની પોતાની વોટબૅન્ક અને ભાજપની પોતાની વોટબૅન્ક જળવાઈ રહી હતી. જેનો ફાયદો ભાજપને લોકસભાની ચૂંટણીમાં મળ્યો."

આંદોલનમાં મહિલાઓની ભૂમિકાને સરકાર માટે ચિંતાજનક ગણાવતાં તેઓ કહે છે, "મહિલાઓ હવે આંદોલનમાં સક્રિય રીતે બહાર આવી રહી છે અને આ એક સૂચક વાત છે, કારણ કે આંદોલનમાં મહિલાઓ જોડાય એટલે સમજવું સમાજનો મોટો વર્ગ સરકારથી નારાજ છે."

"અધૂરામાં પૂરું માંડમાંડ ભાજપ તરફ વળેલી ઓબીસી, આદિવાસી અને દલિતની વોટબૅન્ક નારાજ તો થઈ જ છે. પણ એમની નારાજગીની સાથેસાથે ભાજપનો પરંપરાગત વોટર ગણાતો સવર્ણ વર્ગ પણ હવે નારાજ થઈને બહાર નીકળ્યો છે."

'રૂપાણી માટે ચૂંટણી જીતવી આસાન નહીં'

તેઓ કહે છે, "આથી મુખ્ય મંત્રી રૂપાણી સામે સરકાર ચલાવવા કરતાં મોટી ચેલેન્જ સોશિયલ એન્જિનિયરિંગથી બનાવેલી વોટબૅન્ક છે, જે તૂટી રહી છે."

"આ ભાજપ માટે સૌથી જોખમી છે. આથી ભાજપને નવી મુસીબતોનો સામનો કરવો પડશે અને રૂપાણી માટે આ ચૂંટણીઓ જીતવી આસાન નહીં હોય."

તો જાણીતા સેફોલૉજિસ્ટ વિનોદ અગ્રવાલ આ તમામ વાત સાથે સંપૂર્ણ સહમત નથી થતા.

પરંતુ એટલું ચોક્કસ કહે છે કે વિદ્યાર્થી આંદોલન સરકાર માટે જોખમી છે અને મહિલાઓની આંદોલનમાં સક્રિય ભમિકા કોઈ પણ સરકાર માટે ચિંતાનો વિષય બની શકે એમ છે.

સેફોલોજિસ્ટ ડૉ. એમ. આઈ. ખાન કહે છે, "સંખ્યાબંધ નેતાઓ, ધારાસભ્યો અને સાંસદોએ મુખ્ય મંત્રીને સરકારી ભરતી માટેના અનામતના નિયમો અંગે તૈયાર કરેલો પરિપત્ર રદ કરવા કાગળો પણ લખ્યા."

"ભાજપના નેતાઓમાંથી ઊઠેલા વિરોધના સૂરના કારણે ફરીથી એક વખત રૂપાણીનું આસન ડોલવાનું શરૂ થયું એટલે એમણે સત્તામાં ટકી રહેવા માટે ફરી એક વાર આ નેતાઓ સામે ઝૂકીને 2018નો વિવાદિત પરિપત્ર રદ કરવાનું પણ નક્કી કર્યું."

'પરિપત્ર રદ થતાં સવર્ણ સમાજ ભાજપથી નારાજ'

"આ પરિપત્ર રદ કર્યો જેના કારણે સવર્ણ સમાજ પણ ભાજપથી નારાજ થઈ ગયો છે. આ જ બતાવી આપે છે કે ભાજપના જ નેતાઓ જોઈ રહ્યા છે કે સરકારની અવળી નીતિના કારણે જનતા પરેશાન થઈ રહી છે."

રૂપાણી સરકારની સંભવિત મુશ્કેલી તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, "એમના માટે પણ ફરીથી ચૂંટાવું અધરું છે, કારણ કે પછાત વિસ્તારોમાં સોશિયલ એન્જિનિયરિંગથી બનેલી વોટબૅન્ક હાથમાંથી સરકતી જઈ રહી છે."

"જ્યારે વિજય રૂપાણીની સામે પોતાની નિષ્ફળ રાજનીતિ છુપાવવા માટે વારંવાર નિર્ણયો બદલવા પડે છે, જે બતાવે છે કે રૂપાણી સરકાર ચારેતરફથી ઘેરાઈ રહી છે."

"2000ના અંતમાં આ પ્રકારે જ કેશુભાઈ પટેલ મ્યુનિસિપલ કૉર્પોરેશન, તાલુકાપંચાયત અને જિલ્લાપંચાયતમાં હાર્યા ત્યારે તલવાર લટકી હતી અને એ વખતે જ ભૂકંપ આવ્યો."

"ભૂકંપમાં નબળી કામગીરીના બહાને એમને ખુરશી પરથી ઉતારી દેવામાં આવ્યા હતા."

"પરંતુ મોદી આ બધી સ્થિતિથી વાકેફ હતા એટલે તેમણે ભાજપની પરંપરાગત વોટબૅન્ક સાથે ઓબીસી વોટબૅન્કને પણ અંકે કરી."

"જેનું સામાન્ય ઉદાહરણ છે કે અમદાવાદના મેયર તરીકે કાનાજી ઠાકોરને મૂક્યા હતા, જે ઓબીસીમાંથી આવતા હતા. જેનો મૅસેજ ગુજરાતના સમગ્ર ઓબીસી સમાજ સુધી પહોંચ્યો હતો."

ડૉ. એમ. આઈ. ખાન કહે છે, "આ જ પ્રકારે એમણે માછીમારો અને આદિવાસીઓને પ્રાધાન્ય આપીને નવી વોટબૅન્ક બનાવવાની શરૂ કરી હતી, પરંતું હવે રૂપાણી કોઠાસૂઝ વગરની રાજનીતિના કારણે સમાજના તમામ વર્ગો સરકારથી નારાજ થઈ રહ્યા છે તે રૂપાણી માટે મોટો ખતરો છે."

તો જાણીતા સેફોલૉજિસ્ટ વિનોદ અગ્રવાલ કહે છે, "મહિલાઓ અને યુવા મતદારોઓ સામાન્ય રીતે નારાજ હોય ત્યારે સરકારને પોતાની વોટબૅન્ક બચાવવી અઘરી થઈ પડે છે."

"કદાચ એટલે જ ગ્રામીણ વિસ્તારની મહિલાઓને ફાયદો કરાવવા માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોની પત્નીઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી હોય છે."

"આ આર્થિક ઉપાર્જન કદાચ ખેડૂતોને ભાજપ તરફ વાળવા માટે ફાયદાકારક સાબિત થાય એટલે રૂપાણીએ પોતાના ભાથામાંથી એક નવું તીર છોડ્યું છે."

"આંદોલનો શરૂ થયાં પછી રૂપાણી એક પછી એક લોકપ્રિય યોજનાઓની જાહેરાત કરીને વોટબૅન્ક સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ એમનો આ પ્રયાસ કેટલો સફળ રહેશે તે તો આવનારો સમય જ કહેશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો