મોદી-ટ્રમ્પ અમદાવાદ મુલાકાત : 'ભલે બુલડોઝર ફેરવી દે, અમે જગ્યા ખાલી નહીં કરીએ'

'અમે ઘર ખાલી નહીં કરીએ, કૉર્પોરેશને મશીનો ફેરવવા હોય તો અમારી ઉપર ફેરવે. અમે મરી જઈશું પણ ઘર ખાલી નહીં કરીએ. અમને રહેવા માટે વૈકલ્પિક જગ્યા આપે નહીં તો અમે અહીં જ રહીશું.'

અમદાવાદના મોટેરાના સ્ટેડિયમ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આ શબ્દો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા શ્રમિકોને જગ્યા છોડી દેવામાં નોટિસ પાઠવી છે.

24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે.

આ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં અંદાજે 150 પરિવારો રહે છે, જેમાંથી 45 પરિવારોને જગ્યા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવી છે.

ઝૂંપડપટ્ટીના લોકો છૂટક મજૂરી અને કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય મોટેરા સ્ટેડિયમની પાસેની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા અને તેમને મળેલી નોટિસ અંગે વાતચીત કરી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે અમને વૈકલ્પિક જગ્યા આપવાની વાત થઈ નથી અને અમારી મેળે રહેવાની વ્યવસ્થા કરી દેવા કહેવાયું છે.

જગ્યા ખાલી કરવા સાત દિવસનો સમય

સ્થાનિકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે કૉર્પોરેશન દ્વારા તેમને બે દિવસ પહેલાં જ નોટિસ આપવામાં આવી છે અને તેમને એક અઠવાડિયાની મુદત આપવામાં આવી છે.

એક અઠવાડિયાની અંદર આ ઝૂંપડપટ્ટી ખાલી કરવાનો સ્થાનિકો પાસે સમય છે.

કૉર્પોરેશનનું કહેવું છે કે આ વિસ્તાર ટાઉન પ્લાનિંગની યોજના અંતર્ગત આવતો હોવાથી ઝૂંપડપટ્ટીને ખાલી કરાવાઈ રહી છે.

અહીં ઝૂંપડપટ્ટીમાં રહેતા શૈલેશભાઈનું કહેવું છે, "અમને કોઈ જ કારણ જણાવ્યું નથી, ગઈકાલે સાહેબ આવ્યા અને સાત દિવસની મુદત આપીને જતા રહ્યા. અમને કહ્યું છે કે ખાલી કરી દો, નહીં તો મશીન ફેરવી દઈશું."

તેઓ કહે છે, "અમારા પર મશીન ચઢી જાય તો વાંધો નહીં, પણ અમે આ જગ્યા ખાલી નહીં કરીએ."

"અમને સરકાર બીજે ક્યાંક વ્યવસ્થા કરી આપે એટલું જ ઇચ્છીએ છીએ. અમને વૈકલ્પિક જગ્યા આપવાની પણ કોઈ વાત કરી નથી."

રોજનું કમાઈને પેટિયું રળતાં શ્રમિકો

અહીં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિકો રોજનું કમાઈને રોજ ખાય છે. તેઓ છૂટક મજૂરી અને કડિયાકામ કરીને પેટિયું રળે છે.

અન્ય એક સ્થાનિક બહેને બીબીસીને કહ્યું, "અમને મારીને સરકારને સુખ મળતું હોય, તો મારી નાખે, પણ અમે આ જગ્યા ખાલી નહીં કરીએ."

અહીં રહેતાં મંજુબહેને તેમની સ્થિતિ વિશે વાત કરતાં કહ્યું, "અમને પણ નોટિસ મળી છે, સરકાર જગ્યા આપે તો અમે બીજે ક્યાંક જઈએ."

"અમારાં બાળકો અહીં ભણે છે. અમે આ જગ્યા ખાલી કેવી રીતે કરી દઈએ?"

આસપાસના રહીશોનું કહેવું છે કે આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે આ પરિવારો અહીં અસુવિધા વચ્ચે ઝૂંપડીઓ અને પતરાંઓ બાંધીને રહે છે.

મોટેરા વિસ્તારના કનુભાઈ વણઝારાએ કહ્યું, "આ ગરીબ માણસો છે, રોજનું કમાઈને રોજ ખાનારા લોકો છે. આ ઘરો જોઈએ તો એના પરથી જ એમની સ્થિતિ દેખાઈ આવે છે."

"ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી આવે છે એટલે આ ઘરો ખાલી કરાવાઈ રહ્યાં છે."

"ગરીબી ન દેખાય એ માટે આ કરાવવામાં આવે છે અને એટલે જ આ ઝૂંપડપટ્ટી હઠાવવા માગે છે."

"આ વિસ્તારમાં 200-300 ઝૂંપડીઓ છે, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો કરવી જોઈએ."

અગાઉ સરાણિયાવાસ પાસે જ્યાંથી રાષ્ટ્રપતિનો કાફલો પસાર થવાનો હતો ત્યાં તંત્ર દ્વારા એક દીવાલ ચણી દેવામાં આવી હતી.

લોકોનો આરોપ હતો કે અમે ગરીબ છીએ અને ટ્રમ્પ અમારી ગરીબી જોઈ ન જાય એ માટે દીવાલ ચણી દેવામાં આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત

24-25 ફેબ્રુઆરીની ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન કેટલીક ડીલ પર હસ્તાક્ષર પણ થશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ઉપરાંત દિલ્હીની મુલાકાત પણ લેવાના છે.

ટ્રમ્પની મુલાકાતને લઈને હાલ અમદાવાદ શહેરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉપરાંત તેમની સિક્યૉરિટીને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવાઈ માર્ગે અમદાવાદ ઍરપૉર્ટ પર આવશે. જે બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ ઍરપૉર્ટથી 22 કિલોમિટર લાંબો રોડ શો યોજશે.

જે બાદ ટ્રમ્પ અમદાવાદમાં બની રહેલા મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે અને આશરે એક લાખ લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે.

DCP વિજય પટેલ, (કંટ્રોલર અમદાવાદ શહેર) દ્વારા અપાયેલી પ્રાથમિક માહિતી અનુસાર, "ટ્રમ્પની મુલાકાત દરમિયાન 25 IPS અધિકારીઓ, 65 ACP કક્ષાના અધિકારીઓ, 200 પોલીસ ઇન્સ્પેક્ટર, 800 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10,000 જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષાવ્યસ્થા માટે ખડેપગે રહેશે."

વિજય પટેલના કહેવા પ્રમાણે, "ઍરપૉર્ટ, રોડ શો, ગાંધીઆશ્રમ અને મોટેરા સ્ટેડિયમ માટે પાંચ મોટી સુરક્ષા ટુકડીઓ બનાવવામાં આવી છે."

"સાથે જ NSGના સુરક્ષા કર્મચારીઓ અને NSGના ઍન્ટિ-સ્નાઇપરની એક ખાસ ટુકડી ગુજરાત પોલીસની સુરક્ષાને વધુ મજબૂતી બક્ષશે."

આ ઉપરાંત બૉમ્બ ડિટેક્શન અને ડિસ્પૉઝલની 10 ટીમો પણ ખડેપગે હશે. સાથે બે ડૉગ-સ્કવૉડ પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

જે રસ્તા પરથી ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થશે તેની આસપાસનાં તમામ મકાનોમાં રહેતા ભાડવાતોનું ચેકિંગ હાથ ધરવા માટે પિનાક સોફ્ટવૅરની મદદ લેવાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો