નમસ્તે ટ્રમ્પ : મોટેરા સ્ટેડિયમનું ડોનાલ્ડ ટ્રમ્પ ઉદ્ઘાટન નહીં કરે? Top News

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોટેરા ઉદ્દઘાટન નહીં કરે.

મોટેરા સ્ટેડિયમમાં અમેરિકામાં યોજાયેલાં 'હાઉડી, મોદી' જેવા 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમનું આયોજન થશે, પણ સ્ટેડિયમનું ઉદ્દઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નહીં કરે.

દિલ્હીથી ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની દેખરેખ રાખતાં એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા 'અમદાવાદ મિરર' લખે છે:

"અમે ક્યારેય જાહેરાત નથી કરી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે. આ એક માત્ર અનુમાન છે અને માનવામાં આવે છે કે તેઓ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી."

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે અમે પણ એવા ખ્યાલમાં હતા કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યની મુલાકાત દરમિયાન ટ્રમ્પ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરશે.

તેમણે વધુમાં કહ્યું, "હકીકતમાં, અમે અમારા આમંત્રણની રાહ જોઈ રહ્યા છીએ અને સ્ટેડિયમના ભવ્ય ઉદ્ઘાટન માટે અમે ભારતીય ક્રિકેટ ટીમ અને બીજા સેલિબ્રિટીઝને બોલાવાની પણ યોજના તૈયાર કરી રહ્યા હતા."

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે મોટેરાના કાર્યક્રમમાં એક પણ ક્રિકેટરને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ ક્રિકેટની ઇવેન્ટની નથી.

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની પ્રત્યેક મિનિટ ગુજરાતને 50 લાખની પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રસ્ટ 24 ઑગસ્ટના રોજ ભારતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે.

રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પ પહેલી વાર ભારત આવી રહ્યા છે.

તેઓ અમદાવાદમાં આવેલા ગાંધીઆશ્રમની પણ મુલાકાત લેવાના છે.

સમાચાર એજન્સી રૉયટર્સને ગુજરાત સરકારના અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાક રોકાશે અને 85 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ રકમ ગુજરાતના ગૃહવિભાગના વાર્ષિક બજેટની અંદાજે દોઢ ટકા છે.

અંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત રહેશે અને તેમાં જ અડધી રકમ ખર્ચાઈ જશે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રૉયટર્સને જણાવ્યું કે અંદાજે 30 કરોડ રૂપિયા ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ રસ્તા પહોંળા કરવામાં અને બાંધકામમાં ખર્ચ થઈ ગયા છે.

સ્ટેડિયમની ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. નેહરાએ કહ્યું કે જ્યાંથી ટ્રમ્પ નીકળવાના છે એ વિસ્તારની સજાવટમાં છ કરોડ રૂપિયા ખર્ચ થશે.

રામમંદિર માટેના ટ્રસ્ટની આજે પહેલી બેઠક

અયોધ્યામાં રામમંદિરનિર્માણ માટે ગઠિત ટ્રસ્ટ શ્રી રામમંદિર તીર્થ ટ્રસ્ટની પહેલી બેઠક દિલ્હીમાં આજે સાંજે પાંચ વાગ્યે મળવાની છે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, આ બેઠકમાં મંદિરનિર્માણની તારીખથી લઈને પારદર્શી રીતે ફાળો ઉઘરાવવા પર ચર્ચા થાય તેવી શક્યતા છે.

આ બેઠક ટ્રસ્ટના ગ્રેટર નોઇડાસ્થિત ઑફિસમાં મળશે અને તેમાં 15માંથી 9 સભ્યો ભાગ લેશે.

બેઠકમાં સામેલ થવા પહોંચેલા સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું કે બેઠકનો ઍજન્ડા પહેલેથી નક્કી નથી. મંદિરનિર્માણ માટેની તારીખનાં કેટલાંક સૂચનો આવ્યાં છે, જેમાં બીજી એપ્રિલ (રામનવમી) પણ સામેલ છે.

તેઓએ કહ્યું કે મંદિરનિર્માણનું કામકાજ જ્યારે શરૂ થશે ત્યારે બહુ ભીડ થશે. કાયદો અને વ્યવસ્થા પર પણ નજર રાખવી પડશે. આ બધી બાબતો પર નિર્ણય લેવાશે.

અશરફ ગની વિજેતા જાહેર

અંદાજે પાંચ મહિના પહેલાં અફઘાનિસ્તાનમાં થયેલી વિવાદિત ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીને વિજેતા જાહેર કરાયા છે.

કહેવાય છે કે અશરફ ગનીને ફરી વાર ચૂંટવાની જાહેરાતથી અફઘાનિસ્તાન એક નવા સંકટમાં ફસાઈ શકે છે, કેમ કે ચૂંટણીમાં મોટા પાયે ગરબડના આરોપ લાગ્યા હતા.

તાલિબાન સાથે શાંતિકરારની કોશિશ થઈ રહી છે એવા સમયે ચૂંટણીનાં પરિણામની ઘોષણા કરાઈ છે.

અફઘાનિસ્તાનમાં ગત વર્ષે 28 સપ્ટેમ્બરમાં મતદાન થયું હતું. 2001માં અમેરિકનદળોએ તાલિબાનની સત્તાને ઉખાડી ફેંકી હતી. બાદમાં આ ચોથી ચૂંટણી હતી.

મંગળવારે અફઘાનિસ્તાનના ઇન્ડિપેન્ડેન્ટ ઇલેક્શન કમિશન (આઈઈસી)એ કહ્યું કે અશરફ ગનીને 50.64 ટકા મત મળ્યા છે અને તેમના હરીફ અબ્દુલ્લા અબ્દુલ્લાને 39.52 ટકા મત મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો