You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હૈદરાબાદમાં આધારકાર્ડને લઈને નાગરિકતા સાબિત કરવાની નોટિસ અપાઈ તેનો વિવાદ શું છે?
- લેેખક, દીપ્તિ બત્તીની
- પદ, બીબીસી સંવાદદાતા, હૈદરાબાદથી
હૈદરાબાદમાં રહેતા મોહમ્મદ સત્તાર ખાન નામના શખ્સને આધાર ક્ષેત્રીય કાર્યાલય તરફથી એક નોટિસ મળી છે, જેમાં તેમના પર નકલી દસ્તાવેજોથી આધારકાર્ડ બનાવડાવ્યાનો આરોપ લાગ્યો છે.
સત્તાર ખાનનો દાવો છે કે તેઓ ભારતીય નાગરિક છે, પરંતુ આ નોટિસમાં તેઓને તેમની નાગરિકતા સાબિત કરવા માટે પણ કહેવાયું છે.
આધાર કાર્યાલય તરફથી મોકલેલી નોટિસમાં નાગરિકતા સાબિત કરવાનું કહેતાં સવાલ ઊઠ્યો છે, કેમ કે આધારને નાગરિકતાનું પ્રમાણ માનવામાં આવતું નથી.
આ મામલે આધારકાર્ડ આપનાર સંસ્થા યુઆઈડીએઆઈનું કહેવું છે કે તેઓએ હૈદરાબાદ પોલીસ તરફથી મળેલી ફરિયાદને આધારે આ પગલું ભર્યું છે.
યુઆઈડીએઆઈનું કહેવું છે કે 'રાજ્ય પોલીસની શરૂઆતની તપાસ અનુસાર 127 લોકોએ નકલી દસ્તાવેજોને આધારે આધાર મેળવ્યું છે. તેઓ ગેરકાયદે પ્રવાસી છે અને આધારના હકદાર નથી.'
શું છે આખો મામલો
મોહમ્મદ સત્તાર ખાને બીબીસીને જણાવ્યું કે તેઓ ઑટો રિક્ષા ચલાવે છે અને તેમના પિતા કેન્દ્ર સરકારની કંપનીમાં કામ કરતા હતા. તેમનાં માતાને હાલમાં પણ પિતાનું પેન્શન મળે છે.
સત્તાર ખાનને આધાર રેગ્યુલેશન 2016ના પ્રકરણ-6ના નિયમ 30 હેઠળ આ મહિનાની ત્રણ તારીખે નોટિસ મળી છે.
નોટિસમાં કહેવાયું છે, "અમારા કાર્યાલયને ફરિયાદ મળી છે કે તમે ભારતીય નાગરિક નથી અને તમે નકલી દસ્તાવેજોને આધારે આધારકાર્ડ લીધું છે. UIDAI કાર્યાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ મામલે સત્તારનું કહેવું છે કે તેમની પાસે ચૂંટણીકાર્ડ અને દસમા ધોરણની માર્કશીટ પણ છે.
સત્તારનું કહેવું છે કે તેમને ત્રણ દિવસ પહેલાં આ નોટિસ મળ્યા બાદ તેઓ એક સ્થાનિક નેતા પાસે પણ ગયા હતા, પરંતુ તેમને પણ મામલો સમજાયો નહોતો.
સત્તાર ખાનને 20 મેના રોજ આ મામલે અપીલ માટે હાજર થવા કહેવાયું છે. તેમને કહેવાયું છે કે કાર્યવાહી સમયે અસલી દસ્તાવેજો લાવે, જેથી નાગરિકતા સાબિત કરી શકાય.
જો તેઓ સુનાવણીમાં હાજર નહીં રહે અને અસલી દસ્તાવેજો જમા નહીં કરાવે તો નિયમ 29 હેઠળ તેમનું આધારકાર્ડ રદ કરી દેવાશે.
શું કહેવું છે UIDAIનું?
આધાર આપનાર સંસ્થા UIDAIનું કહેવું છે કે તેમને રાજ્ય પોલીસથી ફરિયાદ મળી હતી કે શરૂઆતની તપાસમાં 127 અવૈધ પ્રવાસીઓને આધારકાર્ડ મળ્યાં છે.
યુઆઈડીએઆઈનું કહેવું છે કે ગેરકાયદે અપ્રવાસીને આધારકાર્ડ આપી શકાય નહીં. આ મામલે સંસ્થાએ પોતાના નિયમો અને સુપ્રીમ કોર્ટના આદેશનો પણ ઉલ્લેખ કર્યો છે.
એક પછી એક ટ્વીટમાં જાણકારી અપાઈ કે 'આધાર નાગરિકતાનો દસ્તાવેજ' નથી અને કોઈએ પણ અરજી કરતાં પહેલાં 182 દિવસમાં ભારતમાં રહેણાકની પુષ્ટિ કરવી પડે છે.
ટ્વીટમાં કહેવાયું કે આ મામલો નાગરિકતા સાથે જોડાયેલો નથી, પરંતુ ગેરકાયદે પ્રવાસીઓને આધાર આપવાનો છે. જો કોઈ નાગરિકતા સાબિત કરશે તો તેનો અર્થ એ થશે કે તેઓ ગેરકાયદે અપ્રવાસી નથી.
યુઆઈડીએઆઈનું કહેવું છે કે 127 લોકોને આ પ્રકારની નોટિસ આપવામાં આવી છે અને તેઓને તેમનો પક્ષ રાખવાનો મોકો મળશે. જે દસ્તાવેજ નહીં દર્શાવી શકે, તેમનું આધારકાર્ડ રદ કરવું પડશે.
આ વિસ્તારમાં રોહિંગ્યા શરણાર્થીઓ પણ છે
ચાર મિનાર વિધાનસભા ક્ષેત્રના જે વિસ્તારમાં મોહમ્મદ અબ્દુલ સત્તાર રહે છે, ત્યાં રોહિંગ્યા મુસલમાનોનો કૅમ્પ પણ છે.
થોડા દિવસ અગાઉ અહીંના એક આધારકેન્દ્રમાં ગેરરીતિ થઈ હતી. જાણવા મળ્યું હતું કે અહીંથી નકલી દસ્તાવેજોને આધારે રોહિંગ્યાનાં પણ આધાર બનાવી દીધાં હતાં.
આવું કરનારનું કહેવું છે કે તેમની પાસે માત્ર રૅફ્યૂજીકાર્ડ છે, જ્યારે આધારકાર્ડ બનવાથી બાળકોના અભ્યાસથી માંડીને અન્ય કામોમાં પણ સુવિધા રહે છે.
બાદમાં આ આધારકેન્દ્રથી બનેલાં બધાં આધારકાર્ડને રદ કરી દેવાયાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો