You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ 'વિરાટ' આંકડાઓ જે વિરાટ કોહલીને સૌથી મહાન ક્રિકેટર બનાવે છે
- લેેખક, મૅથ્યૂ હૅન્રી
- પદ, બીબીસી સ્પૉર્ટ, મુંબઈ
ક્રિકેટવિશ્વમાં હવે એ સમય આવી ગયો છે જ્યારે વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી ટોચના સ્થાને બિરાજે છે.
ન્યૂઝીલૅન્ડ સામે વર્લ્ડકપની સેમિફાઇનલમાં ફટકારેલી સદીથી તેમણે વનડેમાં સૌથી વધુ સદીઓનો સચીન તેંડુલકરનો રેકૉર્ડ તોડ્યો છે.
બીબીસી સ્પૉર્ટે કેટલાક આંકડા પર નજર કરી હતી જેના બળે વનડે ક્રિકેટમાં કોહલીએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
વિરાટ વિ. સચીન
તેંડુલકર જ્યારે તેમની અંતિમ વનડે મૅચ રમ્યા ત્યારે તેમણે 49મી સદી ફટકારી હતી. એટલે કે ત્યાં સુધી પહોંચવા માટે તેમને 451 ઇનિંગ્સ લાગી હતી.
જ્યારે કોહલીએ માત્ર 277 ઇનિંગ્સમાં જ ‘લિટલ માસ્ટર’ના રેકૉર્ડની બરાબરી કરી હતી. કોહલીએ 279મી ઇનિંગમાં જ એ રેકૉર્ડ તોડી પણ નાખ્યો હતો.
તેમણે તેંડુલકરના 86.23ના સ્ટ્રાઇક રેટની સરખામણીએ વધુ સારો (93.62 સ્ટ્રાઇક રેટ) જાળવી રાખ્યો છે. કોહલીએ મિડલ ઑર્ડરમાં બેટિંગ કરીને ટીમને મદદ કરી હતી જ્યારે તેંડુલકરે મોટા ભાગે સારી સરેરાશ ધરાવતા ઓપનર હતા.
આ ફૉર્મેટમાં કોહલીની સરેરાશ 58.69 રનની છે. જે 50 કે તેથી વધુ મૅચ રમનાર કોઈ પણ ખેલાડીની સરખામણીએ સર્વશ્રેષ્ઠ છે.
કોહલીએ ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ બાદ કહ્યું હતું કે, "આ બધું એક સ્વપ્ન જેવું લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જો હું સંપૂર્ણ ચિત્ર દોરી શકતો હોઉં તો હું ઇચ્છું છું કે એ ચિત્ર આ જ હોય."
"મારી લાઇફ પાર્ટનર, જે વ્યક્તિને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તે અહીં હાજર છે. મારા હીરો સચીન પણ અહીં છે. હું વાનખેડે જેવા ઐતિહાસિક સ્થળે તેમની અને આ ચાહકોની હાજરીમાં 50મી સદી કરવામાં સફળ થયો. આ અદ્ભુત ક્ષણ છે."
કોહલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, "અમે બધા તેમનું અનુકરણ કરીએ છીએ તેની પાછળ એક કારણ છે. હું તેમના જેટલો સારો ક્યારેય નહીં બની શકું. જ્યારે બેટિંગની વાત આવે છે ત્યારે તેઓ સંપૂર્ણ છે, મહાન છે."
હજુ પણ તેંડુલકરના 18,426 રનનો રેકૉર્ડ તોડવા માટે તેમણે ઘણી લાંબી મજલ કાપવાની છે. આ મામલે હવે માત્ર તેંડુલકર અને શ્રીલંકાના કુમાર સંગાકારા (14,234) જ કોહલીના 13,784 રન કરતાં આગળ છે.
કોહલી : ચેઝ કરવામાં એક્કો
રનચેઝમાં મહાન બૅટ્સમૅનોમાં કોહલીનું નામ પહેલું આવે છે. આંકડા આ વાતની સાક્ષી પૂરે છે.
વનડેમાં લક્ષ્યનો પીછો કરતી વખતે તેની સરેરાશ 65.49 રનની છે. જે વનડે ક્રિકેટના ઇતિહાસમાં અન્ય કોઈ પણ ખેલાડી કરતાં સાત રન વધુ છે.
કોહલીની 50 સદીમાંથી 27 સદી ટાર્ગેટ ચેઝ કરતી વખતે બની છે. ત્યાર બાદ સચીનનો ક્રમ આવે છે, જેમણે બીજી ઇનિંગમાં 17 સદી ફટકારી છે.
વિદેશની ધરતી પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન
કોહલી પોતે જે દેશમાં રમ્યા એ તમામમાં તેમણે સદી ફટકારી છે. સૌથી વધુ 24 સદી તેમણે ભારતમાં અને છ સદી બાંગ્લાદેશમાં ફટકારી છે.
તેમણે ઑસ્ટ્રેલિયાની બાઉન્સવાળી પીચો પર પાંચ અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર ત્રણ સદી ફટકારી છે. ત્યાંની પીચો પર પણ તેમની સરેરાશ 20 મૅચમાં 76.38 રનની છે.
હકીકતમાં તો તેઓ જે નવ દેશમાં ક્રિકેટ રમ્યા છે તે પૈકી સાતમાં તેમની સરેરાશ 50 કરતાં વધુ છે. અપવાદરૂપે શ્રીલંકામાં તેમની સરેરાશ 48.95 અને ન્યૂઝીલૅન્ડમાં 49.66 છે.
સચીનની સરેરાશ 50થી વધુ હોય તેવા દેશો માત્ર ઝિમ્બાબ્વે, મલેશિયા, બાંગ્લાદેશ, આયર્લૅન્ડ અને સિંગાપુર છે. ભારતમાં પણ સચીનની સરેરાશ 48.11 એટલે કે 50થી ઓછી છે.
વિરાટનો યુગ, વર્ચસ્વનો યુગ
આ ફૉર્મેટમાં 12 મહિનાના બ્રેક પછી કોહલીએ આ વર્ષે છ સદી ફટકારી છે.
કોવિડ-19ને કારણે ઓછી તકો મળવાને કારણે તથા ફૉર્મને કારણે તેઓ પાછલાં ત્રણ વર્ષમાં માત્ર એક જ વાર ત્રણ આંકડા સુધી પહોંચી શક્યા હતા.
સમગ્ર 2010ના દાયકા દરમિયાન કોહલીના ફૉર્મમાં નોંધપાત્ર રીતે એકરૂપતા જોવા મળે છે. ખાસ કરીને 2011થી 2019 સુધી દર વર્ષે તેમણે 1000થી વધુ રન બનાવ્યા હતા.
2010ના દાયકાને ‘કોહલીનાં વર્ષો’ તરીકે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેમ છે. એ સમયગાળા દરમિયાન તેમણે 60ની સરેરાશ સાથે 42 સદી ફટકારી અને 11,125 રન બનાવ્યા.
વનડે ક્રિકેટના ઇતિહાસમાં કોઈ બૅટ્સમૅને આંકડાકીય રીતે એક દાયકામાં કરેલા આ સૌથી વધુ રન છે.
કોહલીએ કઈ રીતે આ કરી બતાવ્યું?
કોઈ પણ બૉલર સામે કોહલીનો રેકૉર્ડ મોટા ભાગે સારો જ રહ્યો છે.
તેઓ વનડેમાં તમામ પ્રકારના બૉલરો સામે 45થી વધુની સરેરાશ ધરાવે છે. પરંતુ ખાસ કરીને લેગ-સ્પિન સામે તેમની સરેરાશ સમગ્ર કારકિર્દીમાં 78ની છે.
તેમણે જે બૉલરોનો સામનો કર્યો છે તેમાંથી તેઓ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ લૅગ સ્પિનર ઇમરાન તાહિર સામે સર્વશ્રેષ્ઠ (197)ની સરેરાશ ધરાવે છે.
ન્યૂઝીલૅન્ડના ફાસ્ટ બૉલર ટિમ સાઉથીએ બુધવારે તેમની ઇનિંગ્સનો અંત કર્યો હતો. તેમણે સાતમી વખત કોહલીને આઉટ કર્યા હતા, જે કોઈ પણ બૉલર કરતાં સૌથી વધુ છે.
ઑસ્ટ્રેલિયાના જૉશ હૅઝલવુડે આઠ મૅચોમાં પાંચ વાર તેમને આઉટ કર્યા છે. જ્યારે કોહલીની વનડે ક્રિકેટમાં જૅમ્સ એન્ડરસન સામે માત્ર 8.66 રનની સરેરાશ છે. તેમણે સ્વિંગ બૉલિંગના બળે કારકિર્દીની શરૂઆતમાં જ કોહલીને છ મૅચોમાં 26 રન આપીને ત્રણ વખત આઉટ કર્યા હતા.
શું આ રેકૉર્ડ કાયમ માટે જળવાઈ રહેશે?
તેંડુલકરનો રેકૉર્ડ તૂટ્યા બાદ એવું પ્રતીત થઈ રહ્યું છે કે કદાચ કોહલીનો રેકૉર્ડ ક્યારેય નહીં તૂટે.
કારણ કે અત્યારે જેટલા ખેલાડીઓ રમી રહ્યા છે તેમાંથી સૌથી વધારે 31 સદીઓ રોહિતે ફટકારી છે. રોહિતની ઉંમર કોહલી કરતાં તો દોઢ વર્ષ વધુ છે.
ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાના ડેવિડ વૉર્નરનો ક્રમ આવે છે જેમના નામે 22 સદી છે અને ડી કોકના નામે 21 સદી છે.
કદાચ બાબર આઝમ કોહલીના આ રેકૉર્ડને સ્પર્ધા આપી શકે. કારણ કે તેમણે 119 મૅચમાં 19 સદી ફટકારી છે અને તેમની ઉંમર હજુ 29 વર્ષ જ છે.
પરંતુ જે રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરિવર્તનો આવી રહ્યાં છે અને ટી20 ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે એ જોતાં એવું લાગે છે કે કોહલી કાયમ માટે 50 ઓવરની રમતના રાજા તરીકે જળવાઈ રહી શકે છે.