મોહમ્મદ શમી: અડધા વર્લ્ડકપે રમવા આવેલા શમીએ એવું શું કર્યું કે આખું વિશ્વ વખાણી રહ્યું છે?

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે રમાયેલી ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની સેમિફાઇનલમાં કોહલી અને અય્યરના જબદસ્ત બેટિંગ પર્ફૉર્મન્સની મદદથી ટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ ફરી એક વાર વનડે વર્લ્ડકપની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી.

સેમિફાઇનલની આ જીત બાદ ભારતીય બૅટ્સમૅનોના ધુંઆધાર બેટિંગ પ્રદર્શન છતાં મૅચ બાદ ક્રિકેટચાહકો અને દિગ્ગજ ક્રિકેટરો મોહમ્મદ શમીના બૉલિંગ પ્રદર્શનની ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.

મોહમ્મદ શમીએ બુધવારની મૅચમાં ન્યૂઝીલૅન્ડની શરૂઆતની ચાર વિકેટો સહિતની કુલ સાત વિકેટો ઝડપીને સેમિફાઇનલમાં ભારતની જીત સુનિશ્ચિત કરી હતી.

તેમના આ પ્રદર્શન બાદ ક્રિકેટજગતના ધુરંધરો તેમની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા.

આ પ્રદર્શનની સાથે જ તેઓ મૅચમાં સદી નોંધવનાર વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને પાછળ મૂકીને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ બન્યા હતા. સાથે જ માત્ર છ મૅચમાં જ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ મેળવનાર પ્લેયર બની ગયા હતા. તેમણે અત્યાર સુધી કુલ 23 વિકેટ લીધી છે.

કદાચ તેમના પ્રદર્શનની જ કમાલ હતી કે વડા પ્રધાન મોદીએ ભારતીય ટીમની સેમિફાઇનલની જીત અંગે અભિનંદન પાઠવતી ટ્વીટમાં મોહમ્મદ શમીના ‘પર્ફૉર્મન્સને યાદગાર’ ગણાવી પ્રશંસા કરી હતી.

વર્લ્ડકપમાં શમીના જબરદસ્ત પ્રદર્શન બાદ એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તેમને આ વર્લ્ડકપમાં પ્લેઇંગ ઇલેવનમાં લીગ સ્ટેજની ઠેઠ પાંચમી મૅચમાં સામેલ કરાયા હતા.

અને આ તક બાદ તેમણે પાછા વળીને નથી જોયું અને પોતાના ટીકાકારોને જબરદસ્ત બૉલિંગ પર્ફૉર્મન્સથી મૌન કરી દીધા.

શમીના પ્રદર્શનની ચારેકોર થઈ રહેલી પ્રશંસા અંગે વાત કરતાં પહેલાં તેમણે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી કરેલ અભૂતપૂર્વ બૉલિંગ અંગે થોડી ચર્ચા કરીએ.

શમીનું જબરદસ્ત પર્ફૉર્મન્સ

આ વર્લ્ડકપમાં ભારતની સફરની વાત કરીએ તો તેની શરૂઆત આઠ ઑક્ટોબરના રોજ ઑસ્ટ્રેલિયા સામેની લીગ મૅચથી થઈ હતી.

ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ભારતનું પરંપરાગત પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની પ્રથમ ચાર મૅચોમાં ભારતીય ટીમને જબરદસ્ત જીત તો મળી પરંતુ આ તબક્કા સુધી મોહમ્મદ શમી ટીમના પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નહોતા.

તેમને પ્રથમ તક મળી છેક 22 ઑક્ટોબરે યોજાયેલી ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં. જેનો તેમણે પૂરો ‘લાભ પણ લીધો.’

પોતાના ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા હોય એમ આ મૅચમાં મોહમ્મદ શમીએ આક્રમક બૉલિંગ પ્રદર્શન કરતાં દસ ઓવરમાં માભ 54 રન આપી પાંચ વિકેટ ઝડપી લીધી.

તેમના આ પ્રદર્શનને બળે તેઓ મૅચમાં ડેરિલ મિચેલ અને વિરાટ કોહલીની તાબડતોડ ઇનિંગોને સ્થાને ‘પ્લેયર ઑફ ધ મૅચ’નો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યા.

ન્યૂઝીલૅન્ડ સામેની મૅચ બાદ શમીને અપાયેલી તક અને મૅચમાં તેમના પ્રદર્શન અંગે કપ્તાન રોહિત શર્માએ પોસ્ટ મૅચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, “શમીએ આ તકનો ભરપૂર લાભ લીધો. એ ક્લાસ બૉલર છે અને અનુભવી પણ. તેણે પરિસ્થિતિનો સરસ ઉપયોગ કર્યો.”

તે બાદ ઇંગ્લૅન્ડ સામે માત્ર 229 રનનો સ્કોર ડિફેન્ડ કરવા ઊતરેલી ટીમ ઇન્ડિયાનું મહત્ત્વપૂર્ણ ‘હથિયાર’ શમી જ સાબિત થયા. શમી આ મૅચમાં પણ માત્ર સાત ઓવર ફેંકીને 22 રન આપી સૌથી વધુ ચાર વિકેટ લેવામાં સફળ રહ્યા. શમી, બુમરાહ અને સિરાજની જોડીની કમાલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની ટીમને માત્ર 129 રનમાં સમેટી ટીમ ઇન્ડિયાને 100 રને જીત અપાવી દીધી.

શમીનો કંઈક આવો જ તરખાટ બાદની મૅચમાં પણ જોવા મળ્યો. જેમાં તેમની પાંચ વિકેટના દમ પર ભારતીય ટીમ શ્રીલંકાને માત્ર 50 રનમાં સમેટવામાં સફળ રહી.

આ મૅચમાં પણ તેઓ માત્ર પાંચ ઓવર ફેંકીને 18 રન આપી પાંચ વિકેટ ખેરવવામાં સફળ રહ્યા. ભારત વતી શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની અર્ધ સદીવાળી ઇનિંગો રમાઈ હોવા છતાં મૅચમાં નિર્ણાયક બૉલિંગ કરવા બદલ શમીને ‘પ્લેયર ઑફ ધ મૅચ’ જાહેર કરાયા.

તે બાદ રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં જોકે રવીન્દ્ર જાડેજાના પાંચ વિકેટના પ્રદર્શનમાં શમીની બૉલિંગ જાદુએ ઓછું ધ્યાન ખેંચ્યું. પરંતુ આ મૅચમાં પણ તેઓ ચાર ઓવરમાં માત્ર 18 રન આપીને બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.

તેમજ લીગ સ્ટેજની અંતિમ મૅચમાં નેધરલૅન્ડ સામે તેમને એકેય વિકેટ મળી નહોતી.

આ તમામ મૅચોમાં પોતાના બૉલિંગ પ્રદર્શનથી શમીએ પોતાની પ્રતિભાનો પરચો સમગ્ર ક્રિકેટજગત, ચાહકો અને ટીકાકારોને આપી દીધો હતો.

સેમિફાઇનલના શમીના પર્ફૉમન્સ બાદ દિગ્ગજોએ કરી પ્રશંસા

ન્યૂઝીલૅન્ડ સામે શમીની ઘાતક બૉલિંગના પ્રદર્શન બાદ વડા પ્રધાન મોદીથી માંડીને રાહુલ ગાંધી જેવા નેતાઓ અને પાકિસ્તાની ક્રિકેટરો પણ કરી રહ્યા છે.

મેદાન પર, મેદાનની બહાર, ઑનલાઇન મૅસેજમાં દરેક જગ્યાએ લોકો વિરાટ કોહલીની 50મી સદી અને શ્રેયસ અય્યરની સદીને જાણે કે ભૂલી ગયા હતા.

શમીનાં વખાણ કરતાં વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરતાં લખ્યું કે, “કેટલાક શાનદાર પ્રદર્શનને કારણે આજની સેમિફાઇનલ વધુ ખાસ બની ગઈ. આ મૅચ દરમિયાન અને સમગ્ર વર્લ્ડકપમાં મોહમ્મદ શમીની બૉલિંગ ક્રિકેટપ્રેમીઓ પેઢીઓ સુધી યાદ રાખશે. શમી શાનદાર રમ્યા!”

આ મૅચના પ્રદર્શન બાદ કૉંગ્રેસના નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધી પણ શમીના પ્રશંસકોની યાદીમાં સામેલ થયા હતા.

તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે, “મૅન ઑફ ધ મૅચ, મોહમ્મદ શમીએ જબરદસ્ત બૉલિંગ કરી! તેના સતત મૅચ વિનિંગ પ્રદર્શને વર્લ્ડકપમાં તેને સૌથી નોખો ખેલાડી સાબિત કર્યો છે.”

જાણીતા ક્રિકેટ નિષ્ણાત પ્રદીપ મૅગેઝિને ટ્વીટ કરીને શમીનાં વખાણ કરતાં લખ્યું, “મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાંય નહોતા. સૌભાગ્યે તેઓ ઈજાગ્રસ્ત થયેલા એક ખેલાડીના સ્થાને ટીમમાં આવ્યા. ટીમનું સિલેક્શન કરનારા અંગે શું કહેવું જોઈએ?”

પ્રદીપ મૅગેઝિને આ ટ્વીટ પર મુરલી નામના એક ટ્વિટર યૂઝરે કહ્યું, “શમીને પ્લેઇંગ ઇલેવનમાં રાખવો જોઈતો હતો એ વાત સાથે હું સંમત છું. પંડ્યાને ઑલરાઉન્ડર તરીકે રખાયો હતો. શમીને તક મળી અને તેણે કરી બતાવ્યું.”

આના જવાબમાં પ્રદીપ મૅગેઝિને લખ્યું, “પંડ્યાને રાખવા અંગે કોણ સવાલ ઉઠાવી રહ્યું છે? શમીની હાજરીમાં સિરાજને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવી એ હંમેશાંથી વિવાદાસ્પદ રહ્યું છે. અને હવે તો સાબિત થઈ ગયું છે કે શમીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય અયોગ્ય હતો.”

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ કહ્યું, “વનડે ક્રિકેટમાં સાત વિકેટ લેવી એ જાદુ જ હોય છે. શમીની બૉલિંગ જોતી વખતે મજા પડે છે. પૉઝિશન લાજવાબ, મૂવમૅન્ટ શાનદાર. જ્યારે પણ રોહિત શર્માએ તેમને બોલાવ્યા તેમણે વિકેટ લીધી અને અંત પણ તેમણે જ કર્યો.”

“શમીએ ટૉપ ઑર્ડરને હચમચાવી નાખ્યો અને બાકી રહેલું મધ્યમ ક્રમને આઉટ કરીને પૂરું કરી દીધું. શમીનું પ્રદર્શન વર્ષો સુધી યાદ રખાશે. આ પ્રદર્શન માટે સમજ અને હિંમત જોઈએ અને શમીએ આ કરી બતાવ્યું. જેટલો ગુસ્સો હતો, તેનો જવાબ શમીએ આપી દીધો. શમીને બાય ડિફોલ્ટ રમાડાયા પરંતુ તેમણે કરી બતાવ્યું. જોકે તેમણે થોડી ફિલ્ડિંગ જરૂર સુધારવી પડશે.”

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન વસીમ અકરમે પણ મોહમ્મદ શમીનાં ભરપૂર વખાણ કર્યાં.

વસીમ અકરમે પાકિસ્તાનના એક ટીવી શોમાં કહ્યું, “આ વર્લ્ડકપમાં શમીએ 23 વિકેટ લીધી છે. સેમિફાઇનલમાં સાત વિકેટ લેવી એ અસાધારણ બાબત છે.”

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મિસબાહ-ઉલ હકે એ જ શોમાં શમી વિશે કહ્યું, “લેફ્ટ હેન્ડર સામે તેઓ રાઉન્ડ ધ વિકેટ બૉલિંગ કરે તો આંખ મીંચીને માની લો કે વિકેટ મળવાની છે. શમીએ લીધેલી શરૂઆતની બંને વિકેટો ખૂબ મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે જો લેફ્ટ હેન્ડર રહ્યા હોત તો ભારત માટે મુશ્કેલી સર્જાઈ હોત.”

“જ્યારે સામે લેફ્ટ હેન્ડર આવ્યા શમીએ પોતાની વ્યૂહરચના બદલી અને વિકેટ મેળવી લીધી. શમીને સેમિ ન્યૂ બૉલ મળ્યો હતો અને તેની સાથે પણ તેઓ વિકેટ મેળવવામાં સફળ રહ્યા.”

પ્રદર્શન પર રાજકારણ

એક તરફ જ્યારે સેમિફાઇનલમાં ભારતની જીતની ઉજવણી કરાઈ રહી હતી ત્યારે બીજી તરફ આ મૅચમાં શમીના પ્રદર્શન અંગે રાજકારણ પણ થઈ રહ્યું હતું.

કૉંગ્રેસ નેતા બી. વી. શ્રીનિવાસે સોશિયલ મીડિયા પર એ સમયની વાત યાદ અપાવી જ્યારે વર્ષ 2021માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની હાર બાદ મોહમ્મદ શમીને ખરાબ રીતે ટ્રોલ કરાયા હતા.

તેમણે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક જૂનું ટ્વીટ શૅર કરીને લખ્યું કે એ સમયે “હિંદુ-મુસ્લિમ અંગે ચર્ચા કરનારા” શમીની વિરુદ્ધમાં હતા પરંતુ રાહુલ ગાંધી તેમના સમર્થનમાં હતા.

રાહુલ ગાંધીના જે ટ્વીટને તેમણે રિટ્વીટ કર્યું હતું તેમાં લખ્યું હતું કે, “મોહમ્મદ શમી અમે તમારી સાથે છીએ. આ લોકો નફરતથી ભરાયેલા છે, કારણ કે તેમને કોઈના પ્રત્યે પ્રેમ નથી. તેમને ક્ષમા કરી દો.”

વર્ષ 2021ના ટી20 વર્લ્ડકપની ઓપનર મૅચમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતનો પરાજય થયો હતો. એ સમયે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ શમીના ધર્મને નિશાન બનાવ્યો હતો.

એ સમયે રાહુલ ગાંધી, એઆઇએમઆઇએમ પ્રમુખ અસદદુદ્દીન ઓવૈસી અને જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબ્દુલ્લાએ આની ટીકા કરી હતી અને મોહમ્મદ શમી માટે સમર્થન વ્યક્ત કર્યું હતું.