You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત ન્યૂઝીલૅન્ડને હરાવી 12 વર્ષ બાદ ફાઇનલમાં, કોણ રહ્યા જીતના ત્રણ હીરો?
વનડે ક્રિકેટ વર્લ્ડકપની વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ન્યૂઝીલૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં ભારતીય ટીમ 70 રને જીત મેળવી દમામભેર ફાઇનલમાં પ્રવેશી હતી.
ભારતમાં આયોજિત વનડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. અને ચાર વિકેટે 397 રન કરીને ન્યૂઝીલૅન્ડની ટીમ સામે 398 રનનું 'અશક્ય' જણાતું લક્ષ્ય મૂક્યું હતું.
398નો પડકાર પાર પાડવા મેદાને ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમ તરફથી વિલિયમ્સન અને ડેરિલ મિચેલનું આક્રમક બેટિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ મોહમ્મદ શમીની ધારદાર બૉલિંગ સામે જીત માટે જરૂરી રન કરવામાં અસફળ રહ્યું હતું.
વિરાટ કોહલીએ મૅચમાં પોતાની કારકિર્દીની 50મી સદી ફટકારી વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી બનાવનાર ખેલાડીનો કીર્તિમાન પોતાના નામે કરી મૅચ યાદગાર બનાવી હતી.
વિરાટ સચીન તેંડુલકરનો વનડેમાં સૌથી વધુ (49 સદી)નો રેકૉર્ડ તોડવામાં સફળ રહ્યા હતા.
વિરાટ સહિત શુભમન ગિલ, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરની તાબડતોડ બેટિંગે પણ રંગ રાખ્યો હતો.
તો સામેની બાજુએ શમીએ ન્યૂઝીલૅન્ડના ટૉપ ઑર્ડરને જાણે એકલા હાથે ધ્વસ્ત કરી નાખ્યો. અને ટીમ ઇન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી.
શમીના ‘મૅચ વિનિંગ’ બૉલિંગ પ્રદર્શનને બળે ભારત 70 રને મૅચ જીતીને વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું હતું. આ સાથે જ તેઓ મૅચના 'સદીવીર' શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીને પાછળ રાખીને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જીત સાથે ભારત 12 વર્ષ બાદ ફરી એક વાર વનડે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું છે.
આ વર્લ્ડકપમાં ભારતે સતત દસમી મૅચ જીતીને ‘અજેય ટીમ’ તરીકેની પોતાની છબિ જાળવી રાખી હતી.
તો શ્રેયસ અય્યરે પણ ધમાકેદાર બેટિંગ કરીને સદી ફટકારી હતી. અય્યરે 70 બૉલમાં આઠ સિક્સરની મદદથી 105 રન કર્યા હતા.
કોહલીની દમદાર બેટિંગ અને અન્ય બૅટ્સમૅનોના ધુંઆધાર પર્ફૉર્મન્સને બળે ભારતે મોટો સ્કોર ખડકી દીધો હતો.
આ મૅચમાં સદીની સાથોસાથ કોહલીએ એક વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ રન કરનાર ખેલાડીનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેમણે સચીનનો વર્ષ 2003ના વર્લ્ડકપનો 673 રનનો રેકૉર્ડ તોડ્યો હતો.
તેમણે દસ મૅચમાં 711 રન બનાવી આ કીર્તિમાન હાંસલ કર્યો છે.
નોંધનીય છે કે ન્યૂઝીલૅન્ડની ટીમ પણ પોતાની નવમાંથી પાંચ મૅચોમાં જીત હાંસલ કરી સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી.
મૅચ શરૂ થતાં પહેલાં ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ઇંગ્લૅન્ડમાં આયોજિત ગત વર્લ્ડકપની ન્યૂઝીલૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચ યાદ કરી હતી.
ન્યૂઝીલૅન્ડે માન્ચેસ્ટર ખાતેની આ મૅચમાં ભારતીય ટીમને હરાવી વર્લ્ડ ચૅમ્પિયનનો ખિતાબ પોતાને નામે કરવાથી વંચિત રાખી હતી.
આથી ઘણા બુધવારની સેમિફાઇનલને ‘રિવેન્જ મૅચ’ પણ કહી રહ્યા હતા.
નોંધનીય છે કે ભારતીય ટીમનાં અભેદ્ય બેટિંગ લાઇનઅપ અને ઘાતક બૉલિંગના આ ટુર્નામેન્ટમાં ચારેકોર વખાણ થઈ રહ્યાં હતાં. તો સામેની બાજુ ન્યૂઝીલૅન્ડની ‘ગેમ ચૅન્જર’ ટીમ તરીકેની છબિ ધ્યાને રાખીને કોઈ તેની ઉપેક્ષા નહોતું કરી રહ્યું.
ભારતીય બૅટ્સમૅનો પૈકી રોહિત શર્મા, શ્રેયસ અય્યર, વિરાટ કોહલી વગેરેના જબરદસ્ત ફૉર્મ અને બુમરાહ, શમી અને સિરાજની આક્રમક બૉલિંગે ભારતીય ટીમને આ ટુર્નામેન્ટમાં ‘અજેય ટીમ’નો ખિતાબ અપાવ્યો છે. આ તમામ ખેલાડીઓના પ્રદર્શનને બળે આત્મવિશ્વાસથી ભરપૂર ટીમ ઇન્ડિયા જીત માટે ફૅવરિટ મનાઈ રહી હતી.
રોહિત-ગિલે અપાવી શાનદાર શરૂઆત
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરીને ભારતીય ટીમે પોતાની બેટિંગ કરવા ઊતરેલી ભારતની ટીમને કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ ધુંઆધાર અને યાદગાર શરૂઆત અપાવી હતી.
રોહિત શર્માએ 29 બૉલમાં ધમાકેદાર બેટિંગનું પ્રદર્શન કરીને 47 રન બનાવ્યા હતા. જોકે, ટીમ સાઉધીના બૉલે કેન વિલિયમસનને હાથે કૅચ આઉટ કરાવી તેમની ઇનિંગનો અંત આણ્યો હતો.
રોહિત શર્માએ પોતાની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. પોતાની ઇનિંગ દરમિયાન તેમણે એક અદભુત રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. રોહિત શર્મા વર્લ્ડકપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બૅટ્સમૅન બની ગયા હતા. આ પહેલાં આ રેકૉર્ડ વેસ્ટ ઇન્ડીઝના નામે હતો. ગેલે વર્લ્ડકપમાં 35 મૅચોમાં 49 છગ્ગા ફટકાર્યા હતા.
રોહિત શર્માએ અત્યાર સુધી વર્લ્ડકપમાં 51 છગ્ગા ફટકારી આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.
રોહિત શર્મા જ્યાં સુધી ક્રીઝ પર હતા ત્યાં સુધી એક છેડો સાચવીને રમી રહેલા શુભમન ગિલે પોતાનો દમ બનાવવાનું શરૂ કર્યું. અને 40 બૉલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને અર્ધ સદી પૂરી કરી લીધી હતી.
જોકે, ઇનિંગની 23મી ઓવરમાં શુભમન ગિલને માંસપેશીની સમસ્યા સર્જાતાં થોડા સમય માટે ફિઝિયૉથૅરપિસ્ટે મેદાન પર જ સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, અંતે ગિલે આ ઈજાને કારણે 65 રનના વ્યક્તિગત સ્કોરે મેદાનની બહાર જવાનું ઠરાવ્યું. 79 બૉલનો સામનો કરીને તેઓ રિટાયર્ડ હર્ટ થયા હતા અને અંતે કોહલી અને ગિલની પાર્ટનરશિપ પર અલ્પવિરામ મુકાયો હતો.
કોહલી અને અય્યરની નિર્ણાયક પાર્ટનરશિપ
ગિલ ઈજાગ્રસ્ત થતાં મેદાન પર અંતિમ લીગ મૅચમાં સદી ફટકારી પોતાના સારા ફૉર્મનો પુરાવો આપનાર શ્રેયસ અય્યર આવ્યા હતા.
બીજી તરફ કોહલીએ ક્યારેક આક્રમક તો ક્યારેક સાચવીને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું.
કોહલી અને અય્યર બંને બૅટ્સમૅનોએ ગિલની ગેરહાજરીનો ન્યૂઝીલૅન્ડના બૉલરોને લાભ લેવા દીધો નહોતો.
બંને તરફથી બૅટ વડે થઈ રહેલા આક્રમણ સામે એક તબક્કે તો જાણે ન્યૂઝીલૅન્ડની ટીમ નિ:સહાય જણાઈ રહી હતી.
કોહલી અને અય્યરે મેદાનમાં ચારેકોર ફટકાબાજી કરી આક્રમક અંદાજમાં માત્ર 79 બૉલમાં 100 રનની પાર્ટનરશિપ પૂરી કરી લીધી હતી.
બંને બૅટ્સમૅનોએ ભારતની સારી શરૂઆતને ધુંઆધાર બેટિંગને બળે ‘રનનો પહાડ’ ઊભો કરવાનો લઈ જવાનો જાણે નિર્ધાર કર્યો હતો.
વિરાટની વનડેમાં 50મી સદી
સ્કોરકાર્ડ આગળ વધારવાના નિશ્ચય સાથે મેદાન પર અડગ ટકી રહેલા વિરાટ કોહલીએ આ ટુર્નામેન્ટમાં પોતાના અભૂતપૂર્વ ફૉર્મનો ફરી એક વાર પરચો આપતાં વનડેમાં 50મી સદી પૂરી કરી હતી.
આ સાથે જ તેમણે ક્રિકેટના ‘ભગવાન’ મનાતા સચીન તેંડુલકરની વનડેમાં 49 સદીનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો.
આ દરમિયાન મેદાન પર હાજર પત્ની અનુષ્કા શર્મા અને ખુદ સચીન તેંડુલકરે વિરાટની આ ‘વિરાટ સિદ્ધિ’ને ઉષ્માભેર આવકારી હતી.
વિરાટની સદી પૂરી થતાં જ આખું મેદાન તાળીના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. તેમજ મેદાનમાં ચારેકોર ‘કોહલી-કોહલી’ જ સાંભળવા મળી રહ્યું હતું.
વિરાટે સદી પૂરી કરવા માટે 106 બૉલ રમ્યા હતા.
જોકે, તેઓ મૅચના અંત સુધી અણનમ રહી શક્યા નહોતા. તેઓ 113 બૉલમાં 117 રનના વ્યક્તિગત સ્કોરે ટીમ સાઉથીના બૉલે ડેવન કોન્વે કૅચ આપી આઉટ થયા હતા.
તેમણે પોતાની ઇનિંગમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.
જોકે, ત્યાં સુધી ભારતનો સ્કોર 44 ઓવરમાં બે વિકેટના નુકસાને 327 સુધી પહોંચી ચૂક્યો હતો.
શમીની સાત વિકેટ, બન્યા વર્લ્ડકપના ટોચના બૉલર
398 રનના સ્કોરનો પીછો કરવા ઊતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમે સાવચેતીપૂર્વક ઇનિંગની શરૂઆત કરી હતી.
આટલા મોટા સ્કોરનો પીછો કરવાની વાતે ટીમ પર ‘માનસિક દબાણ’ સર્જ્યું હોવાનું પણ દેખાઈ રહ્યું હતું.
શરૂઆતની ઓવરોમાં વિકેટ જાળવીને રમતા ન્યૂઝીલૅન્ડની પાંચ ઓવર સુધી વિકેટ પડી નહોતી. પરંતુ બૉલિંગમાં મોહમ્મદ શમીના આગમનની સાથે જ ભારતને મૅચમાં મહત્ત્વપૂર્ણ વિકેટ હાંસલ થઈ. અને શમી આ વર્લ્ડકપમાં પોતાના જબરદસ્ત પર્ફૉર્મન્સનું મૉમેન્ટમ જાળવી રાખ્યું હોવાનો પુરાવો આપી દીધો.
શમીની પ્રથમ જ ઓવરમાં ડેવન કોન્વે 13 રનના વ્યક્તિગત સ્કોરે વિકેટકીપર કે. એલ. રાહુલના હાથે કૅચ આઉટ થઈ ગયા.
તે બાદ ફરીથી ક્રીઝ પર ટકી રહેલા અને આ ટુર્નામેન્ટમાં જબરદસ્ત પર્ફૉમન્સથી પ્રશંસાને પાત્ર બનેલે ઓપનિંગ બૅટ્સમૅન રચીન રવીન્દ્રનેય મોહમ્મદ શમીએ જ વિકેટકીપરના હાથે કૅચ આઉટ કરાવી પેવેલિયન પરત મોકલી દીધા હતા.
મોહમ્મદ શમીને આ સફળતા સાતમી ઓવરમાં મળી હતી. રચીન રવીન્દ્ર પણ 13 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા.
જોકે, 39 રનના સ્કોરે બે વિકેટ ગુમાવી ચૂકેલી ન્યૂઝીલૅન્ડની ટીમ ડ્રિન્ક્સ બ્રેક સુધી વિકેટ જાળવીને રમતી દેખાઈ હતી. પરંતુ ભારતીય બૉલરોએ તેમને ઝાઝી આક્રમકતા દાખવવાની તક આપી નહોતી.
પરંતુ સમય પસાર થતાં ક્રીઝ પર જામેલા ન્યૂઝીલૅન્ડના કપ્તાન કેન વિલિયમ્સન અને ડેરિલ મિચેલની જોડીએ ન્યૂઝીલૅન્ડની બાજી સંભાળીને ટીમ આશા જીવંત રાખી હતી.
બંને બૅટ્સમૅનો ખૂબ જ સાવચેતીપૂર્વક રમતનું પ્રદર્શન કરીને સાથે સાથે સ્કોરબોર્ડને જરૂર પડે ત્યારે આક્રમક વલણથી આગળ વધારતા જોવા મળી રહ્યા હતા. તેમાં પણ મિચેલનું આક્રમક વલણ જોઈને તો એક સમયે એવું લાગી રહ્યું હતું કે જાણે ન્યૂઝીલૅન્ડને લક્ષ્યની નજીક પહોંચવામાં બહુ મહેનત નહીં પડે.
જોકે, ફરી એક વાર મોહમ્મદ શમીએ એક જ ઓવરમાં જામેલા બૅટ્સમૅન કેન વિલિયમ્સન અને અને ટોમ લેથમને અનુક્રમે 69 રને અને શૂન્ય પર આઉટ કરીને મૅચ પર ભારતની પકડ ફરીથી મજબૂત બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
લેથમની વિકેટ મેળવતાની સાથે જ શમી વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બૉલર બન્યા હતા. તેમણે આ સિદ્ધિ 17 ઇનિંગમાં હાંસલ કરી હતી.
જોકે, સતત બે વિકેટ ગુમાવ્યા બાદ દબાણમાં જણાઈ રહેલી ન્યૂઝીલૅન્ડની ટીમની રનની ગતિ પર નિયંત્રણ તો આવ્યું પરંતુ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીએ તાબડતોડ બેટિંગનું પ્રદર્શન કરીને મૅચ રસપ્રદ બનાવી રાખી હતી.
જોકે, મૅચની 43મી ઓવરમાં ક્રીઝ પર જામેલા દેખાઈ રહેલા ફિલિપ્સ મોટો શોટ ફટકારવા જતાં બાઉન્ડ્રીએ રવીન્દ્ર જાડેજાના હાથમાં ઝડપાઈ ગયા હતા. તેઓ 33 બૉલે 41 રનની તોફાની ઇનિંગ રમીને બુમરાહની બૉલિંગમાં આઉટ થયા હતા.
ન્યૂઝીલૅન્ડની પાંચમી વિકેટ બાદ મેદાને આવેલા માર્ક ચૅપમૅન પણ ક્રીઝ પર ઝાઝું ટકી શક્યા નહોતા અને અણીના સમયે માત્ર બે રન બનાવી કુલદીપ યાદવના બૉલે રવીન્દ્ર જાડેજાના હાથે બાઉન્ડ્રી પર કૅચ આઉટ થયા હતા.
આ સમય સુધી ન્યૂઝીલૅન્ડની જીતની સંભાવના ખૂબ ઓછી જણાઈ રહી હતી. આ તબક્કે ટીમને જીત 37 બૉલમાં 100 રન ફટકારવાના હતા. જોકે, સેટ બૅટ્સમૅન મિચેલ મેદાનમાં હોવાથી મૅચમાં રસ જળવાઈ રહ્યો હતો.
જોકે, 46મી ઓવરમાં મોહમ્મદ શમી ફરી એક વાર ત્રાટકી ડેરિલ મિચેલને પેવેલિયન મોકલી દીધા. તેઓ 119 બૉલમાં 134 રનની ધુંઆધાર ઇનિંગ રમી હતી.
તેમણે પોતાની ઇનિંગમાં સાત છગ્ગા અને નવ ચોગ્ગા ફટકાર્યા હતા.
આ વિકેટ સાથે જ મોહમ્મદ શમી ઇનિંગમાં ફરી એક વાર પાંચ વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા.
મિચેલની વિકેટ સાથે ભારતની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. તેમના બાદ ન્યૂઝીલૅન્ડનો બોટમ ઑર્ડર ધરાશાયી થઈ ગયો.
અને સમગ્ર ટીમ 49મી ઓવરમાં જ 327 રનના સ્કોરે ઓલ આઉટ થઈ ગઈ.
ભારત તરફથી મોહમ્મદ શમીએ 9.5 ઓવરમાં માત્ર 57 રન આપી સાત વિકેટ ખેરવી. આ સાથે જ તેઓ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ (23) ઝડપનાર બૉલર બની ગયા હતા.
બીજી તરફ જસપ્રીત બુમરાહ, સિરાજ અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.
પીચ અંગે વિવાદ
આ રોમાંચક મૅચ અંગે કેટલાક વિવાદિત સમાચાર પણ આવ્યા હતા.
મીડિયા રિપોર્ટોમાં દાવા કરાઈ રહ્યો છે કે પીચ અંગે ભારતીય ટીમ મૅનેજમૅન્ટની વિનંતી મનાઈ છે. આઇસીસીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.
આઇસીસીએ કહ્યું છે કે વાનખેડેની પીચ અંગે ‘જે થયું છે, તેમાં કોઈ નવી વાત નથી.’
આ મામલામાં મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે સેમિફાઇનલ અગાઉ કોચ રાહુલ દ્રવિડની આગેવાની વાળી ટીમ મૅનેજમૅન્ટે પીચ ક્યૂરેટરને વિનંતી કરી હતી કે તો પીચ પરથી ઘાસ હઠાવી દે.
રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિનંતીનો હેતુ ભારતીય સ્પિનરોને પીચ પર મદદ મળે એવો તેમજ ઘાસ હઠાવાયા બાદ ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલરોને મળનાર લાભ ખતમ કરી શકાય એવો હતો.
મીડિયા રિપોર્ટોમાં ડેલી મેઇલ અખબારના બુધવારના રિપોર્ટોનો હવાલો આપીને દાવો કરાયો છે કે આઇસીસી પીચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને આ અંગે નિરાશા વ્યક્ત કરી છે.
તેમના અનુસાર ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ પહેલાં ફ્રેશ સરફેસ (નવી પીચ) પર રમાવાની હતી પરંતુ હવે એ જૂની પીચ પર જ રમાશે.
મીડિયા રિપોર્ટોમાં એવો પણ દાવો કરાયો હતો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મૅચ દરમિયાન પણ પીચ બદલાઈ હતી. ત્યારે મૅચ પીચ નંબર સાતના સ્થાને પીચ નંબર પાંચ પર રમાઈ હતી.
વિવાદ વધતાં આઇસીસીએ આ મામલે નિવેદન આપ્યું છે.
સેમિફાઇનલ કવર કરી રહેલા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ પ્રમાણે આઇસીસીના પ્રવક્તાએ કહ્યું, “આટલા લાંબા આયોજનના અંતિમ તબક્કામાં પીચ રોટેશન માટે નક્કી કરાયેલી યોજનામાં બદલાવ એ સામાન્ય બાબત છે અ આવું અગાઉ પણ અમુક વખત થઈ ચૂક્યું છે. આ બદલાવ મેદાનના ક્યૂરેટરની સલાહ પર મેજબાનની સંમતિ બાદ થયો છે.”
આઇસીસી પ્રવક્તાએ આગળ કહ્યું કે, “આઇસીસીના સ્વતંત્ર પીચ કન્સલ્ટન્ટને આ વાતની જાણકારી હતી અ એવું માનવાને કોઈ કારણ નથી કે આ પીચ પર સારી રમત નહીં રમાય.”