રોમાંચક સેમિફાઇનલમાં ભારતની જીત બાદ ક્રિકેટવિશ્વ શમી પર આફરીન, મૅચ બાદ શમીએ શું કહ્યું?

વર્લ્ડકપની સેમિફાઇનલમાં 15 ઑક્ટોબરે મોહમ્મદ શમીએ જ્યારે 29મી ઓવરમાં કૅન વિલિયમસનનો કૅચ છોડ્યો ત્યારે ન માત્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો પરંતુ રેકૉર્ડ સંખ્યામાં ઓટીટી પર મૅચ જોઈ રહેલા 5.3 કરોડ દર્શકોએ એ વિચારવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તેમના હાથમાંથી કૅચ નથી છૂટ્યો, પણ ભારતના હાથમાંથી વર્લ્ડકપ ચાલ્યો ગયો છે.

સતત નવ મૅચ જીતીને સેમિફાઇનલમાં પહોંચેલી ભારતની ટીમની મુશ્કેલી વધવાનું ચાલુ થઈ ગયું હતું કારણ કે કૅન વિલિયમસન અને ડૅરેલ મિચેલ વાવાઝોડાની માફક રન બનાવી રહ્યા હતા.

બંનેની બેટિંગ જોઈને એક સમયે જાણે કે ભારતની ટીમના પણ મજબૂત ઇરાદાઓ પણ જાણે કે તૂટી રહ્યા હતા.

શમીએ કૅચ છોડ્યો હતો, જાડેજાએ બૉલિંગમાં નિયંત્રણ ગુમાવ્યું હતું, સૂર્યકુમાર યાદવે મિસફીલ્ડિંગ કરી હતી અને કેએલ રાહુલ પણ વિકેટકીપિંગમાં ભૂલો કરી રહ્યા હતા.

ન્યૂઝીલૅન્ડ સતત તેનો રનરેટ વધારી રહ્યું હતું અને 32મી ઓવરની સમાપ્તિ થયા સુધીમાં તેણે લગભગ રનના સંદર્ભમાં ભારતની બરાબરી કરી લીધી હતી.

32મી ઓવર સુધીમાં ભારતે 226 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલૅન્ડે 219 રન બનાવ્યા હતા. એટલે કે માત્ર સાત રનનું અંતર રહી ગયું હતું.

એકવાર ફરી રોહિત શર્માએ બૉલ શમીને આપ્યો.

ન્યૂઝીલૅન્ડના બંને ઓપનરોને આઉટ કરી ચૂકેલા શમીએ તે ઓવરના બીજા જ બૉલે વિલિયમસનની વિકેટ લીધી અને બે બૉલ પછી તરત જ ટૉમ લાથમને આઉટ કરીને હતપ્રભ થઈ ગયેલી ભારતીય ટીમમાં જાણે કે નવો સંચાર કર્યો.

અચાનક ભારતીય ટીમમાં જાણે કે નવો જીવ આવ્યો અને ન્યૂઝીલૅન્ડ પર દબાણ ઊભું થયું. તે પછીની પાંચ ઓવરોમાં તેઓ માત્ર 17 રન જ બનાવી શક્યા.

શમી આટલેથી જ ન અટક્યા. ચાર વિકેટ લઈ ચૂકેલા શમીએ શતકવીર ડૅરેલ મિચેલને પણ આઉટ કર્યા અને ત્યારબાદ વધુ બે વિકેટ લઈને કુલ સાત વિકેટ લીધી. આખું સ્ટેડિયમ શમીના નામથી ગૂંજી રહ્યું હતું.

અંતે શમીની ઘાતક બૉલિંગને સહારે ભારતે ન્યૂઝીલૅન્ડ સામે 70 રને જીત મેળવી હતી.

મૅચ બાદ શમી શું બોલ્યા?

મૅચ બાદ જ્યારે શમીને 'પ્લૅયર ઑફ ધ મૅચ' તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું, "હું મને તક મળે તેની જ રાહ જોઈ રહ્યો હતો. મેં વિચાર્યું હતું કે જ્યારે પણ મને તક મળશે, હું સારું પ્રદર્શન કરીશ. આ વર્લ્ડકપમાં ન્યુઝીલૅન્ડ સામેની મૅચથી જ હું ટીમમાં પાછો ફર્યો હતો. હું નવા બૉલથી વિકેટ લેવામાં વિશ્વાસ રાખું છું."

"આજની મૅચમાં કૅન વિલિયમસનનો કૅચ છોડવો મારા માટે અજીબ ઘટના હતી. પણ પછી જ્યારે મેં તેને આઉટ કર્યો ત્યારે મને સારું લાગ્યું. આ વિકેટ ઘણી સારી હતી, બપોરે તેના પર ઘણા રન થયા હતા. ઝાકળનો ખતરો હતો પણ વિકેટ પરથી ઘાસ કાપી દેવામાં આવ્યું હતું. જો ઝાકળ પડી હોત તો બૉલ લપસી જવાનો ભય રહેત અને વધુ રન બન્યા હોત."

"(મારું) પ્રદર્શન અદ્ભુત હતું. છેલ્લા બે વર્લ્ડકપમાં અમે સેમિફાઇનલમાં હારી ગયા હતા. તેથી અમે આ મળેલી તકને વેડફવા માંગતા ન હતા. જીતવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરવા માંગતા હતા."

ચાર વર્ષ બાદ ભારતે લીધો બદલો

9 જુલાઈ 2019

ઑલ્ડ ટ્રેફૉર્ડ સ્ટેડિયમ, માન્ચેસ્ટર

વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ

છેલ્લી ઓવરમાં ધોનીનું રનઆઉટ થઈ જવું અને કરોડો ક્રિકેટપ્રેમીઓના તૂટેલા દિલ આજદિન સુધી જાણે કે રૂઝાયા ન હતા.

એ મૅચમાં ટોસ જીતીને ન્યૂઝીલૅન્ડે બેટિંગ કરવાનું પસંદ કર્યું પરંતુ ભુવનેશ્વર કુમારના નેતૃત્વમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલે જોરદાર બૉલિંગ કરી, જેના કારણે ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં આઠ વિકેટે માત્ર 239 રન બનાવ્યા.

ભુવનેશ્વરે ત્રણ અને અન્ય બૉલરોએ એક-એક વિકેટ લીધી હતી.

પરંતુ જ્યારે ભારતીય ટીમનો વારો આવ્યો ત્યારે માત્ર પાંચ રન થયા ત્યાં સુધી ત્રણ બૅટ્સમૅન પેવેલિયન પરત ફર્યા હતા.

રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી અને કેએલ રાહુલ માત્ર એક-એક રન બનાવીને આઉટ થયા હતા.

આ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ અડધી સદી ફટકારી અને અંતે રવિન્દ્ર જાડેજાએ માત્ર 59 બૉલમાં 77 રન બનાવ્યા હતા.

પરંતુ ભારતીય ટીમને જીત મેળવવા માટે આ રન પૂરતા ન હતા. આખી ટીમ 221 રનમાં આઉટ થઈ ગઈ હતી અને 18 રનથી મૅચ હારી ગઈ હતી.

ચાર વર્ષ બાદ એ જ રનઆઉટવાળું દૃશ્ય સતત ભારતીય ક્રિકેટપ્રેમીઓ સામે વારંવાર આવી રહ્યું હતું કારણ કે સેમિફાઇનલમાં ફરીથી ન્યૂઝીલૅન્ડની ટીમ સામે હતી.

પરંતુ આ વખતે ભારતે જીત મેળવી અને ચાર વર્ષ પહેલાનો હિસાબ બરાબર કર્યો. 12 વર્ષ બાદ ભારત વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું.

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરોએ શું કહ્યું?

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર અને ભૂતપૂર્વ ફાસ્ટ બૉલર વકાર યુનિસે ટ્વીટ કર્યું, "ધીરજ એ જ તાકાત છે... તમે 'જુસ્સા અને ભૂખ'ને હરાવી શકતા નથી. મોહમ્મદ શમી એક સાચો ફાઇટર છે. તે ખૂબ જ અભિનંદનનો હકદાર છે."

જ્યારે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન મોઈન ખાને વિરાટ કોહલીની ઇનિંગની પ્રશંસા કરતા કહ્યું કે, "વિરાટ કોહલીએ તેની ઇનિંગ્સ ખૂબ જ જવાબદારીપૂર્વક રમી, એવું લાગી રહ્યું હતું કે તે એવું વિચારીને આવ્યો હતો કે તેણે ભારતને ફાઇનલમાં લઈ જવું છે."

વસીમ અકરમે કહ્યું, "જ્યારે સચિને 49 સદી ફટકારી, ત્યારે આપણે વિચાર્યું હતું કે આ રેકૉર્ડ આગળ કોણ તોડશે? પરંતુ વિરાટ કોહલીએ એ કરી બતાવ્યું. આપણે વિરાટ કોહલીના યુગમાં જીવી રહ્યા છીએ."

પીએમ મોદીએ કર્યા વખાણ

આ મૅચ બાદ દરેક જગ્યાએ તેની પ્રશંસા થઈ રહી હતી. મેદાન પર, મેદાનની બહાર, ઓનલાઈન મૅસેજમાં દરેક જગ્યાએ લોકો વિરાટ કોહલીની 50મી સદી અને શ્રેયસ અય્યરની સદીને ભૂલી ગયા હતા.

શમીનાં પ્રદર્શનનાં વખાણ કરનારાઓમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. તેમણે શમીના શાનદાર પ્રદર્શન વિશે ટ્વીટ કર્યું.

પીએમે લખ્યું, "કેટલાક શાનદાર પ્રદર્શનને કારણે આજની સેમિફાઇનલ વધુ ખાસ બની ગઈ. આ મૅચ દરમિયાન મોહમ્મદ શમીની બૉલિંગ અને આખા વર્લ્ડકપને ક્રિકેટ પ્રેમીઓની ભાવિ પેઢીઓ યાદ રાખશે. શમી શાનદાર રમ્યા!"

તો એક ચાહકે ટ્વીટ કર્યું કે, "આ સેમિફાઇનલ નહોતી, તે 'શમી ફાઇનલ' હતી."

વિસ્ફોટક શરૂઆત કરવાની ભારતની રણનીતિ

આ વર્લ્ડકપમાં કૅપ્ટન રોહિત શર્માએ એવી વ્યૂહરચના અપનાવી છે જેનાથી ટીમને મજબૂત શરૂઆત મળે. જે પછી આવનારા બૅટ્સમૅનોને દબાણમાં આવ્યા વિના તેમના મનપસંદ શોટ રમવા દે છે. તેનાથી આગળ જતાં એટલો મોટો સ્કોર બનાવી શકાય કે હરીફ ટીમ એ સ્કોરના દબાવમાં જ આસાનીથી હારી જાય.

આ સ્ટ્રેટેજીનો માસ્ટર માઈન્ડ ખુદ રોહિત શર્મા છે. તેણે ઓપનર તરીકે મજબૂત શરૂઆત કરવાની અને પછી સમગ્ર ભારતીય બેટિંગનો મજબૂત પાયો નાખવાની જવાબદારી લીધી છે.

ન્યુઝીલૅન્ડ સામે પણ આવું જ થયું. રોહિતનું બૅટ ચાલ્યું અને તેણે માત્ર 29 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 47 રન બનાવ્યા.

રોહિતે આ વર્લ્ડકપમાં 550 રન બનાવ્યા છે. ક્રિકેટ વેબસાઇટ ઈએસપીએન ક્રિકઇન્ફોની ગણતરી મુજબ, આમાંથી 226 રન ફક્ત પ્રથમ 20 બૉલમાં જ બન્યા છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ભારતીય ઓપનિંગ જોડીએ પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.

ઑસ્ટ્રેલિયા સામે શૂન્ય સ્કોરથી આ ટુર્નામેન્ટની શરૂઆત કરનાર રોહિતે અફઘાનિસ્તાન સામે 131 રન બનાવ્યા અને ત્યારબાદ ત્રણ અડધી સદી ફટકારી છે. પરંતુ આ દરમિયાન તેણે 48, 46, 87, 61, 40 અને સેમિફાઇનલમાં 47 રનની ઇનિંગ્સ રમી.

જો આપણે આ ઇનિંગ્સ પર નજર કરીએ, તો તે સ્પષ્ટપણે દેખાય છે કે તે ટીમના હિતને પ્રથમ રાખે છે. ભલે તે અડધી સદીની નજીક હોય કે સદીની નજીક, રોહિત તેનું આક્રમક વલણ છોડતો નથી અને આ જ કારણ છે કે ભારતીય ટીમે સતત દરેક મૅચમાં સાત કે તેથી વધુ રનરેટ સાથે શરૂઆત કરી છે.

હવે ભારત રવિવારે ફાઇનલ મૅચ રમશે. ભારત કોનો સામનો કરશે તે આજે એટલે કે ગુરુવારે નક્કી થશે. દક્ષિણ આફ્રિકા હોય કે ઓસ્ટ્રેલિયા, ભારતે લીગ મૅચોમાં બંને ટીમોને હરાવી છે, તેથી ફાઇનલમાં તેનું મનોબળ ઘણું ઊંચું રહેશે.

રેકૉર્ડ બુક

  • વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રથમ વખત કોઈ ટીમે 397 રન બનાવ્યા હતા.
  • પ્રથમ વખત કોઈ બૉલરે વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં સાત વિકેટ લીધી હતી.
  • શમી વર્લ્ડકપની એક ઇનિંગમાં સાત વિકેટ લેનારો પાંચમો બોલર બન્યો હતો.
  • ભારત તરફથી પ્રથમ વખત કોઈ બૉલરે વર્લ્ડકપમાં સાત વિકેટ લીધી છે.
  • 'પ્લૅયર ઑફ ધ મૅચ' રહેલા શમીએ અત્યાર સુધી છ મૅચમાં 23 વિકેટ લીધી છે.
  • શમી આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેનાર બૉલર છે.
  • શમીએ વર્લ્ડકપમાં માત્ર 17 મૅચમાં 54 વિકેટ લીધી છે. વર્લ્ડકપમાં 50 વિકેટ લેનાર તે પ્રથમ ભારતીય બૉલર છે.
  • વિરાટ કોહલીએ વનડેમાં 50 સદી ફટકારી છે. તેણે સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો.
  • વિરાટ કોહલીએ આ વર્લ્ડકપમાં અત્યાર સુધીમાં 711 રન બનાવ્યા છે. આ વર્લ્ડકપમાં સૌથી વધુ વ્યક્તિગત રનનો રેકૉર્ડ છે.
  • શ્રેયસ અય્યરે સતત બીજી સદી ફટકારી હતી. તેણે પોતાની ઇનિંગમાં આઠ સિક્સ ફટકારી હતી. વર્લ્ડકપની કોઈપણ મૅચમાં ભારત તરફથી સૌથી વધુ સિક્સર ફટકારવાનો આ રેકોર્ડ છે.