વાનખેડેમાં અંતિમ સમયે પીચમાં થયેલા ફેરફારના વિવાદ સંદર્ભે હવે વિલિયમસને શું કહ્યું?

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી વનડે વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતીય ટીમે શુભમન ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરની જોરદાર બેટિંગને બળે ન્યૂઝીલૅન્ડ સામે 398 રનનું ‘પહાડસમું’ લક્ષ્ય મૂક્યું હતું. અંતે મૅચમાં ભારતની 70 રને જીત થઈ હતી.

ભારતની આક્રમક બેટિંગ અને ન્યૂઝીલૅન્ડના બૉલરોના અપેક્ષા કરતાં વિપરીત પ્રદર્શનને કારણે જેટલી આ મૅચની ચર્ચા થઈ રહી છે, તેટલી જ ચર્ચા સોશિયલ મીડિયા પર મેદાનની પીચ અંગે પણ થઈ રહી છે.

આ મુદ્દા અંગે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો અને ક્રિકેટચાહકોની પ્રતિક્રિયા આવી રહી છે.

મીડિયા રિપોર્ટો અનુસાર ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચેની સેમિફાઇનલ મૅચમાં પીચ અંગે ભારતીય ટીમ મૅનેજમૅન્ટની વિનંતી સ્વીકારાઈ હોવાનો દાવો કરાયો હતો.

જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.

મામલો એટલો વધ્યો કે અંતે આઇસીસીએ પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી. હવે, આ મામલે ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસને પણ પ્રતિક્રિયા આપી છે.

વિલિયમસને શું કહ્યું?

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા વર્લ્ડકપની પ્રથમ સેમિફાઈનલમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 70 રને હરાવ્યું હતું.

પરંતુ આ મૅચ શરૂ થતાં જ વાનખેડેની પીચને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ ઊભો થયો હતો.

બ્રિટિશ અખબાર 'ડેઇલી મેઇલ'એ દાવો કર્યો છે કે આઇસીસીએ પીચને લઇને ભારતીય ટીમ મૅનેજમેન્ટની વિનંતી સ્વીકારી હતી અને તેમાં ફેરફાર કર્યો અને મૅચ નવી પીચને બદલે જૂની પીચ પર રમાઈ.

જોકે, મૅચ બાદની પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસને આ વિવાદનો અંત એક જ વાક્યમાં કરી દીધો હતો. મૅચ જૂની પીચ પર રમાઈ હતી, પરંતુ તે સારી પીચ હતી.

તેમણે કહ્યું હતું કે, “એ વાત સાચી છે કે તે જૂની પીચ હતી, પરંતુ મને તેની સપાટી ખૂબ સારી લાગી. મૅચના પહેલા હાફમાં તેમને આ વાતનો પૂરો ફાયદો મળ્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમે જોયું કે પરિસ્થિતિઓ લાઇટ શરૂ થયા બાદ બદલાઈ જાય છે.”

તેમણે ખરેખર સારી રમત રમી હતી. આ ટુર્નામેન્ટમાં અહીં સુધી પહોંચવું અને પછી આગળ ન જવું તે નિરાશાજનક છે. પરંતુ જ્યારે અમે છેલ્લા સાત અઠવાડિયાની સફર પર નજર કરીએ છીએ, ત્યારે અમને લાગે છે કે અમે એક સારી ટીમ સામે હાર્યા છીએ.

ભારત વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે અને તેઓ અત્યારે પોતાનું સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમી રહ્યા છે. આવી સ્થિતિમાં તેમની સામે જીત મેળવવી મુશ્કેલ છે. આ સમગ્ર ટુર્નામેન્ટમાં તેમણે જે રમતનું પ્રદર્શન કર્યું છે તે અદ્ભુત છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે તેઓ પૂરા આત્મવિશ્વાસ સાથે ફાઇનલમાં ઊતરશે.

શું હતો સમગ્ર મામલો?

આ મામલામાં મીડિયા રિપોર્ટોમાં દાવો કરાયો છે કે સેમિફાઇનલ અગાઉ કોચ રાહુલ દ્રવિડની આગેવાનીવાળી ટીમ મૅનેજમૅન્ટે પીચ ક્યૂરેટરને વિનંતી કરી હતી કે તો પીચ પરથી ઘાસ હઠાવી દે.

રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વિનંતીનો હેતુ ભારતીય સ્પિનરોને પીચ પર મદદ મળે એવો તેમજ ઘાસ હઠાવાયા બાદ ન્યૂઝીલૅન્ડના ઝડપી બૉલરોને મળનાર લાભ ખતમ કરી શકાય એવો હતો.

મીડિયા રિપોર્ટોમાં ડેલી મેઇલ અખબારના બુધવારના રિપોર્ટોનો હવાલો આપીને દાવો કરાયો છે કે આઇસીસી પીચ કન્સલ્ટન્ટ એન્ડી એટકિન્સને આ અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

તેમના અનુસાર ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે સેમિફાઇનલ મૅચ પહેલાં ફ્રેશ સરફેસ (નવી પીચ) પર રમાવાની હતી પરંતુ હવે એ જૂની પીચ પર જ રમાશે.

મીડિયા રિપોર્ટોમાં એવો પણ દાવો કરાયો હતો કે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મૅચ દરમિયાન પણ પીચ બદલાઈ હતી. ત્યારે મૅચ પીચ નંબર સાતના સ્થાને પીચ નંબર પાંચ પર રમાઈ હતી.

અખબારના એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ભારત અને ન્યૂઝીલૅન્ડની ‘સેમિફાઇનલ મૅચ પહેલાં પીચ નંબર સાત પર રમાવાની હતી. આ પીચ વર્લ્ડકપમાં અહીં રમાયેલી ચાર મૅચોમાં ઉપયોગમાં લેવાઈ નહોતી અને એ બિલકુલ નવી પીચ હતી.’

રિપોર્ટમાં દાવો કરાયો છે કે, “પરંતુ મંગળવારે એક ગ્રૂપમાં બીસીસીઆઇ અને આઇસીસીના 50 કરતાં વધુ અધિકારીઓને એક વૉટ્સઍપ મૅસેજ મોકલાયો. જેમાં પુષ્ટિ કરાઈ કે પ્રથમ સેમિફાઇનલ મૅચ પીચ નંબર છ પર થશે. એ પીચ પર ઇંગ્લૅન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા અને ભારત વિરુદ્ધ શ્રીલંકાની મૅચ રમાઈ હતી.”

વિવાદ વધતાં આઇસીસીએ આ મામલે નિવેદન આપ્યું છે.

આઇસીસીએ શું કહ્યું?

સેમિફાઇનલ કવર કરી રહેલા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ પ્રમાણે આઇસીસીના પ્રવક્તાએ કહ્યું, “આટલા લાંબા આયોજનના અંતિમ તબક્કામાં પીચ રોટેશન માટે નક્કી કરાયેલી યોજનામાં બદલાવ એ સામાન્ય બાબત છે અ આવું અગાઉ પણ અમુક વખત થઈ ચૂક્યું છે. આ બદલાવ મેદાનના ક્યૂરેટરની સલાહ પર મેજબાનની સંમતિ બાદ થયો છે.”

આઇસીસી પ્રવક્તાએ આગળ કહ્યું કે, “આઇસીસીના સ્વતંત્ર પીચ કન્સલ્ટન્ટને આ વાતની જાણકારી હતી એટલે એવું માનવાને કોઈ કારણ નથી કે આ પીચ પર સારી રમત નહીં રમાય.”

માઇકલ વૉન અને સુનીલ ગાવસ્કરે કરી ટિપ્પણી

આ ચર્ચા અંગે હવે ભારતના ભૂતપૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કર અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ વૉનેય પોતાનો મત વ્યક્ત કર્યો છે.

ગાવસ્કરે ઇન્ડિયા ટુડેને આ અંગે કહ્યું કે, “આ પીચ બધી ટીમો માટે છે. આવી સ્થિતિમાં મને નથી લાગતું કે આ અંગે વધુ ચર્ચા થવી જોઈએ. મારા ખ્યાલથી ભારતીય ટીમ ગમે એ પીચ પ્રમાણે ઢળી શકે છે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં આવું જ જોવા મળ્યું છે. જો પીચ સૂકી હોય તો એનું કારણ એ છે કે વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે અને ભીનાશ ખતમ થઈ ચૂકી છે.”

ગાવસ્કરે કહ્યું, “મને લાગે છે કે આ સામાન્ય બાબત છે. મૅચ અગાઉ તમારી પાસે લખવા માટે કંઈ નથી, તેથી તમે કંઈક કહેવાની કોશિશ કરો છો, કારણ તમારે કૉલમ ભરવાની છે.”

તેમણે કહ્યું, “મારા માટે આ નિરર્થક વાત છે. જો તમે ટૉસ બાદ પીચ બદલો તો ચર્ચા થવી જોઈએ.”

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

માઇકલ વૉને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “આ સીધી વાત છે, સેમિફાઇનલ મૅચ ફ્રેશ પીચ પર જ રમાવી જોઈએ.”