You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ 'ભૂલ' જેના લીધે ગત વખતનું ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ આ વખતે વર્લ્ડકપમાંથી ફેંકાઈ ગયું
- લેેખક, મેથ્યૂ હેન્રી
- પદ, બીબીસી સ્પોર્ટ્સ, કોલકાતા
ક્રિકેટ વિશ્વકપમાં ઇંગ્લૅન્ડની ટીમના એકદમ નબળા પ્રદર્શન અને નિષ્ફળતા માટે રૉબ કી પોતાને જવાબદાર ગણે છે. રૉબ કી ઇંગ્લૅન્ડની ટીમના મૅનેજિંગ ડાયરેક્ટર છે.
તેમણે કહ્યું કે, ઇંગ્લૅન્ડની ટીમની ભારતમાં નિષ્ફળતા માટે સૌથી વધુ જવાબદાર તેઓ ખુદ છે, કેમ કે તેમણે 50 ઓવરોની વનડે મૅચ કરતાં ટેસ્ટમેચોને વધુ પ્રાધાન્ય આપ્યું હતું.
ઇંગ્લૅન્ડ ગત વિશ્વકપમાં વિજેતા ટીમ રહી હતી અને તેણે ટ્રૉફી જીતી હતી. આ વખતના વર્લ્ડકપમાં તે તેની પ્રથમ 7 મૅચોમાંથી 6માં હારી ગયું હતું અને સેમિફાઇનલમાં રમવાનું એનું સપનું તૂટી ગયું હતું.
જોકે રૉબ કીએ ઇંગ્લૅન્ડની ટીમના કપ્તાન જોસ બટલરનો બચાવ કર્યો છે અને કોચ મેથ્યૂ મોટનું પણ સમર્થન કર્યું. તેમણે કહ્યું કે તેમણે શ્રેષ્ઠ તૈયારી માટે પૂરતો ટેકો નહોતો આપ્યો.
તેમણે ઉમેર્યું, “આ બધામાં તેમનો વાંક નથી. જો હું કપ્તાન અને કોચને જવાબદાર ઠેરવીશ તો હું ખોટું કરીશ.”
વન ડેના ભાગે ટેસ્ટને પ્રાધાન્ય?
રવિવારે સવારે રૉબે મીડિયા સાથે લાંબી વાતચીત કરી. ઇંગ્લૅન્ડે કોલકાતામાં પાકિસ્તાન સામે એક આશ્વાસનયુક્ત વિજય સાથે વર્લ્ડકપ સફરની પૂર્ણાહૂર્તિ કરી એ પછી તેમણે આ વાતચીત કરી હતી.
તેમણે ટીમનો બચાવ કરતા કહ્યું, “ભારતમાં ઇંગ્લૅન્ડે ઘણી મુશ્કેલી વેઠી. તેમની ઓળખ ગુમાવી અને કેટલાક નિર્ણયોમાં વધુ પડતા વિચારો કરી લીધા.”
ગત વર્ષે નવેમ્બરમાં ટીટ્વેન્ટી વર્લ્ડકપ જીત્યા બાદ મોટ અને બટલર પાસે ભાગ્યે જ મજબૂત વનડે ટીમ ઉપલબ્ધ રહી. માત્ર સપ્ટેમ્બરમાં ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝમાં ઇંગ્લૅન્ડ એક પૂર્ણ ટીમ તરીકે રમ્યું
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑસ્ટ્રેલિયા સામે, બાંગ્લાદેશ સામે, દક્ષિણ આફ્રિકા સામે જે ખેલાડીઓ ટેસ્ટ સિરીઝમાં રમ્યા તેમાંથી જ બધાની પસંદગી થઈ.
“જ્યારે ટેસ્ટ ક્રિકેટ અને વનડે તથા ટીટ્વેન્ટી ક્રિકેટના નિર્ણયોની વાત આવતી ત્યારે હું હંમેશાં ટેસ્ટ ક્રિકેટને પ્રાધાન્ય આપતો રહ્યો. એટલે જોસ અને મોટને જવાબદાર ન ગણી શકું.”
“મને લાગ્યું કે ત્યાં જઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને કામ થઈ જશે પરંતુ ખરેખર આવું થયું નહી. આવી ધારણા રાખવી કે પૂરતા પ્રમાણમાં વનડે રમ્યા વગર જ આ ટીમ મજબૂત થઈ જશે એ ભૂલ ભરેલું છે.”
વર્લ્ડકપમાં ઇંગ્લૅન્ડની શરૂઆત ન્યૂઝીલૅન્ડ સામેની હારથી થઈ. બાંગ્લાદેશ સામે જીત્યા પણ પછી તો ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ભારત સામે હાર થઈ.
વર્ષ 2019માં જે મજબૂત બેટિંગ લાઇનઅપના દમ પર ઇંગ્લૅન્ડ વર્લ્ડકપ જીત્યું હતું, તે ટીમ આ વખતે 5 મૅચોમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
રૉબે કહ્યું કે જે આક્રમક રમતે તેમને સફળતા અપાવી હતી તે જ તેમણે ગુમાવી દીધી.
“અમારે ટીમ તૈયાર કરવી પડશે. દરેક ખેલાડીની ભૂમિકા નક્કી કરી કોણ એ ખેલાડી બની શકે એ શોધવું પડશે. અમે આ બધા વિશે સ્પષ્ટ ચર્ચા કરીશું અને નક્કી કરીશું કે કઈ રીતે આ બધું સુધારી શકાય. હું ટીમની સાથે જ છું. બટલર અને મોટની જોડીનું મહત્ત્વ રહેશે. આ નિષ્ફળતામાંથી અમારે બોધપાઠ લેવો જ પડશે.”
ઇંગ્લૅન્ડથી ભૂલ ક્યાં થઈ?
ઇંગ્લૅન્ડે પરિસ્થિતિ સમજવામાં ભૂલ કરી હોવાનું પણ રૉબનું માનવું છે.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ઝાકળના લીધે ન્યૂઝીલૅન્ડને ચૅઝ કરવામાં મદદ મળી હતી પણ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે ધીમી પીચ હોવા છતાં બટલરે પહેલાં બોલિંગ લીધી હતી. જ્યારે છેલ્લી 2 મૅચોમાં પહેલા બેટિંગ લઈને 330થી વધુ રન કર્યાં તો મૅચ જીતવામાં મદદ મળી હતી.
“જો ટૉસ જીત્યા હોત તો બેટિંગ કરીને જીતી શક્યા હોત. અમને શરૂઆતમાં આ ખબર નહોતી. અમે અતિશય વિચાર કરતા હતાં. અમને લાગ્યું કે અમે પરિસ્થિતિ સમજી લીધી છે. ઝાકળ બાબતે અમારી ગણતરી ખોટી પડી ગઈ.”
“જો 6-7 વિકેટો પડી જાય પછી એ મુશ્કેલ બની જાય છે. અમે એ સમજવામાં ભૂલ કરી બેઠા હતા.”
ગરમીએ ઇંગ્લૅન્ડની પરેશાની વધારી
તેમની સૌથી મોટી ભૂલ ત્યારે સામે આવી જ્યારે તેમણે દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં ચૅઝ કરવાનું વિચાર્યું. તેમણે મુંબઈની અતિશય ગરમી અને ભેજમાં ફિલ્ડિંગ કરી.
રૉબનું કહેવું છે કે, જો કોચને મૅચના સ્થળ વિશેની વધારાની માહિતીઓ હોત તો સારું રહ્યું હોત.
“મુંબઈ જેવી જગ્યાએ હોય તો તમને ત્યાંની પરિસ્થિતિની જાણકારી મળવી જોઈ. ત્યાં અતિશય ગરમી હતી. 5-6 કલાક એવી સ્થિતિમાં ફિલ્ડીંગ પછી બેટિંગ કરવું મુશ્કેલ છે.”