You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બુમરાહ અને શમીની જોડી પર ક્રિકેટજગત આફરીન, શું ભારતને વર્લ્ડકપ જીતાડી શકશે?
વર્લ્ડકપમાં ભારતની ટીમે સતત પોતાનું જબરદસ્ત પ્રદર્શન જાળવી રાખ્યું છે અને હવે ઇંગ્લૅન્ડને 100 રનથી હરાવી દીધું છે.
મુશ્કેલ પિચ પર બેટિંગમાં ઓછો સ્કોર થવા છતાં ભારતીય બૉલરોની ઘાતક બૉલિંગને કારણે ઇંગ્લૅન્ડની ટીમ માત્ર 129 રનમાં સમેટાઈ ગઈ હતી.
ભારતીય બૉલરો મોહમ્મદ શમીએ 4 વિકેટ અને બુમરાહે 2 વિકેટ ઝડપી હતી.
આ જીત પછી સતત ક્રિકેટજગતમાં ભારતીય બૉલરોની, ખાસ કરીને શમી અને બુમરાહની પ્રશંસા થઈ રહી છે.
પૂર્વ ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટરો સહિત અનેક લોકો ભારતીય ટીમના બૉલિંગ યુનિટની પ્રશંસા કરી રહ્યા છે.
બુમરાહ અને શમીની કાતિલ જોડી
જસપ્રીત બુમરાહ ટી-20 વર્લ્ડકપમાં રમી શક્યા ન હતા. ઈજામાંથી પરત ફર્યા બાદ બુમરાહના જેવા ફોર્મની અપેક્ષા હતી તેવું જ ફોર્મ તેણે મેળવી લીધું છે. જ્યારે મોહમ્મદ શમીએ છેલ્લી ચાર વન-ડેમાં 15 વિકેટ લઈને પોતાના શાનદાર ફોર્મનો પુરાવો આપ્યો છે.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં યાદગાર શરૂઆત અપાવી હતી. બંને બૉલરોએ તેમની સટીક અને ઉચ્ચ ગુણવત્તાવાળી બૉલિંગથી દરેકના દિલ જીતી લીધા હતા.
બુમરાહે સતત બે બોલમાં મલાન અને રૂટની વિકેટ લઈને ઈંગ્લૅન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું. તો બીજી તરફ શમીએ તેની ધારદાર બૉલિંગથી ત્રણ બૅટ્સમેનોને બોલ્ડ કરીને કુલ ચાર વિકેટ ઝડપી હતી. બુમરાહ-શમીની જોડીએ આ મૅચમાં સાત બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છઠ્ઠી ઓવરમાં રોહિત શર્માએ શમીને બૉલિંગ કરવા કહ્યું હતું. પ્રથમ બે બૉલમાં ત્રણ રન આપ્યા હતા પરંતુ તે પછીના 28 બૉલમાં તેણે તબાહી મચાવી હતી અને માત્ર બે જ રન આપીને બે બેટ્સમેનોને આઉટ કરીને ઈંગ્લૅન્ડની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો.
શમીએ આ ટુર્નામેન્ટમાં રમેલી બે મૅચમાં 9 વિકેટ ઝડપી છે. તો બુમરાહ 14 વિકેટ સાથે આ ટુર્નામેન્ટના બીજા સૌથી સફળ બૉલર છે.
શમીને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે પોતાની બૉલિંગને પુરવાર કરી છે. આ વર્લ્ડકપમાં શમી 11.33ના સ્ટ્રાઇક-રેટથી બૉલિંગ કરી રહ્યા છે.
ગાવાસ્કર અને માંજરેકર શું બોલ્યા?
પૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસ્કરે મૅચ બાદ કહ્યું હતું કે, “મોહમ્મદ શમીને સતત સફળતા મળી રહી છે તેનું કારણ એ છે કે તે કપિલદેવની જેમ નેટમાં ઘણો પરસેવો પાડે છે."
ગાવસ્કરે ભારતીય બોલિંગના વખાણ કર્યા હતા અને કહ્યું કે અન્ય કોઈ ટીમની બૉલિંગમાં આટલી વિવિધતા નથી. રોહિતે પણ મૅચ બાદ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કંઈક આવું જ કહ્યું હતું.
ગાવસ્કરે મૅચ બાદ કહ્યું કે, "ભારત પાસે અલગ-અલગ પ્રકારના સીમ બોલર છે. બુમરાહ ક્રીઝથી દૂર જઈને બૉલને અંદર અને બહાર બંને રીતે ફેંકવામાં માહેર છે. જ્યારે શમી વિકેટની નજીકથી બૉલિંગ કરે છે અને છેલ્લે તેના બૉલને ફેરવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારની બૉલિંગમાં તેઓ નિપુણતા ધરાવે છે. જ્યારે મિડલ ઑવર્સમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા તેમની સ્પિન બૉલિંગની જાળમાં બૅટ્સમેનોને ફસાવે છે. કોઇ ટીમમાં આવી વિવિધતા નથી. આ જ કારણ છે કે તેઓ આટલો નાનો સ્કોર બચાવવામાં સફળ રહ્યા હતા."
ક્રિકેટ કમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું, "ફીલ્ડ પર ઝાકળ સાથે 230 રનનો પીછો કરતા આ મૅચ ઈંગ્લૅન્ડના ફાળે જવી જોઈતી હતી. પરંતુ તેઓ જે રીતે આ ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે તેની અસર આ મૅચમાં પણ જોવા મળી રહી હતી. તેઓ આ લક્ષ્યાંક હાંસલ કરી શકશે તેવું ક્યારેય લાગ્યું જ ન હતું."
ભૂતપૂર્વ ક્રિકેટર અને કમેન્ટેટર સંજય માંજરેકરે કહ્યું, "આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની આ સૌથી મોટી જીત છે. આઉટફીલ્ડ ભીનું થઈ ગયું હતું તેમ છતાં ભારતીય બૉલરોએ ઈંગ્લૅન્ડને તેનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. ટીમના સાત-આઠ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં અતિશય દમદાર છે અને તેઓ તેમની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે."
વસીમ અકરમ અને અખ્તરે શું કહ્યું?
રાવલપિંડી ઍક્સપ્રેસના નામે મશહૂર શોએબ અખ્તરે કહ્યું કે, “ભારતની બેટિંગથી તો ડરવાનું જ હતું પણ હવે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે તમારે તેમના બૉલિંગ યુનિટથી પણ ડરવું પડે. આગળ શું થશે તે જોવું રસપ્રદ હશે.”
ભારતીય ટીમની જીત પર પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે કહ્યું, “ભારતીય ટીમે સતત છ મૅચ જીતી છે. તેમનું જોરદાર પ્રદર્શન જોઈને મને 1992ના વર્લ્ડકપની ન્યુઝીલૅન્ડની ટીમ યાદ આવી ગઈ."
તેણે કહ્યું, "તમે જોયું હશે કે આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ મૅચના તમામ ડીપાર્ટમેન્ટમાં સંપૂર્ણપણે પોતાનું નિયંત્રણ જાળવી રહી છે. આ જ રીતે ન્યૂઝીલૅન્ડે 1992ના વર્લ્ડ કપમાં સતત સાત મૅચ જીતી હતી."
2023ની ટીમ 2011 કરતાં કેટલી અલગ?
2011ના વર્લ્ડકપમાં 12થી વધારે સફળ બૉલરોમાંથી સાત તો મધ્યમ ગતિના ફાસ્ટ બૉલર હતા. ઝહીર ખાને સૌથી વધારે 21 વિકેટ લીધી હતી. એટલી જ વિકેટ પાકિસ્તાનના લૅગ સ્પિનર શાહિદ આફ્રિદીએ પણ લીધી હતી.
2011માં વર્લ્ડકપ રમનારી ભારતીય ટીમમાં ઝહીર ખાન ઉપરાંત એસ. શ્રીસંત, મુનાફ પટેલ, આશિષ નહેરા, પ્રવીણકુમાર જેવા ફાસ્ટ બૉલર હતા.
ત્યારે ત્રણ સ્પિનર એટલે કે હરભજનસિંહ, પિયુષ ચાવલા અને રવિચંદ્રન અશ્વિન પણ ટીમમાં હતા. સ્પષ્ટ છે કે એ સમયે ઝડપી બૉલિંગ પર ભાર હતો અને આ વર્ષે પણ ભારતનો મુખ્ય આધાર ફાસ્ટ બૉલિંગ પર જ છે.
ટીમમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, શાર્દૂલ ઠાકુર અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ હોવાનો અર્થ એ છે કે ટીમ ઈન્ડિયાની તાકાત ફાસ્ટ બૉલિંગ જ છે.
1983ની ભારતીય ટીમમાં ઑલરાઉન્ડરનો દબદબો હતો. તો 2023ની ટીમમાં બૉલિંગમાં ખાસ નિષ્ણાત હોય તેવા બૉલર્સને પ્રાધાન્ય અપાયું છે.