You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ 'ભૂલ' જેને લીધે આઇસીસીએ શ્રીલંકાની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 10 ઑક્ટોબરે સાંજે એક પ્રેસ નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે તેમણે શ્રીલંકા ક્રિકેટનું સભ્યપદ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
આઈસીસી બોર્ડે શુક્રવારે મળેલી બેઠકમાં જ આ નિર્ણય લીધો છે.
આ પ્રેસ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સભ્ય તરીકે શ્રીલંકા ક્રિકેટ પોતાની જવાબદારીઓનું વહન કરવામાં નિષ્ફળ રહ્યું છે.
આઈસીસીનું કહેવું છે કે શ્રીલંકા ક્રિકેટ પોતાનું કામકાજ સ્વતંત્રરૂપે ચલાવવામાં પણ સક્ષમ નથી. અને શ્રીલંકા ક્રિકેટ એ સુનિશ્ચિત કરવામાં સક્ષમ નથી કે તે શ્રીલંકામાં સરકારી હસ્તક્ષેપ વિના ક્રિકેટના વહીવટ અને નિયમન જેવી જવાબદારીઓ નિભાવી શકે.
રાજકીય હસ્તક્ષેપ સ્વીકારીને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે આઇસીસીના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે તેમ આઇસીસીનું કહેવું છે.
આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સસ્પેન્શનની શરતો બોર્ડની તરફથી આવનારા સમયમાં નિર્ધારિત કરવામાં આવશે.
શું બન્યું હતું?
ભારત સામે 302 રને મળેલી ‘શરમજનક’ હાર પછી તરત જ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડમાં વિવાદો શરૂ થઈ ગયા હતા. તે મૅચમાં શ્રીલંકા માત્ર 55 રનમાં જ ઑલઆઉટ થઈ ગયું હતું.
ત્યારબાદ શ્રીલંકાના ખેલમંત્રીએ સમગ્ર શ્રીલંકા ક્રિકેટ બોર્ડને જ તત્કાલ પ્રભાવથી ભંગ કરી દેવાનો નિર્ણય લીધો હતો જેના કારણે વિવાદ વધ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, શ્રીલંકા ક્રિકેટને ‘કોર્ટ ઑફ અપીલ’ દ્વારા ટૂંક સમયમાં જ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ અનુસાર સરકાર અને વિપક્ષે ત્યાંની સંસદમાં એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું અને શ્રીલંકન ક્રિકેટ બોર્ડના મૅનેજમૅન્ટના રાજીનામાની માગણી કરી હતી.
જોકે, ત્યાંની સરકારમાં જ આ મુદ્દે બે ફાંટા જોવા મળે છે.
ત્યારબાદ સરકારે એક નવો પ્રસ્તાવ પણ મૂક્યો છે જેમાં નવા જ બંધારણ સાથે ફરીથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડનું ગઠન કરવાની અને નવા સભ્યોની નિમણૂક કરવાની વાત છે.
આઇસીસીએ આ ઘટનાક્રમને શ્રીલંકન ક્રિકેટ બોર્ડમાં રાજકીય હસ્તક્ષેપ આ બોર્ડ પર પ્રતિબંધ મૂક્યો છે.
સરકારે શું કર્યું હતું?
શ્રીલંકાની સરકારે ક્રિકેટમાં સમસ્યાઓના નિરાકરણ માટે કૅબિનેટ સમિતિની પણ નિમણૂક કરી છે.
ઉપરાંત, શ્રીલંકન ક્રિકેટની દેખરેખ માટે સાત સભ્યોની વચગાળાની ક્રિકેટ સમિતિની રચના કરવામાં આવી હતી.
તેની અધ્યક્ષતા શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને 1996 વર્લ્ડકપ વિજેતા ટીમના કૅપ્ટન અર્જુન રણતુંગાને આપવામાં આવી હતી. આ સમિતિમાં શ્રીલંકાની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ સામેલ હતા.
રણતુંગાએ મીડિયાને કહ્યું કે તેમની સમિતિ એક ટીમ બનાવશે જે દેશ માટે રમશે.
તેમણે કહ્યું હતું કે, "આશા છે કે અમે એક એવી ટીમ બનાવીશું જે અનુશાસનનું પાલન કરશે અને દેશને પ્રેમ કરશે. એક એવી ટીમ જે એક પરિવાર હશે અને દેશના 2.2 કરોડ લોકો પણ તેને પ્રેમ કરશે.”
પરંતુ હવે કોર્ટે ખેલમંત્રીના નિર્ણય પર સ્ટે મૂકી દીધો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમી સિલ્વાની અપીલ પર સુનાવણી કરતા કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
આ મામલામાં આગામી સુનાવણી બે અઠવાડિયામાં હાથ ધરવામાં આવશે અને કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બોર્ડને બરખાસ્ત કરવામાં નહીં આવે.
પસંદગી સમિતિના અધ્યક્ષે લગાવ્યા આરોપો
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે શ્રીલંકાની પસંદગી સમિતિના અધ્યક્ષ પી. વિક્રમસિઁઘેએ તેને ‘બહારથી રચાયેલું ષડયંત્ર’ ગણાવ્યું છે.
પી. વિક્રમસિંઘે 1996ની શ્રીલંકાની ચૅમ્પિયન ટીમના સભ્ય હતા.
તેમણે ઍરપૉર્ટ પર ઊતરતાં જ કહ્યું હતું કે, “મને બે દિવસ આપો, હું બધો ખુલાસો કરીશ. બહારથી રચાયેલા ષડયંત્રનો આ બધો ભાગ છે.”
ભારત સામેની હાર બાદ શ્રીલંકામાં તેમની ક્રિકેટ ટીમની ભરપૂર ટીકા થઈ હતી.
બીબીસી સિંહાલી સેવા અનુસાર ઘણા ચાહકોએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની મુખ્ય ઑફિસ સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે શ્રીલંકા આવતા વર્ષે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરવાનું છે. આ નિર્ણયથી તેના પર પણ અસર પડી શકે છે.