શ્રીલંકાના ખેલાડીને 'ટાઇમ આઉટ' કરાવનારા અને મેદાન પર ઝઘડાઓ કરવા માટે ચર્ચિત શાકિબ અલ હસનની કહાણી

‘શાકિબ અલ હસન’ ક્રિકેટની દુનિયાનું એવું નામ, જે લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલું છે.

2007માં ભારત સામેની ટેસ્ટ મૅચથી પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરનાર હસને અત્યાર સુધી વિવિધ ફૉર્મૅટમાં 14 શતક ફટકાર્યાં છે અને 753 વિકેટ ઝડપી છે.

હસનને એક ઑલરાઉન્ડર તરીકે જોવામાં આવે છે. જે જરૂર પડ્યે તેના બૅટ અને બૉલથી વિરોધી ટીમને હંફાવી શકે છે.

પરંતુ તેની 15-16 વર્ષની લાંબી કારકિર્દીમાં ઘણી એવી ઘટનાઓ બની છે જ્યારે તેને ક્રિકેટ ચાહકો, ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ નિષ્ણાતોની ટીકાઓનો સામનો કરવો પડ્યો.

હાલનો જ એક કિસ્સો છે. છઠ્ઠી નવેમ્બરે દિલ્હીમાં રમાયેલી બાંગ્લાદેશ અને શ્રીલંકાની મૅચ સાથે જોડાયેલો છે.

શાકિબ અલ હસનની ટીકા કેમ થઈ રહી છે?

સોમવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આવી સ્થિતિમાં શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. શ્રીલંકાની ટીમે 24.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા.

ચોથી વિકેટ તરીકે સાદિરા સમરવિક્રમા આઉટ થયા પછી શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન એન્જેલો મૅથ્યુસ પોતાની ટીમનો સ્કોર વધારવા ક્રિઝ પર આવ્યા હતા.

તેઓ પહેલા બૉલનો સામનો કરવા જઈ રહ્યા હતા. તેમણે તેમના હૅલ્મેટનો પટ્ટો ખેંચ્યો, જેમાં થોડી સમસ્યા અનુભવી. આથી તેમણે હૅલ્મેટ ઉતાર્યું અને પેવેલિયન તરફ ઈશારો કર્યો.

મૅચ સાથે જોડાયેલા વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, “એન્જલો મૅથ્યુઝ ક્રિઝ પર આવ્યા હતા. તેમણે નીચે ઝૂકીને ક્રિઝ પર દોરેલી સફેદ રેખાને સ્પર્શ કર્યો અને તેમના કપાળ પર હાથ મૂક્યો. પછી હૅલ્મેટનો પટ્ટો ખેંચ્યો. પટ્ટામાં થોડી સમસ્યા હતી અને તે વળ્યો. તેમણે પોતાનું હૅલ્મેટ ઉતાર્યું અને પેવેલિયન તરફ ઈશારો કર્યો. જાણે બીજું હૅલ્મેટ મગાવી રહ્યા હોય.”

આ દરમિયાન બાંગ્લાદેશના કપ્તાન શાકિબ અલ હસને સ્મિત સાથે અમ્પાયરને ટાઇમ્ડ આઉટની અપીલ કરી દીધી. ત્યારે મૅથ્યુઝને કોઈ અંદાજો નહોતો આવ્યો.

વીડિયોમાં નજરે પડે છે કે મૅથ્યુઝ પણ અમ્પાયરો (રિચર્ડ લિંગવર્થ અને મરાઇસ ઇરાસમ્સ) પાસે પહોંચ્યા અને તેમને મોડું થવાનું કારણ સમજાવવાનો પ્રયાસ કર્યો.

આ દરમિયાન અમ્પાયર્સે હસી રહેલા શાકિબને પૂછ્યું કે શું તે મૅથ્યુઝને બહાર મોકલવાની અપીલ કરી રહ્યો છે?

એ સમયે શાકિબ અને તેની બાંગ્લાદેશ ટીમે કહ્યું કે તેઓ અપીલ અંગે ગંભીર છે અને તેને પાછી ખેંચી રહ્યા નથી.

વીડિયોમાં મૅથ્યુઝ આ પછી શાકિબને કંઈક કહેતા જોવા મળે છે, પરંતુ વાત બનતી નથી અને અમ્પાયરે તેમને મેદાન બહાર જવા કહ્યું.

જીત તો મળી પણ... વિવાદ સાથે

આ મૅચમાં બાંગ્લાદેશને જીત મળી. જોકે આ પછી બીજા દિવસે પણ એન્જેલો મૅથ્યુઝનું ટાઇમ્ડ આઉટ થવું સમાચારપત્રોનાં મથાળાંમાં છવાયેલું રહ્યું.

મૅથ્યુઝના આઉટ થતાં સોશિયલ મીડિયાથી માંડી સ્ટેડિયમમાં ઉપસ્થિત શાકિબ અલ હસનના આ નિર્ણયની ટીકા થવાનું શરૂ થયું જે હજી પણ ચાલી રહ્યું છે.

પણ મૅચ પૂરી થયા પછી બાંગ્લાદેશના કપ્તાને તેમના આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું, “આ દુર્ભાગ્યશાળી હતું પણ આ એક યોગ્ય પગલું છે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખેલ ભાવના "સ્પૉર્ટ્સમૅન સ્પિરિટ" હેઠળ તેમણે એન્જેલો મૅથ્યુઝને પાછા બોલાવવા નહોતા જોઈતા?

આના પર શાકિબ અલ હસને કહ્યું કે ‘આવામાં આઈસીસીએ વિચાર કરી તેના નિયમો બદલવા જોઈએ.’

કેટલાક અહેવાલો અનુસાર, મૅચ બાદ મીડિયા સાથે વાત કરતા શાકિબ અલ હસને તો ત્યાં સુધી કહ્યું કે તેને એવું લાગ્યું કે જાણે તે યુદ્ધ લડી રહ્યા હોય.

આ બાબતે પોતાની ટિપ્પણી આપતા એન્જેલો મૅથ્યુઝે કહ્યું છે કે, “શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ તરફથી આ શરમજનક હતું. જો તેઓ આ પ્રકારનું ક્રિકેટ રમવા માંગતા હોય તો તેમાં કંઈક ખોટું છે. આ સ્પષ્ટપણે શરમજનક છે. આજ સુધી મને શાકિબ માટે ઘણું માન હતું પરંતુ તેણે બધું ગુમાવ્યું. અમારી પાસે વીડિયો પુરાવા છે, અમે તેને પછીથી રજૂ કરીશું.”

ટીકાનો શિકાર થઈ ગયા શાકિબ

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ શાકિબ અલ હસનના આ પગલાની ટીકા કરી છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી છે.

તે જ સમયે, આ મેચ પર કૉમેન્ટરી કરી રહેલા પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે કહ્યું છે કે “તમે (મૅથ્યુસ) ક્રિઝ પર પહોંચી ગયા છો. હવે તેમને સમજાયું કે હૅલ્મેટનો પટ્ટો તૂટી ગયો છે. તમે બૅટ માટે કેટલીવાર પૂછો છો? જ્યારે તમારું બૅટ તૂટી જાય ત્યારે.”

કૈફે આગળ કહ્યું, “(બાંગ્લાદેશના કૅપ્ટન) શાકિબ અલ હસન, તમે જે પણ કર્યું તે ઇતિહાસમાં જશે. મને તો શાકિબે અમ્પાયરને અપીલ કરી તે સ્હેજ પણ ગમ્યુ નહીં.”

આ મામલે શાકિબ અલ હસનની ટીકા કરનારાઓમાં ગૌતમ ગંભીર, શોએબ અખ્તર અને વકાર યુનિસ જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ છે.

જોકે કેટલાક લોકો આ મામલે શાકિબ અલ હસનની ટીકા સાથે સહમત નથી.

વરિષ્ઠ ક્રિકેટ પત્રકાર વિજય લોકપલ્લી માને છે કે આ મામલે શાકિબ અલ હસનની એટલી ટીકા ના કરવી જોઈએ કારણ કે એમણે જે કર્યુ તે નિયમો મુજબ કર્યુ છે.

તેઓ કહે છે, “મને ખબર છે કે હાલ બધા લોકો તેમની ટીકા કરી રહ્યા છે. પણ મને લાગે છે કે આ કંઈક વધારે જ છે. કારણ કે એમણે જે કર્યું તે નિયમો હેઠળ કર્યું. તેમને ખબર હતી કે એન્જેલો મૅથ્યુઝ કેટલા ખતરનાક બૅટ્સમૅન સાબિત થઈ શકે છે.”

“આવામાં તેમણે જીતવા માટે આ પગલું લીધું હશે. હવે ખેલભાવના વગેરેની વાતો કરાય છે. પણ જે ક્રિકેટ સતત જુએ છે તેમને ખબર છે કે હવે બધા જ વ્યાવસાયિક ખેલાડીઓ છે. અને આ બધી જૂની વાતો થઈ ગઈ છે. આજકાલ તો ખેલાડીઓ જીતવા માટે જ મેદાન પર ઊતરે છે. બધા નિર્ણયો આ દિશામાં જ લેવાતા હોય છે.”

પરંતુ આ પહેલો કિસ્સો નથી જ્યારે શાકિબ અલ હસન પોતાના વર્તનને કારણે દુનિયાભરમાં ટીકાનો શિકાર બન્યા હોય.

કૅમેરા પર કર્યો અભદ્ર ઈશારો

2014માં શાકિબ અલ હસનને ઢાકામાં શ્રીલંકા સામે વનડે રમતી વખતે ત્રણ વનડેનો પ્રતિબંધ અને ત્રણ લાખ બાંગ્લાદેશી ટાકા (226821.97 ભારતીય રૂપિયા)નો દંડ કરાયો હતો.

આ મૅચમાં બાંગ્લાદેશની ટીમ 290 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. શાકિબ અલ હસન માત્ર 24 રન બનાવીને આઉટ થયા હતા.

આ પછી કૉમેન્ટેટરે તેમના આઉટ થવા પર થોડા સમય માટે ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન જ જ્યારે ટીવી કૅમેરો પેવેલિયનમાં બેઠેલા શાકિબ અલ હસન તરફ ગયો તો તેણે ખૂબ જ અભદ્ર ઈશારાઓ કર્યા.

આ અભદ્ર હરકતો આખી દુનિયા તેમજ સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોએ લાઈવ જોઈ હતી. આ મામલામાં તેમને આકરી ટીકા તેમજ પ્રતિબંધ અને દંડનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટંપ તોડવાવાળો વીડિયો વાઇરલ થયો હતો

આ ઘટના બાદ શાકિબ અલ હસનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે જેમાં તેમના વર્તનને ખેલભાવના વિરુદ્ધ ગણાવાઈ રહ્યું છે.

આમાંથી એક વીડિયોમાં શાકિબ અલ હસન અમ્પાયર સાથે ગેરવર્તણૂક કરતા જોવા મળી રહ્યા છે અને સ્ટમ્પને ઉખાડીને જમીન પર ફેંકી રહ્યા છે.

આ વીડિયો 2021માં રમાયેલી મૅચનો છે જે ઢાકા પ્રીમિયર લીગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.

જ્યારે ગ્રાઉન્ડસ્ટાફને મારી નાખવાની ધમકી આપી હતી

2010માં બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી મૅચ દરમિયાન શાકિબ અલ હસન પર ગ્રાઉન્ડ સ્ટાફને બૅટથી મારવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો હતો.

આ મૅચ દરમિયાન શાકિબ અલ હસન 92 રનના સ્કોર પર હતા ત્યારે સાઈડ સ્ક્રીન પાસે કોઈ પ્રકારની એક્ટિવિટી થઈ હતી જેને એમ્પાયર રોકી શક્યા ન હતા.

આવી સ્થિતિમાં શાકિબ અલ હસન પોતે સાઇટ સ્ક્રીન તરફ દોડ્યા. સાઇટ સ્ક્રીન પાસે ઊભેલી વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને બૅટથી મારવાની ધમકી આપી.

આ મૅચ બાદ મૅચ રેફરીએ તેમને ચેતવણી આપી હતી પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી નહોતી કરાઈ.

જ્યારે ડ્રેસિંગ રૂમનો કાચનો દરવાજો તૂટ્યો હતો

ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, 2018માં નિદાહસ ટ્રોફી દરમિયાન યોજાયેલી મૅચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.

આ મૅચ દરમિયાન અમ્પાયરે નો બૉલને લઈને પોતાનો નિર્ણય પલટાવતા ઘણો વિવાદ થયો હતો.

આ દરમિયાન શાકિબ અલ હસને ગુસ્સામાં પોતાના ખેલાડીને ક્રિઝ પરથી પાછા બોલાવવાનો નિર્ણય કર્યો.

બાંગ્લાદેશ આ મૅચ જીતી ગયું. પરંતુ આ પછી બાંગ્લાદેશના ડ્રેસિંગ રૂમમાં કાચનો દરવાજો તૂટવાના સમાચાર આવ્યા હતા.

આ મામલે શાકિબ અલ હસને માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓ અને તેમના ખેલાડીઓ ભાવુક થઈ ગયા હતા.

જ્યારે શાકિબે ફૅન્સ પર હુમલો કર્યો હતો

શાકિબ અલ હસન સાથે જોડાયેલા વિવાદોમાં, 2014નો એક એવો વિવાદ છે જેમાં તેમણે એક વ્યક્તિ પર કથિત રીતે હુમલો કર્યો હતો જે તેમનાં પત્નીને કથિત રીતે હેરાન કરી રહ્યો હતો.

શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મૅચ દરમિયાન વરસાદના કારણે વિરામ દરમિયાન આ ઘટના બની હતી.

જોકે, વિજય લોકપલ્લીનું માનવું છે કે સોમવારે રમાયેલી મૅચ દરમિયાન શાકિબ અલ હસને લીધેલા પગલાને તેમના જૂના વિવાદો સાથે જોડવામાં ન આવે.

તે કહે છે, “જુઓ, બધા જાણે છે કે શાકિબ અલ હસન કેવા ખેલાડી છે. આ કારણોસર તે બહુ લોકપ્રિય નથી. પરંતુ એન્જેલો મૅથ્યુસની બરતરફીના મામલામાં તેના જૂના વિવાદોને ખેંચવા યોગ્ય નથી."