મૅક્સવેલને અસહ્ય પીડા, દોડી ન શકવા છતાં રનર કેમ ન મળ્યો?

ગ્લેન મૅક્સવેલે એકલા સંઘર્ષ કરીને ઑસ્ટ્રેલિયાને હારથી બચાવ્યું.

મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામેની વર્લ્ડકપની મૅચમાં મૅક્સવેલને હેમસ્ટ્રીંગનો અસહ્ય દુખાવો થવા છતાં તેણે બેટિંગ ચાલુ રાખી. તેમણે 128 બૉલમાં 201 રન બનાવ્યા. અને તેમની 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પણ પસંદગી કરાઈ.

મૅક્સવેલ, જે સ્નાયુઓના દુખાવાના કારણે સરખી રીતે ઊભા પણ નહોતા રહી શકતા. એક સમયે તેઓ દોડી ન શકવાના કારણે જમીન પર પડી ગયા. છતાં તેમણે બૅટિંગ ચાલુ કેમ રાખી? તેમણે મહત્તમ રન ચોગ્ગા અને છગ્ગા મારીને લીધા. જરૂર હોય ત્યારે સિંગલ લેતા સમયે પણ તેમને આટલી પીડા કેમ સહન કરવી પડી? તેમને રનર કેમ ન મળ્યા? અનેક ક્રિકેટ રસિકોમાં મનમાં આ સવાલ ઊઠે છે.

મૅક્સવેલ જમીન પર પડી ગયા

અફઘાનિસ્તાનની બૉલિંગ એટલી ઘાતક હતી કે ઑસ્ટ્રેલિયાના ટૉપ ઑર્ડરના બૅટ્સમૅનો પેવેલિયનમાં બેસી ગયો. મૅક્સવેલ 8.2 ઑવરમાં 49 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ મેદાને આવ્યા. પણ થોડા જ સમયમાં લાબુશેન રનઆઉટ થઈ ગયા.

ત્યાર બાદ ક્રીઝ પર આવેલા સ્ટીનિસ અને સ્ટાર્ક્સ ટકી ન શક્યા. એટલે કે 91 રન પર સાત વિકેટ પડી ગયા. આવી સ્થિતિમાં રમતા મૅક્સવેલે આખી મૅચ પોતાની ઝોળીમાં લઈ લીધી. તેમણે ધીરે ધીરે ઇનિંગ્સ રમવાનું શરૂ કર્યું.

જોકે, ઇનિંગ્સના 147મા રને મૅક્સવેલે પોતાનો 35મો સિંગલ લેતા જ હેમસ્ટ્રિંગ સ્ટ્રેનનો (પગના સ્નાયુઓનો) અસહ્ય દુખાવો થયો અને જમીન પર પડી ગયા. તેમના ચહેરા પરથી સ્પષ્ટ જોઈ શકાતું હતું કે તેમને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે.

મૅક્સવેલની જગ્યાએ એડમ જમ્પા બૅટિંગ માટે હતા તૈયાર

મૅક્સવેલ જ્યારે મેદાન પર પડી ગયા તો તાત્કાલિક ઑસ્ટ્રેલિયાના ફિજિયોથેરપિસ્ટ નિક જોન્સ મેજાન પર આવ્યા અને મૅક્સવેલને રાહત આપવાનો પ્રયત્ન કર્યો.

અને જ્યારે ઑસ્ટ્રેલિયન ટીમને લાગ્યું કે મૅક્સવેલ માટે પિચ પર દોડવું મુશ્કેલી ભર્યું રહેશે તો એડમ જમ્પા તેમની જગ્યાએ અન્ય બૅટ્સમૅન તરીકે ક્રીઝ પર આવવા માટે તૈયાર હતા. તેઓ ડ્રેસિંગ રૂમની સીડીઓથી નીચે આવ્યા અને તેઓ મેદાનમાં પણ આવી ગયા. પણ મૅક્સવેલ 'રિટાયર્ડ હર્ટ' તરીકે ક્રીઝ છોડવા નહોતા માગતા.

અનેક લોકો કે જેઓ આઈસીસીના નિયમોથી પરિચિત નથી તેમણે વિચાર્યું કે આ સ્થિતિમાં મૅક્સવેલને રનર મળી જાય તો ઘણી મદદ મળી રહેત.

પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એવું શક્ય નથી. એવું એટલા માટે કારણ કે આઈસીસીએ બૅટ્સમેનના ઘાયલ થવા પર અથવા રન બનાવવામાં મુશ્કેલી થવા પર રનર આપવાની સુવિધા પહેલેથી જ હટાવી દીધી છે.

શું છે આઈસીસીનો નિયમ? સુનીલ ગવાસ્કરે શું કહ્યું?

2011માં આઈસીસીની કાર્યકારી પરિષદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનરનો નિયમ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

આઈસીસીએ કહ્યું કે આ નિર્ણય એ સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે કે રમતની વચ્ચે મેદાનમાં કોઈ અવરોધ ન સર્જાય. 1 ઑક્ટોબર 2011થી આ સુવિધા ઉપલબ્ધ નથી.

ક્રિકેટના નિયમો બનાવનારી સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ કહ્યું કે તેનાથી ક્રિકેટના નિયમો બિલકુલ નહીં બદલાય. જેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના માપદંડોમાં સુધારા માટેનું પગલું ગણાવાયું.

એમસીસીએ કહ્યું કે રનરને પરવાનગી ન આપવાનો નિયમ માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મૅચો પર લાગુ થાય છે. તેમણે કહ્યું કે ડૉમેસ્ટિક ક્રિકેટમાં રનર લેવાની છૂટ હોય છે.

આઈસીસીએ 2011માં લીધેલા આ નિર્ણયને ટીમ ઇન્ડિયાના પૂર્વ કૅપ્ટન સુનીલ ગવાસ્કરે ખોટો ગણાવ્યો હતો.

તેમણે તે સમયે વ્યંગાત્મક ટિપ્પણી કરતા કહ્યું કે બૉલર્સને બાઉન્ડ્રિ પર પાણી આપવાનું પણ બંધ કરી દેવું જોઈએ. તેમણે એનડીટીવીને કહ્યું હતું કે બૉલિંગ કર્યા બાદ ઍનર્જી ડ્રિંક બાઉન્ડ્રી પર બૉલર્સની રાહ જોતું હોય છે.

ઈશાન કિશન બાદ મેક્સવેલ

ઑસ્ટ્રેલિયાનું ટૉપ ઑર્ડર અને બાદમાં બૅટ્સમેનોને જલદી-જલદી આઉટ થતા જોઈને દર્શકોને લાગ્યું કે અફઘાનિસ્તાન આ મૅચમાં એક ચૅમ્પિયનને હરાવવા જઈ રહ્યું છે. જોકે, મૅક્સવેલની રમતે બધાની આશા પર પાણી ફેરવી દીધું. તેમણે અફઘાનિસ્તાનના બૉલર્સ પર ચોક્કા અને છગ્ગાથી હુમલો કરી દીધો.

મૅક્સવેલની શાનદાર બૅટિંગથી ઑસ્ટ્રેલિયાએ 292 રનના લક્ષ્યને 46.5 ઑવરમાં જ પ્રાપ્ત કરી લીધું. અને સેમિફાઇનલમાં જગ્યા પણ બનાવી લીધી. ઑસ્ટ્રેલિયા માટે આ અભૂતપૂર્વ જીત છે.

મૅક્સવેલે ઓપનિંગ ન કર્યા છતાં વન ડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનારા બૅટ્સમૅન તરીકે રૅકૉર્ડ બનાવી લીધો.

મૅક્સવેલ વનડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનારા પહેલા ઑસ્ટ્રેલિયાઈ બૅટ્સમેન પણ છે.

તેમણે બે બૉસ પર સૌથી ઝડપી બેવડી સદી બનાવવાનો વિશ્વ રેકૉર્ડ તોડી નાખ્યો છે.

આ રૅકૉર્ડ ભારતીય ક્રિકેટર ઈશાન કિશનના નામે છે. તેમણે 126 બૉલમાં બેવડી સદી બનાવી હતી.

મૅક્સવેલે 128 બૉલમાં બેવડી સદી ફટકારી.