એન્જેલો મૅથ્યૂઝને એકેય બૉલ રમ્યા વિના કેમ આઉટ આપ્યા? ખરેખર પીચ પર શું થયું?

સોમવારે ભારતમાં આયોજિત વનડે વર્લ્ડકપની 38મી મૅચમાં એશિયાના બે પ્રતિભાશાળી ક્રિકેટિંગ દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામ્યો હતો.

બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ શ્રીલંકાને બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું.

આ મૅચમાં એક અજુગતી ઘટના બની હતી.

મૅચમાં શ્રીલંકાનું સ્કોરકાર્ડ જોતાં ટીમના પાંચમા ક્રમના બૅટ્સમૅન એન્જેલો મૅથ્યૂઝના નામ સામે ‘ટાઇમ્ડ આઉટ’ લખાયેલું જોવા મળે છે. બીજી બાજુ બૅટ્સમૅને કરેલા રન, રમેલા બૉલ, સ્ટ્રાઇક રેટ, ચોગ્ગા-છગ્ગાની તમામ કૉલમમાં ‘0’ ઍન્ટ્રી છે.

ક્રિકેટમાં રસ ધરાવનારા અને થોડું ઘણું જાણનારા લોકોને આ વાત અજુગતી લાગી શકે.

તેમના મનમાં જરૂર એ સવાલ થઈ શકે કે “આખરે કોઈ બૅટ્સમૅન એક પણ બૉલ રમ્યા વગર કઈ રીતે આઉટ થઈ શકે. અને વળી આ ટાઇમ્ડ આઉટ એટલે શું?”

આ ઘટના બાદ મેદાન પર એન્જેલો મૅથ્યૂઝ અને ફિલ્ડ અમ્પાયર વચ્ચે દલીલની તસવીરો પણ સામે આવી હતી.

આ સમગ્ર ઘટનાની તસવીરો આઇસીસીએ ટ્વીટ કરીને શૅર કરી હતી.

આ બનાવ બાદથી ક્રિકેટના ‘ટાઇમ્ડ આઉટ’ નિયમની ચર્ચા થઈ રહી છે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે યોજાયેલી મૅચમાં શ્રીલંકાના ખેલાડી એન્જેલો મૅથ્યૂઝ આંતરરાષ્ટ્રીય ક્રિક્રેટના ઇતિહાસમાં ‘ટાઇમ્ડ આઉટ’ થનારા પ્રથમ ખેલાડી બન્યા હતા.

મેદાન પર ખરેખર શું થયું હતું?

પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી શ્રીલંકન ટીમ 72 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ત્યારે સદિરા સમરવિક્રમા અને ચરિથ અસાલંકાની જોડીએ ટીમ માટે 83 રન જોડીને સ્કોરને 135 સુધી પહોંચાડ્યું હતું.

પરંતુ ત્યારે 25મી ઓવરમાં બાંગ્લાદેશના કપ્તાન શાકીબ અલ હસનના બૉલ પર જામેલા બૅટ્સમૅન સમરવિક્રમાએ મહમુદુલ્લાહને કૅચ આપી દીધો. અને 42 બૉલ રમીને 41 રનના વ્યક્તિગત સ્કોર પેવેલિયન પરત ફર્યા.

તેમના બાદ મેદાન પર એન્જેલો મૅથ્યૂઝ આવવાના હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર મૅથ્યૂઝના હેલ્મેટમાં ‘કોઈક તકલીફ’ હતી.

તેઓ સામાન્ય ક્રમ પ્રમાણે ક્રીઝ પર ઊતરીને બૉલરનો સામનો કરવા જઈ રહ્યા હતા, પરંતુ ત્યારે તેમણે હેલ્મેટ ટાઇટ કરવાનો પ્રયાસ કરતાં તેમના હેલ્મેટની દોરી તૂટી ગઈ, જે બાદ તેમણે નવા હેલ્મેટની માગ કરી.

આ સમગ્ર ઘટનાક્રમને કારણે મૅથ્યૂઝને ક્રીઝ પર આવીને સ્ટ્રાઇક લેવામાં મોડું થયું હતું.

તેમને બેટિંગ પૉઝિશન લેવામાં બે મિનિટ કરતાં વધુ સમય લાગ્યો. આ દરમિયાન બાંગ્લાદેશના કપ્તાના શાકીબ અલ હસને અમ્પાયરને અપીલ કરી. જે માન્ય રાખી ફિલ્ડ અમ્પાયરે મૅથ્યૂઝને આઉટ આપ્યા હતા.

તેમને ટાઇમ્ડ આઉટ અપાયા હતા.

2023ના વર્લ્ડકપના ‘ટાઇમ્ડ આઉટ’ નિયમ અનુસાર - બૅટરે ક્રીઝ પર રહેલા બૅટ્સમૅનના આઉટ થયા બાદ કે રિટાયર થયા બાદની બે મિનિટમાં બૉલ રમવા તૈયાર થઈને પહોંચી જવું જોઈએ, નહીંતર આવનારા બૅટરને આઉટ માનવામાં આવશે.

મૅથ્યૂઝને સ્ટ્રાઇક લેવામાં ત્રણ મિનિટ કરતાં વધુ સમય લાગતા અપીલ બાદ તેમને આઉટ આપી દેવાયા હતા.

મૅથ્યૂઝની ફિલ્ડ અમ્પાયર અને બાંગ્લાદેશની ટીમ સામે દલીલ

આ સમય સુધી શ્રીલંકન ટીમનો સબસ્ટિટ્યૂટ નવો હેલ્મેટ લઈને મેદાન પર પહોંચી ગયો, પરંતુ આ પ્રયાસ એળે ગયો. કારણ કે એ સમય સુધી અમ્પાયરે મૅથ્યૂઝને આઉટ આપી દીધા હતા.

મૅથ્યૂઝે આ નિર્ણય બાદ બાંગ્લાદેશની ટીમના કપ્તાના શાકીબ અને અમ્પાયરને પોતાના હેલ્મેટને કારણે મોડું થયાનું કારણ આપીને સમજાવાનો પ્રયાસ કર્યો પરંતુ આ બધા પ્રયાસો કોઈ કામ ન લાગ્યા.

આઇસીસીએ આ સમગ્ર ઘટનાક્રમની તસવીરો જાહેર કરી હતી.

પ્રથમ તસવીરમાં એન્જેલો મૅથ્યૂઝ હાથમાં હેલ્મેટ પકડેલા દેખાઈ રહ્યા છે. તેમજ બીજી તસવીરમાં તેમના ચહેરા પર ખિન્નતા જોવા મળી રહી છે.

જો આ મામલે બાંગ્લાદેશ તરફથી અપીલ પાછી લઈ લેવાઈ હોત તો અમ્પાયર મૅથ્યૂઝને આઉટ આપવાથી બચી શક્યા હોત.

પરંતુ બાંગ્લાદેશના કપ્તાન પોતાના નિર્ણય પર અડગ રહેલા.

તે બાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં મૅથ્યૂઝ મેદાનથી બહાર નીકળતા પોતાના હેલ્મેટ અને ગ્લવ્ઝ ફેંકતાં દેખાયા હતા.

ફોર્થ અમ્પાયરની સ્પષ્ટતા

ફોર્થ અમ્પાયરે પણ આ મૅચમાં મૅથ્યૂઝને ‘ટાઇમ્ડ આઉટ’ જાહેર કર્યા હતા.

મૅચના ફોર્થ અમ્પાયર એડ્રિયન હોલ્ડસ્ટૉકે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, “એન્જેલો મૅથ્યૂઝ નિશ્ચિત સમયમર્યાદામાં બૉલનો સામનો કરવા તૈયાર ન થઈ શકવાને કારણે આઉટ હતા.”

તેમના નિવેદન અનુસાર જ્યારે કોઈ વિકેટ પડે છે ત્યારે ટીવી અમ્પાયર આ બે મિનિટના સમય સુધી નજર રાખે છે, જે બાદ તે ફિલ્ડ અમ્પાયરને જાણ કરે છે.

“પરંતુ આ કિસ્સામાં બૅટ્સમૅન હેલ્મેટની તકલીફને કારણે બૉલનો સામનો નિશ્ચિત સમયમર્યાદામાં કરવા માટે તૈયાર થઈ શક્યા નહોતા.”

ફોર્થ અમ્પાયર પ્રમાણે આ સમયગાળા દરમિયાન ફિલ્ડિંગ ટીમના કપ્તાન ‘ટાઇમ્ડ આઉટ’ માટે અપીલ કરી શકે છે.

“મેદાન પર ઊતરતા પહેલાં પોતાની વસ્તુઓ બરોબર છે કે કેમ એ જોવાની જવાબદારી ખેલાડીની છે.”