You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રવીન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે પાંચ વિકેટ લીધી તો પણ કોહલી મૅન ઑફ ધ મૅચ, જાડેજાએ જીત બાદ શું કહ્યું?
કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મૅચમાં ભારતે 243 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે.
આ સાથે જ વિરાટ કોહલીએ નૉટઆઉટ 101 રન બનાવીને સચીન તેંડુલકરના વન-ડેમાં 49 સદીના રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી છે.
ભારતે દક્ષિણ આફ્રિકાને માત્ર 83 રનમાં ઑલઆઉટ કરી દીધું હતું. ટીમના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પાંચ વિકેટો લીધી હતી જ્યારે કોહલીએ 121 બૉલમાં તેમની 49મી વનડે સદી ફટકારી હતી.
ભારતે આપેલા 327 રનના લક્ષ્ય સામે દક્ષિણ આફ્રિકા માત્ર 83 રન બનાવીને 27.1 ઑવરોમાં જ ઑલઆઉટ થઈ ગયું.
ભારતની અસરકારક બેટિંગ
ભારતને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરી હતી અને રોહિત શર્મા સાથે શુભમન ગિલ ઑપનિંગમાં ઊતર્યા હતા. ભારતને બંનેએ વિસ્ફોટક બૅટિંગથી ઝડપી શરૂઆત અપાવી હતી.
પરંતુ રોહિત શર્માની પહેલી વિકેટ બાદ શુભમન ગિલ પણ આઉટ થઈ જતા ભારતે 100 રનની અંદર જ 2 વિકેટો ગુમાવી દીધી હતી.
જોકે, શ્રેયસ અને કોહલીએ અર્ધસદી પૂરી કરતા ભારત ફરી એક મજબૂત સ્થિતિમાં આવ્યું હતું.
શ્રેયસ ઐયરે 77 રન અને વિરાટ કોહલીએ 101 રન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંતિમ ઑવરોમાં જાડેજાએ ઝંઝાવાતી બૅટિંગ કરતા 15 બૉલમાં 29 રન ફટકાર્યા હતા અને ભારતનો સ્કોર 326 રન સુધી પહોંચાડ્યો હતો.
દક્ષિણ આફ્રિકા ભારતના બોલરો સામે ટકી ન શક્યું
ભારતીય ટીમની આ વર્લ્ડકપમાં એ ખાસિયત રહી છે કે તેમના દરેક બૉલરો સારું પ્રદર્શન કરી રહ્યા છે.
ગત મૅચમાં મોહમ્મદ શમીએ ચાર વિકેટો ઝડપી હતી તો દક્ષિણ આફ્રિકા સામેની મૅચમાં જાડેજાએ પાંચ વિકેટો ઝડપી હતી.
જાડેજાએ 3 બૅટ્સમેનોને તો ક્લિન બૉલ્ડ કર્યા હતા.
દક્ષિણ આફ્રિકાને મૅચમાં એકપણ મોકો મળ્યો ન હતો અને સમગ્ર ટીમ માત્ર 83 રનમાં જ ધરાશાયી થઈ ગઈ હતી.
મૅન ઑફ ધી મૅચ તરીકે વિરાટ કોહલીને જાહેર કરવામાં આવ્યા હતા.
જાડેજાએ શું કહ્યું?
મૅચ બાદ રવીન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે, “વિરાટ કોહલીએ ફટકારેલી સદી એટલે માત્ર એટલે જ મહત્ત્વની નથી કે તેમણે રેકૉર્ડ સર્જ્યો છે પરંતુ જે પીચ પર આ સદી ફટકારી છે તે પીચ પર બૅટિંગ કરવું અતિશય અઘરું હતું. એક સમયે સ્કોર 270ને પાર જાય તેમ પણ લાગતું ન હતું. જે સમયે રન બનતા ન હતા તે સમયે વિરાટે સતત સ્ટ્રાઇકનું રોટેશન ચાલું રાખ્યું હતું.”
જાડેજાએ એમ પણ કહ્યું હતું કે ભારતની બૅટિંગ પછી તો પીચ બૅટિંગ માટે થોડી સરળ થઈ હોય તેવું લાગતું હતું.
“જ્યારે હું બોલિંગ કરતો હતો ત્યારે પીચમાંથી જે ટર્ન મળતો હતો તેના કરતાં દક્ષિણ આફ્રિકાની બોલિંગ સમયે વધુ ટર્ન મળતો હતો. રોહિતનો પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય પણ ગણતરીપૂર્વકનો હતો. અમારે એ જોવું હતું કે અમે સાંજે ઝાકળ અને ભેજવાળી પરિસ્થિતિમાં કેવી બૉલિંગ કરી શકીએ છીએ.”
રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ તેેમને અભિનંદન આપતું ટ્વીટ કર્યું છે. પાંચ વિકેટ મેળવવા બદલ તેમણે તેમની અત્યાર સુધીની રવીન્દ્ર જાડેજાની મહેનતને બિરદાવી હતી.