ભારત વિ. ઇંગ્લૅંડ : બુમરાહની ઓવરના એ બે બૉલ જેણે ઇંગ્લૅંડની હારનો પાયો નાખ્યો

લખનૌ ખાતે રવિવારે યોજાયેલી વનડે વર્લ્ડકપની મૅચમાં ઇંગ્લૅંડ સામે 229 રનનો સ્કોર ડિફેન્ડ કરવા ઊતરેલી ભારતીય ટીમ પોતાનો વિજયરથ આગળ ધપાવવામાં સફળ રહી હતી.

કપ્તાન રોહિત શર્મા અને સૂર્યકુમારનાં ભરોસાપાત્ર બેટિંગ પ્રદર્શન અને શમી-બુમરાહ સહિતના ભારતીય બૉલરોના તરખાટને બળે મૅચમાં એક તબક્કે મજબૂત દેખાઈ રહેલી ઇંગ્લૅંડની ટીમ 129ના સ્કોરે સમેટાઈ ગઈ હતી. અને ભારતીય ટીમે 100 રને ભવ્ય જીત મેળવી હતી.

આ સાથે જ આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ સતત છ મૅચ જીતી ખિતાબની પોતાની દાવેદારી મજબૂત કરી હતી. સતત છઠ્ઠી જીત સાથે ભારતીય ટીમે વર્લ્ડકપની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે.

હાલ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાને પાછળ મૂકી પૉઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે.

જ્યારે આ હાર સાથે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅંડ આ વખત પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે જ રહેવા પામી હતી.

રોહિતની મજબૂત બેટિંગ અને ભારતીય બૉલરોનો તરખાટ

ટૉસ જીતીને ઇંગ્લૅંડ પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ નિર્ણય પ્રથમ ઇનિંગમાં તેમની ખૂબ સારી બૉલિંગ બાદ પણ તેમને વિજય તરફ ન લઈ જઈ શક્યો.

નોંધનીય છે કે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅંડ પોતાની પ્રથમ પાંચમાંથી ચાર મૅચો ગુમાવી ભારત સામે પોતાની પ્રતિષ્ઠા બચાવવા મેદાનમાં ઊતર્યું હતું, પરંતુ આ વખતેય તેને નિરાશા જ સાંપડી હતી.

ભારત તરફથી કપ્તાન રોહિત શર્માએ અણીના સમયે જવાબદારીપૂર્વકની ઇનિંગ રમીને 87 રન બનાવીને ભારતીય ટીમનો વિજયનો સિલસિલો આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો.

કે. એલ. રાહુલ અને સૂર્યકુમાર યાદવના અનુક્રમે 39 અ 49 રનની ઇનિંગ પણ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ હતી.

બુમરાહે મૅચની પાંચમી ઓવરમાં નાના સ્કોરને ચેઝ કરવા મેદાનમાં આવેલી અને મૅચ જીતી લેવાના આત્મવિશ્વાસથી ભરપુર અને આક્રમક દેખાઈ રહેલી ઇંગ્લૅંડની ટીમની સતત બે વિકેટ ખેરવીને ટીમને દબાણમાં લાવી દીધી. આ એ ઓવર હતી જ્યાંથી મૅચનું પાસું પલટાયું.

આ દબાણ એવું તો સર્જાયું કે ઇંગ્લૅંડની ટીમનો કોઈ ખેલાડી 30 રન કરતાં વધુ વ્યક્તિગત સ્કોર પણ ન કરી શક્યો.

કપ્તાન રોહિત શર્માને તેમની મહત્ત્વપૂર્ણ ઇનિંગ બદલ 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા.

વિરાટ વર્લ્ડકપમાં પહેલી વાર શૂન્ય રને આઉટ

ભારતની શરૂઆત અપેક્ષાથી ઊલટ ધીમી રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે પ્રથમ બે ઓવરમાં માત્ર ચાર રન જ કર્યા.

જોકે, ત્રીજી ઓવરમાં રોહિત શર્માએ બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે પોતાના ઇરાદા જરૂરથી સ્પષ્ટ કરી દીધા.

પ્રથમ વિકેટ માટે 26 રનની પાર્ટનરશિપ પૂરી થતાં ક્રિસ વોક્સે શુભમન ગિલને મૅચની ચોથી ઓવરમાં નવ રનના સ્કોરે બોલ્ડ કરી પેવેલિયન પરત મોકલી દીધા.

ગિલ બાદ વિરાટ કોહલી પિચ પર આવ્યા. પરંતુ તેમણે પોતાનો પ્રથમ રન લેવા માટેય ઝઝૂમવું પડ્યું. મૅચની સાતમી ઓવરમાં ડેવિડ વિલીના ગૂડ લૅન્થ બૉલને હિટ કરવાની કોશિશમાં તેમણે મિડ વિકેટ પર ઊભેલા બેન સ્ટોક્સને કૅચ આપી દીધો.

વિરાટ અંતે શૂન્ય પર જ આઉટ થયા. આ વર્લ્ડકપની તેમની 32મી મૅચ હતી અને પ્રથમ વખત તેઓ આ ટુર્નામેન્ટમાં શૂન્ય પર આઉટ થયા હતા.

તે બાદ ક્રીઝ પર આવેલા શ્રેયસ અય્યરે પણ કંઈ ઝાઝું ન કરી શક્યા અને માત્ર ચાર રન બનાવીને વોક્સનો બીજો શિકાર બની ગયા.

ફૉર્મમાં રમી રહેલા કે. એલ. રાહુલ પીચ પર આવ્યા અને તેમણે રોહિત શર્મા સાથે ચોથી વિકેટ માટે 91 રનની અમૂલ્ય ભાગીદારી નોંધાવી.

2023માં રોહિતે હજાર રન પૂરા કર્યા

આ દરમિયાન રોહિત શર્મા વર્ષ 2023માં એક હજાર રન બનાવનારા ત્રીજા બૅટ્સમૅને પણ બની ગયા.

રોહિત શર્માએ મૅચની 24મી ઓવરમાં પોતની વનડે કારકિર્દીની 54મી અર્ધ સદી પૂર્ણ કરી.

રોહિત-રાહુલની જોડી શતકીય ભાગીદારી તરફ આગળ વધી રહી હતી, પરંતુ 31મી ઓવરમાં વિલીએ બેરેસ્ટોના હાથે કે. એલ. રાહુલને કૅચ આઉટ કરાવી આ ભાગીદારીનો અંત આણ્યો.

કે. એલ. રાહુલે 58 બૉલે 39 રન બનાવ્યા.

મૅચની 37મી ઓવરમાં કપ્તાન રોહિત શર્મા આઉટ થતાં જ અડધી ટીમ ઇન્ડિયા પેવેલિયન પરત ફરી અને એક મોટા સ્કોરની આશા ઝાંખી પડતી દેખાઈ.

રોહિતે 101 બૉલમાં દસ ચોગ્ગા, ત્રણ છગ્ગાની મદદથી 87 રન ફટકાર્યા.

સૂર્યકુમારનું મહત્ત્વપૂર્ણ યોગદાન

તે બાદ સૂર્યકુમાર યાદવે 47 બૉલે 49 રનની ઇનિંગ રમી અને માંડ માંડ ટીમને 200 રન સુધી પહોંચાડી.

ટીમ ઇન્ડિયા મૅચની ત્રીજી ઓવર સુધી 7.33ના રનરેટથી રમી રહી હતી પરંતુ મિડલ ઓવરમાં આ દર ઘટીને 3.23 સુધી પહોંચી ગયો.

જોકે, પહેલાં રોહિત-રાહુલ અને બાદમાં સૂર્યકુમાર યાદવે રનરેટ વધારવાનો પ્રયત્ન કર્યો. છતાં ભારતીય ટીમ 50 ઓવરમાં નવ વિકેટ પર 229 રન જ બનાવી શકી.

ઇંગ્લૅંડ તરફથી ડેવિડ વિલી સૌથી સફળ બૉલર સાબિત થયા. તેમણે દસ ઓવરમાં 45 રન આપીને ત્રણ વિકેટ લીધી.

તેમજ ક્રિસ વોક્સ અને આદિલ રાશીદે બબ્બે વિકેટ મેળવી.

ઇંગ્લૅંડનું બેટિંગ પ્રદર્શન

230 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લૅંડની ટીમે ઇનિંગની શરૂઆત કાળજીપૂર્વક કરી હતી. 4.4 ઓવર સુધી ટીમે વિકેટ ગુમાવ્યા વગર 30 રન બનાવી લીધા હતા. પરંતુ એ પછીના બે બૉલે બુમરાહે બે બૅટ્સમૅનોને પેવેલિયન પરત મોકલીને ઇંગ્લૅન્ડની ટીમ પર દબાણ વધારી દીધું.

બુમરાહે પ્રથમ 16 રનના વ્યક્તિગત સ્કોરે ડેવિડ મલાન અને બીજા જ બૉલે જો રૂટને શૂન્ય પર એલબીડબ્લ્યૂ આઉટ કર્યા.

સતત બે વિકેટ ગુમાવવાને કારણે ઇંગ્લૅંડની ટીમ દબાણમાં આવી ગઈ અને આગામી ત્રણ ઓવર સુધી માત્ર ત્રણ જ રન બનાવી શકી. આઠમી ઓવરના અંતિમ બૉલે શમીએ સ્ટોક્સને બોલ્ડ કરીને ઇંગ્લૅંડની ટીમને ત્રીજો ફટકો આપ્યો.

શમીએ દસમી ઓવરમાં પ્રથમ બૉલ પર બેયરિસ્ટોને પણ બોલ્ડ કર્યા.

આ સમયે ઇંગ્લૅંડનો સ્કોર ચાર વિકેટના નુકસાને 39નો હતો.

ઇંગ્લૅંડની ટીમને પાંચમો ફટકો કુલદીપ યાદવે આપ્યો હતો.

તેમણે પોતાની બીજી જ ઓવરમાં જોસ બટલરને દસ રનના વ્યક્તિગત સ્કોરે બોલ્ડ કર્યા હતા.

આમ, 52 રનના સ્કોરે અડધી ટીમ આઉટ થતાં ઇંગ્લૅંડની ટીમ ડિફેન્સિવ મોડમાં ધકેલાઈ ગઈ હોવાનું દેખાતું હતું.

ઇંગ્લૅંડની ઇનિંગની 24મી ઓવરમાં મોહમ્મદ શમીએ મોઇન અલીને આઉટ કર્યા. તેઓ 31 બૉલમાં 15 રન જ બનાવી શક્યા હતા.

બાદમાં ધીરે ધીરે સ્કોર આગળ વધારી રહેલી ઇંગ્લૅંડની ટીમના આગામી બૅટ્સમૅનો શરૂઆતને મોટા સ્કોરમાં તબદીલ નહોતા કરી શક્યા.

98 રનના સ્કોરે રવીન્દ્ર જાડેજાની બૉલિંગમાં ક્રિસ વોક્સ કે. એલ. રાહુલના સ્ટમ્પિંગનો શિકાર બન્યા હતા. તેઓ 20 બૉલમાં દસ જ રન કરી શક્યા હતા.

મૅચની 30મી ઓવરમાં કુલદીપ યાદવે ઇંગ્લૅંડની ટીમની અંતિમ આશા અને ટોપ સ્કોરર લીએમ લિવિંગસ્ટોનને 27 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કરીને ભારતની જીત લગભગ નિશ્ચિત બનાવી દીધી હતી.

ઇંગ્લૅંડની નવમી વિકેટ 13 રનના વ્યક્તિગત સ્કોરે મજબૂત દેખાઈ રહેલા આદિલ રાશીદની પડી. મોહમ્મદ શમીએ તેમને ક્લીન બોલ્ડ કર્યા હતા.

દસમી અને અંતિમ વિકેટ જસપ્રીત બુમારહે માર્ક વૂડ સ્વરૂપે ખેરવીને ભારતને 100 રને જીત અપાવી હતી.

ભારત તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાએ બૉલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક વિકેટ લીધી હતી.