પાકિસ્તાન વર્લ્ડકપમાંથી નાલેશીપૂર્ણ રીતે બહાર ફેંકાયું તો દોષનો ટોપલો કોના પર ઢોળ્યો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વર્લ્ડકપ 2023ની શરૂઆત પાકિસ્તાનની ટીમે નેધરલૅન્ડ સામે 81 રનથી જીત મેળવીને કરી હતી. ત્યારબાદ તેણે બીજી મૅચમાં શ્રીલંકાને પણ હરાવ્યું હતું. પરંતુ ભારત સામે રમાયેલી મૅચમાં હાર પછી જાણે કે પાકિસ્તાનની વર્લ્ડકપમાં પડતી શરૂ થઈ અને તેણે સતત ચાર મૅચ ગુમાવી.

વાત એટલેથી જ ન અટકી અને પાકિસ્તાન અફઘાનિસ્તાન સામે પણ મૅચ હારી ગયું. ત્યારબાદ પાકિસ્તાનના જ ભૂતપૂર્વ ક્રિકેટરોએ તેની ટીમની ભરપૂર ટીકા કરી હતી. પાકિસ્તાની મીડિયામાં પણ ટીમના પ્રદર્શનને લઈને આકરી ટીકાટિપ્પણી થઈ હતી.

અંતે પાકિસ્તાન આ વર્લ્ડકપમાં સેમિફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર ચાર મૅચ જીતીને તેને સંતોષ માનવો પડ્યો છે.

પાકિસ્તાનના વર્લ્ડકપમાં નિરાશાજનક પ્રદર્શનને કારણે ફરીથી કૅપ્ટન બાબર આઝમ સહિત આખી ટીમને ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ શું કહ્યું?

વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ જવા પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાનની ટીમ અને કૅપ્ટન બાબર આઝમને જાણે કે નિશાના પર લીધા છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે,

"પાકિસ્તાન માટે નિરાશાજનક વર્લ્ડકપનો અંત. તેમણે કોઈ પણ તબક્કેખરેખર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું જ નહોતું. સાતત્યપૂર્ણ ઉદ્દેશ્યનો સ્પષ્ટ અભાવ દેખાઈ રહ્યો હતો. તેમણે ઘણું બધું કરવાની જરૂર છે, પરંતુ તે માટે પણ પહેલાં સ્પષ્ટ ઉદ્દેશ્ય અને હેતુ પર કામ કરવાની ખરેખર જરૂર છે.”

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિરે એક યૂટ્યૂબ શોમાં બાબર આઝમ પર નિશાન સાધતાં કહ્યું હતું, “ માત્ર સિસ્ટમ બદલવાની જરૂર નથી, કૅપ્ટન પણ આ હાર માટે જવાબદાર છે. કૅપ્ટન પણ આ સિસ્ટમનો જ હિસ્સો છે. તેમણે ચાર વર્ષ કૅપ્ટન્સી કરી છે અને આ ટીમ તેમણે બનાવી છે. કૅપ્ટનનો માઇન્ડસેટ નહીં બદલાય ત્યાં સુધી ટીમને ફાયદો નહીં થાય. સમગ્ર સિસ્ટમને જો તમે જવાબદાર ગણી રહ્યા હોવ તો તમારે કૅપ્ટન અને સિસ્ટમ બંનેને સમાનપણે જવાબદાર ગણવા જોઈએ.”

શોએબ મલિકે કહ્યું હતું કે, “સંસાધનોની પણ કમી છે અને કૅપ્ટનમાં સ્માર્ટનેસ દેખાતી નથી. આપણે માત્ર નાની ટીમ સામે જ જીત્યા છીએ એ યાદ રાખવું જોઈએ.”

‘માત્ર બાબર આઝમને જવાબદાર ગણવા અયોગ્ય’

જોકે, પાકિસ્તાનના અમુક ક્રિકેટરોએ કૅપ્ટન બાબર આઝમનો બચાવ કર્યો છે.

પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર રમીઝ રાઝાએ કહ્યુ હતું કે, “જ્યારે તમારા મુખ્ય બૉલરો નવા બૉલથી વિકેટ ન લઈ શકે અને ખૂબ રન આપે તો તેમાં કૅપ્ટન શું કરે? બાબર કઈ રીતે કૅપ્ટન્સી કરે? ”

રમીઝ રાજાએ સમગ્ર સિસ્ટમને આ પ્રદર્શન માટે જવાબદાર ઠેરવી હતી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે પણ એ વાતનું સમર્થન કર્યું હતું કે માત્ર કૅપ્ટનને જ આ પ્રદર્શન માટે જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.

તેમણે જણાવ્યું હતું કે, “એકલો કેપ્ટન જ મૅચ નથી રમી રહ્યો. હા, તેણે આ વર્લ્ડકપ અને એશિયા કપમાં પણ કૅપ્ટનશિપ કરતી વખતે ભૂલો કરી હતી. પરંતુ તે એકલો દોષિત નથી. છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી આ સમગ્ર સિસ્ટમની ખામી છે જ્યાં ખેલાડીઓને ખબર નથી કે કૉચ કોણ છે. તમે માત્ર બાબરને જ બલિનો બકરો ન બનાવી શકો.”

બાબર આઝમનો કૅપ્ટન્સી રેકૉર્ડ

બાબર આઝમે 2015માં ઝિમ્બાબ્વે સામેની મૅચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડૅબ્યૂ કર્યું હતું અને પહેલી જ મૅચમાં તેમણે અડધી સદી ફટકારી હતી

ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી અગાઉ ઑક્ટોબર 2019માં તેમને પાકિસ્તાનની ટી-20 ટીમના કૅપ્ટન તરીકે નીમવામાં આવ્યા હતા.

2020ના મે મહિનામાં તેમને પાકિસ્તાનની વન-ડે ટીમના કૅપ્ટન અને એ જ વર્ષે નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમના કૅપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ઇએસપીએન ક્રિકઇન્ફોના રેકૉર્ડ પ્રમાણે બાબર આઝમે પાકિસ્તાન માટે ત્રણેય ફોર્મેટમાં મળીને કૂલ 134 મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાં તેમની ઓવરઑલ જીતની ટકાવારી 58.2 ટકા રહી છે. ઓવરઑલ જીતની ટકાવારીના આંકડાઓ પ્રમાણે બાબર આઝમ પાકિસ્તાનના ત્રીજા સૌથી સફળ કૅપ્ટન છે.

બાબર આઝમે વન-ડેમાં કુલ 43 મૅચમાં કૅપ્ટન્સી કરી છે જેમાંથી 26 મૅચમાં પાકિસ્તાનની જીત થઈ છે.

પાકિસ્તાનનું વર્લ્ડકપમાં પ્રદર્શન

પાકિસ્તાન અત્યાર સુધીમાં માત્ર એકવાર જ વન-ડે વર્લ્ડકપમાં ચૅમ્પિયન બની શક્યું છે. ત્યારે ટીમના કૅપ્ટન ઇમરાન ખાન હતા.

છેલ્લે 1992માં ચૅમ્પિયન બન્યા બાદ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ 31 વર્ષથી વર્લ્ડકપની ટ્રોફીનો ઇંતેજાર કરી રહ્યા છે.

છેલ્લે 2011ના વર્લ્ડકપમાં પાકિસ્તાન સેમિફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું. છેલ્લા બે વર્લ્ડકપથી તો પાકિસ્તાન ગ્રૂપ સ્ટેજની મૅચોમાં જ વર્લ્ડકપની બહાર ફેંકાઈ જાય છે.