જસપ્રીત બુમરાહ : કપિલદેવ પણ ચૂકી ગયા એ સિદ્ધિ હાંસલ કરનાર ‘યૉર્કરનો જાદુગર’

    • લેેખક, શારદા મિયાપુરમ
    • પદ, બીબીસી સંવાદદાતા

જસપ્રીત બુમરાહ આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરનાર પહેલા ભારતીય ફાસ્ટ બૉલર બન્યા છે. આ સાથે જ બુમરાહે એ સાબિત કર્યું છે કે તેઓ હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બૉલર છે.

લગભગ 44 વર્ષ પહેલાં, ભારતના ધુરંધર ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કપિલદેવ આ રૅન્કિંગમાં પ્રથમ ક્રમ હાંસલ કરવાથી ચૂકી ગયા હતા. 1979-80માં જાહેર થયેલી ટેસ્ટ રૅન્કિંગમાં કપિલદેવ બીજા નંબરે રહ્યા હતા.

તાજેતરમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટેસ્ટના શ્રેષ્ઠ બૉલરોની રૅન્કિંગ જાહેર કરતાં બુમરાહે હવે એ સિદ્ધિ હાંસલ કરી લીધી, જે કપિલદેવ પણ નહોતા મેળવી શક્યા.

બુમરાહે હાલમાં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચમાં વિશાખાપટ્ટનમમાં નવ વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ તેઓ 881 પૉઈન્ટ સાથે પહેલા ક્રમે પહોંચી ગયા હતા.

આ સાથે જ બુમરાહે રવિચંદ્રન અશ્વિનને પાછળ રાખી દીધા છે, જેઓ 841 પૉઈન્ટ સાથે અત્યાર સુધી ટેસ્ટમાં પ્રથમ ક્રમના બૉલર હતા. અશ્વિન માર્ચ 2023થી પહેલા ક્રમે હતા.

નોંધનીય છે કે આ પહેલાં સુધી બુમરાહ આ રૅન્કિંગમાં ત્રીજા ક્રમે જ પહોંચી શક્યા હતા.

યૉર્કરના બાદશાહ બુમરાહ

હાલ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચોની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. જેની પહેલી મૅચ હૈદરાબાદમાં જ્યારે બીજી મૅચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. બુમરાહને વિશાખાપટ્ટનમ મૅચમાં ‘પ્લૅયર ઑફ ધ મૅચ’ જાહેર કરવામાં આવ્યા હતા.

આ મૅચમાં બુમરાહે ઑલી પૉપને જે રીતે ઘાતક યૉર્કર ફેંકીને બૉલ્ડ કર્યા હતા તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. સંજય માંજરેકરે કહ્યું હતું કે, “આ પ્રકારની બૉલિંગ સ્પેશિયલ બૉલર હોય એ જ કરી શકે છે. આ મેં જોયેલા શ્રેષ્ઠતમ યૉર્કરમાંથી આ એક હતો.”

આઇસીસી ટેસ્ટ રૅન્કિંગમાં પ્રથમ ક્રમે પહોંચનાર ચોથા ભારતીય બૉલર

બુમરાહે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 45 રન આપી અને છ વિકેટ ઝડપી હતી. આમ, કુલ દસમી વખત એવું બન્યું હતું જ્યારે તેમણે એક જ દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હોય.

તેમણે આ સિદ્ધિ 34 ટેસ્ટમાં હાંસલ કરી બતાવી છે.

તેમજ આ ટેસ્ટની બીજી ઇનિંગમાં 46 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

આમ, આ મૅચમાં કુલ નવ વિકેટ ઝડપીને તેમણે ટેસ્ટમાં સૌથી ઝડપી 150 વિકેટ ઝડપનાર ભારતીય બૉલર તરીકેનો વધુ એક રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.

નોંધનીય છે કે બુમરાહે હૈદરાબાદ ટેસ્ટમાં પણ છ વિકેટ ઝડપી હતી.

બુમરાહે આ સિરીઝમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી છે. તેમણે 10.67ની સરેરાશથી 15 વિકેટ ઝડપી છે. જોકે, તેમના શાનદાર દેખાવ છતાં ભારત હૈદરાબાદ ટેસ્ટ 28 રનથી હારી ગયું હતું.

બુમરાહની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે, કારણ કે અત્યાર સુધી માત્ર ચાર ભારતીય બૉલર જ આઇસીસી ટેસ્ટ બૉલિંગ રૅન્કિંગમાં ટોચ પર પહોંચી શક્યા છે.

બુમરાહ આ યાદીમાં પ્રથમ ક્રમે પહોંચનાર ચોથા બૉલર અને પ્રથમ ફાસ્ટ બૉલર છે. બુમરાહ પહેલાં રવિચન્દ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને બિશનસિંહ બેદી નંબર વન બૉલર બની ચૂક્યા છે.

વિશેષ બૉલિંગ ઍક્શનને કારણે ઈજા

બુમરાહની બૉલિંગ ઍક્શન ખૂબ અલગ પડે છે. તેમની બૉલિંગ ઍક્શનને કારણે તેમને ઓછા રનઅપ છતાં વધુ ગતિ મળે છે.

વિશેષજ્ઞો માને છે કે આ પ્રકારની બૉલિંગ ઍક્શનને કારણે તેઓ લાંબા સમય સુધી બૉલિંગ નહીં કરી શકે.

પરંતુ ઉંમર અને ફિટનેસને કારણે બુમરાહને કારકિર્દીના પહેલા પાંચ વર્ષમાં હજુ સુધી આ પ્રકારની કોઈ મુશ્કેલી પડી નથી. તેઓ ક્રિકેટના તમામ ફોર્મેટમાં ખૂબ સફળ રહ્યા છે. જોકે, તેઓ થોડા સમય પહેલાં ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ એ ગંભીર ઈજા ન હતી.

2018માં ડાબા અંગૂઠામાં ઈજાને કારણે તેમને ઇંગ્લૅન્ડ સામેની ત્રણ ટી-20 મૅચ અને બે ટેસ્ટ ગુમાવવી પડી હતી.

2019માં બુમરાહ પીઠના નીચેના ભાગે ફ્રૅક્ચર થયું હતું. જેના કારણે તેઓ ચાર મહિના સુધી ક્રિકેટથી દૂર હતા.

બ્રિટનમાં સારવાર કરાવ્યા બાદ તેઓ ભારત-ન્યૂઝીલૅન્ડ શ્રેણી માટે ટીમમાં પરત ફર્યા હતા.

સાજા થયા બાદ ક્રિકેટ વર્લ્ડકપમાં મળી તક

2022માં પીઠના દુખાવાએ બુમરાહને ગંભીર અસર કરી હતી. આ કારણે તેઓ લાંબા સમય સુધી રમતથી દૂર રહ્યા. શરૂઆતમાં એવું લાગતું હતું કે આ સમસ્યામાંથી બહાર આવવામાં ઓછામાં ઓછા છ મહિનાનો સમય લાગશે. પરંતુ સાજા થવામાં લગભગ 12 મહિનાનો સમય લાગ્યો હતો.

બુમરાહ આ ઈજાને કારણે 2022 ટી20 વર્લ્ડકપ તેમજ ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચ ચૂકી ગયા હતા.

માર્ચ 2023માં તેમની પીઠની સર્જરી થઈ હતી. નૅશનલ ક્રિકેટ ઍકેડમીમાં ચાર મહિના ગાળ્યા બાદ, બુમરાહ ઑગસ્ટમાં આયર્લૅન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમમાં પાછા ફર્યા હતા.

ત્યારથી તેઓ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે.

બુમરાહે ભારતમાં 5 ઑક્ટોબરથી 19 નવેમ્બર, 2023 દરમિયાન યોજાયેલા આઇસીસી વનડે વર્લ્ડકપમાં 11 ઇનિંગમાં 20 વિકેટ ઝડપી હતી.

ટુર્નામેન્ટમાં બુમરાહના પ્રદર્શન વિશે વાત કરતા ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે તેની પ્રશંસા કરતા કહ્યું કે, "તે પેઢીઓમાં એક જોવા મળે તેવો બૉલર છે".

દ્રવિડે બુમરાહની પ્રશંસા કરતા કહ્યું હતું કે, “તેની પાસે તમામ ફોર્મેટ રમવાની કુશળતા અને મૅચના દરેક તબક્કે પ્રભાવ પાડવાની ક્ષમતા છે. તે મૅચવિનર ખેલાડી છે.”

કોચે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે પુનરાગમન કર્યા બાદ બુમરાહને સારું પ્રદર્શન કરતાં જોઈને સારું લાગે છે.

બુમરાહે કહ્યું હતું કે, “ઈજામાંથી સાજા થઈને પુનરાગમન કરીને હું ખુશ છું.” તેમણે કહ્યું કે રિકવરીમાં અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો છે.

ત્યાર બાદ બુમરાહે ટેસ્ટમાં પણ સતત વિકેટ લેવાનું ચાલુ રાખ્યું હતું.

બુમરાહે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીથી શરૂ કરીને તાજેતરમાં યોજાયેલી વિશાખાપટ્ટનમ ટેસ્ટ સુધી રમાયેલી સાત ટેસ્ટમાં કુલ 27 વિકેટ લીધી છે.

'સૌપ્રથમ યૉર્કર બૉલ ફેંકતા શીખ્યો'

વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં પ્લેયર ઑફ ધ મૅચ બન્યા બાદ બુમરાહે કહ્યું, “મને નંબરની પરવાહ નથી. જો તમે નંબર સામે જુઓ તો તણાવ વધે છે.”

"ભારતને મૅચ જીતવામાં મદદ કરવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરવા માટે પ્રતિબદ્ધ છું. ટેનિસ બૉલ ક્રિકેટ રમતી વખતે મેં જે પ્રથમ બૉલ નાખતા શીખ્યો તે યૉર્કર હતો.”

“મને લાગતું હતું કે વિકેટ લેવાનો એકમાત્ર રસ્તો યૉર્કર છે. એટલા માટે મેં ઑલી પૉપને યૉર્કર ફેંક્યો. હું ફાસ્ટ બૉલિંગનો લીડર નથી, પરંતુ અમે ચર્ચા કરીએ છીએ. અન્ય પેસરોને માર્ગદર્શન આપવાની જવાબદારી મારી છે.”