કોહલીના 'ક્લાસ' અને રોહિતની 'રીત'થી ભારતને કેવી રીતે આક્રમક બૅટ્સમૅન મળ્યો?

    • લેેખક, વિમલકુમાર
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર, બીબીસી હિંદી માટે

આ વાત છે વર્ષ 2023ના ભારતીય ક્રિકેટ ટીમના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની. યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલી બારબાડોસના કેન્સિંગટન ઓવલમાં પાસપાસે નેટ્સમાં બેટિગ કરી રહ્યા હતા.

જયસ્વાલ જ્યારે પણ કોઈ શૉટ્સ રમતા કે પછી ડિફેન્ડ કરતા તો બાજુમાં કોહલી અચાનક જ રોકાઈને તેમની બેટિંગ જોતા.

બેટિંગના સેશન દરમિયાન આવી તકો ઘણી ઓછી હોય છે, જ્યારે કોહલી પોતાના સિવાય અન્યની બેટિંગ પર ધ્યાન આપી રહ્યા હોય. પરંતુ એવું લાગ્યું કે જયસ્વાલ વારંવાર તેમનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા હતા.

જ્યારે નેટ્સમાં બેટિંગનું સેશન ખતમ થયું તો કોહલીએ જયસ્વાલને બોલાવ્યા અને તેમને મેદાનના બીજા છેડે લઈ ગયા. લગભગ અડધા કલાક સુધી કોહલીએ મુંબઈના આ યુવાન બૅટ્સમૅન સાથે સમય પસાર કર્યો અને તેઓ બેટિંગ કોચની ભૂમિકામાં દેખાયા.

ભારતના દિગ્ગજ બૅટ્સમૅન પાસેથી જયસ્વાલને બેટિંગનો ‘માસ્ટર ક્લાસ’ મળી રહ્યો હતો, જે ભારતીય ટીમના દરેક ખેલાડીને સરળતાથી નથી મળતી.

કોહલીના હાવભાવ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ જયસ્વાલમાં ભારતીય બેટિંગના ભવિષ્યને જોઈ રહ્યા છે અને કદાચ તેમને એવું જ માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, જેવું પોતાની પ્રારંભિક કારકિર્દીમાં તેમને સચીન તેંડુલકર પાસેથી મળ્યું હતું.

અંગ્રેજો સામે એકલપંડે ઝઝૂમ્યા

ઇંગ્લૅન્ડ વિરુદ્ધ વિશાખાપટ્ટનમ ટેસ્ટના બજા દિવસે જ્યારે જયસ્વાલે બેવડી સદી નોંધાવી તો ટેસ્ટ ક્રિકેટમાં તેઓ બ્રાયન લારા બાદ બીજા એવા ખેલાડી બની ગયા, જ્યારે એક ઇનિંગ દરમિયાન કોઈ બૅટ્સમૅને બેવડી સદી નોંધાવી હોય અને અન્ય બૅટ્સમૅનો 34નો સ્કોરેય પાર ન કરી શક્યા હોય.

આવું લારાએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં કર્યું હતું.

જયસ્વાલની એકાગ્રતા અને આક્રમકતાના શાનદાર સમન્વયથી એ સ્પષ્ટ હતું કે તેઓ પોતાના યુવાન ખભા પર ભારતીય બેટિંગ લાઇનઅપનો ભાર ઉઠાવવાવાળી પરિપક્વતા હાંસલ કરવાના અત્યંત નિકટ છે.

વિરાટ કોહલીની ગેરહાજરીમાં રમાયેલ આ ઇનિંગે ભારતીય ક્રિકેટ સમર્થકોને એ વાતનો વિશ્વાસ જરૂર અપાવ્યો હશે કે આગામી સમયમાં જયસ્વાલ આશાનું કિરણ છે.

રોહિત શર્માએ આપી સલાહ

જયસ્વાલના એ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ સાથે જોડાયેલો વધુ એક કિસ્સો છે, જે કપ્તાન રોહિત શર્મા સાથે સંકળાયેલો છે.

ડોમિનિકામાં જયસ્વાલને પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં તક મળવાની હતી. રોહિત શર્માએ આ વાત તેમને મૅચ પહેલાં જ જણાવી દીધેલી.

વર્ષ 2023માં આઇપીએલમાં રાજસ્થાના રૉયલ્સ માટે જયસ્વાલે માત્ર 14 મૅચોમાં શાનદાર 625 રન બનાવ્યા હતા.

આ સિવાય તેઓ મુંબઈની રણજી ટ્રૉફી ટુર્નામેન્ટ અને ઇન્ડિયા એ માટે પણ નિયમિતપણે રન બનાવી રહ્યા હતા. પરંતુ ટેસ્ટ તો ટેસ્ટ છે અને જયસ્વાલ ઉત્સાહિત હોવાની સાથોસાથ થોડા નર્વસ પણ હતા.

રોહિતે જયસ્વાલને કહ્યું, “જો ભાઈ, તારે ઝાઝું વિચારવાનું નથી. એવું નથી વિચારવાનું કે આઇપીએલમાં આવું કર્યું છે, રણજીમાં આવું કર્યું છે તેથી અહીં પણ આવું જ પ્રદર્શન કરી બતાવીશ. તું જા અને બેફિકર થઈને રમ.”

“ઠીક છે આ ટેસ્ટ ક્રિકેટ છે. પોતાની જાતને હંમેશાં એવું જ કહેતો રહેજે કે હું ક્લબથી માંડીને રણજી અને આઇપીએલમાં કોઈ ખાસ કારણસર રન બનાવીને ઇન્ડિયા માટે ટેસ્ટ રમી રહ્યો છું. અને એ જ કામ હું અહીં પણ કરી શકું છું. બોલનારા તો ઘણું બધું બોલશે, પરંતુ પોતાની જાત પર શંકા ન કરતો, બસ શીખતો રહેજે.”

બાદમાં જયસ્વાલે આ સલાહ અમલમાં પણ મૂકી. પ્રથમ ટેસ્ટમાં જ તેમણે સદી નોંધાવી દીધી. પાંચ ટેસ્ટ મૅચ બાદ હવે 22 વર્ષના આ બૅટ્સમૅને પોતાની કારકિર્દીમાં પ્રથમ સદી પણ નોંધાવી દીધી છે.

ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે જયસ્વાલની ઉંમરમાં બેવડી સદી નોંધાવનાર ખેલાડીઓમાં માત્ર વિનોદ કાંબલી અને સુનીલ ગાવસ્કરનું જ નામ સામેલ છે.

19 ચોગ્ગા અને સાત છગ્ગા સાથે જ્યારે 209 રનની ઇનિંગ રમીને જયસ્વાલ પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે ટેસ્ટ ક્રિકેટમાં પણ તેમના ટી20 ક્રિકેટવાળા આક્રમક વલણની ઝલક સ્પષ્ટપણે જોવા મળી રહી હતી, કારણ કે તેમનો સ્ટ્રાઇક રેટ 72નો હતો.

એક સમયે મુંબઈમાં વેચતા પાણીપુરી

12 વર્ષની ઉંમરે ઉત્તરપ્રદેશના ભદોહીથી મુંબઈ પહોંચનાર યશસ્વી જયસ્વાલના સંઘર્ષ પર એક પ્રેરણાદાયક ફિલ્મ બની શકે છે.

સોશિયલ મીડિયા અને મુખ્ય પ્રવાહનાં મીડિયામાં ઘણી વાર જયસ્વાલના સંઘર્ષના દિવસો અંગે વાત કરાય છે, જ્યારે તેઓ ટેન્ટમાં રહીને સમય પસાર કરતા અને મુંબઈની ગલીઓમાં પાણીપુરી વેચવાનો ધંધો કરતા.

પરંતુ હવે તેઓ મેદાનની બહારના આ કિસ્સાના સ્થાને પીચ પર પોતાની પ્રતિભાના દમ પર સમાચારોમાં છવાઈ રહ્યા છે.

જે આક્રમકતા સાથે જયસ્વાલ છગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી અને બાદમાં બેવડી સદી સુધી પહોંચ્યા ત્યાં સુધી પણ એવો જ અંદાજ જાળવી રાખ્યો, તેનાથી સ્પષ્ટ છે કે આ ખેલાડીમાં ખરેખર દમ છે, એટલે જ તો વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ આ બૅટ્સમૅનને ભારતીય ક્રિકેટના વારસાને આગળ વધારનાર ખેલાડી તરીકે જુએ છે.

છેલ્લે છેલ્લે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનો વધુ એક કિસ્સો. અંજિક્ય રહાણે પ્રેસ-કૉન્ફરન્સ કરી રહ્યા હતા અને કપ્તાન રોહિત શર્મા રિપોર્ટરની ભૂમિકામાં તેમને સવાલ કરી રહ્યા હતા.

મેદાનના બીજા છેડે જયસ્વાલ બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે જ એક જબરદસ્ત શૉટનો અવાજ સંભળાય છે અને બૉલ બિલકુલ રોહિત અને રહાણેની નજીક આવીને પડે છે.

રોહિત હળવા અંદાજમાં કહે છે, “અરે જયસ્વાલ, શું કરી રહ્યો છે? મૅચમાં પણ આવી જ રીતે મારીશ કે કેમ!”

જયસ્વાલે શો જવાબ આપ્યો, એ તો અમને ન સંભળાયો, પરંતુ જે અંદાજમાં તેઓ ટેસ્ટ ક્રિકેટમાં બેટિંગ કરી રહ્યા છે, એના પરથી તેમણે એ સમયે કદાચ કહ્યું હશે કે, “ટેસ્ટમાં પણ આવી જ રીતે ફટકારીશ.”