You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધ્રુવ જુરેલ: મહેન્દ્રસિંહ ધોનીની ઝલક દેખાય છે એ ખેલાડીમાં શું ખાસ છે?
- લેેખક, વિમલકુમાર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, રાંચીથી
ઈશાન કિશન કેટલાક મહિનાઓ અગાઉ ત્રણ ફૉર્મેટમાં ટીમ ઇન્ડિયાના નિયમિત વિકેટકીપર બૅટ્સમૅન તરીકે રમી રહ્યા હતા. પણ બે મહિના અગાઉ ટીમ ઇન્ડિયા જ્યારે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે હતી ત્યારે ઈશાન કિશન અચાનક ભારત પાછા આવી ગયા.
કારણ એ હતું કે તેઓ માનસિક રીતે થાક અનુભવી રહ્યા હતા. આ પછી કેરળના રાહુલે ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા નિભાવી.
ઋષભ પંત ટીમ ઇન્ડિયાથી દૂર હતા દરમિયાન અલગઅલગ ફૉર્મેટમાં કે. એસ. ભરત, સંજુ સેમસન અને જિતેશ શર્મા વિકેટકીપર બૅટ્સમૅનની જગ્યા માટે દાવો રજૂ કરતા રહ્યા હતા.
આ નામો ઉપરાંત તમે ભારતીય ક્રિકેટને સ્થાનિક સ્તરે પણ અનુસરતા હોય તો તમે વિકેટકીપર બૅટ્સમેન તરીક ક્યારેક ક્યારેક ઉપેન્દ્ર યાદવનું નામ પણ સાંભળ્યું હશે.
ધ્રુવ જુરેલ વિશે કદાચ જ કોઈ વાત કરતું હશે પણ માત્ર 10 દિવસમાં જ બધું બદલાઈ ગયું.
રાંચીમાં રમી યાદગાર રમત
રાંચીમાં કારકિર્દીની બીજી જ ટેસ્ટ મૅચ રમતા ઉત્તર પ્રદેશના જુરેલે એવી રમત દાખવી જેનો અંદાજ તેમને પોતાને પણ નહીં હોય.
સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજે તેમનામાં મહેન્દ્રસિંહ ધોની જેવા વ્યક્તિત્વની ઝલક જોઈ. તો ટીમ ઇન્ડિયાના પૂર્વ બૉલર રુદ્રપ્રતાપસિંહે જણાવ્યું કે જ્યારે રાંચીમાં તેમની મુલાકાત ધ્રુવ સાથે થઈ તો તેમણે આ યુવા ખેલાડીને કહ્યું, ''ભવિષ્યમાં કદાચ તમે અનેક ચઢિયાતી મૅચ રમશો પણ જ્યારે પણ પોતાની કારકિર્દી તરફ પાછા વળી નજર કરશો તો આ મૅચમાં રમેલી રમત પર તમને આનંદ થશે.''
''આવું બહુ ઓછું બને છે કે કોઈ યુવા ખેલાડી એવા સમયે બેટિંગ કરવા આવે છે જ્યારે મૅચ જ નાજુક સ્થિતિમાં નથી, પણ તેની અસર એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પર પણ પડી શકે છે. આવામાં જે શાંત ભાવે તમે બેટિંગ કરી છે એ બાબતે રાંચીના મારા મિત્ર માહીને પણ ઘણુ સારું લાગ્યું હશે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીએ રાંચીમાં તો ધ્રુવને બેટિંગ કરતા નથી જોયા અને એ કહેવું પણ મુશ્કેલ છે કે તેમણે ટીવી પર પણ ક્યારેય 90 રનોની શાનદાર રમતને જોઈ છે કે નહીં,
પણ પ્રતિભાને ઓળખવાના મામલામાં શ્રીલંકાના મહાન ખેલાડી અને પૂર્વ વિકેટકીપર બૅટ્સમૅન કુમાર સંગાકારાના અભિપ્રાયને પણ ઓછો ના આંકી શકાય.
કુમાર સંગકારાએ પ્રતિભાને ઓળખી
આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ માટે ડિરેક્ટર ઑફ ક્રિકેટની ભૂમિકા નિભાવનારા સંગકારા ગયા વર્ષે ટીમમાં સંજુ સેમસન અને જૉશ બટલર જેવા કીપર-બૅટ્સમૅનની હાજરી ઉપરાંત જુરેલની પ્રતિભાને યોગ્ય સમયે તક આપવાથી ખચકાયા નહીં.
ઇમ્પૅક્ટ ખેલાડી તરીકે એક મૅચમાં માત્ર 15 બૉલમાં 32 રન બનાવ્યા પછી જુરેલ દરેક મૅચમાં રમ્યા અને તેમના 152 રનોથી વધારે તો તેમના 172.73ના સ્ટ્રાઇક રેટે દરેકનું ધ્યાન ખેંચ્યું.
પરંતુ, એ વાતે પણ લોકોને આશ્ચર્ય થયું કે આવી આક્રમકતાથી રમનારો આ ખેલાડી સફેદ બૉલના બદલે લાલ બૉલના ક્રિકેટમાં પણ આટલા સંયમથી કેવી રીતે રમી શકે છે?
રાજકોટમાં પોતાની પહેલી ટેસ્ટ મૅચમાં જુરેલને બેટિંગ કરવાની તક મળી પણ એ પહેલાં તો ટીમના સ્પીનર્સનો વારો આવી ગયો હતો.
પણ પહેલા જ દાવમાં અડધી સદી બનાવવામાં ચાર રનથી તેઓ ચૂકી ગયા છતાં તેમના ચહેરા પર ઉદાસી નહોતી.
ધ્રુવની ટીમભાવના
રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે જુરેલ જ્યારે પ્રેસ-કૉન્ફરન્સમાં આવ્યા તો તેમને પ્રશ્ન પુછાયો કે આ વખતે તેમને સદી ફટકારવાથી ચૂકી ગયાનો અફસોસ તો નથી ને? જુરેલે સહજતાથી જવાબ આપ્યો કે બિલકુલ નહીં.
રાંચીમાં જીત પછી રોહિત શર્માએ ભાર આપતા કહ્યું કે તેમની ટીમના કેટલાક યુવા ખેલાડીઓ વ્યક્તિગત રેકૉર્ડ અને રનને મહત્ત્વ ના આપી ટીમ વિશે વિચારી રહ્યા છે અને ટીમની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી રહ્યા છે.
કપ્તાનનો ઇશારો જુરેલ જેવા ખેલાડીઓ તરફ જ હતો.
હકીકતમાં ટીમ માટે રમતી વખતે વ્યક્તિગત હિતોનું બલિદાન આપવાની પ્રેરણા અને શીખ તેમને વારસામાં મળ્યાં છે. જુરેલના પિતા કારગિલ યુદ્ધમાં દેશની સેવા કરી ચૂક્યા છે.
ભલે દીકરો સેનામાં ના જોડાયો પણ ક્રિકેટ રમતા તેઓ દેશ માટે એ જ ભાવ સાથે મેદાનમાં ઊતરે છે. રાંચીમાં જુરેલે પિતાને એક સૈનિકની જેમ જ સલામી આપી હતી અને આજે આખી દુનિયા જુરેલના આત્મવિશ્વાસને સલામ કરી રહી છે.
દબાણમાં આવ્યા વિના રમી શાનદાર રમત
રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારત 192 રનના લક્ષ્યનો પીછો કરતા એક સમયે એક વિકેટના નુકસાન પર 99 રન બનાવી ચૂક્યું હતું.
જીત સહજ લાગતી હતી પણ અચાનક જ 21 રનમાં ચાર ખેલાડી આઉટ થઈ ગયા. ટીમ ઇન્ડિયા સંપૂર્ણ રીતે દબાણમાં આવી ગઈ.
આ સ્થિતિમાં શુભમન ગિલને બીજા છેડા બાબતે કોઈ વિચાર ના આવ્યો, કારણ કે તેમને ખબર હતી કે સાથ આપવા માટે જુરેલ છે.
જુરેલે ફરીથી નોટઆઉટ રહી 39 રન બનાવ્યા. આના કારણે તેમને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મળ્યો.
પહેલા દાવમાં જ્યારે જુરેલ બેટિંગ માટે આવ્યા હતા તો 155 રન પર જ ટીમ ઇન્ડિયાની પાંચ વિકેટ જતી રહી હતી. જલદી જ આ સ્કોર સાત વિકેટના નુકસાન પર 177 રનો પર આવી ગયો હતો.
આવી વધારે પડતા દબાણવાળી સ્થિતિમાં જુરેલે મૅચના ત્રીજા દિવસે લંચ બ્રેક સુધી આક્રમકતા અને સમજદારી વચ્ચે તાલમેલ દાખવતા 90 રન બનાવ્યા.
તેમની આ રમતના દરેક વ્યક્તિ ચાહક બની ગયા અને ચર્ચા એ થવા લાગી કે શું ટી-20 વર્લ્ડકપ માટે જુરેલની દાવેદારી અન્ય વિકેટકીપર બૅટ્સમૅન સાથે મજબૂત બની ગઈ છે.
ધ્રુવ જુરેલની કારકિર્દીની દિશા
બે દાયકા અગાઉ ધોની સાથે થયું હતું એવી જ રીતે 23 વર્ષના જુરેલને પરિસ્થિતિએ ટેસ્ટ ક્રિકેટના પડકારનો સામનો કરવા અચાનક જ મોકલી દીધા.
તે સમયે પાર્થિવ પટેલ અને દિનેશ કાર્તિકને જ ભારતીય વિકેટકીપિંગનું ભવિષ્ય કહેવામાં આવતા હતા.
ત્યારે પસંદગીકારો અને ટીમ મૅનેજમૅન્ટે ધોનીના ઓછા અનુભવને અવગણીને તેમને ટીમમાં સામેલ કર્યા. તેમનું માનવું હતું કે ધોની માત્ર સફેદ બૉલથી જ સારું રમે છે.
જુરેલે તેમના અત્યાર સુધીની કારકિર્દીમાં માત્ર 15 ફર્સ્ટ ક્લાસ મૅચ રમી છે. કેટલાય સમય અગાઉ સુધી તો તેમને પોતાના રાજ્યની ટીમમાં પણ સહજ રીતે તક નહોતી મળતી.
પણ રાજકોટ અને રાંચીએ જુરેલની કારકિર્દીને એક નવી દિશા આપી છે.
ધોનીના રસ્તે ચાલવું કદાચ આ યુવા ખેલાજી માટે મોટું લક્ષ્ય હોય પણ તેમનામાં પંતનો વિકલ્પ કે પછી ભાગીદાર બનાવની યોગ્યતા તો છે જ.