ભારતના 4 ખેલાડી આફ્રિકાના 11 ખેલાડીને કેવી રીતે ભારે પડ્યા?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકામાં વનડે શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે.

ભારત પાંચ વર્ષ બાદ દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે મૅચ જીત્યું છે.

આ પહેલાં ભારતે ફેબ્રુઆરી 2018માં અહીં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું.

જોહનિસબર્ગમાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને આઠ વિકેટે હરાવ્યું છે.

આ મૅચમાં ભારતીય બૉલર અર્શદીપસિંહ અને આવેશ ખાને જોરદાર બૉલિંગ કરીને આફ્રિકાની ટીમને માત્ર 116 રન સુધી જ રોકી દીધી હતી.

ભારતીય ટીમે 117 રનનો લક્ષ્યાંક 17મી ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતે જીત મેળવી ત્યારે 200 બૉલ બાકી હતી.

પહેલી વનડે રમી રહેલા ઓપનર સાઈ સુદર્શને અણનમ 55 રન કર્યા હતા. શ્રેયસ અય્યર 52 રન કરીને આઉટ થયા હતા.

ઓપનર ઋતુરાજ ગાયકવાડે પાંચ રન કર્યા હતા. તિલક વર્મા એક કરીને અણનમ રહ્યા.

અર્શદીપે પાંચ અને અવેશે ચાર વિકેટ ઝડપી હતી.

ભારતીય બૉલરોનો તરખાટ

ભારતીય ક્રિકેટ ટીમના બૉલર અર્શદીપસિંહ અને આવેશ ખાને રવિવારે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બૉલિંગથી તરખાટ મચાવી દીધો.

વનડે વર્લ્ડકપ પછી પોતાની પહેલી એક દિવસીય મૅચ રમી રહેલી ટીમ ઇન્ડિયાએ શરૂઆતથી જ મૅચ પર પોતાની પકડ મજબૂત બનાવી લીધી.

ટૉસ દક્ષિણ આફ્રિકી ટીમે જીત્યો અને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો પણ અર્શદીપે તેમની પહેલી જ ઓવરમાં સતત બે બૉલમાં દક્ષિણ આફ્રિકાના બે બૅટ્સમૅનને આઉટ કર્યા.

આ અર્શદીપસિંહની ચોથી વનડે છે અને તેમણે પહેલી વાર એક દિવસીય મૅચમાં વિકેટ લીધી છે.

શરૂઆતથી જ બનાવી મજબૂત પકડ

મૅચની બીજી ઓવરના ચોથા બૉલમાં અર્શદીપે રિઝા હેડ્રિક્સને આઉટ કર્યા, એ પછીના બીજા જ બૉલમાં રાસી વાન દર દુસેંને એલબીડબલ્યુ આઉટ કર્યા.

બંનેમાંથી એકેટ બૅટ્સમૅન ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગા થઈ ગયા.

આ પછી ટોની ડીઝોર્ઝી અને કપ્તાન ઍડન માર્કરમે ત્રીજી વિકેટ સુધી 39 રન બનાવ્યા પણ અર્શદીપસિંહે મૅચની આઠમી ઓવરમાં આ જોડીને તોડી નાખી.

તેમણે ડીઝોર્ઝીની વિકેટ કૅચ કરીને લીધી અને દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ આવી રીતે નોંધાઈ.

અર્શદીપસિંહ સાથે આવેશ ખાનનો પણ સારો દેખાવ

પોતાની આગલી ઓવરમાં તેમણે વર્લ્ડકપ દરમ્યાન સારા ફૉર્મને કારણે હેનરિક ક્લાસેનને પણ આઉટ કરી દીધા.

ક્લાસેન મૅચની 10મી ઓવરના છેલ્લા બૉલ પર આઉટ થયા. આ અર્શદીપની ચોથી વિકેટ હતી.

આ પછી આવેશ ખાને વિકેટ લેવાનું શરૂ કર્યું. 11મી ઓવરના પહેલા બૉલમાં અને બીજા બૉલમાં દક્ષિણ આફ્રિકાના બે બૅટ્સમૅનને આઉટ કરીને તેમણે ભારતીય ટીમને હૅટ્રિક વિકેટ અપાવી.

આ ઓવરના પહેલા બૉલમાં આવેશે દક્ષિણ આફ્રિકાના કપ્તાન માર્કરમને આઉટ કર્યા, તો બીજા બૉલમાં વિયાન મુલ્ડરને એલબીડબલ્યુ આઉટ કર્યા.

13મી ઓવરના છેલ્લા બૉલર પર આવેશે ડેવિડ મિલરને પણ આઉટ કરી દીધા. સાત વિકેટ ગુમાવવા સુધીમાં દક્ષિણ આફ્રિકાએ સ્કોરબોર્ડ પર 58 રન બનાવ્યા હતા.

પછીના ક્રમમાં આવેલા એન્ડીલે ફેહુકાયોએ અહીંથી બેટિંગ લાઇન સંભાળી અને 25મી ઓવરમાં ટીમના સ્કોરને 100 રનથી આગળ લઈ ગયા.

આફ્રિકાની ટીમ 28મી ઓવરમાં આઉટ

ભારતીય કૅપ્ટન કેએલ રાહુલે અર્શદીપસિંહને 26મી ઓવર નાખવા માટે બોલાવ્યા અને તેમણે પહેલા જ બૉલ પર ફેહુકાયોને એલબીડબલ્યુ આઉટ કરીને વનડે ક્રિકેટમાં પ્રથમ વખત પાંચમી વિકેટ લીધી. ફેહુકાયાએ 33 રન બનાવ્યા.

અર્શદીપસિંહે 10 ઓવરમાં 37 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

28મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 116 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. છેલ્લી વિકેટ કુલદીપ યાદવે લીધી હતી.