You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એબી ડી વિલિયર્સે ફુલ ફૉર્મમાં હોવા છતાં નિવૃત્તિ કેમ લીધી હતી? શું કારણ આપ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટ્સમૅન એબી ડી વિલિયર્સ નિઃશંકપણે ક્રિકેટની રમતના ઇતિહાસમાં શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક ગણાય છે.
2004માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કર્યા બાદ ડી વિલિયર્સે 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી-20 રમીને તેમણે દક્ષિણ આફ્રિકા માટે 20,014 રન બનાવ્યા છે.
આ ઉપરાંત, આ વિકેટકીપર બૅટ્સમૅને રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લોર માટે પણ આઇપીએલમાં અનેક કારનામાં સર્જ્યા છે. તેમણે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને બાદમાં 2021માં આઇપીએલ કારકિર્દીમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી.
ક્રિકેટ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંના એક એબી ડી વિલિયર્સે જ્યારે 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે અનેક ચાહકો નિરાશ થયા હતા. પરંતુ ઘણા લોકોને એ વાતનો ખ્યાલ ન હતો કે તેમને કારકિર્દીનાં છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટ રમતી વખતે આંખની થોડી તકલીફ થઈ હતી.
અચાનક લીધેલી નિવૃત્તિ વિશે શું સ્પષ્ટતા કરી?
વિઝડન ક્રિકેટ મંથલી સાથે હાલમાં થયેલી વાતચીત દરમ્યાન ડી વિલિયર્સે તેમને થયેલી ઈજાની વિગતો જાહેર કરી છે. આ વાતચીતમાં તેમણે પહેલી વાર વિસ્તારપૂર્વક તેમના નિવૃત્તિનાં કારણોના ચર્ચા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્રે આકસ્મિક રીતે તેમની આંખમાં લાત મારી હતી, જેના કારણે તેમની જમણી આંખની દૃષ્ટિ ઘટી ગઈ હતી.
ડી વિલિયર્સે વિઝડન ક્રિકેટને કહ્યું, "મારા દીકરાએ આકસ્મિક રીતે મારી આંખ પર તેની પાનીથી લાત મારી હતી. ત્યારબાદ હું મારી જમણી આંખની દૃષ્ટિ ગુમાવવા લાગ્યો. જ્યારે મેં સર્જરી કરાવી ત્યારે ડૉક્ટરે મને પૂછ્યું, 'તમે આ સ્થિતિમાં ક્રિકેટ કેવી રીતે રમ્યા? સદભાગ્યે મારી કારકિર્દીનાં છેલ્લાં બે વર્ષમાં મારી ડાબી આંખે સારી રીતે કામ કર્યું."
સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ એક્સ પર શૅર કરેલા વીડિયોમાં એબી ડી વિલિયર્સે ઉલ્લેખ કર્યો છે કે ઈજા પછી તેમની જમણી આંખમાં કેવી રીતે ઝાંખપ આવી. તેમણે આગળ કહ્યું કે આઈપીએલ દરમિયાન તેઓ ઘણી વાર તેમની આંખોની રોશની ચકાસવા સ્કોરબોર્ડ તરફ જોઈ લેતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવૃત્તિ પછી પણ ડી વિલિયર્સે ટી20 લીગ રમવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની પાછા ફરવાની અટકળો ચાલતી હતી. ખાસ કરીને, 2019 વર્લ્ડકપમાં તેઓ રમશે તેવું લાગતું હતું. જોકે, ડી વિલિયર્સે પોતાનો નિર્ણય બદલ્યો ન હતો.
કોવિડ પછીનો અનુભવ કેવો હતો?
ડી વિલિયર્સે કહ્યું, "કોવિડે ચોક્કસપણે એક ભૂમિકા ભજવી હતી તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો, 2015ના વર્લ્ડકપનો આઘાત ઘણો ઊંડો હતો. તેમાંથી બહાર નીકળવામાં મને થોડો સમય લાગ્યો અને પછી જ્યારે હું ટીમમાં પાછો ફર્યો અને જ્યારે હું કટિબદ્ધતા દાખવી શકું તેમ હતો ત્યારે મને એવું પહેલાં જેવું વાતાવરણ મળ્યું જ નહીં જેની મારે ખરેખર જરૂર હતી."
તેમણે ઉમેર્યું કે, "હું ઘણી વાર મારી જાત વિશે વિચારતો હોઉં છું. ખબર નહીં કેમ પણ શું આ જ મારી કારકિર્દીનો અંત હોઈ શકે? હું ખરેખર આઇપીએલ અથવા બીજું કંઈ પણ રમવા માગતો ન હતો. હું 2018માં દરેક બાબતથી દૂર થઈ ગયો હતો અને પછી મેં મારા પર દબાણ કરવાનું છોડી દીધું. હું મારા પર કોઈ સ્પોટલાઇટ ઇચ્છતો ન હતો. હું માત્ર એટલું જ કહેવા માગું છું કે મારો સમય સારો રહ્યો."
ડી વિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્જ્યા છે અનેક રેકૉર્ડ્સ
હજુ પણ ઘણા ક્રિકેટચાહકો એ વાતથી અજાણ છે કે એબી ડી વિલિયર્સ એ ઉત્તમ ક્રિકેટ ખેલાડી સિવાય રગ્બી, ગૉલ્ફ અને ટેનિસ પ્લેયર પણ છે.
ડી વિલિયર્સે સૌથી ઝડપી સદીનો રેકૉર્ડ 2015માં તોડી નાખ્યો હતો. તેમણે 31 બૉલમાં ઝંઝાવાતી સદી ફટકારી હતી જેમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકૉર્ડ પણ સામેલ હતો. ડી વિલિયર્સે તે ઇનિંગમાં 16 સિક્સ ફટકારી હતી.
ત્યારપછી રમાયેલા વર્લ્ડકપમાં ડી વિલિયર્સે દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ રન પણ ફટકાર્યા હતા પણ તેઓ ટીમને સેમિફાઇનલથી આગળ લઈ જઈ શક્યા ન હતા.
ડી વિલિયર્સે તેમનું ટેસ્ટ ડેબ્યૂ 2004માં ઇંગ્લૅન્ડ સામે ઓપનર તરીકે કર્યું હતું. માત્ર 16 ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમ્યા બાદ જ તેમને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ તેમને મિડલ ઑર્ડરમાં રમવાનું કહેવામાં આવ્યું અને તેમના પર વિકેટકીપિંગની જવાબદારી પણ આપવામાં આવી હતી, જેને તેમણે ખૂબ સારી રીતે નિભાવી.
તેમણે ઓપનિંગથી માંડીને છેક આઠમા ક્રમ સુધી બેટિંગ કરી હતી અને તેમણે લગભગ દરેક સ્થાને સારું પ્રદર્શન કર્યું.
ત્યારબાદ તેમણે પોતાને 2017માં જ ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખ્યા અને 2018માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી. ત્યારે તેમણે એટલું જ કહ્યું હતું કે, “હું થાકી ગયો છું.”
દક્ષિણ આફ્રિકાની ટીમ સિવાય તેમણે વિશ્વભરની ટી20 લીગમાં પણ અનેક રેકૉર્ડ્સ સર્જ્યા છે. ખાસ કરીને આઇપીએલમાં તેમણે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા 5 હજાર રન બનાવ્યા છે.
ઇએસપીએન ક્રિકઇન્ફો પ્રમાણે, આઇપીએલની 11 સિઝનમાં તેમનો સરેરાશ સ્ટ્રાઇક રેટ 158.63નો રહ્યો છે. 2021ની આઇપીએલ પછી ડી વિલિયર્સે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.