You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં રમાયેલી મૅચમાં ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે એવું થયું કે બધા મનાવવા આવ્યા?
સુરત લાલભાઈ કૉન્ટ્રેક્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલી ‘લૅજેન્ડ લીગ’ની ઍલિમનેટર મૅચ ‘ગુજરાત જાયન્ટ્સ’ને હરાવીને ‘ઇન્ડિયા કૅપિટલ્સ’એ જીતી લીધી.
જોકે, આ મૅચે ચર્ચા જગાવી ગુજરાત જાયન્ટ્સના બૉલર એસ. શ્રીસંત અને ઇન્ડિયા કૅપિટલના કૅપ્ટન ગૌતમ ગંભીર વચ્ચે થયેલી બોલાચાલીને લીધે.
બન્ને એકબીજા સાથે ઉગ્ર દલીલો થઈ અને આ અંગેનો વીડિયો પણ વાઇરલ થયો. આ વીડિયોમાં બન્ને ખેલાડીઓ વચ્ચે ઉશ્કેરાટ જોઈ શકાય છે અને આ દરમિયાન અમ્પાયર તથા અન્ય ખેલાડીઓ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા પણ નજરે ચડે છે.
આ બનાવની વિગત કંઈક એવી છે કે ગુજરાત જાયન્ટ્સે ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઊતરેલા ગંભીર સારા ફૉર્મમાં જોવા મળી રહ્યા હતા.
મૅચની બીજી જ ઓવર ફેંકવા આવેલા શ્રીસંતની ઓવરમાં તેમણે પ્રથમ બૉલ પર જ સિક્સર ફટકારી દીધી હતી અને બાદના બૉલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
જોકે, એ બાદના બન્ને બૉલ ડૉટ ગયા અને એ દરમિયાન બન્ને ખેલાડીઓ વચ્ચે પણ કોઈ વાતચીત થઈ. જોકે, બન્નેએ એકબીજાને શું કહ્યું એ સ્પષ્ટ થઈ શક્યું નહીં. અહીં મામલો શાંત થઈ ગયો હોવાનું જણાયું. એ બાદ પણ બીજી ઓવરોમાં બન્ને ખેલાડીઓ એકબીજા સાથે બોલાચાલી કરતા જોવા મળ્યા.
આ બાદ આ બનાવ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો. મૅચ બાદ શ્રીસંતે સોશિયલ મીડિયા પર બે વીડિયો પોસ્ટ કર્યા અને ગંભીરે તેમને શું કહ્યું એ જણાવ્યું.
‘ઍક્સ’ પર એક વીડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું, “મિસ્ટર ગૌતમ ગંભીરે ક્રિકેટના મેદાનમાં એવા શબ્દોનો ઉપયોગ કર્યો જે અસ્વીકાર્ય છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શ્રીસંતે શું કહ્યું? ગંભીરે શું જવાબ આપ્યો?
એ બાદ શ્રીસંતે ઇન્સ્ટાગ્રામ પર એક લાઇવ વીડિયો દરમિયાન કહ્યું, “તેઓ મને ફિક્સર, ફિક્સર કહેતા રહ્યા. આ ભાષાનો ઉપયોગ તેમને એક મૅચના લાઈવ પ્રસારણ દરમિયાન કર્યો. તેમણે આ ભાષાનો ઉપયોગ અમ્પાયરની હાજરીમાં પણ કર્યો. એ વખતે અમ્પાયર તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતા હતા.”
તેમણે એવું પણ કહ્યું આ ઘટનામાં તેમનો કોઈ વાક નહોતો. લાઇવમાં પોતાના ફેન્સના સમર્થન બદલ આભાર વ્યક્ત કરીને તેમણે ગંભીર પર ગંભીર આરોપ લગાવ્યા.
તેમણે ગંભીર પર અભદ્ર વાત કરવાનો પણ આરોપ લગાવ્યો અને કહ્યું, "બદનસીબે અમે લીજેન્ડ્સની મૅચ ગુમાવી દીધી પણ તમારા પ્રેમ અને સમર્થન માટે આભાર."
શ્રીસંતે આગળ કહ્યું, "મિસ્ટર ફાઇટર સાથે જે કંઈ પણ થયું એ અંગે હું સ્પષ્ટતા કરવા માગું છું. તેઓ હંમેશાં પોતાના સાથીઓ સાથે ઝઘડે છે. કોઈ પણ કારણ વગર. તેઓ વીરુભાઈ સહિત પોતાના સિનિયર ખેલાડીઓનું સન્માન પણ કરતા નથી. આજે પણ એવું જ થયું. કોઈ પણ જાતની ઉશ્કેરણી વિના તેઓ મને કંઈને કંઈ કહેતા રહ્યા જે બહુ જ અભદ્ર વાત હતી, જે ગૌતમ ગંભીરે નહોતી કરવી જોઈતી."
તેમણે કહ્યું, "મારો કોઈ વાંક નહોતો. હું બસ તુરંત જ સ્થિતિ સ્પષ્ટ કરવા માગતો હતો. મિસ્ટર ગૌટીએ શું કર્યું એ વહેલામોડું તમને સૌને ખબર પડી જ જશે. તેમણે ક્રિકેટના મેદાન પર જે શબ્દો બોલ્યા અને જે વાતો કરી એ સ્વીકાર્ય નથી. મારો પરિવાર, મારું રાજ્ય ઘણું બધું સહન કરી ચૂક્યાં છે. લોકો મને નીચું જોણું કરાવવા માગે છે."
જોકે, એ બાદ ગૌતમ ગંભીરે ‘ઍક્સ’ પર ટ્વીટ કર્યું, “હસો, દુનિયા આખીને પોતાના તરફ ધ્યાન ખેંચવું છે.”
મૅચનું પરિણામ શું આવ્યું?
આ સમગ્ર મામલે, ‘લૅજેન્ડસ લીગ ક્રિકેટ’ની ‘ઍથિક્સ કમેટી’ના પ્રમુખ સૈયદ કિરમાણીએ કહ્યું, “લેજેન્ડસ લીગ ક્રિકેટ એ ક્રિકેટની ભાવના અને ખેલદિલી જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અને આચારસંહિતાના ઉલ્લંધન પર આંતરિક તપાસ હાથ ધરવામાં આવશે. મેદાન પર કે મેદાનની બહાર તથા સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક કરનાર ખેલાડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
“આચારસંહિતામાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે લીગને બદનામ કરનારા ખેલાડીઓ અને તેઓ જે ટીમોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે. અમે અમારું વલણ સ્પષ્ટ કરીએ છીએ અને દેશ અને વિશ્વના લાખો ક્રિકેટપ્રેમીઓ સાથે રમતને જોડવાની દિશામાં કામ કરવાનું ચાલુ રાખીએ છીએ.”
આ મૅચમાં ગૌતમ ગંભીરે 30 બૉલમાં 51 રનની દમદાર ઇનિંગ રમી. જેના આધારે ઇન્ડિયા કૅપિટલ્સે 7 વિકેટના નુકસાને 20 ઓવરમાં 223 રન બનાવ્યા અને ગુજરાત જાયન્ટ્સને જીતવા માટે 224 રનનો લક્ષ્યાંક આપ્યો.
જવાબમાં ક્રિસે ગેલે 84 રનની ઇનિંગન રમી પણ તેઓ ટીમને વિજયી ના બનાવી શક્યા. ગુજરાત જાયન્ટ્સ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 211 રન જ બનાવી શકી અને 12 રનથી મૅચ હારી ગઈ.