You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જન્મદિવસે જ કુલદીપ યાદવે એવું શું કર્યું કે દક્ષિણ આફ્રિકાની ટીમ ધરાશાયી થઈ ગઈ?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જોહાનિસબર્ગમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મૅચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 106 રને હરાવીને ભવ્ય વિજય મેળવ્યો છે.
આ સાથે ત્રણ મૅચની ટી-20 શ્રેણી 1-1 ના પરિણામ સાથે પૂર્ણ થઈ છે.
અહીં ઉલ્લેખનીય છે કે ડરબનમાં વરસાદને કારણે પહેલી મૅચ રમાઈ શકી ન હતી, જ્યારે બીજી મૅચમાં ડકવર્થ લુઇસના નિયમને આધારે દક્ષિણ આફ્રિકાએ ભારતને પરાજય આપ્યો હતો.
'પ્લૅયર ઓફ ધી મૅચ' અને 'પ્લૅયર ઓફ ધી સીરિઝ'નો ઍવૉર્ડ સૂર્યકુમાર યાદવને આપવામાં આવ્યો હતો જેઓ સ્ટાર ખેલાડીઓની હાજરીમાં ભારતની કપ્તાની કરી રહ્યા હતા.
સૂર્યકુમાર યાદવની ઝંઝાવાતી સદી
જોહાનિસબર્ગમાં રમાયેલી મૅચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બૉલિંગ પસંદ કરી હતી. જોકે, એ નિર્ણય સદંતર ખોટો નીવડ્યો હતો.
પહેલી ત્રણ ઓવરમાં શુભમન ગિલ અને તિલક વર્માની વિકેટો મેળવ્યા બાદ યશસ્વી જયસ્વાલ અને સૂર્યકુમાર યાદવે 112 રનની વિસ્ફોટક ભાગીદારી કરી હતી.
યશસ્વી જયસ્વાલે 41 બૉલમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા સાથે 60 રન ફટકાર્યા હતા, તો સૂર્યકુમાર યાદવે તેની કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવે 56 બૉલમાં 100 રન ફટકાર્યા હતા જેમાં તેમણે આઠ છગ્ગા ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દક્ષિણ આફ્રિકાના લગભગ તમામ બૉલરો ખર્ચાળ સાબિત થયા હતા અને ભારતે નિર્ધારિત 20 ઓવરોમાં સાત વિકેટે 201 રન નોંધાવ્યા હતા.
જોકે, ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ બૅટ્સમૅન પોતાનો પ્રભાવ પાથરી શક્યા નહોતા.
કુલદીપ યાદવની ‘ફિરકી’ સામે દક્ષિણ આફ્રિકા નતમસ્તક
202 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી.
ઇનિંગની બીજી જ ઓવરમાં મૅથ્યૂ બ્રીત્ઝને મુકેશ કુમારે બૉલ્ડ કર્યા હતા તો ત્યારબાદ થોડા જ સમયમાં રેઝા હૅન્ડરિક્સ રન આઉટ થયા હતા.
એક પછી એક દક્ષિણ આફ્રિકાની વિકેટો પડતા તેમનો સ્કોર 42 રને 4 વિકેટ થઈ ગયો હતો.
ત્યારબાદ બૉલિંગની કમાન સ્પિનર કુલદીપ યાદવને આપવામાં આવી હતી. કુલદીપ યાદવની ધારદાર બૉલિંગ સામે દક્ષિણ આફ્રિકાના બૅટ્સમૅનો ટકી શક્યા નહોતા અને 95 રનમાં જ સમગ્ર ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 106 રને જીત મેળવી હતી.
કુલદીપ યાદવે માત્ર 2.5 ઓવરમાં જ 17 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જેમાં તેમણે ત્રણ બૅટ્સમેનોને બૉલ્ડ કર્યા હતા. જેમાં દક્ષિણ આફ્રિકાના ઇન-ફોર્મ બૅટ્સમેન ડૅવિડ મિલર તથા ફેરેરા અને કેશવ મહારાજ સામેલ હતા.
દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી વધુ 35 રન ડેવિડ મિલરે કર્યા હતા.
મૅચમાં DRS ઉપલબ્ધ ન હોવાને કારણે થયો વિવાદ
ભારતે આ મૅચમાં જીત તો મેળવી લીધી હતી પરંતુ ઇનિંગની નવમી ઓવરમાં કંઇક એવું બન્યું હતું જે કદાચ ભારતની જીતમાં બાધા બની શક્યું હોત.
ઇનિંગની નવમી ઓવર રવીન્દ્ર જાડેજા ફેંકી રહ્યા હતા અને સ્ટ્રાઇક પર ડેવિડ મિલર હતા.
ઓવરના ચોથા બૉલે મિલરના બેટ સાથે ટકરાઈને બૉલ વિકેટકીપર જીતેશ શર્માના હાથમાં ઝડપાઈ ગયો. પરંતુ સ્પષ્ટપણે બેટ સાથે બૉલ ટકરાતો હોવા છતાં અમ્પાયરે આઉટ આપ્યો ન હતો.
ભારતીય ટીમ નિર્ણયને પડકારવા માટે ડીઆરએસ લેવા ઇચ્છતી હતી પરંતુ કંઇક ટેક્નિકલ ખામીને કારણે ડીઆરએસ ઉપલબ્ધ ન હતું.
જોકે, નોંધનીય બાબત એ છે કે એ પછીની ઓવરમાં જ ડીઆરએસ ઉપલબ્ધ હતું.
પરંતુ આ નિર્ણયનો જાજો ફર્ક ભારતને પડ્યો ન હતો કારણ કે ભારતીય બૉલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
સૂર્યકુમાર યાદવે કુલદીપ વિશે શું કહ્યું?
મૅચ બાદ સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે, “એ ક્યારેય ખુશ થતો નથી. કુલદીપમાં સતત એક ભૂખ દેખાય છે. તેના જન્મદિવસે તેણે પોતાને આપેલી આ સુંદર ભેટ છે.”
વિશ્વભરમાં પોતાના જન્મદિવસે કરેલી શ્રેષ્ઠ બૉલિંગમાં પણ કુલદીપ યાદવે પાંચ વિકેટ લઈને નવો રેકૉર્ડ સર્જ્યો છે.
અગાઉ ટી-20માં આ રેકૉર્ડ શ્રીલંકાના વાનિંદુ હસરંગાના નામે હતો જેમણે ભારત સામે નવ રન આપીને ચાર વિકેટો લીધી હતી.
હવે ભારતને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમવાની છે. શ્રેણીની પહેલી વન-ડે 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં જ રમાશે.