You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુશીર ખાન: આઠ વર્ષની ઉંમરે યુવરાજસિંહની વિકેટ લેનાર ક્રિકેટર
- લેેખક, જાહ્નવી મૂળે
- પદ, બીબીસી સંવાદદાતા
વર્ષ 2013ની આ વાત છે. આઠ વર્ષના એક છોકરાએ મુંબઈની સુપ્રસિદ્ધ કાંગા લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ડૅબ્યૂ કર્યું હતું. તેઓ એક કલાક સુધી રમ્યા અને બેટિંગ કરતી વખતે 42 બૉલનો સામનો કર્યો.
મુશીર ખાન એ દિવસે કાંગા ક્રિકેટ લીગમાં રમનાર સૌથી નાની ઉંમરના ખેલાડી બન્યા હતા.
દસ વર્ષ બાદ એ જ મુશીર આજે અંડર-19 વર્લ્ડકપ ટીમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. ડાબોડી સ્પિન બૉલિંગ ઑલરાઉન્ડર તરીકે તેમણે ટીમની જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
મુશીરે આ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ સુધીની છ મૅચમાં 67.60ની સરેરાશથી 338 રન બનાવ્યા છે અને છ વિકેટ પણ ઝડપી છે.
તેઓ તેમની ટીમના બૉલરોનો જુસ્સો વધારતા અને કૅપ્ટન ઉદય સહારન સાથે ફીલ્ડિંગ રણનીતિ બનાવતા પણ જોવા મળે છે. સાથે જ વિરોધીઓ સાથે માઇન્ડ ગેમ રમતા પણ જોવા મળે છે.
મુશીર રન બનાવવાની સાથેસાથે સ્વીપ અને સ્કૂપ શૉટ પણ લગાવી શકે છે. મુશીર શૉર્ટ બૉલનો સામનો કરવાની સાથેસાથે બૅકફૂટ પર રમવામાં પણ એટલા જ પાવરધા છે.
તેમના ભાઈ સરફરાઝના પગલે ચાલતાં તેઓ મુંબઈની રણજી ટીમ માટે પણ રમ્યા અને હવે તેઓ ભારતીય ટીમમાં પ્રવેશવા થનગની રહ્યા છે.
2014માં દુબઈમાં આયોજિત અન્ડર-19 વર્લ્ડકપમાં મુશીર માત્ર નવ વર્ષમાં હતા ત્યારે તેમણે પૅવેલિયનમાં બેસીને તેમના ભાઈ સરફરાઝને રમતા જોયા હતા. હવે તેઓ પોતે જ આ ટુર્નામેન્ટની ફાઇનલ રમવા જઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, મુશીરની અહીં સુધીની સફર સરળ નથી રહી.
પિતાનું સ્વપ્ન
મુશીર ખાન પ્રથમ વખત 2009માં તેના ભાઈ સરફરાઝ સાથે જોવા મળ્યા હતા. આ પછી સરફરાઝે હૅરિસ શિલ્ડ ટુર્નામેન્ટમાં મુંબઈ સ્કૂલ ક્રિકેટમાં સચીન તેંડુલકરનો 45 વર્ષ જૂનો 439 રનનો રેકૉર્ડ તોડ્યો હતો.
સરફરાઝનો ઇન્ટરવ્યૂ લેવા અમે મેદાનમાં ગયા ત્યારે માત્ર અઢી-ત્રણ વર્ષનો નાનો છોકરો ત્યાં હાજર હતો.
નેટ્સની બહાર મેદાનમાં બૉલિંગની પ્રૅક્ટિસ કરી રહેલા મુશીરને બૉલ પકડવા ઝડપથી દોડતા જોઈને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું.
"મને પ્રશ્નો પૂછો, મારા ફોટા પણ લો. હું પણ ક્રિકેટ રમવા જઈ રહ્યો છું," બોલિંગ કરતી વખતે તેણે અમારી તરફ જોતા કહ્યું. એ ઉંમરે પણ તેમનો આત્મવિશ્વાસ જોવા જેવો હતો.
મુશીર અને સરફરાઝના વચ્ચેના ભાઈ મોઈન ખાન પણ ક્રિકેટની પ્રૅક્ટિસ કરતા હતા. ત્રણેયના પિતા નૌશાદ ખાન તેમના કોચ છે. આ આખો પરિવાર ક્રિકેટપ્રેમી છે.
નૌશાદ ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી છે. તેમનું સપનું ક્રિકેટર બનવાનું હતું, પરંતુ જ્યારે એ સ્વપ્ન પૂરું ન થયું ત્યારે તેઓ કોચિંગ તરફ વળ્યો.
નૌશાદ પોતાના ગામમાંથી ઘણાં બાળકોને મુંબઈ લાવ્યા અને તેમને ક્રિકેટ શીખવ્યું. તેમનાં પત્ની અને મુશીરનાં માતા તબસ્સુમ બાળકોના ખાવા-પીવાની વ્યવસ્થા કરતાં હતાં.
પોતાનાં બાળકોની સાથે નૌશાદે ઇકબાલ અબ્દુલ્લા, કામરાન ખાન જેવા ખેલાડીઓને પણ માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર પરિવાર કુર્લાની ટેક્સીમેન કૉલોનીમાં રહે છે. તેની એક બાજુ મીઠી નદી વહે છે, બીજી બાજુ બીકેસી વિસ્તારની ચમકતી ઇમારતો છે અને તેની બીજી બાજુ એલબીએસ મુંબઈનો મુખ્ય વ્યસ્ત રોડ છે.
આ વિસ્તાર હંમેશા ટ્રાફિકના અવાજથી ભરેલો રહે છે અને નદીમાં પૂરનો ભય રહે છે. બહારના લોકો વિશ્વાસ નહીં કરે કે અહીં પણ કોઈ શાંતિથી ક્રિકેટની પ્રેક્ટિસ કરી રહ્યું છે.
પણ નૌશાદનાં બાળકો અહીં રમતાં હતાં. તેમણે પોતાના બિલ્ડિંગના પરિસરમાં ટર્ફ વિકેટ પણ બનાવી છે.
જ્યારે મુશીર અને સરફરાઝ મુંબઈના મેદાન પર રમતા નહોતા ત્યારે તેઓ એક જ વિકેટ પર પ્રૅક્ટિસ કરતા હતા. શૉર્ટ બોલ રમવાની ટેવ પાડવા માટે ભીના ટેનિસ બૉલનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કોવિડ મહામારી દરમિયાન તેઓ શહેર છોડીને તેમના વતન ચાલ્યા ગયા. સોળસો કિલોમિટરની મુસાફરીમાં તેમને જ્યાં પણ સમય મળતો ત્યાં તેઓ પ્રૅક્ટિસ કરવા લાગતા હતા. નૌશાદ આજે પણ મુશીરની પ્રૅક્ટિસ પર ચાંપતી નજર રાખે છે.
વાસ્તવમાં મુશીર પહેલા બૉલિંગ જ કરતા હતા. પરંતુ સરફરાઝ સાથેના અનુભવ પછી, નૌશાદે નક્કી કર્યું કે રમતના માત્ર એક પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કામ નહીં થાય. તેથી, તેમણે એ વાત પર ધ્યાન આપ્યું કે મુશીર બેટિંગમાં પણ નિપુણતા મેળવે.
મુશીર: પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ ગયા
મુશીરે અંડર-19 વર્લ્ડકપ અથવા મુંબઈના રણજી ક્રિકેટમાં પહોંચતા પહેલાં મુંબઈની પીચો પર 12 વર્ષ વિતાવ્યાં છે.
ઉપર જણાવ્યા મુજબ, કાંગા લીગમાં તેમની શરૂઆત ઐતિહાસિક હતી. પણ મુશીર કાંગા લીગ મૅચમાં રમવાના થોડાં અઠવાડિયાં પહેલાં પણ હેડલાઇન્સમાં હતા. તેમણે એક ફ્રૅન્ડલી મૅચમાં યુવરાજસિંહની વિકેટ લીધી હતી. તેમની સામે એક નાનો છોકરો છે એમ કહીને યુવરાજસિંહ ભલે થોડું હળવાશથી રમ્યા, પરંતુ મુશીરે ફેંકેલા બૉલે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
ભાઈ સરફરાઝે રણજી અને આઈપીએલમાં પદાર્પણ કર્યું જ્યારે મુશીરે વિભિન્ન વર્ગની મૅચોમાં રમવાનું ચાલું રાખ્યું.
2019માં મુંબઈની અન્ડર-16 ટીમનું નેતૃત્વ કરતા સમયે મુશીર તેમના સાથી ખેલાડી સાથે એક ચર્ચાને કારણે વિવાદમાં ફસાઈ ગયા હતા.
કૂચ બિહાર ટ્રૉફીની 2021-22 સિઝનમાં, મુશીરે મુંબઈને ફાઇનલમાં લઈ લીધું. મુશીરે તે ટુર્નામેન્ટમાં 632 રન બનાવ્યા અને 32 વિકેટ લીધી અને મૅન ઓફ ધ સિરીઝનો ઍવોર્ડ પણ જીત્યો. તેથી મુશીર માટે મુંબઈ રણજી ટીમના દરવાજા ખુલી ગયા.
તેમણે ભારતની અંડર-19 ટીમમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.
ભારતીય ક્રિકેટમાં ભાઈઓની ઘણી જોડી રણજી ટ્રૉફીમાં સાથે રમી છે અને બંને ભાઈઓએ એકસાથે ઘણી વખત નામ કર્યું હોય તેવું બન્યું છે. માધવ અને અરવિંદ આપ્ટે, મોહિન્દર અને સુરિન્દર અમરનાથ, ઈરફાન અને યુસુફ પઠાણ, હાર્દિક અને કૃણાલ પંડ્યા ભારત તરફથી રમ્યા છે.
હવે સરફરાઝ અને મુશીર આવું સપનું જોઈ રહ્યા છે.