નાના ગામમાં જન્મેલા ભારતીય દોડવીર, જેમની અમેરિકામાં ચર્ચા છે

    • લેેખક, સૌરભ દુગ્ગલ
    • પદ, સ્પૉર્ટ્સ પત્રકાર

ગાંધીગ્રામના ધાસેરા ગામની સરકારી શાળામાં મહાત્મા ગાંધી જયંતી નિમિત્તે એક ખેલસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને હરિયાણાના નૂંહ જિલ્લાના ચાહલકા ગામના રહેવાસી પરવેઝ ખાને એ સ્પર્ધામાં તેમના જીવનની પહેલી દોડ જીતી હતી.

આ એ મેદાન છે, જ્યાં દેશનું વિભાજન થયાના કેટલાક મહિનાઓ બાદ મહાત્મા ગાંધીએ મેવાતના મુસલમાનોને સંબોધન કર્યું હતું અને તેમને પાકિસ્તાન ન જવાનો આગ્રહ કર્યો હતો. ત્યારથી આ ગામનું નામ ગાંધીગ્રામ થઈ ગયું હતું.

ગાંધીજીએ જે મેદાનમાં ભાષણ આપ્યું હતું ત્યાં હવે એક સરકારી સ્કૂલ છે.

પોતાના પ્રિય નેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે બીજી ઑક્ટોબરે સ્કૂલમાં એક ગ્રામીણ રમતગમત મેળાનું આયોજન કરવામાં આવે છે.

પરવેઝે 2017માં ગ્રામ્ય ખેલસ્પર્ધાના માધ્યમથી ઍથ્લેટિક્સની દુનિયામાં ડગલું માંડ્યું હતું અને 800 મીટર દોડમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો.

અમેરિકામાં ભારતીય દોડવીરનું પરાક્રમ

ટ્રેક પર પરવેઝની ઝડપની ચર્ચા હવે અમેરિકા સુધી પહોંચી ગઈ છે.

પરવેઝે અમેરિકામાં ફ્લોરિડા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને સાઉથઇસ્ટર્ન કૉન્ફરન્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ (એસઈસી) દરમિયાન ઍથ્લેટિક્સ ટ્રેક પર પોતાનો દબદબો બનાવ્યો હતો.

તેમણે 11 મેના રોજ 1500 મીટરની દોડ ત્રણ મિનિટ, 42.73 સેકન્ડના સમય સાથે જીતી હતી.

એક કલાક પછી તેમણે 800 મીટર દોડમાં એક મિનિટ 46.73 સેકન્ડના સમય સાથે કાંસ્યચંદ્રક જીત્યો હતો.

19 વર્ષના આ ભારતીય દોડવીરને લીધે ફ્લોરિડા યુનિવર્સિટી 41 વર્ષ પછી એસઈસી ચૅમ્પિયનશિપમાં પુરુષોનો 1,500 મીટર દોડનો ખિતાબ જીતી હતી.

અમેરિકામાં પરવેઝનાં ઉત્તમ પ્રદર્શનનાં વખાણ ભારતમાં પણ થઈ રહ્યાં છે.

તેઓ કહે છે, “સાઉથઇસ્ટ કૉન્ફરન્સમાં મારી યુનિવર્સિટી માટે સુવર્ણચંદ્રક જીતીને હું બહુ ખુશ છું. મેં 1,500 મીટર દોડમાં મારી તમામ શક્તિનો ઉપયોગ કર્યો ન હતો, કારણ કે એક કલાક પછી મારે 800 મીટર દોડની સ્પર્ધામાં ભાગ લેવાનો હતો.”

“હું આરામદાયક ગતિથી આગળ વધી રહ્યો હતો અને છેલ્લી 200 મીટરમાં જીવ દાવ પર લગાવી દીધો હતો.”

પરવેઝ કહે છે, “મારે માત્ર 1,500 મીટર દોડસ્પર્ધામાં ભાગ લેવાનો હોય તો મારો ટાઇમ બહેતર કરી શક્યો હોત.”

ઑલિમ્પિકનું સપનું

એસઈસી ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં સારા પ્રદર્શનને લીધે પરવેઝે 22થી 25 મે દરમિયાન યોજનારી ઇસ્ટર્ન કૉન્ફરન્સ ચૅમ્પિયનશિપ માટે પણ ક્વૉલિફાઇ કરી લીધું છે. આ સ્પર્ધામાં તેઓ 800 મીટર અને 1,500 મીટર બન્ને સ્પર્ધામાં ભાગ લેશે.

અત્રે નોંધવું જોઈએ કે પરવેઝ ઇસ્ટર્ન કૉન્ફરન્સ ચૅમ્પિયનશિપ જીતશે તો જૂનમાં યોજાનારી નેશનલ કૉલેજિયેટ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે.

આ સ્પર્ધાને અમેરિકામાં કૉલેજિયેટ ઍથ્લીટો માટેની સર્વોચ્ચ ચૅમ્પિયનશિપ માનવામાં આવે છે.

પરવેઝ કહે છે, “મેં 800 મીટર અને 1,500 મીટર બન્ને સ્પર્ધા માટે ક્વૉલિફાઇ કર્યું છે, પરંતુ ઇસ્ટર્ન કૉન્ફરન્સમાં બન્ને દોડસ્પર્ધા એક જ દિવસે યોજાવાની હોવાથી મેં એક જ દોડસ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું છે. હું માત્ર 1,500 મીટરની ઇવેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરીશ.”

“જે રીતે મારી દૈનિક તાલીમ ચાલી રહી છે તેને જોતાં મને અમેરિકામાં કૉલેજિયેટ ઍથ્લેટિક્સમાં સારું પ્રદર્શન કરવાનો વિશ્વાસ છે.”

“મેં તાજેતરમાં અમેરિકામાં બે સ્પર્ધામાં સારું પ્રદર્શન કર્યું છે અને મને વિશ્વાસ છે કે બુધવારે પુરુષોની 1,500 મીટર વર્લ્ડ રેન્કિંગ અપડેટ થશે ત્યારે મારો સમાવેશ ટોચના 75 ખેલાડીઓમાં હશે.”

પરવેઝના કહેવા મુજબ, “એનસીસીએ સુધી સારું પ્રદર્શન જાળવી રાખશે તો તેઓ વર્લ્ડ રેન્કિંગમાં સુધારો કરી શકશે અને ટોચના 48 ખેલાડીઓમાં સામેલ થવાથી 2024ની પેરિસ ઑલિમ્પિક માટે યોગ્યતા સુનિશ્ચિત થઈ જશે.”

પરવેઝનું ફ્લોરિડા યુનિવર્સિટી દ્વારા ચાર વર્ષની સ્પૉર્ટ્સ સ્કૉલરશિપથી સન્માન કરવામાં આવ્યું છે.

અવરોધો પર નિયંત્રણ

પરવેઝ મધ્યમ વર્ગીય પરિવારનું સંતાન છે. બાળપણમાં આર્થિક મુશ્કેલીઓ અને જિલ્લામાં ઍથ્લેટિક્સ ટ્રેક ન હોવા છતાં તેમણે દોડવાનું ચાલુ રાખ્યું હતું.

તેમના પિતા નાના ખેડૂત છે અને બે ભાઈ પણ પિતાને ખેતીમાં મદદ કરે છે. પરવેઝના એક ભાઈ ગુડગાંવમાં ટેક્સી ચલાવે છે.

જોકે, પરવેઝના દૃઢ સંકલ્પે તેમને ગરીબીમાંથી બહાર નીકળવામાં અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં મદદ કરી હતી.

તેમણે જરૂરી સુવિધાઓ વિના દોડવાનું ચાલુ રાખીને હરિયાણાની રાજ્ય સ્તરીય ખેલસ્પર્ધાઓમાં જીત હાંસલ કરી હતી.

પરવેઝ રાજ્ય સ્તરની અન્ડર-16 સ્પર્ધાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમને અનેક સાથી ખેલાડીઓને મળવાનો અને નવી ટેકનિક શીખવાની તક મળી હતી.

થોડા સમય પછી પરવેઝને સમજાયું હતું કે મેવાતમાં પડકારજનક તાલીમ તેમને આગળ સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા પૂરતી નથી. તેઓ નવી દિલ્હી ચાલ્યા ગયા હતા.

દિલ્હીમાં પોતાના ટેક્સી ડ્રાઇવર કાકાની સાથે રહીને તેમણે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ શરૂ કર્યું હતું.

દિલ્હીમાં રહેતા હતા ત્યારે 2020ની ખેલો ઇન્ડિયા ગેમ્સમાં તેમણે કાંસ્યપદક મેળવ્યો હતો અને પછી વધુ તક માટે પરવેઝ ભોપાલ ચાલ્યા ગયા હતા.

ભોપાલમાં તેઓ એક ઍથ્લેટિક્સ કોચ અનુપમા શ્રીવાસ્તવના સંપર્કમાં આવ્યા હતા અને એ તેમની કારકિર્દીમાં મહત્ત્વનો વળાંક સાબિત થયો.

પરવેઝ કહે છે, “મધ્યપ્રદેશની સ્ટેટ ઍકેડૅમીમાં પ્રવેશ મળ્યો તે પહેલાં સુધી તેમને રહેવા અને ખાવાની વ્યવસ્થા જાતે કરવી પડી હતી.”

“મારી નાણાકીય સમસ્યાઓ પણ હતી અને ભોપાલમાં રહેવા તથા પ્રશિક્ષણ માટે કોઈની પાસેથી પૈસા મેળવવાનું મારા માટે બહુ મુશ્કેલ હતું. એ મુશ્કેલ સમયગાળામાં મારા કોચ અનુપમાએ મને બહુ મદદ કરી હતી.”

પરવેઝને 1,500 દોડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુપમાએ જ પ્રોત્સાહિત કર્યા હતા.

2021માં સિનિયર સર્કિટમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડમેડલ મેળવ્યો ત્યારે પરવેઝને મોટો બ્રેક મળ્યો હતો. વારંગલમાં આયોજિત ઓપન નેશનલ ચૅમ્પિયનશિપમાં 1,500 મીટર દોડમાં તેમણે એ મેડલ મેળવ્યો હતો.

એ પ્રદર્શનને લીધે તેમને ભારતીય નૌકાદળમાં નોકરી મળી ગઈ.

કામ માટે રમતની પસંદગી

પરવેઝ કહે છે, “મેવાતમાં લોકો પાસે જમીન ઓછી છે અને નોકરીની તકો પણ બહુ ઓછી છે. તેથી અમારા ક્ષેત્રના યુવાનો માટે સલામતી દળોમાં નોકરી એક વ્યવહારુ વિકલ્પ છે.”

“મેં દોડવાનું શરૂ કર્યું ત્યારે મારું ધ્યાન માત્ર કામ પર હતું, પરંતુ બાદમાં ઍથ્લીટ્સને મળ્યો ત્યારે મારું લક્ષ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવામાં પરિવર્તિત થઈ ગયું હતું.”

પરવેઝના નામે 1,500 મીટર દોડમાં રાષ્ટ્રીય રેકૉર્ડ પણ છે.

તેમના કોચ અનુપમાનું કહેવું છે કે પરવેઝ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે.

અનુપમા કહે છે, “પરવેઝ અત્યંત દૃઢ અને શિસ્તબદ્ધ ઍથ્લીટ છે. જીવનની મુશ્કેલીઓએ તેમને વધારે મજબૂત બનાવ્યા છે.”

“મને યાદ છે કે 2022માં બેંગલુરુમાં સિનિયર નેશનલ સ્પર્ધા વખતે જ પરવેઝના પેટમાં પીડા ઊપડી હતી, પરંતુ તેમણે સ્પર્ધામાં ભાગ લેવાનો નિર્ણય કર્યો હતો અને ગોલ્ડમેડલ જીત્યો હતો.”

અમેરિકન ડ્રીમ્સ

રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સારા પ્રદર્શન બાદ પરવેઝને 2023ની એશિયન ગેમ્સ માટેના નેશનલ કૅમ્પમાં સ્થાન મળ્યું હતું. એક કૅમ્પ દરમિયાન થયેલી ઈજાને કારણે કૉન્ટિનેન્ટલ ગેમ્સમાં ભાગ લેવાની પરવેઝની આશા ખતમ થઈ ગઈ હતી, પરંતુ તેમના માટે એક અમેરિકન યુનિવર્સિટીમાં કામ કરવાનો દરવાજો ખૂલી ગયો હતો.

પરવેઝ કહે છે, “ભારતમાં નેશનલ કૅમ્પ પછી કોલોરાડોમાં અમેરિકન ઑલિમ્પિક ટ્રેનિંગ સેન્ટરમાં એક કૅમ્પ હતો. ત્યાં ટ્રેનિંગ દરમિયાન મારા ડાબા પગમાં ફ્રૅક્ચર થયું હતું.”

“ઈજાને કારણે મેં એશિયન ગેમ્સમાં ભાગ લેવાની તક ગુમાવી હતી. એ પછી મેં અમેરિકાની એક યુનિવર્સિટીમાં સ્કૉલરશિપ માટે અરજી કરી હતી.”

એક કોચની મદદને લીધે તેમને સ્પૉર્ટ્સ સ્કૉલરશિપ હેઠળ ફ્લોરિડા યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો હતો.

પરવેઝ માટે અમેરિકન યુનિવર્સિટીમાં રહેવાનું આસાન ન હતું. અમેરિકામાં જીવન શરૂ કરતાં પહેલાં કેટલાક પડકારો પણ સર્જાયા હતા.

પરવેઝ કહે છે, “હું જે ક્ષેત્રમાંથી આવું છું ત્યાં અંગ્રેજી ભાષા મારા માટે એક મોટો મુદ્દો બની રહી છે. ભાષાની મર્યાદાને કારણે શરૂઆતમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે સાયુજ્ય સાધવાનું મુશ્કેલ હતું, પરંતુ હું અંગ્રેજી ભાષા શીખી રહ્યો છું અને અન્ય વિદ્યાર્થીઓ સાથેનું અંતર અમુક અંશે ઓછું કરી શક્યો છું.”

પરવેઝ ઉમેરે છે, “અમેરિકામાં યુનિવર્સિટી સ્તરે સ્પૉર્ટ્સ સુવિધાઓ ઉત્કૃષ્ટ છે અને મને આશા છે કે અહીં હું જેટલો સમય પસાર કરીશ તે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ગૌરવાન્વિત કરવામાં યોગદાન આપશે.”