રોહન બોપન્નાઃ લોન-ટેનિસ ઓપનના ઇતિહાસમાં સૌથી મોટી ઉંમરે ચૅમ્પિયન બનેલા ભારતીય

    • લેેખક, મનોજ ચતુર્વેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર
    • દ્વારા રિપોર્ટિંગ, બીબીસી ગુજરાતી માટે

ઑસ્ટ્રેલિયાના મૅલબર્નના રૉડ લેબર અરિના પર શનિવારે ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને તેમના જોડીદાર મૅથ્યૂ એબ્ડેને હવામાં એકસાથે ઊછળીને જે રીતે જીતનો આનંદ વ્યક્ત કર્યો તે જ બતાવી દે છે તેઓ ઑસ્ટ્રેલિયન ઓપન ટેનિસનો પુરુષ ડબલ્સનો પુરસ્કાર જીતીને કેટલા ખુશ છે.

બોપન્ના તેમની બે દાયકા લાંબી કારકિર્દીમાં પહેલીવાર ગ્રાન્ડ સ્લૅમનો પુરુષ ડબલ્સ પુરસ્કાર જ નથી જીત્યા પણ ઓપન ચૅમ્પિયનશિપોના સમયકાળમાં સૌથી મોટી ઉંમરે ગ્રાન્ડ સ્લૅમ જીતનારા ચૅમ્પિયન ખેલાડી બની ગયા છે.

એબ્ડેન અને બોપન્નાની જોડીએ ફાઇનલમાં ઇટાલીની જોડી સિમોન બોલેલી અને આંદ્રિયા વાવસોરીને સીધા સેટમાં 7-6, 7-0, 7-5થી હરાવી.

બોપન્નાએ આ પુરસ્કાર 43 વર્ષ 329 દિવસની રૅકર્ડ ઉંમરે મેળવ્યો. આ સાથે જ તેઓ સૌથી વધુ ઉંમર ધરાવાતા ગ્રાન્ડ સ્લૅમ પુરસ્કાર જીતનારા ખેલાડી બની ગયા છે.

બોપન્નાની આ જીતમાં એક મહત્ત્વની વાત છે. આ ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ દરમ્યાન તેઓ વિશ્વના નંબર વન ડબલ્સ ખેલાડી બન્યા. તેમણે આ પુરસ્કાર પણ વર્લ્ડ નંબર વન પુરુષ ડબલ્સ ખેલાડી તરીકે મેળવ્યો.

બોપન્નાની આ જીતમાં એક મહત્ત્વની વાત છે. આ ઑસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ દરમ્યાન તેઓ વિશ્વના નંબર વન ડબલ્સ ખેલાડી બન્યા. તેમણે આ પુરસ્કાર પણ વર્લ્ડ નંબર વન પુરુષ ડબલ્સ ખેલાડી તરીકે મેળવ્યો.

દીકરી ત્રિધાનાં સ્મિતે આનંદમાં વધારો કર્યો

રોહન બોપન્ના અને મૅથ્યૂ એબ્ડેન જ્યારે ઑસ્ટ્રેલિયન ઓપન પુરુષ ડબલ્સની ફાઇનલ રમી રહ્યા હતા ત્યારે તેમની દીકરી ત્રિધા તેની માતા ડેજી બોપન્નાના ખોળામાં બેસી મૅચ જોવાની મજા માણી રહી હતી.

બોપન્નાની જીત પછી જ્યારે તેઓ તેમના પરિવાર તરફ જોઈને તેમના તરફ ધન્યવાદ અભિવ્યક્ત કરી રહ્યા હતા તે સમયે દીકરી ત્રિધાનું સ્મિત જોઈ બોપન્ના જ નહીં સ્ટેડિયમમાં બેઠેલા દરેક દર્શકોના ચહેરા પર આનંદની લહેર દોડી ગઈ હતી.

આ મૅચને જોવા માટે બોપન્નાનાં સાસુ-સસરા પણ આવ્યાં હતાં. બોપન્નાએ જીત પછી તેમનો આભાર વ્યક્ત કરતા કહ્યું, "હું વિચારું છું કે તેઓ મારી મૅચ જોવા વધારેને વધારે કેમ નથી આવતા? 2017માં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે હું મિક્સ્ડ ડબલ્સ જીત્યો હતો અને આજે તેમના આવવાથી હું આ પુરસ્કાર જીત્યો છું."

એક સમય એવો હતો જ્યારે આ સફરનો અંત દેખાતો હતો

રોહન બોપન્નાએ આ અવસરે પોતાને આ ઊંચાઈ પર પહોંચાડવા માટે કોચ સ્કૉટ ડેવિડઑફ અને પોતાના અન્ય સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો.

તેઓ બોલ્યા, “એક સમય હતો, જ્યારે હું પાંચ મહિના સુધી એક પણ મૅચ જીતી શક્યો ન હતો અને મને લાગવા લાગ્યું કે મારી કારકિર્દીનો અંત આવી રહ્યો છે. પરંતુ કોચે મને ક્યારેય મારો સાથ ના છોડ્યો અને મને સતત સખત મહેનત કરાવી, જેના કારણે હું આજે આ સ્થાન પર છું. મારી ઉંમર વધવાની સાથે મને ફિટ રાખવામાં મારા ફિઝિયોની પણ મહત્ત્વની ભૂમિકા છે.”

બોપન્નાએ એમ પણ કહ્યું કે ઑસ્ટ્રેલિયન ઓપનના આયોજકો પણ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે.

તેથી જ હું અહીં રમવા માટે વારંવાર આવું છું.

યુએસ ઓપનવાળી ભૂલ અહીં પુનરાવર્તિત નથી કરી

બોપન્ના અને એબ્ડેનની જોડી ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલ સુધી પહોંચી હતી પરંતુ તે પછી તેઓ ટાઇટલ મૅચમાં પોતાના ધબકારાને નિયંત્રિત કરી શક્યા નહોતા અને તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ વખતે બંનેએ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઇટાલિયન જોડી સામે પીછેહઠ ન કરી અને હંમેશાં ટાઇટલ જીતવાનો નિર્ધાર જાળવી રાખ્યો હતો.

આ જીતમાં બોપન્નાએ તેની સર્વિસને ક્યારેય દબાણમાં આવવા દીધી નહોતી અને નેટ પર તેમની વૉલીની તીક્ષ્ણતા સ્પષ્ટ જોવા મળી હતી.

પોતાના શૉટ બનાવતી વખતે તે મગજનો સારી રીતે ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. ઘણીવાર વિરોધી ખેલાડીઓ ડાઉન ધ લાઇન શૉટની અપેક્ષા રાખતા હતા. પરંતુ બોપન્નાએ ક્રૉસ કોર્ટ શૉટ ફટકારીને તેમને ચોંકાવી દીધા હતા.

બોપન્નાના નામે અન્ય સફળતાઓ પણ નોંધાયેલી છે

જ્યારે 24 જાન્યુઆરીએ રોહન બોપન્નાએ આ ગ્રાન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં સેમિફાઇનલ મૅચ જીતી ત્યારે તેમણે ટેનિસ ડબલ્સ રૅન્કિંગમાં સૌથી મોટી ઉંમરના નંબર વન ખેલાડી બનવાનો રૅકર્ડ બનાવ્યો હતો.

સાથે જ આ પહેલીવાર થયું જ્યારે બોપન્ના તેમની લાંબી કારકિર્દીમાં ટેનિસના પુરુષ ડબલ્સ વર્લ્ડ રૅન્કિંગમાં નંબર વન બન્યા.

ગયા વર્ષે પણ જ્યારે તેઓ એબ્ડેન સાથે યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા ત્યારે સૌથી વધારે ઉંમરે ગ્રાન્ડ સ્લૅમ ફાઇનલિસ્ટ બનવાનો રૅકર્ડ સ્થાપ્યો હતો.

ગયા વર્ષે જ જ્યારે તેઓ એબ્ડેન સાથે ઇન્ડિયન વેલ્સમાં પુરસ્કાર જીત્યા ત્યારે તેઓ સૌથી વધારે ઉંમરે માસ્ટર્સ ટેનિસના 1000 પુરસ્કાર જીતનારા ખેલાડી બન્યા હતા.

આ બધામાં મહત્ત્વપૂર્ણ એ છે કે તેમણે સખત મહેનત કરી પોતાની લાયકાત જાળવી રાખી અને પોતાનામાં જીતની ભૂખને જાગૃત રાખી.

રોહન બોપન્ના વર્લ્ડ નંબર વન પુરુષ ડબલ્સ ખેલાડી બનનારા લિયેન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ત્રીજા ભારતીય ટેનિસ ખેલાડી છે.

લિયેન્ડર પેસે સૌથી વધારે 18 ગ્રાન્ડ સ્લૅમ પુરસ્કાર જીત્યા છે. જેમાં આઠ પુરુષ ડબલ્સ પુરસ્કાર છે.

તો મહેશ ભૂપતિના નામે ડઝનેક ગ્રાન્ડ સ્લૅમ પુરસ્કાર નોંધાયેલા છે પણ તેમાં પુરુષ ડબલ્સ ચાર જ છે. જોકે ભારત માટે સૌથી પહેલા ગ્રાન્ડ સ્લૅમ પુરસ્કાર જીતનારા ખેલાડી ભૂપતિ જ છે.

પહેલાં પણ બોપન્નાનો એકવાર સમય આવ્યો હતો

આ 2010ની વાત છે જ્યારે તેમણે પાકિસ્તાનના એહતિશામ ઉલ હક કુરેશી સાથે ભાગીદારી કરી હતી.

આ જોડીની સફળતા જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ પેસ અને ભૂપતિની સફળતાનું પુનરાવર્તન કરીને સફળતાના શીખરો સર કરવાની ક્ષમતા ધરાવે છે.

આ જોડી તેની ચરમસીમા તરફ આગળ વધી રહી હતી પરંતુ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવને કારણે બોપન્નાએ પરસ્પર સહમતિથી આ જોડી તોડી હતી.

બોપન્નાએ 2021માં ફરી એકવાર એહતિશામ સાથે ભાગીદારી કરી પરંતુ પહેલાની જેમ આ વખતે ક્લિક ના કરી શકતા તેમની જોડી ટકી શકી નહીં.

હકીકતમાં 2021ની આસપાસ બોપન્નાનો તબક્કો ખરાબ હતો અને પ્રદર્શનમાં સતત ઘટાડાને કારણે એક સમયે તેમણે નિવૃત્તિ લેવાનો નિર્ણય પણ લીધો હતો.

હકીકતમાં ઘૂંટણનો દુખાવો તેમના નબળાં પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો.

આ સમયગાળા દરમ્યાન તેઓ દિવસમાં ત્રણવાર પેઇનકિલર્સનો ઉપયોગ કરીને રમી રહ્યા હતા. પછી કોઈક રીતે તે નિરાશામાંથી બહાર આવ્યા અને દૃઢ નિશ્ચય સાથે તેમની કારકિર્દી પાછી પાટા પર લાવવામાં સફળ થયા.

આ સ્થિતિથી બોપન્ના પણ પરેશાન રહ્યા

ભારતમાં શરૂઆતના જીવનમાં યોગ્ય માર્ગદર્શનના અભાવે યુવાનોને ખબર હોતી નથી કે કઈ રમત અપનાવવી અને કઈ રમત તેમના માટે યોગ્ય રહેશે.

રોહન બોપન્ના પણ આ ટ્રૅન્ડમાંથી બાકાત નથી.

નાનપણમાં તેમને હૉકી અને ફૂટબૉલ રમવાનું વધારે ગમતું હતું.

બોપન્નાના પિતા એમ.જી. બોપન્ના કૉફીના ખેડૂત હતા અને તેઓ ઇચ્છતા હતા કે તેમનો પુત્ર ટીમ સ્પોર્ટ્સના બદલે વ્યક્તિગત સ્પૉર્ટ્સમાં આગળ વધે.

તેઓ પિતાની ઇચ્છા પ્રમાણે ટેનિસ રમવા લાગ્યા.

તેમણે 2003માં સિંગલ ખેલાડી તરીકે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી અને 2008માં ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો ત્યાં સુધી તેમાં કારકિર્દી બનાવવાનો પ્રયાસ પણ ચાલુ રાખ્યો.

સિંગલ્સમાં સફળતા ન મળવાને કારણે બોપન્નાએ પેસ અને ભૂપતિને જોઈને ડબલ્સ અપનાવ્યું.

જોકે તેમણે ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ માટે 2017 સુધી રાહ જોવી પડી હતી.

ગયા વર્ષે તેઓ યુએસ ઓપનની ફાઇનલમાં તેમની અને એબ્ડેનની જોડી હારી ગઈ હતી. તે જ સમયે તેઓ તેમની બાળપણની સાથી સાનિયા મિર્ઝાની કારકિર્દીની છેલ્લી મૅચને પણ યાદગાર બનાવી શક્યા નહોતા.

રોહન બોપન્ના 14 વર્ષના હતા ત્યારે રાજધાની દિલ્હીમાં શ્રી રામ ટુર્નામેન્ટમાં પહેલીવાર જોડીમાં રમ્યા હતા. આ કારણોસર તે ગયા વર્ષે સાનિયાની વિદાયની ગ્રાન્ડ સ્લૅમ એટલે કે ઑસ્ટ્રેલિયન ઓપનમાં ઊતર્યા હતા.

તેઓ તેમનાં બાળપણના સાથી સાથે મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યા હતા, પરંતુ ટાઇટલની જીત સાથે સાનિયાને વિદાય આપી શક્યા નહોતા.