એશિયન ગેમ્સ: 43 વર્ષના રોહન બોપન્નાએ જીત્યો મિશ્રિત યુગલ ટેનિસમાં ગોલ્ડ મેડલ, અત્યાર સુધી કેવા રેકૉર્ડ સર્જ્યા છે?

    • લેેખક, તારુકા શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી માટે, લખનઉથી

એશિયન ગેમ્સના સાતમા દિવસે ભારતનો મેડલ જીતવાનો સિલસિલો જારી છે. આજે ટેનિસની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં રોહન બોપન્ના અને રુતુજા ભોંસલેએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 13 સિલ્વર અને 13 બ્રૉન્ઝ મેડલ મળીને કુલ 35 મેડલ જીત્યા છે.

ભારતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા અને ભારત તરફથી 24 વખત એટીપી ટૂર જીતી ચૂકેલા રોહન બોપન્ના પાસેથી ભારતને મેડલની આશા હોય તે સ્વાભાવિક છે.

જોકે, 43 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા બોપન્ના માટે આ કામ સરળ ન હતું. પરંતુ તેમણે મેડલ જીતીને એ દર્શાવ્યું છે કે તેમના માટે ઉંમર એ કોઈ મોટો અવરોધ નથી.

43 વર્ષીય બોપન્નાએ વર્ષ 2002માં ભારત તરફથી ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. તેમણે વર્ષ 2018માં પણ ભારત માટે એશિયન ગેમ્સની મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

એશિયન ગેમ્સ પહેલા બીબીસી સાથેના એક વિશેષ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "એશિયન ગેમ્સમાં મેડલ જીતવો એ મારું લક્ષ્ય છે. એશિયન ગેમ્સ એ એક મોટી ઇવેન્ટ છે. કોરોનાને કારણે તેને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી પણ હવે અમે તૈયાર છીએ."

સાનિયા મિર્ઝા, મહેશ ભૂપથિ અને લિએન્ડર પેસની જેમ રોહન બોપન્ના પણ ભારતના ટોચના ટેનિસ ખેલાડીઓમાં સ્થાન પામે છે.

તેમણે તાજેતરમાં જ લખનૌ ખાતે તેમની અંતિમ ડેવિસ કપ મૅચ રમી હતી.

21 વર્ષ ભારત તરફથી ડેવિસ કપ મૅચ રમ્યા વિશે તેમણે કહ્યું હતું કે, "એ મારા માટે ખરેખર ગર્વની વાત છે કે મને આટલા લાંબા સમય સુધી એટલે કે 2002થી 2023 સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી."

"મને છેલ્લી મૅચ ભારતમાં રમવાની તક મળી એટલે હું વિશેષ આનંદિત છું. આટલી લાંબી કારકિર્દી બની અને તેને હું જાળવી શક્યો એટલે હું ખૂબ ખુશ છું."

2010માં તેમના પાકિસ્તાની સાથી ખેલાડી ઐસમ-ઉલ-હક સાથે તેઓ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યા હતા. હવે અત્યારે 43 વર્ષની ઉંમરે તેઓ ફરીથી યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે.

તેમની અને ઐસમ-ઉલ-હકની જોડીને ઇન્ડો-પાક ઍક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે જેમણે અત્યાર સુધીમાં સાથે મળીને કુલ પાંચ ટાઇટલ જીત્યા છે.

રોહનની કારકિર્દી પર એક નજર

તેમની કારકિર્દીમાં તેમણે ચાર મોટા ખિતાબો જીત્યા છે.

  • ફ્રૅન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ-2017
  • યુએસ ઓપન ફાઇનલ (મેન્સ ડબલ્સ)- 2010,2023
  • પેરિસ માસ્ટર્સ (મેન્સ ડબલ્સ)- 2011
  • કતાર ઓપન (મેન્સ ડબલ્સ)- 2023

ફ્રૅન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ એ તેમની કારકિર્દીમાં જીતેલું સૌથી મોટું ટાઇટલ ગણાય છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલી લાંબી કારકિર્દી ટકાવી રાખવામાં તેઓ કઈ રીતે સફળ નીવડ્યા ત્યારે તેમણે વિસ્તારથી વાત કરી હતી.

તેઓ કહે છે, "મને લાગે છે કે સારું માનસિક સ્વાસ્થ્ય એ આપણી તાકાત વધારે છે. સતત મેં તેની મદદથી મારી જાતને ઇમ્પ્રૂવ કરવાનો અને મારી રમતને ઊંચાઈ પર લઈ જવાનો પ્રયત્ન કર્યો છે."

"છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં મારી રિકવરી પર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને અને મારા વર્કઆઉટ રૂટિનને પણ બદલ્યું છે. મેં કોચ કરતાં મારા ફિઝિયો પર વધારે ધ્યાન આપ્યું હતું અને એ સતત ધ્યાન રાખ્યું હતું કે મને રિકવરીની પ્રક્રિયામાં મદદ મળતી રહે. હું માનું છું કે આ પ્રકારની મોટી ઇવેન્ટમાં જો તમે તમારી રીકવરી પર ધ્યાન ન આપો તો પ્રદર્શન જાળવી રાખવું અઘરું પડે છે. ”

સાનિયા મિર્ઝા સાથે પણ કારકિર્દી

રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાની જોડી રિઓ ઑલિમ્પિકમાં સહેજ માટે મેડલથી ચૂકી ગઈ હતી અને ચોથા ક્રમે રહી હતી.

રોહન સાનિયાને ખરેખર પ્રેરણાત્મક ખેલાડી કહે છે. તેઓ કહે છે, "મને લાગે છે કે તે ખરા અર્થમાં લેજન્ડ છે. તેમણે વિશ્વભરના ઘણા લોકોને પ્રેરણા આપી છે. માત્ર મહિલાઓ જ નહીં, પરંતુ ઘણા બધા ખેલાડીઓ માટે તેઓ પ્રેરણા છે."

"મને લાગે છે કે જ્યારે હું તેમને પહેલીવાર મળ્યો ત્યારે તેઓ 14 વર્ષના હતા અને અમે દિલ્હીમાં મિક્સ્ડ ડબલ્સ મૅચ ટુર્નામેન્ટ રમી હતી અને અમે ત્યાં તે ટાઇટલ જીત્યા હતા. તેથી આટલા લાંબા સમય સુધી મિત્રો હોવાને કારણે ખરેખર અમારી રમતમાં પણ ફરક પડ્યો હતો."

"મને લાગે છે કે કોર્ટની બહાર રહેલી સહાનુભૂતિએ અમને કોર્ટ પર વધુ સારી રીતે રમવામાં મદદ કરી હતી. સાનિયા જેવા નજીકના મિત્ર હોવાનો મને ખરેખર ગર્વ છે અને મેં તેની પાસેથી ઘણું શીખ્યું છે."

કેટલાક ભારતીય ટેનિસ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કદ મોટું કર્યું હોવા છતાં ભારતને હજુ પણ ટેનિસના પાવરહાઉસ તરીકે જોવામાં આવતું નથી.

તાજેતરમાં પીટીઆઈના એક ઇન્ટરવ્યૂમાં ભારતના ટોચના ટેનિસ ખેલાડી સુમિત નાગલે કહ્યું હતું કે તેમના ખાતામાં માત્ર 80 હજાર રૂપિયા જ છે અને તેમની આર્થિક સ્થિતિ ખરાબ છે.

રોહન કહે છે કે ભારતીય ટેનિસ માટે ખરેખર વિકાસની ચાવી જો કોઈ હોય તો એ આપણા દેશમાં ટુર્નામેન્ટ યોજવી છે.