ક્રિકેટ વર્લ્ડકપ: જ્યારે 17 રને ભારતની અડધી ટીમ આઉટ થઈ ગઈ પણ કપિલ દેવની 175 રનની ઇનિંગે વિશ્વકપમાં જીતનો પાયો નાખ્યો

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

વિશ્વકપની તમામ મૅચો 1983માં 60 ઓવર્સની હતી. દરેક બોલર મહત્તમ 12 ઓવર કરી શકતો હતો.

એ સમયે સફેદ બોલનો ઉપયોગ શરૂ થયો ન હતો. લાલ રંગના બોલનો ઉપયોગ આખી ઇનિંગ્ઝ માટે થતો હતો. કોઈ ઇનર સર્કલ ન હતું કે ફીલ્ડ પ્લેસિંગ પર કોઈ રોકટોક પણ ન હતી.

બધા ખેલાડી સફેદ રંગનાં વસ્ત્રો પહેરતાં હતાં અને ટેસ્ટ મૅચની માફક તેમાં લંચ અને ટી બ્રેક પણ નિર્ધારિત હતો.

ક્રિકેટપ્રેમીઓએ ત્યાં સુધી ડીઆરએસનું નામ પણ સાંભળ્યું ન હતું. 1983ના વિશ્વકપની પહેલી મૅચમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યું ત્યારે લાગ્યું હતું કે બે મહિના પહેલાં બરબીસ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પરનો ભારતનો વિજય કોઈ તુક્કો ન હતો.

એ પહેલાં વિશ્વ કપમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને કોઈ હરાવી શક્યું ન હતું. ભારતે નિર્ધારિત 60 ઓવરમાં આઠ વિકેટે 262 રન બનાવ્યા હતાં અને વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમને 228 રનમાં આઉટ કરી દીધી હતી.

ઝિમ્બાબ્વે સામેની આગલી મૅચ જીતવામાં ભારતે થોડી મહેનત જરૂર કરવી પડી હતી, પરંતુ એ મૅચ પણ ભારત પાંચ વિકેટથી જીતી ગયું હતું.

અલબત, ભારત એ પછીને બે મૅચ ઑસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડીઝ સામે મોટા તફાવતથી હારી ગયું હતું.

કપિલ દેવની ટીમ ઝિમ્બાબ્વે સામે પોતાની પાંચમી મૅચ રમવા કેંટ શહેરના ટનબ્રિજ વેલ્સ પહોંચી ત્યારે તેઓ મૅચ જીતવા બાબતે નહીં, પરંતુ પોતાનો રન રેટ સુધારવા બાબતે વધુ વિચારતા હતા.

કપિલ દેવ તેમની આત્મકથા ‘સ્ટ્રેટ ફ્રૉમ ધ હાર્ટ’માં લખે છે, "ઑસ્ટ્રેલિયાની ટીમ પૉઇન્ટ્સંની બાબતમાં અમારી સમકક્ષ થઈ ગઈ હતી અને તેનો રેન રેટ અમારાથી વધારે હતો. તેથી અમારું સંપૂર્ણ ધ્યાન રન રેટ સુધારવા પર હતું. સમયની માગ હતી કે અમે પહેલાં બેટિંગ કરીએ અને 300થી વધુ રન બનાવીએ."

"પિચમાં ઘણો ભેજ હતો અને તેના પર પહેલી બૅટિંગ કરવી તે મુશ્કેલીને આમંત્રણ આપવા જેવું હતું. એ મારા ધ્યાનમાં જ ન હતું."

"મેં બૅટિંગ સિવાયના બીજા વિકલ્પનો ગંભીરતાથી વિચાર જ કર્યો ન હતો. શરૂઆતમાં બોલર્સને ઘણી મૂવમેન્ટ મળી રહી હતી. તેનું પરિણામ એ આવ્યું કે અમારા બન્ને ઓપનર ખાસ કોઈ યોગદાન કર્યા વિના પેવેલિયનમાં પાછા ફર્યા હતા."

17 રનમાં અડધી ટીમ આઉટ

સૌથી પહેલાં ગાવસ્કર પહેલી જ ઓવરના છેલ્લા બોલ પર આઉટ થઈ ગયા હતા. મોહિન્દર અમરનાથ ફૉર્મમાં હતા અને બધાને તેમની પાસેથી આશા હતી, પરંતુ તેઓ પણ પાંચમી ઓવરમાં વિકેટ પાછળ ઝીલાઈ ગયા હયા. સ્કોર હતો બે વિકેટે છ રન.

સંદીપ પાટિલ બૅટિંગ કરવા આવ્યા ત્યારે સ્ટેડિયમમાં સન્નાટો છવાયેલો હતો. એ દરમિયાન શ્રીકાંત ડીપ મિડ ઑફ પર આસાન કૅચ આપી ચૂક્યા હતા.

થોડા બોલ પછી સંદીપ પાટિલ પણ વિકેટકીપરના હાથમાં કૅચ આઉટ થઈ ગયા હતા.

સંદીપ પાટિલે તેમની આત્મકથા ‘સૅન્ડી સ્ટૉર્મ’માં લખ્યું છે, "કપિલે વિચાર્યું હતું કે તેમનો વારો મોડો આવશે એટલે તેઓ સ્નાન કરવા ચાલ્યા ગયા હતા, પરંતુ અમારા ખેલાડી એટલા ઝડપથી આઉટ થઈ ગયા હતા કે મારી સાથે બૅટિંગ કરવા યશપાલ શર્મા આવી પહોંચ્યા હતા. બારમા ખેલાડી સુનીલ વાલ્સન દોડતા ક્રીઝ પર આવ્યા અને અમને કહ્યું કે કપિલ હજુ પણ વોશરૂમમાં જ છે. હવે તેમણે બેટિંગ માટે આવવાનું હતું."

“જોકે, વાલ્સનની ચેતવણીની કોઈ ખાસ અસર થઈ ન હતી. હું પીટર રોસનના બોલને ફ્લિક કરવાના પ્રયાસમાં વિકેટ પાછળ કેચ આપી બેઠો હતો. અમારી પાંચ વિકેટ માત્ર 17 રનમાં પડી ગઈ હતી. ડ્રેસિંગ રૂમમાં બીજા ખેલાડીઓએ કપિલને ઝડપભેર બેટિંગ માટે તૈયાર કર્યા હતા.”

“મેં તેને મેદાનમાં ક્રૉસ કર્યો ત્યારે કપિલ બહુ અસ્વસ્થ દેખાતો હતો અને મેં પહેલીવાર તેની સાથે આંખ મિલાવી ન હતી. હું ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ્યો ત્યારે મેં ગાવસ્કર, શ્રીકાંત, અમરનાથ અને યશપાલ શર્માને ખૂણામાં ઉદાસ ચહેરે બેઠેલા જોયા હતા. બહાર જઈને મૅચ જોવાની હિંમત અમારામાં ન હતી.”

કપિલના પહેલા 50 રનમાં એકેય બાઉન્ડ્રી નહીં

કપિલ બેટિંગ કરવા પહોંચ્યા ત્યારે પીટર રોસન અને કેવિન કરેન ભારતના ટોપ ઑર્ડરને પેવેલિયનમાં પાછો મોકલી ચૂક્યા હતા.

કપિલ દેવ લખે છે, "પેવેલિયનમાં મદન લાલનાં પત્ની અનુ મારાં પત્ની રોમી સાથે સીડી ચડી રહ્યાં હતાં. એ વખતે તેમને રોકીને મદન લાલે પૂછ્યું, તમે અહીં કેમ આવ્યાં છો? હોટેલમાં પાછાં જાઓ. અનુએ સવાલ કર્યો, શા માટે? મદન લાલે જવાબ આપ્યો, 17 રનમાં અમારી ચાર વિકેટ પડી ગઈ છે. અનુ અને રોમીએ આશ્ચર્ય સાથે બરાડીને કહ્યું, શું? ત્યારે જ તેમણે જોયું કે યશપાલ શર્મા પણ વિકેટ પાછળ કેચ આપીને પેવેલિયન પાછા આવી રહ્યા છે. સ્કોરબોર્ડ પર ભારતનો સ્કોર હતો પાંચ વિકેટે 17 રન."

કપિલ દેવે સાવધાનીથી રમવાનું શરૂ કર્યું. એ તેમની નેચરલ ગેમ ન હતી. તેમણે પહેલા 50 રનમાં એકેય બાઉન્ડ્રી ફટકારી ન હતી.

એ સમયે કપિલ દેવનો પ્રયાસ હતો કે કોઈ રીતે ઇજ્જત બચી જાય અને ભારત કમસેકમ 180 રન સુધી પોતાનો સ્કોર ખેંચી જાય.

તેમનો સાથ આપવા માટે રોજર બિન્ની મેદાનમાં ઉતર્યા હતા. બન્નેએ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 60 રન કર્યા હતા અને સ્કોર 77 રન સુધી લઈ ગયા હતા. રોસનને છ ઓવર પછી રિપ્લેસ કરવામાં આવ્યા ત્યારે કપિલ અને બિન્નીના જીવમાં જીવ આવ્યો હતો.

એ જ વખતે બિન્ની એલબીડબલ્યુ આઉટ થઈ ગયા અને એક રન બનાવીને રવિ શાસ્ત્રી પણ પેવેલિયન પાછા ફર્યા.

કપિલ દેવે ચાર્જ સંભાળ્યો

ત્યાં સુધીમાં પિચ થોડી સરળ બની ગઈ હતી. કપિલ વિકેટ પાછળ કટ કરીને તથા સામે ગેપ્સમાં રમીને રન કરી રહ્યા હતા.

કપિલ લખે છે, "હું ક્રીઝ પર ઊભો રહીને મારી જાતને કહેતો હતો કે તારે આ ઓવર પૂરી થાય ત્યાં સુધી રમવાનું છે. તેવામાં મદન લાલે આવીને મને કહ્યું, હું એક છેડો સંભાળું છું. તમે રન બનાવો. 35મી ઓવર પછી લંચ બ્રેક થયો ત્યારે ભારતનો સ્કોર હતો સાત વિકેટે 106 રન અને હું 50 રનના સ્કોર સાથે રમતો હતો."

બીજી તરફ ડ્રેસિંગ રૂમમાં બેઠેલા ગાવસ્કર, શ્રીકાંત, મોહિંદર, યશપાલ શર્મા અને સંદીપ પાટિલ શૂન્યમાં તાકી રહ્યા હતા.

સંદીપ પાટિલ લખે છે, "અમે અમારી જાતને દુનિયાની નજરમાંથી છૂપાવી લેવા ઇચ્છતા હતા. અમારામાં બહાર જઈને મેચ જોવાની હિંમત ન હતી. લગભગ 20 મિનિટ પછી અમને દર્શકોનો અવાજ સંભળાવા લાગ્યો. એ પછી દર પાંચ મિનિટે વધુને વધુ અવાજ સંભળાતો હતો."

"શું ભારતની વધુ એક વિકેટ પડી? કે પછી કોઈએ ચોગ્ગો કે છગ્ગો ફટકાર્યો? અમને ખબર ન હતી. આખરે શ્રીકાંતે બહાર જવાનો નિર્ણય કર્યો. એ પછી અમે એક પછી એક મૅચ જોવા બહાર નીકળ્યા. એ પછી તો અમે અમારી નજર સામે આશ્ચર્ય આકાર પામતું જોયું હતું. એ આશ્ચર્ય બીજું કોઈ નહીં, અમારા કૅપ્ટન કપિલ દેવ હતા."

કપિલે ભારતીય ઇનિંગ્ઝને સંભાળવાનું બીડું ઉઠાવી લીધું હતું અને તેમાં રોજર બિન્ની, મદન લાલ તથા કિરમાણી તેમની મદદ કરી રહ્યા હતા.

ભારતીય ખેલાડીઓ સ્થિર બેઠા રહ્યા

સુનીલ ગાવસ્કર બહાર આવીને એક બાર કાઉન્ટરના સહારે ઊભા રહી ગયા હતા. કોઈએ તેમને પૂછ્યું હતુઃ સની, તમે લાંબા સમયથી આ રીતે કેમ ઊભા છો?

ગાવસ્કરે જવાબ આપ્યો હતો, "હા, જ્યારથી કપિલને ફટકા મારવાનું શરૂ કર્યું છે ત્યારથી આવી રીતે ઊભો છું. મને ડર છે કે હું જગ્યા બદલીશ તો કપિલ આઉટ થઈ જશે."

એક અન્ય ખેલાડીએ નોંધ્યું હતું કે યશપાલ શર્મા લાંબા સમયથી પોતાના ગોઠણ વાળીને બેઠા હતા.

તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "ભારતની ઇનિંગ્ઝ ખતમ નહીં થઈ જાય ત્યાં સુધી હું આ જ હાલતમાં બેઠો રહીશ."

કપિલ દેવ લખે છે, "એ વખતે ગાવસ્કરે અમારા કોચ બૉબ તરફ ઇશારો કર્યો હતો. બૉબ પણ ખુરશી પર પોતાનો એક પગ રાખીને ઊભા હતા. તેમણે પણ કહ્યું હતું કે કપિલ ક્રીઝ પર છે ત્યાં સુધી તેઓ તેમની જગ્યાએથી હલશે નહીં. મારાં પત્ની રોમીએ મદન લાલનાં પત્ની અનુને કહ્યું, આપણે લંચ નહીં કરીએ અને ભારતના સારા પ્રદર્શન માટે પ્રાર્થના કરીશું. અનુ એમ કરવા સહમત થયાં હતાં."

કપિલે લંચ ત્યાગીને સંતરાના જ્યૂસના બે ગ્લાસ પીધા

બીજી તરફ કપિલ લંચ બ્રેકમાં ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા ત્યારે તેમની ટીમનો એકેય ખેલાડી હાજર ન હતો. બધા બહાર ચાલ્યા ગયા હતા.

કપિલ લખે છે, "મારી ખુરશી પાસે પાણી ભરેલો ગ્લાસ રાખવામાં આવ્યો હતો. અમારી ટીમનો નિયમ છે કે કોઈ નૉટઆઉટ ખેલાડી લંચ માટે પેવેલિયનમાં આવે ત્યારે ટીમનો રિઝર્વ ખેલાડી તેના માટે પ્લેટમાં ભોજન લઈને તેની પાસે આવે છે."

"એ દિવસે મારું લંચ દૂર-દૂર સુધી દેખાતું ન હતું. મારે જાતે ડાઇનિંગ રૂમમાં જઈને ભોજન લેવાનું હતું. મને સમજાતું ન હતું કે મારા સાથીઓ મારી સાથે આવું શા માટે કરી રહ્યા છે."

"બાદમાં જાણવા મળ્યું કે તેઓ મારા ગુસ્સાથી બચવા માટે આવું કરી રહ્યા હતા. એ સાંભળીને હું ખડખડાટ હસી પડ્યો હતો. મેં એ દિવસે લંચ કર્યું ન હતું અને સંતરાના જુસના બે ગ્લાસ પીને ફરી મેદાનમાં ઉતર્યો હતો."

મદન લાલ અને કિરમાણીએ આપ્યો કપિલનો સાથ

લંચ પછી ભારતનો સ્કોર 140 પર પહોંચ્યો ત્યારે મદન લાલ 17 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમની જગ્યાએ કિરમાણી આવ્યા હતા અને બન્નેએ ભારતની ઇનિંગ્ઝને મજબૂત બનાવવાનું શરૂ કર્યું હતું.

એ ઘટનાને યાદ કરતાં કિરમાણીએ બાદમાં કહ્યું હતું, "હું ક્રીઝ પર પહોંચ્યો ત્યારે કપિલે મને કહ્યું કિરીભાઈ, આપણે 60 ઓવર સુધી બેટિંગ કરવાની છે. મેં કહ્યું કૅપ્સ, ચિંતા ન કરો. આપણે 60 ઓવર સુધી રમીશું. હું તમને મહત્તમ સ્ટ્રાઈક આપીશ અને તમારે દરેક બોલને ફટકારવો પડશે, કારણ કે તમારાથી સારો ફટકાબાજ ભારતીય ટીમમાં બીજો કોઈ નથી. અમે પૂરી 60 ઓવર રમ્યા. હું અને કપિલ અણનમ પેવેલિયનમાં પાછા ફર્યા."

છેલ્લી ઓવર્સમાં કપિલે ઝિમ્બાબ્વેના બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી. છેલ્લી સાત ઓવરમાં કપિલ અને કિરમાણીએ 100 રન ઉમેર્યાં હતાં.

તે મેદાન નાનું હતું. કપિલે કરેનના બોલ પર ફટકારેલી દરેક મિસહિટ પણ મેદાન પાર કરીને સ્ટેડિયમની બહાર ઊભેલી મોટરકારો પર પડી હતી.

કરેનની બોલિંગમાં કપિલ ફટકા મારવા લાગ્યા ત્યારે કરેને કપિલને ગાળો આપવાનું શરૂ કર્યુ હતું.

કપિલ લખે છે, "હું પણ રોષે ભરાયો હતો. મેં તેને એમ કહીને ઉશ્કેર્યો કે હિંમત હોય તો બાઉન્સર ફેંક."

"તેના એક બાઉન્સરને ફટકો મારીને સ્ટેડિયમ બહાર મોકલ્યા પછી મેં કરેનને મારું બેટ દેખાડ્યું હતું."

"એ પછીના 18 બોલમાં મેં ત્રણ ચોગ્ગા તથા ત્રણ છગ્ગા ફટકાર્યા અને 49મી ઓવરમાં સદી પૂર્ણ કરી હતી."

ભારતના 266 રનના સ્કોરમાં કપિલના અણનમ 175 રનનો સમાવેશ થતો હતો.

બીબીસીએ મૅચનું જીવંત પ્રસારણ ન કર્યું

કપિલ પેવેલિયનમાં પાછા ફર્યા ત્યારે ગાવસ્કરે તેમના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું કપિલ, બૅડ લક, યાર.

કપિલે તેમને દિલાસો આપતા કહ્યું સ્કોર ઠીકઠાક છે. આપણે સારી રીતે પ્રતિકાર કરી શકીશું.

ગાવસ્કરે કહ્યું, "હું તેની વાત નથી કરતો. આપણું દુર્ભાગ્ય છે કે આ ઇનિંગ્ઝને આપણે સિવાય દુનિયામાં કોઈએ જોઈ નથી, કારણ કે બીબીસીમાં આજે હડતાળ છે. તેથી મૅચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું નથી. માત્ર આપણે જ ભાગ્યશાળી છીએ કે જેમણે અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ વન-ડે ઇનિંગ્ઝ પોતાની સગી આંખે જોઈ છે."

કપિલે બાદમાં લખ્યું હતું, "હું માનું છું કે મારી બીજી કેટલીક ઇનિંગ્ઝ, ઝિમ્બાબ્વે સામેની આ મોટી ઇનિંગ્ઝ કરતાં બહેતર હતી. હું આ ઇનિંગ્ઝની શરૂઆતમાં મારી નેચરલ ગેમ રમ્યો ન હતો. હું ડિફેન્સિવ રમતો નથી. છેલ્લી 10 ઓવરમાં હું નેચરલ ગેમ જરૂર રમ્યો હતો."

સુનીલ ગાવસ્કરે તે ઇનિંગ્ઝનો ઉલ્લેખ કરતાં તેમના પુસ્તક ‘આઈડલ્સ’માં લખ્યું છે, "મદન લાલ અને કિરમાણી બહુ સારી રીતે સાથ આપી રહ્યા છે એવી ખાતરી કપિલને થઈ ગઈ ત્યારે તેમણે જે પ્રકારનો જવાબી હુમલો કર્યો હતો તેનું ઉદાહરણ ક્યાંય મળતું નથી."

"કપિલ 160ના સ્કોર પર પહોંચ્યો ત્યારે અમારા બધાનું દિલ જોરથી ધડકવા માંડ્યું હતું. અમને ખબર હતી કે ગ્લેન ટર્નરનો 171 રનનો રેકૉર્ડ બહુ નજીકમાં છે, પરંતુ કદાચ કપિલને તેની ખબર ન હતી. મોટો શોટ રમવાના ચક્કરમાં કપિલ રેકોર્ડ સર્જવાની તક ગૂમાવી ન બેસે તેનો અમને ડર હતો."

"દર્શકો તમારા વર્લ્ડ રેકૉર્ડ માટે તાળી વગાડી રહ્યા છે, એવું અમ્પાયર બેરી મેયરે કહ્યું ત્યારે કપિલને ખબર પડી હતી કે તેમણે એક ઇનિંગ્ઝમાં સૌથી વધુ રન બનાવવાનો ગ્લેન ટર્નરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એ સમય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કપિલને માંડ પાંચ વર્ષ થયાં હતાં."

મૅચ હજુ ખતમ થઈ ન હતી. ઝિમ્બાબ્વેએ પણ સારી શરૂઆત કરી હતી. પહેલી વિકેટ ગુમાવતા પહેલાં તેણે 44 રન બનાવી લીધા હતા, પરંતુ એ પછી એક પછી એક પડતી રહી અને એક સમયે ઝિમ્બાબ્વેનો સ્કોર 6 વિકેટે 113 રન હતો.

એ પછી કેવિન કરેને ભારત પર વળતું આક્રમણ કર્યું હતું. ભારતીય ટીમે 56મી ઓવરમાં કરેનને આઉટ કર્યા ત્યાં સુધીમાં તેઓ 73 રન નોંધાવી ચૂક્યા હતા.

આખરે ભારતનો 31 રનથી વિજય થયો હતો અને કપિલ દેવને ‘મેન ઑફ ધ મૅચ’ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ભારતે વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

રવિ શાસ્ત્રીએ તેમના પુસ્તક ‘સ્ટાર ગેઝિંગ’માં લખ્યું છે, "તે ઇનિંગ્ઝે કપિલને ક્રિકેટજગતમાં અમર બનાવી દીધા. એ જીતે ભારતીય ટીમમાં જુસ્સો પેદા કર્યો કે તેઓ પણ વિશ્વ કપ જીતી શકે છે. ભારતીય ટીમ એ મૅચના સાત દિવસ પછી વર્લ્ડકપ વિજેતા બની હતી."